Thursday, November 29, 2018

હઝરત મહંમદ (સ.અ.વ.) સાહેબની હિજરત : ડૉ.મહેબૂબ દેસાઈ


૮ ડિસેમ્બરના રોજ મુસ્લિમ માસ રબી ઉલ અવ્વલ પૂર્ણ થયો અને ઇસ્લામના ચોથા માસ રબી ઉલ આખરનો ૯ ડીસેમ્બરના રોજ આરંભ થયો છે. ઇસ્લામનો ત્રીજો માસ રબી ઉલ અવ્વલ બે બાબતો માટે જાણીતો છે. એક બાબત તો સર્વ વિદિત છે. મહંમદ સાહેબનો જન્મ આ જ માસમા થયો હતો. “ઈદ એ મિલાદ” અર્થાત મહંમદ સાહેબના જન્મ દિવસની ઉજવણી આ જ માસમાં ઇસ્લામના અનુયાયીઓ કરે છે. પણ બીજી બાબતથી મોટે ભાગે સૌ અજાણ છે. આ જ માસમાં મહંમદ સાહેબે મક્કાથી મદીના હિજરત કરી હતી. અને ત્યારથી ઇસ્લામિક હિજરત
સંવતનો આરંભ થયો છે. હિજરત ફારસી ભાષાનો શબ્દ છે. હિજરત એટલે સ્થળાંતર. પ્રયાણ. મહંમદ સાહેબ પર મક્કામાં ઇસ્લામના પ્રચાર સમયે જે યાતનાઓ મક્કાવાસીઓએ ગુજરી હતી, તે ઇસ્લામનો પ્રચાર તલવારથી થયાનું કહેનાર સૌ માટે જાણવા જેવી છે. આજે તેનો થોડો ચિતાર આપણે અનુભવીએ.
મહંમદ સાહેબની વય ૫૦ વર્ષની થઈ હતી. ઇસ્લામના પ્રચાર અર્થે મક્કામાં તેઓ અનેક અડચણો અને પ્રતિકુળ સંજોગો સામે લડી રહ્યા હતા. એ સમય દરમિયાન જ તેમના સૌથી મોટા મુરબ્બી અને ચાહક અબુ તાલિબનું અવસાન થયું. અબુ તાલીબના અવસાનને ત્રણ દિવસ પણ નહોતા થયા અને તેમની પચ્ચીસ વર્ષની સાથી અને પત્ની હઝરત ખદીજાનું અવસાન થયું. મૃત્યુ સમયે હઝરત ખાદીજાની ઉમર ૬૫ વર્ષની હતી. તેમણે મહંમદ સાહેબને મુશ્કેલીના સમયમાં ઘણી હિંમત અને સાંત્વન આપ્યા હતા. આમ મહંમદ સાહેબના મુખ્ય સહાયક બે સ્તંભો તૂટી પડતા, કુરેશીઓ અને ખાસ કરીને કુરેશીઓના સરદાર અબુ સૂફિયા અને અબુ જહાલે મહંમદ સાહેબ માટે મક્કામાં રહેવું કપરું કરી મુક્યું. એક દિવસ મહંમદ સાહેબ ઉપદેશ આપવા મક્કાની બજારમાં નીકળ્યા ત્યારે તેમના માથા પર મળ નાખવામાં આવ્યું. મહંમદ સાહેબ એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર ઘરે પાછા આવ્યા. તેમની દીકરીએ તેમનું માથું ધોઈ આપ્યું. પણ આવી યાતનાઓ જોઈ તે રડી પડી. મહંમદ સાહેબે તેને શાંત પાડતા કહ્યું,
“બેટા, રડીશ નહિ, અલ્લાહ તારા પિતાને અવશ્ય મદદ કરશે.”
ઇસ્લામના પ્રચાર અર્થે થોડા દિવસની સફર ખેડી મહંમદ સાહેબ અને તેમના શિષ્ય ઝેદ તાયફ ગયા. ત્યાં માનવ જૂથોમાં મહંમદ સાહેબ ઇસ્લામ ધર્મની લોકોને સમજ આપતા અને કહેતા,
“ઈશ્વર ખુદા નિરાકાર છે. તેના સિવાઈ કોઈની ઈબાદત ન કરો. અને સત્કાર્યો કરો.”
પણ તેમના ઉપદેશની કોઈ અસર ન થઈ. તેઓ બોલવાનું શરુ કરતા કે તુરત લોકો શોર મચાવી તેમને બોલતા બંધ કરી દેતા. ઘણીવાર તો તેમના પર પથ્થરમારો કરી તેમને ઘાયલ કરવામાં આવતા. છતાં મહંમદ સાહેબ હિમ્મત ન હાર્યા. અને ઇસ્લામનો પ્રચાર કરતા રહ્યા. એક દિવસ તો લોકોએ તેમને પકડી જબરજસ્તીથી શહેર બહાર કાઢી મુક્યા.અને થોડા માઈલો સુધી લોકો તેમની મજાક ઉડાડતા,ગાળો દેતા અને પથ્થરો મારતા તેમની પાછળ પાછળ દોડ્યા. પથ્થરોના મારથી મહંમદ સાહેબ લોહીલુહાણ થઈ ગયા હતા. ઝેદે તેમને બચાવવાના ઘણા પ્રયત્નો કર્યા. પણ તેમાં તેને કોઈ ખાસ સફળતા ન મળી. લગભગ ત્રણ માઈલ સુધી આ રીતે લોકોએ તેમનો પીછો કર્યો. પછી લોકો પાછા વળ્યા. મહંમદ સાહેબ અને ઝેદ થાકીને એક ઝાડના છાંયામા બેઠા. થોડીવાર પછી મહંમદ સાહેબે ધૂંટણીએ પડી ખુદાને પાર્થના કરી,
