Thursday, March 7, 2019

હઝરત યુસુફ અલૈ. અને ઝુલેખાનો કિસ્સો : ડૉ. મહેબૂબ દેસાઈ



ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાન એ શરીફમાં અનેક વિષયોને આવરી લેવામાં આવ્યા છે. સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક વિષયો સાથે અનેક ઉપદેશાત્મક કથાઓ પણ કુરાને શરીફમાં આપવામાં આવેલ છે. અને એટલે જ કુરાને શરીફએ માત્ર ધાર્મિક  ગ્રંથ નથી. સાચા અર્થમાં કુરાને શરીફ સમગ્ર માનવ સમાજને જીવન જીવવાની કળા શીખવતો અદભૂત ગ્રંથ છે. આજે એ ગ્રંથમાં આપવામાં આવેલ હઝરત યુસુફ અલૈ. અને ઝુલેખાની કથાની વાત કરવી છે. હઝરત યુસુફની કથા કુરાન એ શરીફના બારમાં પ્રકરણમાં આપવામાં આવેલ છે. ૧૧૧ આયાતો અને ૧૨ રુકુમાં પથરાયેલી આ કથા જીવનના મુલ્યોને સાકાર કરતી એક ઉત્તમ બોધકથા છે. આ કથા માત્ર આ જ સુરત આપવામાં આવેલ છે. સમગ્ર કુરાનમાં બીજીવાર તેનું ક્યાંય વર્ણન થયું નથી. આ કહાનીને પવિત્ર કુરાનમાં “એહસનુલ કસસ” અર્થાત અનુપમ કહાની કહેવામાં આવી છે. આ કથા અનેક લેખકો અને કવિઓની કથાનું કેન્દ્ર પણ બની છે. સૌ પ્રથમવાર ફારસી કવિ નુરુદ્દીન અબ્દુલરહેમાન જામી (૧૪૧૪-૧૪૯૨)એ પોતાની રચના “હપ્ત અવરંગ”માં આ કથાને રજુ કરી હતી. એ પછી મહમૂદ ગામી (૧૭૫૦-૧૮૫૫)એ કાશ્મીરીમાં આ કથાને સાકાર કરી. હાફીઝ  બરખુરદાર (૧૬૫૮-૧૭૦૭)એ પંજાબીમાં આ કથાને રજુ કરી હતી. શેખ નિસારે અવધીમાં તેને કાવ્ય રૂપે રજુ કરી છે. કુરાને શરીફ ની આ જ કથાને કવિ નિસારે ૧૯૧૭-૧૮મા પ્રેમદર્પણ નામે રજુ કરેલ છે. શાહ મુહમ્મદ સગીરે પણ આ જ કથાને ૧૪મી સદીમાં બાંગલામાં રજુ કરી હતી. સૂફી સંતો ફિરદૌસ, અમીર ખુસરો અને બુલ્લેશાહએ પણ પોતાની રચનાઓમાં આ કથાને સાકાર કરેલ છે. આવી અદભૂદ કથામાં હઝરત યુસુફ અલૈ. ના જીવનના બોધદાયક પ્રેમ પ્રસંગનું ચિત્રણ કરવામાં આવ્યું છે. જેમાં તેમનું શુદ્ધ ચારિત્રતે અભિવ્યકત થાય છે. આજે એ નાનકડી પ્રેમકથા માણીએ.

