Monday, September 24, 2018

ઇસ્લામ અને રામધારી સિંહ “દિનકર” : ડૉ. મહેબૂબ દેસાઈ


રામધારી સિંહ “દિનકર” (૧૯૦૮ થી ૧૯૭૪) હિંદી સાહિત્યનુ એક મોટું નામ છે. ૨૩ સપ્ટેમ્બરના રોજ તેમની ૧૦૯મી જન્મજયંતિ ગઈ. પદ્મશ્રી (૧૯૫૯) અને જ્ઞાનપીઠ પુરસ્કાર (૧૯૭૨) વિજેતા દિનકરજીનો ગ્રંથ “સંસ્કૃતિ કે ચાર અધ્યાય” આજે પણ વાચકો, વિવેચકો અને બુદ્ધિજીવીઓમાં વંચાય છે, વિચારાય છે. આ એ જ ગ્રંથ છે જે માટે દિનકરજી ને “સાહિત્ય અકાદમી પુરસ્કાર” (૧૯૫૯) વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના હસ્તે આપવામાં આવ્યો હતો. તેમના આ ગ્રંથ “સંસ્કૃતિ કે ચાર અધ્યાય”મા ભારતીય સંસ્કૃતિના વિકાસની યાત્રા સરળ શબ્દોમાં આલેખવામાં આવી છે. એ ગ્રંથમાં તેમણે ભારતની સંસ્કૃતિ સાથે જોડાયેલા દરેક ધર્મની વાત કરી છે. દિનકરજીએ પોતાના આ ગ્રંથમા ઇસ્લામ અંગેના પોતાના વિચારો સુંદર અને આધારભૂત રીતે આલેખ્યા છે. ઓસ્ટ્રેલિયાના ઠંડા વાતાવરણમાં એ ગ્રંથનું ઇસ્લામ વિષયક પ્રકરણ પુનઃ વાંચવાની તક સાંપડી. ઇસ્લામની સાચી સમાજ પામવા ઇચ્છતા દરેક મુસ્લિમ કે ગેર મુસ્લિમે એ પ્રકરણ એકવાર અવશ્ય વાંચવું જોઈએ. આજે એ પ્રકરણના કેટલાક ઉત્તમ વિચારોનું પાન કરીએ. દિનકરજીએ ગ્રંથથી ત્રીજી આવૃત્તિની ભૂમિકામા લખ્યું છે,
“ઇસ્લામ ખંડ (પ્રકરણ) નું મેં સંપૂર્ણ રીતે પુનઃ લેખન કર્યું છે. વીસમી સદીમા ભારતના જે ભાગલા થયા, તેના મૂળ મુઘલ કાળમા જ શેખ અહમદ સર હિન્દના પ્રચારમાં છે. એ વિચારનું અહિયાં વિશેષ રૂપથી મેં આલેખન કર્યું છે. આશા છે ભારતની સાંપ્રદાયિક સમસ્યા સમજવામાં વાચકોને મદદરૂપ થઈ પડશે.”
ગ્રંથના ત્રીજા અધ્યાય “હિન્દુ સંસ્કૃતિ ઔર ઇસ્લામ” નું બીજું પ્રકરણ “ઇસ્લામ” નામક છે. વીસ પાનાના આ પ્રકરણમાં દિનકરજીએ ઇસ્લામ અંગે પોતાના સુંદર વિચારો વ્યક્ત કર્યા છે.
પ્રકરણના આરંભમાં દિનકરજી ઇસ્લામ શબ્દની સમજ આપતા લખે છે,
“ઇસ્લામ અરબી ભાષાનો શબ્દ છે. જેનો અર્થ શાંતિમાં પ્રવેશ થાય છે. અર્થાત મુસ્લિમ એ વ્યક્તિ છે જે પરમાત્મા અને મનુષ્ય માત્ર સાથે શાંતિ પૂર્ણ સંબધ રાખે છે. અતઃ ઇસ્લામ શબ્દનો લાક્ષણિક અર્થ એ થાય છે કે એવો ધર્મ જેના દ્વારા મનુષ્ય ઈશ્વરની શરણ લે છે અને દરેક મનુષ્ય સાથે પ્રેમ અને અહિંસાથી વર્તન કરે છે.”
દિનકરજી અલ્લાહ અંગે કહે છે,
“અલ્લાહ શબ્દનો અર્થ જ શક્તિ સંપન પુરુષ છે. ઇસ્લામમાં ઈશ્વર કે અલ્લાહના એ ગુણને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અલ્લાહ સર્વ શક્તિમાન છે. ઇસ્લામની ધાર્મિક ચેતનાનું રૂપ એ છે કે ઈશ્વર અત્યંત નજીકથી બધું જુવે છે. અને તેની નાની પણ અવગણના ગ્રાહ્ય નથી. મનુષ્ય માટે એ જ ઉચિત છે કે અલ્લાહની કૃપા અને ઈચ્છા પર આંખ બંધ કરીને વિશ્વાસ કરે. અલ્લાહની દયા પર સંપૂર્ણ રીતે નિર્ભર રહેવું એ ઇસ્લામની સૌથી મોટી વિશિષ્ટતા છે.”
