Friday, November 16, 2018

ભક્તિ સાગર : ભજન સંગ્રહ : ડૉ. મહેબૂબ દેસાઈ

હાલમાં જ મને “ભક્તિ સાગર” નામક પુસ્તક તેના સંપાદક ડૉ. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિસ્તી સાહેબે મોકલ્યું છે. તેઓ ગુજરાતના સૂફી વિચારના ચિસ્તી પરંપરાના અગ્ર સંત હઝરત ખ્વાજા બડા સાહબ ચિસ્તી, હઝરત ખ્વાજા મોટામિયા ચિસ્તી, હઝરત ખ્વાજા નિઝામુદ્દીન મોટામિયા ચિસ્તી, હઝરત ફરીદુદ્દીન મોટામિયા ચિસ્તી અને હઝરત ખ્વાજા સલીમુદ્દીન ચિસ્તીના સિધ્ધાં વંશજ છે. કડી, મોટામિયા માંગરોળ, એકલબાર, છોટા ઉદયપુર અને પાલેજમા તેમના વંશજોની મઝારો દરગાહ છે. અને હજારો  હિંદુ મુસ્લિમોનું આસ્થાનું તેમના વડીલો કેન્દ્ર છે. તેઓ ખુદ અભ્યાસુ છે. વિનિયન વિદ્યા શાખના પી.એચડી. છે. તેમણે ઘણા સંશોધન અને જહેમત પછી આ નાનકડા પુસ્તકમાં અલભ્ય એવા હિંદુ મુસ્લિમ સૂફી સંતોના ભક્તિ ગીતોનું સંપાદન કરી આપણી સમક્ષ મુક્યું છે. આ ભક્તિ ગીતો લોક સાહિત્ય અને લોક ભજનો પર અભ્યાસ કરવા ઈચ્છતા અભ્યાસુઓ માટે અણમોલ ખજાનો છે. આજે તે ગ્રંથના થોડા ભજનોની વાત કરીએ.

મોટા મિયા માંગરોળની ગાદીના સૂફી સંત હઝરત કાયમુદ્દીન ચિસ્તી સાહેબના હિંદુ મુસ્લિમ અનેક ભક્તો હતા. તેમાના એક હિંદુ ભકત ઈભરાહીમ ભગત અર્થાત અભરામ ભગત એ યુગમાં ખુબ જાણીતા હતા. તેઓ પરીએજ ગામના રહેવાસી હતા. તેઓ સંપૂર્ણ નિરક્ષર હતા. છતાં તેમના વિચારોમાં સરળતા હતી. તેમના ભક્તિ ગીતોમાં હિંદુ મુસ્લિમ એકતાની સુગંધ અને ભક્તિની એકગ્રતા નીતરતી હતી. તેમનું એક ભજન માણવા જેવું છે.
    “ધન ઓત્તર દેશ, કડી કસ્બાની મ્હાય
    વસેરે પીર કાયમદિન
    હૂં તો ચિસ્તી ઘરાણાની ચેલી,
    મેં લાજ શરમ સર્વે મેલી
    મને લોક કહે છે ઘેલી રે
    પેલા અણસમજુ ને સમજાવીય... ધન ઓત્તર દેશ
    દખણ દેશમાં પરદો લીધો
    એકલબારે જઈ દ્નાકો દીધો છે
    પડદો દેખાડી ફડચોકીધો છે....... ધન ઓત્તર દેશ
    મનેઈસ્ક ઇલાહી લાગ્યો છે
    મારા મનનો ધોકો ભાંગ્યો છે
    પેલો અભરામ નિંદ્રાથી જાગ્યો છે. .... ધન ઓત્તર દેશ”
 
અભરામ ભગતના ભજનોમાં હિંદુ ઇસ્લામ બંને ધર્મને સાથે રાખી ઈબાદતનો એક નવો માર્ગ કંડારવાની અદભૂત નેમ જોવા મળે છે. એક અન્ય ભજનમાં અભરામ ભગતની એ ભાવના સરળ શબ્દોમાં અભિવ્યક્ત થાય છે.

