Tuesday, December 7, 2010

સરદાર પટેલ : સાંપ્રદાયિક કે બિનસાંપ્રદાયિક ? : ડૉ. મહેબૂબ દેસાઈ

૩૧ જુલાઈ ૧૯૨૧મા મળેલ પાંચમી ગુજરાત રાજકીય પરિષદના અધ્યક્ષ સ્થાનેથી સરદાર પટેલે કહ્યું હતું,

“હિંદુ-મુસ્લિમની એકતા એ હજુ કુમળું વૃક્ષ છે. એને કેટલાય વખત સુધી અતિશય સંભાળથી પોષવું પડશે. હજુ આપણા મન જોઈએ તેટલા સ્વચ્છ નથી. દરેક બાબતમાં એક બીજાનો અવિશ્વાસ રાખવાની આપણને આદત પડી ગઈ છે. તે નથી જતી. એ એકતાને તોડી પાડવાના પ્રપંચો અને પ્રયત્નો થશે. એ એકતાને કાયમ માટે મજબુત બનાવવાનો રૂડો અવસર હિન્દુઓના હાથમાં આવી પડેલો છે. હિન્દુઓનો ધર્મ છે કે મુસ્લિમ ધર્મનું રક્ષણ કરવામા તેમને અત્યારે આપણે પૂરી મદદ કરવી અને મુસલમાન કોમની ખાનદાની ઉપર વિશ્વાસ રાખવો”

સરદાર પટેલના ૮૯ વર્ષ પૂર્વેના આ શબ્દો બે બાબતો સ્પષ્ટ કરે છે. પ્રથમ,સરદાર પટેલની ભારતીય મુસ્લિમો પ્રત્યેની નીતિ. બીજું, આ શબ્દોમાં રહેલી આજના સંદર્ભની યથાર્થતા. સરદાર પટેલને મુસ્લિમ વિરોધી ચિતરનાર સમાજવાદીઓ અને કોમવાદીઓએ સરદારના કોમી એકતાના આ પાસાને ઉજાગર થવા દીધો જ નથી. પરિણામે ભારતીય ઇતિહાસના પાનાઓ પર સરદારના તટસ્થ મુસ્લિમ અભિગમને ઝાઝું સ્થાન નથી મળ્યું. અલબત્ત, એ સત્યને નકારી ન શકાય કે સરદારની ઇસ્લામ ધર્મ અંગેની સમજ અત્યંત માર્યાદિત હતી. ઇસ્લામના સિદ્ધાંતોને સમજવા તેમણે ન તો કોઈ પુસ્તક વાંચ્યું હતું , ન એ માટે કોઈ ખાસ પ્રયત્ન કર્યો હતો. ઇસ્લામ અંગે તેમણે જે કઈ થોડું ઘણું જાણ્યું હતું તે તેમના મુસ્લિમ સાથીઓ સાથેના સંપર્કને કારણે જ. પરતું તેનો અર્થ કદાપી એવો ન થાય કે તેમને ઇસ્લામ ધર્મ અને મુસ્લિમો પ્રત્યે અરુચિ હતી. આ વાતનું સમર્થન કરતા રાજમોહન ગાંધી લખે છે,

“ખુદ સરદારે પોતે પણ મુસ્લિમ સમાજમાં બહુ ઓછું કામ કર્યું હતું. બાકરોલમાં મુસ્લિમ નોકર, કરમસદનો ભાડુત, સાબરમતી આશ્રમના કુરેશી (ગુલામરસુલ કુરેશી),દા. અન્સારી
(ડૉ. એસ.એન.અન્સારી),અબ્બાસ સાહેબ, ગફારખાન અને મૌલાના આઝાદ જેવા કેટલાક મુસ્લિમો જ તેમના સંપર્કમાં હતા.”
જો કે સરદાર પટેલની મુસ્લિમો પ્રત્યેની વિચારધારાને સ્પષ્ટ અને તટસ્થ કરવામાં ગાંધીજી સાથેનો ૧૬ માસનો યરવડા જેલનો નિવાસ અત્યંત કારણભૂત બન્યો હતો. જેલમાં નિરાંતના સમયે બંને નેતાઓ વચ્ચે થયેલા કેટલાક સંવાદો તેની સાક્ષી પૂરે છે.

