Friday, June 12, 2015

ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને ઇંગ્લેન્ડમાં રમઝાન : ડૉ. મહેબૂબ દેસાઈ

ઇસ્લામમાં રમઝાન માસ દરેક મુસ્લિમ માટે ઈબાદત અને નેકીનો માસ છે. વિશ્વભરના મુસ્લિમો આ માસ દરમિયાન રોઝા રાખે છે. દાન કરે છે. અને મોટાભાગનો સમય ઈબાદતમાં વ્યતીત  કરે છે. પણ વિશ્વની ભૌગોલિક સ્થિતિ મુજબ વિશ્વના દેશોમાં રમઝાનના આગમન અને રોઝાના સમયમાં ભિન્નતા જોવા મળે છે. ઇસ્લામિક કેલેન્ડર મુજબ રમઝાન માસ નવમો માસ છે. તેનો આરંભ ચાંદ દેખાવા પર થાય છે. ભારત, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, તુર્કી, દુબઈ, પાકિસ્તાન વગેરે દેશોમાં આ વખતે રમઝાનનો આરંભ ૧૮ જુનના રોજ થયો છે. એ જ રીતે દરેક દેશની ભૌગોલિક સ્થિતિ મુજબ રોઝો રાખવાનો અર્થાત શહેરી અને રોઝો છોડવાનો અર્થાત ઇફ્તીયારીનો સમય ભિન્ન ભિન્ન જોવા મળે છે.

આ વખતે દુનિયાના બે દેશોમાં રમઝાન કરવાની મને તક સાંપડી છે. શૈક્ષણિક પ્રવાસને કારણે મારા એકથી પચ્ચીસ રોઝા હોબાર્ટ (ઓસ્ટ્રેલિયા)માં થશે. અને અંતિમ પાંચ રોઝા અમેરિકાના બોસ્ટન શહેરમાં થશે. એટલે મને બંને દેશોના રમઝાનના સમય પત્રકનો અભ્યાસ કરવાની તક મળી છે. હાલ  હું ઓસ્ટ્રેલિયાના હોબાર્ટ શહેરમાં રમઝાન કરી રહ્યો છુ. ઓસ્ટ્રેલિયામાં રમઝાન માસનો આરંભ શિયાળમાં થયો છે. અહિયા ઠંડીનું પ્રમાણ વિશેષ છે. જેમ જેમ રમઝાન માસ આગળ વધતો જાય છે, તેમ તેમ ઠંડી પણ વધતી જાય છે. આ લખાય છે ત્યારે અહિયા પાંચ  ડીગ્રી ઠંડી છે. સવારે થોડો તડકો હોય છે. પણ બપોર પછી અહિયા વરસાદ અને ઠંડી વધે છે. અને રાત પડતા સુધીમાં તો ઠંડી ૩ ડીગ્રી સુધી પહોંચી જાય છે. વળી, શિયાળની ઋતુ હોયને દિવસ નાનો છે. પરિણામે શહેરી અને ઇફ્તીયારીનો સમય પણ દુનિયાના અન્ય દેશો કરતા વહેલો છે. એ તેની પાંચ વકતની નમાઝના સમયપત્રક પરથી જોઈ શકાય છે.

ઓસ્ટ્રેલિયાના હોબાર્ટ શહેરમાં એક મસ્જિત અને એક કબ્રસ્તાન છે. મુસ્લિમોની સંખ્યા વસ્તીના પ્રમાણમાં બે ટકા છે. એ મસ્જિતનું નામ હોબાર્ટ મસ્જિત છે. તેનો પાયો મલેશિયાના એગ્રીકલ્ચર મિનીસ્ટર દાટો એફ્ફેન્ડી નોર્વવાવીએ ૧૯ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ નાખ્યો હતો. મસ્જિત નાની છે. પણ સગવડતાઓથી ભરેલી છે. જુમ્માની નમાઝ સમયે મસ્જિત બે વિભાગમાં વહેચાય જાય છે. આગળના ભાગમાં પુરુષો નમાઝ પઢે છે. અને પાછળના ભાગમાં પડદો નાખી સ્ત્રીઓ માટે નમાઝ પઢવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. છેલ્લી ત્રણ જુમ્મા (શુક્રવાર)ની નમાઝ મેં આ જ મસ્જિતમાં પઢી છે. અને ચોથી જુમ્માની નમાઝ મેલબોર્નના ડીર પાર્કમાં આવેલ ઓસ્ટ્રેલિયન બોસ્નિયન ઇસ્લામિક સેન્ટરની મસ્જિતમાં પઢી હતી. એ મસ્જિત ઘણી વિશાલ છે. જેનું સંચાલન અત્રે રહેતા બોસમિયાના લોકો કરે છે અહિયા નમાઝ માટે ટોપી અનિવાર્ય નથી. જુમ્માની નમાઝમાં વિશ્વના મુસ્લિમોનો અહિયા મેળાવડો ભરાય છે. દરેક દેશના મુસ્લિમો જુમ્માની નમાઝમાં જોવા મળે છે. દરેક પોતાની રીતે નમાઝ પઢે છે. જેમાં કોઈ રોક ટોક કરતુ નથી. મૌલવી સાહેબ જુમ્માનો ખુત્બો (ધાર્મિક પ્રવચન) કાગળ પર લખીને લાવે છે. અને પછી તે વાંચી જાય છે. જુમ્માની નમાઝ એક વાગ્યે અઝાન અને દોઢ વાગ્યે જમાત થાય છે. પણ રોજનું નમાઝનું સમય પત્રક અલગ છે. જેના પરથી જાણી શકાય છે કે અહિયા દુનિયાના અન્ય દેશો કરતા રોઝાના કલાકો સૌથી ઓછા છે. હોબાર્ટમાં સુર્ય ૭.૩૮ ઉગે છે. એટલે ફઝર (સવાર)ની નમાઝ ૫.૫૬ થાય છે. ઝોહર (બપોર)ની નમાઝ ૧૨.૧૧ મીનીટે થાય છે. અસર (સાંજ)ની નમાઝ ૨.૨૫ કલાકે થાય છે. જયારે મગરીબ (સંધ્યા)ની નમાઝ ૪.૪૩ થાય છે. અને ઈશા (રાત્રી)ની નમાઝ ૬.૧૯ કલાકે થાય છે. રમઝાન માસ દરમિયાન પણ આ જ સમય પત્રક મોટે ભાગે જળવાઈ રહ્યું છે. પરિણામે રોઝો લગભગ બાર કલાકનો થાય છે. લગભગ સાંજના પાંચ કલાકે તો ઇફ્તીયારી થઈ જાય છે.