“હૈ મારા ખુદા, મારી કમજોરી, લાચારી અને બીજો આગળ જણાતા મારા ક્ષુદ્રપણાની હું તારી પાસે જ ફરિયાદ કરું છું. તું જ સૌથી મહાન દયાળુ છે. તું જ મારો માલિક છે. હવે તું મને કોના હાથોમાં
સોંપીશ ? શું મને ચારે તરફથી ઘેરી વળેલા પરદેશીઓના હાથમાં ? કે મારા ઘરમાં જ તે દુશ્મનોના હાથમાં જેમનો પક્ષ તે મારી વિરુદ્ધ બળવાન બનાવ્યો છે ? પણ તું મારા પર નારાજ ન હોય તો મને  કશી ફિકર નથી. હું તો માનું છું કે તારી મારા પર બહુ દયા છે. તારા દયાભર્યા ચહેરાના પ્રકાશમા જ હું  આશરો માંગું છું. તેનાથી જ અંધકાર દૂર થાય છે અને આ લોક તથા પરલોકમા શાંતિ મળી રહે છે. તારો ગુસ્સો મારા પર ન ઉતારો. તું ખુશ ન થાય ત્યાં સુધી ગુસ્સે થવું એ તારું કામ જ છે. તારાથી બહાર નથી કોઈમાં કશું બળ કે બીજો ઉપાય !”
હવે મહંમદ સાહેબને ખુદા સિવાઈ બીજા કોઈનો આધાર ન હતો. તાયફમાંથી તેમને અપમાનીત કરી  કાઢી મૂકવામા આવ્યા હતા. તેથી તેઓ થોડા દિવસ જંગલમાં રહ્યા. દરમિયાન તેમણે ઝેદને મક્કા મોકલી ત્યાં એક ઓળખીતાનું ઘર પોતાના રહેવા માટે રાખ્યું. કેટલાક વર્ષો તેઓ એ ઘરમાં જ રહ્યા. કાબાની યાત્રા અર્થાત હજના દિવસો દરમિયાન હજ યાત્રાએ આવતા યાત્રાળુઓને તેઓ ઇસ્લામનો ઉપદેશ આપતા. એકવાર તેઓ હજ યાત્રાએ આવેલા યાત્રાળુઓને અક્બની ટેકરી ઉપદેશ આપી રહ્યા હતા, ત્યારે યસરબના કેટલાક યાત્રાળુઓનું ધ્યાન તેમના તરફ ગયું. યસરબ અર્થાત આજનું મદીના શહેર. મહંમદ સાહેબના ઉપદેશની યસરબ વાસીઓ ઉપર ઘાટી અસર થઈ. તેથી તેમાના છ જણાએ ઇસ્લામ અંગીકાર કર્યો. બીજા વર્ષે બીજા છ માનવીઓ હજયાત્રાએ આવ્યા. આ માણસો યસરબના બે મોટા કબીલા ઓસ અને ખઝરજના મુખ્ય માણસો હતા. તેમણે પણ ઇસ્લામ અંગીકાર કર્યો. અને પોતાની સહી સાથે નીચેના વચનો મહંમદ સાહેબને લખીને આપ્યા.
અમે એક ખુદા સાથે બીજા કોઈને ઇબાદતમાં સામેલ કરીશું નહિ. એટલે કે ખુદા સિવાઈ કોઈની ઈબાદત નહિ કરીએ, ચોરી નહિ કરીએ. દુરાચાર નહિ કરીએ. અમારા બાળકોની હત્યા નહિ કરીએ. જાણીબૂઝીને કોઈના પણ જુઠ્ઠો આરોપ નહિ મુકીએ. અને કોઈ પણ સારી વસ્તુની બાબતમાં પયગમ્બરના હુકમનો અનાદર નહિ કરીએ. અને સુખદુઃખ બંનેમા પયગમ્બરને પૂરેપૂરો સાથ આપીશું.”

ઇસ્લામના ઇતિહાસમાં આ લખાણને “અક્બાની પહેલી પ્રતિજ્ઞા” કહે છે. આ પછી મહંમદ સાહેબે ઇસ્લામના પ્રચાર માટે પોતાના એક વફાદાર સાથી મુસઅબને યસરબ મોકલ્યો. યસરબના લોકોના પ્રેમ અને પ્રોત્સાહનને કારણે એ પછી મહંમદ સાહેબે યસરબમા જઈને વસવાનો નિર્ણય કર્યો. આમ મહંમદ સાહેબ રબી ઉલ અવલની આઠમીની સવારે ઈ.સ. ૬૨૨ના સપ્ટેમ્બરની ૨૦મી તારીખે મહંમદ સાહેબ યસરબ પહોંચ્યા.એ ઘટનાને ઇસ્લામમાં હિજરત કહેવામા આવે છે. અને ત્યારથી ઇસ્લામી સંવત “હિજરી” નો આરંભ થયો.


No comments:

Post a Comment