Sunday, August 3, 2014

અમદાવાદની જુમ્મા મસ્જિત : ડૉ. મહેબૂબ દેસાઈ


ગુજરાતના સલ્તનત યુગની અનેક ઐતિહાસિક ઈમારતો અમદાવાદના ભવ્ય ભૂતકાળને જીવંત રાખતી આજે પણ હયાત છે. તેમાની મુખ્ય અને કલાત્મક ઈમારત અમદાવાદાની જુમ્મ મસ્જિત છે. ગુજરાતની એ સમયની જૂનામાં જૂની મસ્જીતોમાની એક છે. આ મસ્જિતનું નિર્માણ ઈ.સ ૧૪૧૨મા અમદાવાદ શહેરના સ્થાપક સુલતાન અહેમદ શાહએ કરાવ્યું હતું. અમદાવાદ શહેરની સ્થાપનાના બીજા વર્ષે ઈ.સ. ૧૪૧૨મા આ મસ્જીતનું બાંધકામ શરુ થયું હતું. અને ઇ.સ. ૧૪૨૪મા તે પૂર્ણ થયું હતું. તેના બાંધકામને ૧૨ વર્ષનો સમય લાગ્યો હતો. એ સમયે તે ભારતની સૌથી મોટી મસ્જિત હતી. મસ્જિતની પૂર્વ દિશમાં અહમદ શાહ, અહમદ શાહ ૧, તેનો પુત્ર મહંમદ શાહ અને અને તેના પૌત્ર કુતુબ-ઉદ્-દિન અહમદ શાહ ૨જાની કબરો આવેલી છે. જે અહમદ શાહના રોજા તરીકે ઓળખાય છે. તેની નજીકમાં જ તેમની પત્નીઓની કબર પણ આવેલી છે. જેને રાણીના હજીરા તરીકે ઓખવામાં આવે છે. પ્રારંભમા આ મસ્જિત આમ પ્રજા માટે ખુલ્લી મુકવામાં આવી ન હતી. સુલતાન અને તેના કુટુંબીજનોની ઈબાદત માટે તેનો ઉપયોગ થતો હતો. કારણ કે લિવાલના વાયવ્ય ખૂણામાં સ્ત્રીઓ માટે નાના થાંભલા ઉપર માળ જેવું કરી જાળીવાળું મુલુકખાનું, અહમદશાહની મસ્જિત જેમ જ આ મસ્જિતમા પણ બનાવવામાં આવે છે. જે મસ્જીતો રાજકુટુંબ માટે બંધાયેલ હોય તેમાં મુલુકખાનું કરવાનો રીવાજ એ સમયે પ્રચલિત હતો. ગુજરાતની મસ્જીતોની એ વિશિષ્ટ અન્ય મસ્જીતોથી તેને અલગ પાડે છે. મસ્જીતના વચલા મહેરાબ પર અરબીમા નીચે પ્રમાણે લખ્યું છે,

"કુરાને શરીફ પ્રમાણે મસ્જિત અલ્લાહની છે અને એની સાથે બીજા કોઈને ભજશો નહિ, એ અલ્લાહની મદદમા વિશ્વાસ રાખનાર નોકરે આ મોટી મસ્જિત ખુદામા અને એની મદદમા વિશ્વાસ રાખનાર સેવક, નસીરઉદ્દીનીય વઉદ્દીન અહમદશાહ બિન મુમ્મદશાહ, મુજ્ફ્ફરશાહ સુલતાને બંધાવી, બંધાવ્યાની તારીખ પયગમ્બર સાહેબની(સ.અ.વ્.)ની હિજરી સંવત ૮૨૭ના સફર માસ (એ મહિનો વિજયી અને સફળતાનો નીવડો)નો પહેલો દિવસ છે, (તા જાન્યુઆરી ઈ.સ. ૧૪૨૪)"

