Saturday, May 10, 2014

હું અંબાણી કરતા વધુ ધનાઢ્ય છું. : ડૉ. મહેબૂબ દેસાઈ


એ દિવસે મેડીકલ સ્ટોરમાંથી દવાઓ લઇ મે મારી ગાડી તરફ કદમો માંડ્યા, ત્યારે મારી ગાડીના દરવાજા પાસે ઉભેલા એક યુવાન પર મારી નજર પડી. લગભગ પોણા છ ફૂટ જેટલી ઊંચાઈ, ગોરોવાન,પેન્ટ-શર્ટ, બૂટ અને ટાઈ ધારણ કરેલ એ યુવાન મને જોઈ, ચહેરા પર સ્મિત પાથરતા બોલ્યો,

"સર, આપ મને ઓળખો છો ?"

મે તેની સામે જોઈ સ્મૃતિને ફંફોસવા માંડી. પણ કઈ યાદ ન આવ્યું. એટલે મે કહ્યું,

"દોસ્ત, મને કઈ યાદ નથી આવતું"

તેણે મારી સ્મૃતિને તાજી કરવા પ્રયત્ન કરતા કહ્યું,

"સર, હું ભાવનગરનો જ છું. મારું નામ અક્સદ લાખાણી છે. અમદાવાદની એક આંતરરાષ્ટ્રીય કંપનીમા સોફ્વેર ઈજનેર છું."

ભાવનગરમા ત્રીસેક વર્ષ અધ્યાપક તરીકે કાર્ય કર્યા પછી દોઢેક વર્ષથી હું અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠમા અધ્યાપક તરીકે જોડાયો છું. ભાવનગરમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં લાંબા કાર્યકાળ દરમિયાન અનેક વિદ્યાર્થીઓ મારા પરિચયમા આવ્યા છે. પણ એ બધાને યાદ રાખવા મારા માટે શક્ય નથી.

"સર, હું આપના ફલેટની પાછળ જ રહું છું.મારા લાયક કોઈ પણ કામ હોય તો મને અચૂક કહેશો" એમ કહી તેણે તેનો મોબાઈલ નંબર મને આપ્યો. મે તે મારા મોબાઈલમાં સેવ કરતા કહ્યું,

"ચોક્કસ, પણ સોફ્વેર ઈજનેરનું મારે શું કામ પડે ? પણ હા, મારા લેપટોપમાં કોઈ સમસ્ય આવશે ત્યારે જરૂર તમને યાદ કરીશ."

"ચોક્કસ, એવું કઈ પણ કામ હોય તો મને જરૂર યાદ કરશો. મને ગમશે"

અને હસ્તધૂન કરી અક્સદ વિદાય લીધી. થોડા માસ પછી એકાએક મારા લેપટોપની સ્પીડ ઓછી થઇ ગઈ. એટલે હું કોઈ જાણકાર વ્યક્તિને બતાવવાની મને ઈચ્છા થઇ. પણ અજાણ્યા અમદાવાદમાં કોને બતાવવું તેની દ્વિધા મને સતાવતી હતી. એક દિવસ બિન જરૂરી નામો મોબાઈલમાથી રદ કરતો ત્યારે અનાયસે અક્સદ લાખણીનું નામ મારી સામે આવી ઉભું. મે તુરત તેને ફોન જોડ્યો. એક બે રીંગમા જ તેણે ફોન ઉપાડી લીધો,

"અસ્સ્લામોઅલાયકુમ, સર"

"વાલેકુમ અસ્લામ"

"સર, થેન્ક્યુ આપે મને ફોન કરી યાદ કર્યો"

" અક્સદ, મારું લેપટોપ અત્યંત ધીમું ચાલે છે. જો શક્ય હોય તો જરા જોઈ જશો"

"ચોક્કસ સર, આજે સાંજે છ વાગ્યે આપને ત્યાં આવી જઈશ"

"બહોત બહોત શુક્રિયા"

"સર, એમાં શુક્રિયા શું , આપે મને યાદ કર્યો એજ મારા માટે આનંદની વાત છે"

સાંજે અક્સદ સમયસર મારા ઘરે આવી ચડ્યો. તેની સાથે અન્ય એક યુવાન યશ જાદવ હતો.