મારા છેલ્લા પાંચેક રોઝા ઇન્શાઅલ્લાહ અમેરિકના બોસ્ટન શહેરમાં થવાના છે. તે કદાચ મારા જીવનના લાંબામાં લાંબા રોઝા હશે. કારણ કે બોસ્ટનનું રમઝાન માસનું સમયપત્રક જોઈને  તેનો અહેસાસ થઈ જાય છે. બોસ્ટનમાં પ્રથમ રોઝા માટે ફજરની નમાઝનો સમય રાત્રીના ૨.૫૨નો છે. અર્થાત શહેરી માટે રોઝદારે લગભગ બે વાગ્યે ઉઠી જવું પડે. ૧૨.૪૫નો સમય ઝોહર(બપોર)ની નમાઝનો છે. જયારે ૪.૪૯ કલાકે  અસર(સાંજ)ની નમાઝ થાય છે. રોઝાની ઇફ્તીયારી અર્થાત મગરીબ(સૂર્યાસ્ત)ની અઝાન ૮.૨૪. થાય છે. અને ઇશાની અર્થાત રાત્રીની નમાઝ ૧૦.૨૯ છે. નમાઝ પછી તરાબીયાહ પઢી રોઝદાર લગભગ રાત્રે બાર વાગ્યે ફ્રી થાય અને એકાદ બે કલાકની માંડ ઊંઘ લે ત્યા તો બે વાગ્યે શહેરી માટે તેને ઉઠી જવું પડે. એ અર્થમાં અમેરિકાના રોઝા કોઈ પણ રોઝદાર માટે અવશ્ય કપરા બની રહે છે. મારા ભાગે આવા કપરા પાંચેક રોઝા આવવાના છે. પણ જે લોકો અમેરિકામાં બધા જ રોઝા નિયમિત કરતા હશે, તેમના માટે તો આખો રમઝાન કપરો બની રહેતો હશે. એ જ રીતે યુ.કે.ના શહેર લંડનમાં તો એથી પણ કપરી સ્થિતિ છે. ત્યાં ફજરની નમાઝનો સમય મોડી રાત્રે ૨.૩૦ કલાકનો છે. એટલે રોઝ્દારે મોડામાં મોડું રાત્રે ૧.૩૦ કલાકે તો શહેરી માટે ઉઠી જવું પડે. રોઝો છોડવાનો ઇફ્તીયારીનો સમય રાત્રે ૯.૨૦નો છે. જયારે ઇશાની નમાઝ ૧૧.૨૬ થાય છે. નમાઝ પછી તરાબીયાહ પઢી લંડનવાસી રોઝદાર કયારે ફ્રી થતા હશે અને કયારે સુવા માટેનો સમય મેળવતા હશે ? એ હવે આપ જ વિચારો.

ભારતમાં સમયની દ્રષ્ટિએ થોડી રાહત છે. ગુજરાતમાં મુખ્ય શહેર અમદાવાદની જ વાત લઈએ તો લાગે કે રોઝાનો સમય અમેરિકા અને ઇંગ્લેન્ડ કરતા ઘણો અનુકુળ છે. ફજરની નમાઝનો સમય મોટે ભાગે ૪.૪૭નો છે. એટલે રોઝદાર વહેલામાં વહેલા ચાર વાગ્યે શહેરી માટે ઉઠે તો પણ નિરાતે શહેરી કરી શકે. એ જ રીતે મગરીબની અઝાન અથવા ઇફ્તીયારીનો સમય ૭.૨૭નો છે. અને ઇશાની નમાઝ ૮.૪૯ મોટે ભાગે થાય છે. જેથી સાડા દસ કે અગિયાર સુધીમાં તો રોઝદાર  પરવારીને સુવા માટે જઈ શકે.

આ તો રમઝાનના રોઝા અને ઈબાદતના સમયની ઔપચારિક વાત થઇ. પણ સાચા અર્થમાં તો રમઝાન માસમાં દરેક મુસ્લિમ એક પણ પળ ગુમાવ્યા વગર ઈબાદત કર્યા કરે તો તે પણ ઓછી છે. કારણ કે આ માસમાં ખુદાના ફરિશ્તાઓ ખુલ્લા દિલે તમારી ઈબાદત અને નેકીઓને કબુલ કરવા તત્પર હોય છે. એવા સમયે કલાકોની ગણતરી વ્યર્થ છે. આપણે સૌ રમઝાન માસની એક પણ પળ ગુમાવ્યા વગર ઈબાદતમાં સતત રત રહીએ એ જ દુવા-આમીન  

No comments:

Post a Comment