“નેહ મને લાગ્યો રે, નબીરે રસુલનો રેજી, પીયુજી પૂરે મનની આશ
 સાધન કરવાં રે બાઈ મારે સુલટારેજી, જોયા મેં મીઠા મહુમદ ખાસ

મુલ્લાં ને કાજીરે, મોટા મોટા મોલવીરેજી, પંડિત જોશી પામે નહિ કોઈ પાર
ઇલમને આધારે રે, અહંકાર બહુ કરેરેજી, તેથી ન્યારો છે કિરતાર

સઉ ઇલમનોરે, ઇલમ એક છે રેજી , બાઈ જેનું અલખે કહીએ નામ
ભાવ કરીનેરે, જે કોઈ રૂદે ઘરે રેજી, બાઈ તેનું સરયુ સર્વે કામ”

એવા જ અન્ય હિંદુ ભક્ત હતા પૂજાબાવા. મૂળમાં ખંભાતના ખારવા-ખલાસી જાતિના હતા. તેમનું રહેણાંક ભરૂચમાં હતું. હઝરત શાહ કાયમુદ્દીન ચિશ્તીના તેઓ શિષ્ય હતા. તેમના તરફથી તેમને જ્ઞાનની પ્રસાદી મળી હતી. પૂજાબાવાને માનનાર ખારવા લોકો ખંભાત, વડોદરા, અમદાવાદ, ભરૂચ, સુરત અને મુંબઈમાં વસે છે. પૂજબાવાના ભજનો આજે પણ ગવાઈ છે. તેમના ભજનોની ખાસિયત સરળ ભાષા અને ભક્તિની મીઠાશ છે.

“છે પીર અમારા સાચા રે કાયમદીન બાવા
 આપી છે મુજને વાચા રે કાયમદીન બાવા

પીર મારા બીરાજા છો એકલબરે,
રંકની ચડો વારે રે  કાયમદીન બાવા

મોટા રે મોટા સાધુને આપે ઉગાર્યા
કંઈકને પલમાં તાર્યા રે કાયમદીન બાવા

સેવકને ઉગાર્યો છે મહેર કરીને
મારા દુખડા સૌ હરિને કાયમદીન બાવા

“પૂજાનો” સ્વામી પ્રીતે થઈ ગયો રાજી
જીતાડી રૂડી બાજીરે કાયમદીન બાવા
હિંદુ ભક્તોના મુસ્લિમ ઓલિયાઓ કે પીર સાહેબો પર લખાયેલા ભજનો જેવાજ ભક્તિભાવથી ભરપૂર મુસ્લિમ સંતોના હિંદુ ધર્મને વાચા આપતા ભજનો પણ માણવા જેવા છે. હઝરત બડા સાહેબ ચિસ્તીના ભજનો તેની સાક્ષી પૂરે છે.
“હમ કો જાનતે નહિ કોઈ, હમ તો સોહી પુરુષ હૈ વોહી રે

સત જુગ હમેં મહાદેવ થાયે, પારવતી હમ લાયે રે
ગંગા કો હમ જટામેં છૂપાયે, તો આક ધતુર ખાયે રે

ભાગીરત ભગવાન બન આએ, કાયા પલટ હમ આયે રે
ભાસ્માસૂરકો નાચ નાચયે, તો અચેતન અગ્નિ જલાયે રે

ત્રેતા જુગમે હમ રામ હો આયે, લંકા પાર સેન ચડાય રે
સાગર પર હમ પાલ બંધાયે, તો રાવણ માર ગિરાય રે”

આવા અદભૂત લોક ભજનોનો સંગ્રહ આપનાર ડૉ. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિસ્તી સાહેબને સલામ  

No comments:

Post a Comment