હિન્દોસ્તનના પ્રથમ પંક્તિના મુસ્લિમ સ્થાપત્યોમાં સ્થાન પામી શકે એવી આ મસ્જિત આજે તો આસપાસના મકાનો અને બજારોથી ઢંકાઈ ગઈ છે. મસ્જીતનું મુખ્ય દ્વાર દક્ષિણ તરફ શાકબજારમાં હોય એમ લાગે છે. આ દક્ષિણના પ્રવેશ દ્વારમાં પ્રવેશવા માટે એક સુંદર મંડપ છે. આજે તો તેની હાલત પણ ખરાબ છે. બજારની ભીડ અને માલસમાનના ઢગલો વચ્ચે તેની સુંદરતા અને કલાત્મકતા  ઢંકાઈ ગયા છે. જુમ્મા મસ્જિતની ઉત્તર તરફનું દ્વાર આજના અમદાવાદના મુખ્ય માર્ગ પર હોવાને કારણે તે મસ્જિતનું મુખ્ય દ્વાર બની ગયું છે. પણ સાચા અર્થમાં તે મસ્જિતનું મુખ્ય દ્વાર નથી. બીજું પ્રવેશ દ્વારા મસ્જિતના વિશાલ ચોકની પૂર્વે અહમદશાહના રોજાના આંગણામાં આવેલ છે. એ જ જુમ્મા મસ્જિતનું મુખ્ય પ્રવેશ દ્વાર છે. મસ્જિતના કોઈ પણ દરવાજમાંથી પ્રવેશતા મસ્જિતના મુખ્ય ચોકમાં આવી જવાય છે. એની પશ્ચિમે લિવાલનો ભવ્ય અને સુંદર મહોરો આવેલો છે. દિલ્હીની જુમ્મા મસ્જિતનો બહારનો દેખાવ સુંદર અને ભવ્ય છે. પણ એ મસ્જિત અમદાવાદની જુમ્મા મસ્જિત કરતા બસ્સો વર્ષ પછી બંધાયેલી છે, એટલે એની સાથે અમદાવાદાની જુમ્મા મસ્જિતની સરખામણી કરવી યોગ્ય નથી. ગુજરાતના  સલ્તનત કાળનો આધારભૂત ઇતિહાસ આલેખનાર ઇતિહાસકાર રત્નમણીરાવ જોટે બંને મસ્જીતોની તુલના કરતા લખે છે,

"દિલ્હીની જુમ્મા મસ્જિત આપણને સારા કપડા ધારણ કરેલ પરદેશી સ્ત્રી જેવી લાગે છે. જયારે અમદાવાદની જુમ્મા મસ્જિત એની આજની સ્થિતિમાં પણ સાદા વસ્ત્રોમાં અલંકારથી સજ્જ લાવણ્યમય સુંદર હિંદી સ્ત્રી જેવી લાગે છે"

સમગ્ર ભારતની જુમ્મા મસ્જીતોમાં આટલું વૈવિધ્ય જોવા મળતું નથી.સ્થાપત્યના જાણકારો આવત સ્વીકારે છે. જેમ કે સ્થાપત્ય કલાના જાણકાર પ્રેસી બ્રાઉન લખે છે,

"અમદાવાદની જામા મસ્જિત ભારતની મસ્જીતોમાં "હાઈ વોટર માર્ક" સમી છે"

અર્થાત એક અદભૂત મિશાલ સમાન છે. એ અર્થમાં એ માત્ર પથ્થરોનો ઢગલો નથી. પણ એ પથ્થરોમાં,એની ગોઠવણીમાં,એની કોતરણીમાં બાંધનાર અને બંધાવનારની સ્વભાવગત રસિકતા વ્યક્ત કરે છે. અને તેમના જીવંત ધબકારા સમાન છે. સુંદર કાવ્ય સમાન છે.