એકવાર સરદાર પટેલે ગાંધીજીને કહ્યું,
“પણ મુસલમાનો રીતરિવાજમાં જુદા છે.તેઓ માંસાહારી છે. જયારે આપણે શાકાહારી છીએ. તેમની જોડે એક ઘરમાં કેમ રહી શકાય ?”
ગાંધીજીએ સરદારની આ ગેરસમજને દૂર કરતા કહ્યું,
“ના, ના. ગુજરાત સિવાય બીજે ક્યાય હિન્દુઓ શાકાહારી હોતા નથી. પંજાબ, સિંધ , ઉત્તર પ્રદેશ,મહારાષ્ટ્રમા હિન્દુઓ માસ ખાય છે.”
એકવાર સરદારે ટકોર કરતા ગાંધીજીને કહ્યું,
“ એવો કોઈ મુસ્લિમ છે, જે તમારી વાત સાંભળે છે”
ગાંધીજીએ અત્યંત સ્વસ્થ સ્વરે કહ્યું,
“ભલે કોઈ ન હોઈ . તેથી કશો ફેર પડતો નથી. આપણે આશા રાખીએ કે એ લોકો (મુસ્લિમો)પણ જાગૃત થાય. સત્યાગ્રહનો આધાર જ એ છે કે માનવ સ્વભાવ પર વિશ્વાસ મુકવો.”

ગાંધીજી અને સરદાર પટેલની આવી ગુફ્તગુ એ સરદારના મુસ્લિમો પ્રત્યેના અભિગમને સ્પષ્ટ કરવામાં નોંધપાત્ર ભાગ ભજ્વ્યો હતો. પરિણામે સરદાર પટેલની ભારતના રાષ્ટ્રવાદી મુસ્લિમો પ્રત્યેની દ્રષ્ટિ તટસ્થ અને સંયમિત બની હતી. ૧૯૩૭ના ડીસેમ્બરમાં મહંમદઅલી જિન્નાએ કોંગ્રસની હિંદુ તરફી નીતિને વ્યક્ત કરતા જાહેરમા કહ્યું,
“કોંગ્રસ હિંદુ રાજ સ્થાપવા માંગે છે”
અને ત્યારે સરદાર પટેલે (૨૫.૧૨.૧૯૩૭ના રોજ) રાજપીપળાની જાહેર સભામા તેનો ઉત્તર
વાળ્યો હતો,

“રાષ્ટ્ર મહાસભા એ વિરાટ સંસ્થા છે. એ માત્ર પચ્ચીસ કરોડની પ્રજા માટે સ્વતંત્રતા નથી શોધતી. પણ પાંત્રીસ કરોડની આઝાદી માટે લડે છે. જેમાં હિંદુ, મુસ્લિમ,પારસી, ખ્રિસ્તી તમામનો સમાવેશ થાય છે.”

સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન મુસ્લિમ નેતાઓ સાથેના સરદારના સબંધો પણ પ્રેમાળ અને પ્રોત્સાહક રહ્યા હતા. ધંધુકા જેવા નાનકડા ગામના યુવાન ગુલામ રસુલ કુરેશીને રાષ્ટ્રીય ફલક પર આણવામાં સરદારનો ફાળો નાનો સુનો ન હતો. એકવાર રચનાત્મક કાર્યો માટે માંગેલા રુ.૨૦૦૦ની વ્યવસ્થા કરી આપતા સરદાર પટેલે (૬.૨.૧૯૪૨ના રોજ હજીરાથી) ગુલામરસુલ કુરેશીને લખ્યું હતું,

“મુસલમાનોમા તમારે કામ કરવાનું રહ્યું. એટલે એ વિશેની જરૂરિયાત અને મુશ્કેલીઓ તમે જ સમજી શકો. એમાં મારે ખાસ કઈ કહેવાનું ન હોઈ. તમેં માંગો છો તે પ્રમાણે સગવડ કરી દેવી એટલું જ હું કરી શકું. બાકી કામની જવાબદારી તો તમારી જ રહે. તમે ૨૦૦૦નો અંદાજ બતાવ્યો છે.તેટલી રકમ આવતા વર્ષ માટે તમારે જેમ જેમ જોઈએ તેમ તેમ ઉપાડવા માટે માવળંકરદાદાને ત્યાં સગવડ કરી છે. ત્યાંથી તમારી જરૂરિયાત પ્રમાણે ઉપાડજો”