“કુરાન જે અલ્લાહને માને છે તે જોવા અને સાંભળવા, વાતચીત કરવા અને ખુશી અને ગમને મહેસૂસ કરનારા છે. તે પ્રેમ પણ કરે છે, ધ્રુણા પણ કરે છે. બંદાનો અવાજ પણ સાંભળે છે. અને દૃષ્ટોનું દમન પણ કરે છે.પણ અલ્લાહના આ તમામ કાર્યો મનુષ્યના કાર્યો જેવા નથી. કારણ કે તેને મનુષ્યો જેમ નાક, કાન અને આંખો નથી. એ તો નિરાકાર છે. તે પ્રેમ અને દયાનો દરિયો છે. અને તે અર્શ (આકાશ)મા બિરાજે  છે.
પાંચ સમયની નમાઝ અંગે દિનકરજી કહે છે,
“પાંચ વારની નમાઝ પઢવાની પ્રથાના મૂળમા કદાચ એવો ભાવ રહેલો છે કે માનવી વધુ વાર અલ્લાહથી દૂર ન રહે. દિવસમાં ઓછામા ઓછા પાંચવાર તે અલ્લાહના શરણમાં પહોંચી જાય. અને તેની કૃપાની યાચના કરે.”
કુરાને શરીફ અંગે દિનકરજી લખે છે,
“કુરાનનું અવતરણ હઝરત મહંમદ સાહેબની દિવ્ય દ્રષ્ટિને કારણે થયું છે. પણ કુરાને શરીફમા એવું ક્યાંય નથી કહ્યું કે દિવ્ય દ્રષ્ટિ માત્ર મહંમદ સાહેબને જ મળી છે. પ્રત્યેક જાતિમાં દિવ્ય દ્રષ્ટિ ધરાવનાર ઉત્પન થયા છે. અને એટલે જ સાચો મુસ્લિમ દરેક ધર્મ ગ્રંથોને માન આપે છે. તેને પ્યાર કરે છે. કારણ કે દરેક ધર્મ ઈશ્વર ખુદાની જ દેન છે. સામાન્ય ફકીરમા પણ દિવ્ય દ્રષ્ટિ હોય શકે છે. પણ મહંમદ અને ફકીરમા ભેદ છે. મહંમદ પયગંબર (અમ્બિયા) હતા, જયારે ફકીર જ્ઞાની (આલીમ) હોય છે.”   
ઇસ્લામનો “જિહાદ” શબ્દ આજે જે રીતે બદનામ થઈ ગયો છે. તેના સંદર્ભમા દિનકરજી કહે છે,
“જિહાદ શબ્દ જહદ ધાતુ પરથી આવ્યો છે. જેનો અર્થ તાકાત, શક્તિ કે યોગ્યતા થાય છે. અંગ્રેજી વિદ્વાન ક્લેન ના મતે જિહાદ એટલે સંઘર્ષ. તેણે જિહાદ અર્થાત સંઘર્ષને ત્રણ વિભાગોમાં વિભાજીત કરેલ છે.
૧. દ્રશ્ય શત્રુ સામે સંઘર્ષ
૨. અદ્રશ્ય શત્રુ સામે સંઘર્ષ
૩. ઈન્દ્રીઓ સામે સંઘર્ષ
“સાધારણ વિદ્વાનોના મત મુજબ ઇસ્લામના પ્રચાર પ્રસાર માટે જે યુધ્ધો થયા, તેને એક પવિત્ર નામ આપવા માટે જિહાદ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. પરંતુ મુસ્લિમ વિદ્વાન મહમદ અલી કહે છે, આ શબ્દનો અર્થ ઇસ્લામના પ્રચાર માટે થયેલા યુધ્ધો નથી. કુરાને શરીફમા જ્યાં જ્યાં આ શબ્દ આવ્યો છે, ત્યાં ત્યાં એ શબ્દનો અર્થ પરિશ્રમ, ઉદ્યોગ કે સામાન્ય સંઘર્ષ તરીકે કે જ થયો છે. મહંમદ સાહેબ (સ.અ.વ.) એ યુદ્ધની પરવાનગી ત્યારે આપી હતી, જયારે તેઓ હિજરત કરીને મદીના આવ્યા હતા. મદીનામાં આત્મ રક્ષણ માટે તલવાર ઉપાડવી તેમના માટે આવશ્યક થઈ ગઈ હતી. એ પછી જ યુધ્ધો જિહાદના નામે લડાવા લાગ્યા. પરંતુ ત્યારે પણ જિહાદનો વ્યાપક અર્થ કરવામાં આવતો હતો. જેમાં તલવાર અને વાણી બંનેનો સમાવેશ થતો હતો. કુરાને શરીફમા કહ્યું છે, “એ નબી, જે કાફિર અને પાખંડી છે તેમના વિરુદ્ધ તારી જિહાદ ચાલુ રાખ. અને તેમની સામે વિચલિત ન થા.” હદીસમા તો હજને પણ એક જિહાદ તરીકે આલેખવામાં આવેલ છે. અને કહેવામાં આવ્યું છે, “નબીએ કહ્યું છે સૌથી મોટી જિહાદ હજમાં જવું છે.” પણ પછી રૂઢીચુસ્ત મૌલવીઓએ જિહાદનો અર્થ માત્ર યુદ્ધ કરી નાખ્યો.”
દિનકરજી આગળ લખે છે,
“મુહમદ અલી નામના વિદ્વાન કહ્યું છે,

“વિધર્મીઓને તલવારના જોરે ઇસ્લામમા લાવવાનું કુરાનમાં ક્યાય કહેવામાં આવ્યું નથી. હઝરત મહંમદ પયગંબર સાહેબ (સ.અ.વ.)એ પણ કયારેય એ વાત કહી નથી.”   

No comments:

Post a Comment