Monday, October 12, 2009

Hazrat Davlash Pir : Prof. Mehboob Desai


શ્રદ્ધાનો દરિયો : હઝરત દાવલશાહ

ડો. મહેબૂબ દેસાઈ



ઇસ્લામમાં ચમત્કારો કરતા વિશેષ પ્રાધન્ય ઈમાન,શ્રધા, અને વિશ્વાસને આપવામાં આવ્યું છે. સૌ પ્રથમ
ખુદા અને પછી તેના પ્યારા બંદા કે ભક્તો ની દુવા પર આમ ઇન્સાનનો વિશ્વાસ - ઈમાન ઇસ્લામી સંસ્કૃતિની શાન છે. રૂપેશ સિંઘા ઉંમર આશરે ૩૫ . જન્મે બંગાળી ક્ષત્રિય. શિવજીના પરમ ઉપાસક. જૈનકન્યા પ્રીમાં સાથે પ્રેમ લગ્નથી જોડાયેલા અને યશરાજ નામના પુત્રના પિતા સાથે થોડા દિવસ પૂર્વે મળવાનું થયું. વાતોમાંને વાતોમાં તેમણે મને કહ્યું,
" ખુદા-ઈશ્વર પર ઈમાન અને દાવલશાહ બાપુની દુઆઓથી જીવું છું."
મને ખુબ નવાઈ લાગી.છતાં એક પણ પ્રશ્ન પૂછ્યા વગર હું તેમને સાંભળી રહ્યો.
" દાવલશાહ બાપુની ૩૬૫ દરગાહ મહારાષ્ટ્રમાં છે. મારા બનેવીને પુનામાં નોકરીમાં સમસ્યા ઉભી થતા મારે પુના જવું પડ્યું. ત્યારે મને પુનામાં બંધ ગાર્ડન પાસે આવેલી દાવલશાહ બાપુની દરગાહની જાણ થઈ. અને મેં ત્યાં જઈ ફાતિહા અદા કર્યા. અને મારા બનેવીની મુશ્કેલી આસાન થઈ ગઈ."
મેં તેમની સામે જોઈ પૂછ્યું,
" તમને ફાતિહા પઢતા આવડે છે ?"
મારી સામે સ્મિત કરી રૂપેશભાઈએ આંખો બંધ કરી અને "અલ્હમ્દો લીલ્લાહે રબીલ આલમીન"ની આખી આયાત પઢી બતાવી. હું આશ્ચર્યચકિત નજરે તેમને તાકી રહ્યો.
જે દાવલશાહ પીરને કારણે તેમણે ફાતિહા માટેની આખી આયાત મોઢે કરી હતી, તે સૂફીસંત દાવલશાહ પીરનો ઉર્ષ ૩૦ ઓક્ટોબર (૧૧ જીલ્કાજ )ના રોજ છે. રૂપેશભાઈ જેવીજ શ્રધા અમદાવાદના કામઘેનું પેઢીના વડીલ ત્રિકમભાઈ નારાયણદાસનું આખું કુટુંબ સેવે છે. હઝરત દાવલશાહની દુવાઓથી તેમના સમગ્ર કુટુંબમાં સુરક્ષા,સુખ અને સમૃદ્ધી આવ્યાની વાતો કરતા કુટુંબનું એક પણ સભ્ય થાકતું નથી. ૧૯૮૫મા અમદાવાદમાં કોમી અશાંતિ વ્યાપી હતી. ચારે બાજુ આગ પ્રસરી હતી. ત્રિકમભાઈના મુહ્લ્લામાં સૌ ભયભીત હતા. પણ ત્રિકમભાઈ સૌને ધરપત આપતા અને કહેતા,
" ઈશ્વરની કૃપા અને દાવલશાહ પીરની દુવાથી આપણા વિસ્તારમાં કઈ નહિ થાય."
એ જ રાતે તેમને સ્વપ્નમાં દાવલશાહ પીર આવ્યા અને કહ્યું," બચ્ચા, એક સળગતું ચક્ર દિલ્હી દરવાજા થઈ,સલાપસ રોડ થઈ,ત્રણ દરવાજા થઈ ચાલ્યું જશે. તમારા વિસ્તારને કશુજ થશે નહિ"
અને સાચ્ચેજ એમ થયું.



તેમનો આખો વિસ્તાર તેમના કહેવા મુજબ દાવલશાહ પીરની દુવાથી બચી ગયો.
અમદાવાદના મોટા સૂફી સંત હઝરત શાહેઆલમ સાહેબના ખીદમતગર તરીકે જાણીતા અબ્દુલ લતીફ બિન મલિક ઉર્ફ હઝરત દાવલશાહની અસલ મઝાર સૌરાષ્ટ્રના મોરબી શહેર નજીક હાલર (જોડિયા) પાસે આમરણ ગામે આવેલ છે. આ જ દાવલશાહ પીર ગુજરાતના સુલતાન મહેમુદ બેગડાના માનીતા ધાર્મિક ઉમરાવ હતા. હઝરત દાવલશાહ સાહેબનો સમગ્ર વ્યવહાર ઇસ્લામના કાનુન મુજબ જ ચાલતો હતો. ઈબાદત અને ઈમાનદારી તેમના જીવનના મુખ્ય ઉદેશો હતા. મિરાતે સિકંદરીમાં તેની નોધ લેતા લખ્યું છે,
" યુદ્ધના સમયમાં એકવાર સીપાયોએ પોતાના ચાર દિવસ ભૂખ્યા ઘોડાઓને કોઈના ખેતરમાં ચરવા છોડી મુક્યા.એ જોઈ દાવલશાહ સાહેબ બોલી ઉઠ્યા " ખુદાનો ખોફ (ડર) રાખો અને તમારા ઘોડાઓને સબ્ર શીખવો"

સિપાયોએ જવાબ વાળ્યો ,
" ઘોડાઓ ચાર દિવસથી ભૂખ્યા છે. તેમનામાં સબ્ર ક્યાંથી આવે ?"
સીપાયોનો જવાબ સાંભળી દાવલશાહ સાહેબે પોતાનો ઘોડો ખુલ્લા ખેતરમાં છૂટો મૂકી દીધો. ઘોડાએ ખેતરનું એક તણખલું મોંમાં ન લીધું. સૌ સિપાયો હઝરત દાવલશાહના ઘોડાની સબ્ર જોઈ રહ્યા.ત્યારે આપે ફરમાવ્યું ,
" તમારી સબ્ર અને ઈમાનદારીનો પ્રભાવ તમારી સાથે જીવતા દરેક જીવ પર પડે છે."
આવા પાક સુફીસંત દાવલશાહ પીરની વફાત જીલ્કાજ માસના ૧૧માં ચાંદે હિજરી સવંત ૯૧૨ ઈ.સ. ૧૫૦૬ના રોજ થઈ હતી.
મિરાતે સિકંદરીના કર્તા લખે છે,
" હઝરત દાવલશાહની વફાતને એક સો પાંચ વર્ષ થયા છતાં હજુ પણ લોકોની ભીડ તેમની દરગાહ પર જામે છે."
આજે પણ આમરણ ગામે તેમના ઉર્ષમાં માનવ મહેરામણ ઉભરાય છે, અને શ્રધાની જ્યોત જ્યાં સુધી પ્રગટતી રહેશે ત્યાં સુધી માનવ મહેરામણ ઉભરાતું રહેશે.

No comments:

Post a Comment