મુસ્લિમ સ્થાપત્યની ઐતિહાસિક પ્રગતિની દ્રષ્ટિએ અમદાવાદની જુમ્મા મસ્જિતનું મુલ્ય વિશેષ છે. અલબત તેની સુંદરતા આજે બહારથી માણવી શકય નથી. કારણે મસ્જિત ચારે બાજુથી બજારોથી ઘેરાયેલી છે. શાક બજાર સિવાય બીજી કોઈ બાજુથી જોતા મુસ્લિમ શાશનના સમયનું એક ભવ્ય સ્થાપત્ય અહિયા છે, તેની કોઈને ખબર સુધ્ધાં પડતી નથી. વળી, માણેકચોકમાં આવેલ બાદશાહ અને રાણીના હજીરાના આકર્ષક સ્થાપત્ય આગળ પણ મસ્જિતની સુંદરતા ઢંકાય જાય છે. આમ છતાં આ મસ્જિતની બાંધણી એ અવશ્ય સિદ્ધ કરે છે કે સલ્તનત યુગમાં ગુજરાતના કારીગરો મસ્જિતની બાંધણીમા નિપૂર્ણ બની ગયા હતા. અલબત્ત તેમની કલા પર હજુ હિન્દુ સ્થાપત્યની અસર યથાવત હતી. સલ્તનત યુગના આરંભ સાથે ગુજરાતમાં ઇસ્લામી સંસ્કૃતિ અને સ્થાપત્યનો મહિમા વધ્યો હતો. પરિણામે ઇસ્લામી સ્થાપત્યોમા કયાંક કયાંક હિન્દુ સંસ્કૃતિની છાપ જોવા મળતી હતી. જેમ કે  જુમ્મા મસ્જિતના દક્ષિણના પ્રવેશ દ્વાર પર એક સુંદર મંડપની રચના કરવામા આવેલ છે. તે મંડપ કોઈ હિન્દુ મદિરમાંથી પ્રેરણા લઈને બન્યો હોય તેમ લાગે છે. તેના સ્થાપત્યમા હિન્દુ સ્થાપત્યની છાપ જોવા મળે છે. ઇતિહાસમાં આ અંગે ક્યાંક એવા ઉલ્લેખો જોવા મળે છે કે તે કોઈ હિન્દુ મંદિરના અવશેષોનો ઉપયોગ કરી બનાવવમાં આવેલ છે. પણ તે શકાય નથી. અમદાવાદની સ્થાપના કરનાર સુલતાન નવી જ બનતી વિશાળ જુમ્મા મસ્જીતમાં આવા કોઈ અવશેષોનો ઉપયોગ કરે તે મોટાભાગના ઇતિહાસકારો માનવા તૈયાર નથી. પણ એ સ્વાભાવિક છે કે ઇસ્લામિક બાંધકામથી હજુ અવગત ન થયેલા કારીગરોની કલામા હિન્દુ સ્થાપત્ય ઉભરી આવ્યું હોય.

પીળા સન્ડસ્ટોન દ્વારા નિર્માણ પામેલ અમદાવાદની જુમ્મા મસ્જિતમા અંદર અને બહારની રચનામા ઇસ્લામિક અને હિંદુ સ્થાપત્ય કલાનો સુંદર સમન્વય થયેલો જોવા મળે છે. મંદિરોના મંડપોમા પણ હિન્દુ મુસ્લિમ સમન્વયનો આપણને ભાસ થાય છે. જયારે બહારની કમાનો અને મિનારા મુસ્લિમ સ્થાપત્યને અભિવ્યક્ત કરે છે. મસ્જીતના બે મિનારા મસ્જીતની સુંદરતામાં અભિવૃદ્ધિ કરતા હતા. પણ ઈ.સ. ૧૮૧૯મા આવેલા મોટા ભૂકંપમા તે પડી ગયા હતા.મુખ્ય પ્રાર્થનાગૃહની છત ૨૬૦ કોલમો પર ઊભી છે.જેમ કુલ ૧૫ ગુંબજો આવેલા છે.મસ્જીતના થાંભલા બેવડાવીને વચ્ચે કમાનની મધ્યમાં હિન્દુ મંદિરના તોરણો મૂકી આકર્ષક બનાવવામાં આવેલ છે. થાંભલાની રચના મદુરાના મંદિરના હજાર થાંભલા મંડપ કરતા વધારે રમ્ય અને જોવા ગમે તેવી છે. સર જોન માર્શલ પણ કહે છે,

"આ મસ્જિતનું બાંધકામ વિશ્વના બાંધકામોમાં શ્રેષ્ટ કહી શક્ય તેવી કક્ષાનું બનેલું છે"

કારણ કે અન્ય મધ્યકાલીન બાંધકામોની જેમ એક સરખી બાંધણી જોઈ ઉત્પન થતી નીરસ ભાવના આ જુમ્મા મસ્જીતને જોતા થતી નથી.

રત્નમણી રાવ જોટે આ મસ્જિત અંગે લખે છે,

"અમદાવાદની જુમ્મા મસ્જિત મેલા કોથળામાં બંધ કોહિનૂર રત્ન જેવી છે"

આ મસ્જિત ગુજરાતમાં આવતા પ્રવાસીઓ માટે અનમોલ નજરાણું છે. તેને જોયા વગર અમદાવાદનો પ્રવાસ કોઈ પણ પ્રવાસી માટે અધુરો અને અધકચરો છે. એ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી.

No comments:

Post a Comment