"અસ્સ્લામોઅલાયકુમ, સર"

"વાલેકુમ અસ્લામ"

મે બંનેને યુવાનોને આવકાર્ય. બેઠકખંડમા સ્થાન લેતા અક્સ બોલ્યો,

"સર, આ મારા જુનિયર યશ જાદવ છે. તેઓ કોમ્પુટર ઈજનેર છે. આપના લેપટોપની તમામ સમસ્યાઓ તેઓ દૂર કરી દેશે"

લગભગ વીસેક મીનીટમાં યશ યાદવે મારું લેપટોપ રીપેર કરી આપ્યું. એ દરમિયાન હું અને અક્સદ વાતોએ વળગ્યા.

"સર, ભાવનગરથી આપ અમદાવાદ આવી ગયા, તેથી ભાવનગરને મોટી ખોટ પડી હશે"

" અક્સદ, એવું કઈ નથી હોતું. તમે પેલો ગુજરાતી શેર સંભાળ્યો છે,

"મારા ગયા પછી મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ,

આંગળી જળમાંથી નીકળી અને જગ્યા પુરાઈ ગઈ"

આ સાંભળી અક્સદ સ્મિત કર્યું. પછી બોલ્યો,

"સર, સારા અધ્યાપકો યુવાનોના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. ભાવનગરમા આપે એ જ કાર્ય  કર્યું છે"

"એમા કશી નવાઈની વાત નથી. દરેક અધ્યાપકે એજ કરવાનું હોય છે"

ત્યાંજ યશે કહ્યું,                                                      

"સર, આપનું લેપટોપ બરાબર થઇ ગયું છે. જરા આપ જોઈ લો"

મે એકાદ બે ફાઈલો ખોલીને જોયું. મને સંતોષ થયો.

"ખુબ ખુબ આભાર" મે કહ્યું

"સર, આવી નાની બાબત માટે આપ અમારા લાખાણી સાહેબને તકલીફ આપવાને બદલે મને ફોન કરશો તો હું પણ આવી જઈશ" યશે કહ્યું.

મે સ્મિત કર્યું અને બંને યુવાનોએ વિદાય લીધી.

થોડા દિવસો પછી મે અનુભવ્યું કે મારા લેપટોપમા કેટલાક પ્રોગ્રામ કાર્ય કરતા નથી.એટલે મે તુરત અક્સદને ફોન કર્યો. એણે એજ ઉત્સાહ સાથે કહ્યું,

"સર, હું સાંજે આવી જઈશ"

એ દિવસોમાં હું કમરના દુખાવાને કારણે પથારી વશ હતો.અક્સ સાંજે ઘરે આવી ચડ્યો. મને પથારીમાં જોઈ એ વ્યથિત થઇ ગયો.

"સર, આપ પથારીમાં છો અને મને જાણ પણ કરતા નથી ! હું આપને આવા સમયમાં થોડો પણ ઉપયોગી થઇ પડું તો, આપનું થોડું પણ ઋણ ચુકવ્યાનું માનીશ"

" અક્સદ, તમને ખોટા હેરાન કરવાનું મને નથી ગમતું"

"સર, શું બોલો છો ? તમે મારા માટે જે કર્યું છે તેનું ઋણ તો હું કદાપી ચૂકવી શકીશ નહિ"

હું આશ્ચર્ય ચકિત નજરે અક્સદને જોઈ રહ્યો. પછી બોલ્યો,

" અક્સદ એવું તો મે તમારા માટે શું કર્યું છે કે તમે આવું બોલી રહ્યો છે."

