Monday, March 31, 2014

ઉત્તમ ધર્મ : પાડોશી ધર્મ : ડો. મહેબૂબ દેસાઈ

પાડોશીશબ્દ વ્યકિત અને રાષ્ટ્ર બંને માટે અત્યંત મહત્વનો છે. સારો પાડોશી દેશ જેમ આપણા દેશના સુખ, દુઃખ અને વિકાસનો ભાગીદાર બને છે, તેમજ સારો નિવાસી પાડોશી પણ સ્વજન કરતાં સવાયો હોય છે. અને એટલે જ દરેક ધર્મમાં "પાડોશી ધર્મ" નો મહિમા વ્યકત થયો છે. પાડોશી ભલો હોય કે બૂરો હોય પણ તે આપણો સાચો હમદર્દ હોય છે. મુશ્કેલીના સમયે સંબંધીઓ, ઓળખીતા-પાળખીતાઓને પહોંચતા વાર લાગે છે, ત્યારે સૌ પ્રથમ મદદ માટે પહોંચનાર આપણો પાડોશી જ હોય છે. પાડોશી હિંદુ, મુસ્લિમ, શીખ કે ઈસાઈ  નથી હોતો. એવા ભેદભાવને કેન્દ્રમાં રાખનાર માનવી પાડોશીની મહત્તા ઓછી આંકે છે. તેને એ ખબર નથી હોતી કે પાડોશીનો સાચો ધર્મ તો માનવતા છે. ઇન્સાનિયત છે.

ઇસ્લામે પણ પાડોશીને અત્યંત મહત્વનો દરજ્જો આપ્યો છે. કુરાને શરીફમા વિવિધ પ્રકારના પાડોશીઓનો ઉલ્લેખ જોવા મળે છે. ઇસ્લામિક ગ્રંથોમાં પાડોશી ધર્મ બજાવનારા એક અજ્ઞાની પણ લાગણીસભર મોચીની કથા બહુ જાણીતી છે. 

હઝરત અબ્દુલ્લાહ બિન મુબારક હજજ પછી મક્કામા આરામ ફરમાવી રહ્યા હતા. અને તેમની આંખ લાગી ગઈ. સ્વપ્નમા તેમણે બે ફરિશ્તાઓને વાતો કરતા સંભાળ્યા. એક બોલ્યો,

"આ વખતે કેટલા લોકો હજજ કરવા આવ્યા છે ?"

બીજાએ જવાબ આપ્યો,

"લગભગ એક લાખ લોકોએ આ વખતે હજજ અદા કરી છે"

પહેલાએ પૂછ્યું,

"આ એક લાખ હાજીઓમાંથી ખુદાએ કોની હજજ કબુલ કરી છે ?"

બીજાએ જવાબ આપ્યો,

"એક પણની નહિ. આ વખતે તો દમિશકના એક મોચી જે હજજ અદા કરવા મક્કા આવ્યા પણ નથી, તેની હજજ ખુદાતાલાએ કબુલ કરી છે"

અને હઝરત અબ્દુલ્લાહ બિન મુબારકની આંખ ખુલી ગઈ. સ્વપ્નમા જોયેલ, સાંભળેલી હકીકતની જાત તપાસ કરવાની તમન્નાએ તેઓ દમિશ્કના એ મોચીને ત્યાં પહોંચ્યા. મોચી તો જોડા સીવવાના પોતાના કામમાં રત હતો. મોચીને દુવા સલામ કરી હઝરત અબ્દુલ્લાહ બિન મુબારકે કહ્યું,

"આ વર્ષે હજજ કરવા આવેલા એક લાખ ઇન્સાનોમાંથી કોઈની હજજ ખુદાતાલાએ કબુલ કરી નથી. પણ આપની હજજ ખુદાએ દમિશ્કમા બેઠા બેઠા કબુલ કરી છે. અને તેનો સવાબ (પુણ્ય) ખુદાતાલાએ દમિશ્કમા બેઠા બેઠા આપને આપ્યો છે. તમે એવી તો કેવી ઈબાદત કરી કે હજજ કર્યા વગર હજજનો સવાબ ખુદાતાલાએ તમને આપ્યો ?"