પિતાના વહાલા પુત્ર યુસુફ અલૈ.પોતાના ભાઈઓની ઈર્ષાનો ભોગ નાનપણથી બનતા રહે છે. અને તેના કારણે જ તેમના ભાઈઓ તેમને એક અવાવરા કુવામાં નાખી દે છે. ત્યાંથી તેમને એક રાહબર બચાવી, તેમને સજાવી ગુલામ તરીકે વેચવા બજારમાં મુકે છે. આવો અતિ સુંદર ગુલામ સૌ કોઈ ખરીદવા ન લલચાય ?. પણ અઝીઝ નામના એક અમીરે યુસુફ અલૈ.ને ખરીદી લીધા. ખરીદતી વેળા એ અઝીઝ સમજી ગયા હતા કે “તેમણે એક અણમોલ રતન ખરીદ્યું છે.” યુસુફ અલૈ.ની પ્રમાણિકતા, પવિત્રતા, કામ કરવાની ધગસ અને સુઝબુઝ, નિયમિતતા, સહનશીલતા અને બુદ્ધિ ચાતુર્ય અને અત્યંત ખુબસુરતી જોઇને અઝીઝ અને તેમની પત્ની ઝૂલેખા તેમની સાથે આદર પૂર્વક વ્યવહાર કરતા હતા. વીસેક વર્ષના ભર યુવા હઝરત યુસુફ અલૈ.નું અદભૂત સૌંદર્ય કોઈ પણ સ્ત્રીનું મન મોહી લે તેવું હતું. અને એમ જ બન્યું. હઝરત અઝીઝની પત્ની ઝુલેખા ગુલામ હઝરત યુસુફ અલૈ. પર મોહી ગઈ. પણ અત્યંત ચારિત્રવાન યુસુફ અલૈ. પર તેમના પ્રેમનો જાદુ ન ચાલ્યો. પણ એક દિવસ ઝુલેખાએ ઘરના બધા દરવાજા બંધ કરી દીધા. અને તેણે હઝરત યુસુફ અલૈ.ને રીઝવવાનો પ્રયાસ કર્યો. યુસુફ અલૈ. માટે આ કપરી કસોટીનો સમય હતો. એક ખુબસુરત સ્ત્રી તેમને સામેથી સહર્ષ આવકારી રહી હતી. પણ યુસુફ અલૈ. ઝુલેખાના ઈરાદાઓને પામી ગયા હતા. તેમણે અલ્લાહનો ખોફ પોતાના દિલમાં મજબૂત રીતે પકડી રાખ્યો હતો. ખુબ જ નમ્ર ભાવે તેમને ઝુલેખાને કહ્યું,
“હું અલ્લાહની પનાહ માંગું છું. મારાથી એ કૃત્ય નહિ થયા. હું અલ્લાહની અવગણના નહિ કરી શકું. વળી, જેણે મને ગુલામીની દશામાં ન રાખતા પોતાના પુત્ર જેમાં રાખ્યો છે, તેવા મારા માલિકનો હું કૃત્ઘ્ની  બની શકું નહી.”
આ પ્રસંગનું વર્ણન પવિત્ર કુરાનમાં સૂરે યુસુફની આયાત ૨૫ થી ૨૯માં આપવામાં આવ્યું છે. તેનો ટૂંક સાર નીચેના શબ્દોમાં આપી શકાય.
 “આમ યુસુફ અલૈ.એ દરવાજો ખોલી બહાર નીકળવા કદમો માંડ્યા. પણ તેમને રોકવા ઝુલેખાએ દોટ મૂકી. અને હઝરત યુસુફ અલૈ.નું પહેરણ પાછળથી પકડી લીધું. હઝરત યુસુફ અલૈ. પહેરણ છોડાવી આગળ જવા લાગ્યા. એ ખેંચતાળમાં હઝરત યુસુફ અલૈ.નું પહેરણ ફાટી ગયું. આમ પહેરણ ઝુલેખના હાથમાંથી સરકી ગયું. અને હઝરત યુસુફ અલૈ. ઝડપથી દરવાજો ખોલી બહાર નીકળી ગયા. ઝુલેખાએ પોતાના આ કૃત્યને છુપાવવા હઝરત યુસુફ અલૈ. પર આક્ષેપ મુક્યો. અને પોતાના પતિને કહ્યું,
“જે માનવીએ તમારી પત્ની સાથે દુર્વ્યવહાર કર્યો છે. તેને કેદની સજા કરવામાં આવે.”
જો કે હઝરત યુસુફની નિર્દોષતાને સિદ્ધ કરતા એક વ્યક્તિએ કહ્યું કે,
“જો યુસુફનો કુરતો આગળથી ફાટેલો હોય તો તે દોષિત છે પણ જો તેનો કુરતો પાછળથી ફાટેલો હોય તો યુસુફ નિર્દોષ છે. અને સાચે જ યુસુફનો કુરતો પાછળથી ફાટેલો હતો. તેથી તે બિલકુલ નિર્દોષ છે.”
આમ હઝરત યુસુફ અને ઝુલેખાની પ્રેમ કથાનો અંત આવ્યો. જો કે આ પ્રેમ માત્ર એ તરફી હતો. જેમાં માત્ર ઝુલેખાં જ હઝરત યુસુફ તરફ આકર્ષાય હતા. હઝરત યુસુફ એ પ્રત્યે બિલકુલ નિર્લેપ હતા. કુરાને શરીફની આ કથા એ યુગની ઇન્સાફની પરંપરા અને હઝરત યુસુફના શુદ્ધ ચારિત્ર્યને સાકાર કરે છે.





No comments:

Post a Comment