મારા પલંગ પર મારા લેપટોપને મુકતા એ બોલ્યો,

"સર, તમને યાદ નથી. પણ આજથી લગભગ વીસેક વર્ષ પહેલા ભાવનગરના મેમણ જમાતખાનામાં અનાયસે એક જ થાળમા આપની સાથે જમવાની મને તક સાંપડી હતી. ત્યારે હું સ્કુલમાં ભણતો હતો. એ સામાન્ય પરિચયમાં આપે જમતા જમતા મને કહ્યું હતું, 'ભણવામાં કોઈ તકલીફ પડે તો જરુર મારી પાસે દોડ્યો આવજે'. એ વાત  મારા  હદયમાં કોતરાઈ ગઈ. એ પછી મે બારમું ધોરણ પાસ કર્યું. મારા ઘરમાં તો મને કોઈ આગળ ભણવાનું માર્ગદર્શન આપી શકે તેમ ન હતું. એટલે હું ખુબ મુઝવણમાં હતો. ત્યારે મને આપના શબ્દો યાદ આવી ગયા. અને હું આપની પાસે દોડી આવ્યો. આપે મને ખુબ આદરથી આપના ડ્રોઈંગ રૂમમા બેસાડ્યો. અને મારી મુંઝવણ સાંભળી મને કહ્યું હતું,

"જો હાલ કોમ્પુટરનો જમાનો છે. એ ક્ષેત્ર દિનપ્રતિદિન વિકસી રહ્યું છે. મે મારા પુત્રને પણ એજ ક્ષેત્રમાં જવાની સલાહ આપી છે. તું પણ બી.સી.એ.કર. પછી ખુદાની મરજી"

આપની એ સલાહ મુજબ જ મે બી.સી.એ. કર્યું. એ પછી એમ.સી.એ. કર્યું. અને એ જ કારણે આજે હું એક આંતરરાષ્ટ્રીય કંપનીમાં ઉચ્ચ હોદ્દા ઉપર છું. મારો પગાર એંસી  હજાર છે. કંપની તરફથી મને કાર આપવામાં આવી છે. બે વાર કંપની તરફથી વિદેશ જઈ આવ્યો છું. મારા હાથ નીચે દસ જેટલા યુવાનો કામ કરે છે. આ બધું આપના સમયસરના સચોટ માર્ગર્શનને કારણે જ સંભવિત બન્યું છે. અને એ માટે હું આપનો હંમેશા ઋણી રહીશ."

હું ચકિત નજરે અક્સદની વાત સાંભળી. મારા ચહેરા પર એક અધ્યાપક તરીકે યોગ્ય રીતે ફર્જ બજાવ્યાનો સંતોષ હતો. અને આંખોમાં આનંદની ભીનાશ હતી. મે રસોડમાં કાર્ય કરતી મારી પત્ની સાબેરાને બુમ પડી,

"સાબી, અહીં આવતો"

રસોડામથી એ દોડી આવી.

"શું થયું કમરમાં દુખાવો વધારે થાય છે ?"

"કમરનો દુખાવો તો અક્સદની વાતોથી ક્યારનો વિસરાઈ ગયો. આ અક્સદના ધડતરમાં મારા નાનકડા માર્ગદર્શને જે ક્રાંતિ કરી છે તે જાણી હું ગદગદ થઇ ગયો છું. એક અધ્યાપકની આજ તો સાચી દોલત છે. મિલકત છે. આજે હું મારી જાતને અદાણી

કરતા પણ વધુ ધનાઢ્ય અનુભવું છું." 

આટલું બોલતા તો આંખોની ભીનાશ ઉભરાઈ આવી. એ જોઈ સ્મિત કરતા અક્સદ બોલી ઉઠ્યો,

"સર, આ તો એક જ અક્સદની વાતનો ઉઘાડ થયો છે. ત્રીસ વર્ષની કારકિદીમા કેટલાં અક્સદ આપના માર્ગર્શનથી ઉજળા થયા હશે ? એ હિસાબે તો આપની દોલત અંબાણી કરતા અનેક ગણી થઇ જાય"

અને લેપટોપને બંધ કરી એણે મારી વિદાય લીધી. પણ તેના ગયા પછી હું મારી અદાણીથી અનેક ગણી દોલતના નશામાં કલાકો સુધી વિહરતો રહ્યો.

 

No comments:

Post a Comment