ગરીબ મોચી પ્રથમ તો થોડો ગભરાયો. નવાઇ પામ્યો. પછી થોડીવારે સ્વસ્થ થતાં બોલ્યું,

હજયાત્રા કરવાની તમન્નાથી મેં મારી હલાલની કમાઈમાંથી થોડા થોડા પૈસા જમા કર્યા હતા. પણ થોડા દિવસ પહેલાં જ મારા પાડોશીની હાલતની મને જાણ થઈ. સાત સાત દિવસથી તેમનો ચૂલો ટાઢો હતો. બાલ બચ્ચાઓ ભૂખ્યાં ટળવળતાં હતાં. તે જોઈ મારું હૃદય કકળી ઉઠયું. અને મેં હજયાત્રા માટે જમા કરેલા પૈસા તેમને આપી દીધા.

કુરાને શરીફમાં પાડોશીનો ખાસ ઉલ્લેખ છે. તેની મહત્તાનો સ્વીકાર કરી, તે અંગે વિસ્તૃત વિવરણ પણ આપવામાં આવ્યું છે. કુરાને શરીફમાં પાડોશીઓના ત્રણ પ્રકારો આપવામાં આવ્યા છે.
૧. વલા જારે ઝિલ કુરબા અર્થાત્ એવા પાડોશી જે પાડોશી હોવા છતાં સ્વજન-સગાં પણ હોય.
વલા જાહિલ ઝુનુબે અર્થાત્ એવા પાડોશી જે કૌટુંબિક સગાંસંબંધી ન હોય. પણ માત્ર પાડોશી જ હોય. આવા પાડોશીમાં ગેરમુસ્લિમ પાડોશીનો પણ સમાવેશ થાય છે.
૩. વસ્સાહિલે બિલજમ્બે અર્થાત્ એવા પાડોશી જેનો  મુસાફરીમાં, સંજોગોવશાત દફતરમાં કે અન્ય કોઈ રીતે ભટો થઈ ગયો હોય. આમાં હિંદુ, શીખ કે ઈસાઈ વગેરે જેવા ગેરમુસ્લિમ પાડોશીનો સમાવેશ થાય છે.
આ ત્રણે પ્રકારના પાડોશીઓ સાથે ઇસ્લામે સદવર્તન અને ભાઈચારો રાખવાનો આદેશ આપ્યો છે. અને કહ્યું છે,

જે માણસ અલ્લાહ અને અંતિમ દિવસ પર ઇમાન રાખતો હોય તેણે પોતાના પાડોશીને કંઈ પણ દુ:ખ કે તકલીફ આપવા ન જોઈએ.
એકવાર એક સહાબીએ હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)ને અરજ કરી,

હજૂર, તે સ્ત્રી ઘણી નમાઝો પઢે છે. પાબંદીથી રોઝા રાખે છે. અતિશય ખેરાત(દાન) કરે છે. પરંતુ પોતાની કડવી વાણીથી પોતાના પાડોશીઓને હેરાન પરેશાન કરે છે.
આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું
,

 તે સ્ત્રી દોઝકમાં જશે. કારણે કે તે સાચો મુસ્લિમ નથી. જેનો પાડોશી તેની શરારતોથી પરેશાન હોય."

પાડોશી સાથેના સંબંધો અંગે તો મહંમદ સાહેબે (સ.અ.વ.) ત્યાં સુધી તાકીદ ફરમાવી છે,
જો તમે તમારાં બાળકો માટે ફળો લાવો તો તમારા પાડોશીને ત્યાં પણ મોકલો. જો તમે તેમ ન કરી શકો તો તે ફળોનાં છોતરાં તમારા પાડોશીની નજરમાં આવે તેમ બહાર ફેંકશો નહીં. જેથી ગરીબ પાડોશીઓનું મન ન દુભાય.

એક વખત મહંમદ પયગમ્બર સાહેબે (સ.અ.વ.)એ ફરમાવ્યું હતું,

"સાચો મોમીન થવા માંગતો હોય તો તારા પાડોશીનું ભલું કર અને સાચો મુસ્લિમ થવા માંગતો હોય તો જે તારા માટે સારું માનતો હોય તેજ સૌને માટે કર"

"જો તમારા પાડોશીઓ તમને સારા કહે તો તું ખરેખર સારો માણસ છે અને જો તારા  પાડોશીનો અભિપ્રાયો તારા માટે ખરાબ હોય તો તું ખરાબ માણસ છે"

પાડોશી ધર્મ માટેની આ હિદાયાતોનો જો સાચા અર્થમાં આજે પણ અમલ થશે તો નાતજાત કે ધર્મની દીવાલો આપોઆપ ઓગળી જશે.

No comments:

Post a Comment