ઈ.સ.૧૯૩૮મા સુભાષબાબુ એ કોંગ્રસના પ્રમુખ તરીકે બીજીવાર ચાલુ રહેવાની જાહેરાત કરી. ત્યારે તેનો વિરોધ કરી તેના સ્થાને મૌલાના આઝાદના નામને આગળ કરનાર સરદાર પટેલ હતા. જો કે મૌલાના આઝાદે તે માટે સંમત ન હતા. ગાંધીજીને તેમણે કોંગ્રેસ પ્રમુખ થવાની ના પાડી. ત્યારે મૌલાનાને મનાવવાનું કપરું કાર્ય સરદાર પટેલે ઉપાડી લીધું હતું. આ અંગે રાજેન્દ્રબાબુને લખેલા એક પત્રમાં સરદાર પટેલ લખે છે,

“જવાબદારી ઉપાડી લેવા માટે અમે મૌલાનાને સમજાવી શક્ય છીએ....ઘણો વખત અચકાયા પછી તેમણે વાત કબુલ રાખી છે.”

ઈ.સ.૧૯૩૯મા પુનઃ કોંગ્રેસના પ્રમુખપદનો પ્રશ્ન ઉપસ્થિત થયો. ત્યારે મહાદેવભાઈ દેસાઈની ઈચ્છા સરદાર પટેલને કોંગ્રસના પ્રમુખ બનાવવાની હતી. પરંતુ રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખી સરદાર પટેલે પુનઃ મૌલાના આઝાદનું નામ આગળ કર્યું. અને આમ ૧૯.૩.૧૯૪૦ના કોંગ્રસ અધિવેશનના પ્રમુખ મૌલાના આઝાદ બન્યા.
ભાવનગર રાજ્ય પરિષદના પાંચમાં અધિવેશનમાં ભાગ લેવા ૧૪ મેં ૧૯૩૯ના રોજ સરદાર પટેલ ભાવનગર આવ્યા હતા. ત્યારે તેમની હત્યાનું કાવતરું રાજ્યના દીવાન દ્વારા ઘડાયું હતું. એ માટે ભાવનગરના ખારગેટ વિસ્તામાં આવેલ નગીના મસ્જીતનો કાવતરાખોરોએ ઉપયોગ કર્યો. સરદાર પટેલનું સરઘસ નગીના મસ્જિત પાસેથી પસાર થયું ત્યારે મસ્જીતમાંથી હથિયાર સાથે સરઘસ પર હુમલો થયો. સરદાર અલબત્ત બચી ગયા. આ ઘટનાને અંગ્રેજ રેસીડેન્ટ ગિબ્સન અને ભાવનગરના દીવાન અનંતરાય પટ્ટણીએ મુસ્લિમોના હુમલા તરીકે ખપાવવા ઘણી કોશિશ કરી. પણ સરદાર પટેલે ૧૬.૫.૧૯૩૯ના રોજ ભાવનગર પ્રજા પરિષદના અધ્યક્ષ સ્થાનેથી રાજ્યની ગુંડાગીરીને ખુલ્લી પાડતા કહ્યું હતું,

“અંદર અંદરના કજિયા કંકાસ સમાવીને આવા તોફાની તત્વોને અલગ કરી દબાવી દેવા કશું ન કરીએ તો આપણા આખા સમાજ પર તે ચડી બેસે. આ કાળ એવો છે કે ગુંડાઓ નાના નાના રાજ્યો પર ચડી બેસે છે. આજે બધે વાયુ મંડળમાં ગુંડાગીરી જોર પકડી રહી છે. આ ક્ષણિક ક્રોધમાં આવી કરેલું કામ નથી. આની પાછળ તો બુદ્ધિ પૂર્વકની ગોઠવણી છે. હું કાયરતાનો કટ્ટર શત્રુ છું. કાયર માણસોનો હું સાથ કરવા કદી તૈયાર ન થાઉં. આપણે જ્વાળામુખીના શિખર પર બેઠા છીએ. આજે કેવળ રાજ સત્તા ઉપર ભરોસો રાખીને બેસવું એ આંખ મીચીને ચાલવા જેવું અને ખાડામાં પડવા જેવું છે.”

છેક ૧૮૫૭થી આરંભાએલી હિંદુ-મુસ્લિમોને લડાવી “ભાગલા પાડો અને શાસન કરો”ની અંગ્રેજોની કૂટનીતિથી સરદાર પટેલ બખૂબી વાકેફ હતા. અને એટલે જ અંગ્રેજોની અલગ કોમી મતદાર મંડળોની નીતિને ખુલ્લી પાડતા ૧૦.૩.૧૯૪૦ની નવસારીની દુધિયા તળાવની જાહેરસભામાં તેમણે કહ્યું હતું,

“અલ્લાહાબાદમાં હિંદુ,મુસ્લિમ,શીખ, ખ્રિસ્તી બધા એક થયા અને ફેસલો કર્યો કે આપણે કોમી મતદાર મંડળો ન જોઈએ. અને મુસલમાનો જે માંગે તે આપવું. પણ તુરત અંગ્રેજોએ મુસ્લિમોને તાર કર્યો કે તમે તેમાં ભળશો નહિ. અમે તમને વધારે આપીશું. અમે તો દાખલા સાથે સિદ્ધ કરીએ છીએ કે અંગ્રેજો જ લડાવે છે. એ તો કહે છે કે તમે બે લડો ત્યાં સુધી લઘુમતી કોમનું રક્ષણ કરવાનું ઈશ્વરે અમને સુપ્રત કરેલું છે.”

ભારતના ભાગલા સમયે પણ ગૃહમંત્રી તરીકેની સરદારની ભૂમિકા અત્યંત સંતુલિત હતી. પતિયાણામા રાજપુર અને લુધિયાણા વચ્ચે, તેમજ રાજપુર અને ભટિંડા વચ્ચે મુસ્લિમોની સામુહિક હત્યા,કતલ અને લુંટફાટના બનાવોની વણઝાર સર્જાય હતી.તેની જાણ સરદાર પટેલને થતા તેમણે પતિયાણાના મહારાજાને ૨૬.૮.૧૯૪૭ના રોજ તે અટકાવવાની સુચના આપતા લખ્યું હતુ,

“પરિસ્થિતિ તદન કાબુ બહાર થઈ ગઈ છે.મહેરબાની કરીને કંઇક કરો અને તે તુરત અટકાવો. લઘુમતીઓના રક્ષણ માટે અને તેમનામાં વિશ્વાસ પેદા કરવા તમામ સક્રિય પગલા ભરશો તો આભારી થઇશ.”

એજ રીતે રામપુરના નવાબે તેમની પ્રજાનું અશાંત દિલ્હીમાથી રામપુર સ્થળાંતર કરવા સરદારને વિનંતી કરી, ત્યારે પણ સરદારે દિલ્હીના કલુષિત વાતાવરણને ધ્યાનમાં રાખી રામપુરના હજારેક જેટલા મુસ્લિમ નિવાસીઓને સ્પેશિઅલ ટ્રેનમા રામપુર મોકલવાની વ્યવસ્થા કરી હતી. ભોપાલના નવાબની માંદગીથી પીડાતી દીકરીને અશાંત દિલ્હીમાં શોધીને તેની સારસંભાળ કરવાની તકેદારી પણ સરદાર કરવાનું ચુક્યા ન હતા.મુસ્લિમ હિજરતીઓ સહીસલામત રીતે પાકિસ્તાન પહોચી જાય તેની દરકાર પણ ગૃહમંત્રીએ રાખી હતી. શ્રી.વી.પી.મેનને અમૃતસરમાંથી પસાર થતી હિજરતી મુસ્લિમોની ટ્રેનો પર શીખોના હુમલાઓ અંગે સરદારની ભૂમિકાની પ્રસંસા કરી છે. ત્યારે અમૃતસરમાં વિશાળ સભાને સરદારે સંબોધી હતી. અને પાકિસ્તાન જતા મુસ્લિમો આપણા જ ભાઈઓ છે. તેમની હિંસા એ આપણા જ ભાઈઓની હત્યા છે. એમ એક કલાક લાગણીસભર ભાષણ કરી અમૃતસરના શીખોને શાંત પાડ્યા હતા. અને હિજરતી મુસ્લિમોને સહી સલામત પાકિસ્તાન જવાનો માર્ગ મોકળો કરી આપ્યો હતો. સ્વતંત્ર ભારતના સશક્ત મધ્યમાં તરીકે રેડીઓમાં ઉર્દૂ ભાષાને સ્થાન આપવામા પણ સરદારનો ફાળો અગ્ર હતો. ૧૪.૧૨.૧૯૪૯ન રોજ માહિતી પ્રધાન આર.આર.દિવાકરને સરદાર પટેલે લખે છે,

“પણ આપણે રેડિઓને પ્રચારનું, મુસ્લિમો અને નિરાશ્રીતોમાંથી ઘણાં ખરા લોકોને ધર્મનિરપેક્ષ રાજય અને સંસ્કૃતિના આદર્શ માટે પ્રોત્સાહન આપવાનું કામિયાબ સાધન બનાવવા ઇચ્છતા હોઈએ તો હાલ તુરત તો દિલ્હીના કાર્યક્રમમા પણ કેટલોક હિસ્સો ઉર્દુને આપવો પડશે”

આજે દિલ્હી રેડિઓ સ્ટેશન પરથી પ્રસારિત થતા ઉર્દૂ કાર્યક્રમો સરદાર પટેલની દેન છે, એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નહિ ગણાય.

આમ ભારતના રાષ્ટ્રીય મુસ્લિમો અને ઇસ્લામી સંસ્કૃતિ પ્રત્યેની સરદારની નીતિની નોંધ લેતા અનેક દ્રષ્ટાંતો ભારતના ઇતિહાસમા દટાયેલા પડ્યા છે. આ દ્રષ્ટાંતો જ સરદારને મુસ્લિમ વિરોધી કહેતા જૂથ માટે જવાબ રૂપ છે. ઇતિહાસનું વિશ્લેષણ ઘટનાઓના મૂલ્યાંકન અને તેના નિષ્કર્ષમાંથી થાય છે. એ દ્રષ્ટિએ આ તમામ ઘટનાઓ ઉપર સરદારને મુસ્લિમ વિરોધી કહેતું જૂથ થોડી તવજ્જો આપશે તો સરદારનું ભારતીય મુસ્લિમો પ્રત્યેનું વલણ અવશ્ય પામી શકશે. પણ એ મૂલ્યાંકન વેળાએ એટલી બાબત અચૂક યાદ રાખવી જોઈએ કે સરદારને બે મોઢા રાખી ભારતમાં વિચરતા મુસ્લિમો પ્રત્યે સખત નફરત હતી. તેઓ કહેતા,

“ભારતના મુસ્લિમોને મારે એક જ સવાલ પૂછવો છે કે કાશ્મીરની બાબતમાં તમે કેમ કશું બોલતા નથી ? તમે પાકિસ્તાનના કૃત્યને કેમ વખોડતા નથી ?... હવે તમારી ફરજ છે કે તમારે અમારી હોડીમાં બેસવું, સાથે જ તરવું, સાથે જ ડૂબવું. હું તમને નિખાલસ રીતે કહેવા ઈચ્છું છું કે તમે બે ઘોડાની સવારી કરી શકવાના નથી. કોઈ પણ એક ઘોડો પસંદ કરી લો. જેમને પાકિસ્તાન જવું હોઈ તે જઈ શકે છે, અને સુખચેનથી રહી શકે છે”

પણ આ સાથો સાથ રાષ્ટ્રીય મુસ્લિમો પ્રત્યે સરદારને અંત્યંત આદર હતો. સ્વાતંત્ર સંગ્રામના તેમના મુસ્લિમ સાથીઓ અને નાનામા નાના રાષ્ટ્રવાદી મુસ્લિમ માટે તેઓ સમાન અને તટસ્થ વ્યવહાર કરવાને પોતાનો ધર્મ માનતા. અને તેમાં ક્યારેય ચૂક ન થાય તેની ખાસ તકેદારી રાખતા. તેઓ હંમેશા કહેતા,

“રાષ્ટ્રને વફાદાર મુસ્લિમોને ભારતમાં કોઈ પણ વફાદાર હિંદુ જેટલું જ રક્ષણ મેળવવાનો અને તેમના જેવા જ હક્કો ભોગવવાનો અધિકાર છે”

આવા સરદારને આપણે સાંપ્રદાયિક કે બિનસાંપ્રદાયિક કહીશું તે વાચકો, વિચારકો અને રાજકારણીઓ પર છોડી દઈએ – અસ્તુ.

No comments:

Post a Comment