Saturday, May 26, 2018

કુરાને શરીફનું સંકલન : ડૉ. મહેબૂબ દેસાઈ


 એ વાત ઇસ્લામમાં જાણીતી છે કે હઝરત મહંમદ (સ.અ .વ.) સાહેબ પર  વહી દ્વારા  ૨૩ વર્ષ સુધી જે  આયાતો ઉતરી તેનું સંકલન એ જ કુરાને શરીફ.  પણ મહંમદ સાહેબ પર  વહી ઉતરતી  હતી ત્યારે તેને નોંધનાર કે તેને કંઠસ્થ રાખનાર જૂજ સહાબીઓ હતા . પયગંબર સાહેબની વફાત પછી પયગમબરીના જુઠ્ઠા દાવરદારો, ઇસ્લામના વિરોધીઓ અને ઝકાતનો ઇન્કાર કરનારઓ સાથેના અનેક સંઘર્ષોમાં કુરાને શરીફની આયાતો જાણનાર અનેક હાફીઝો શહિદ થઇ ગયા. ખાસ કરીને યમામાની ભયંકર લડાઈઓમાં એટલા બધા હાફીઝો  શહીદ  થઇ ગયા કે હઝરત ઉમર (ર.અ.)ના મનમાં ભય ઉત્પન થયો  કે આવી રીતે કુરાને શરીફની આયાતો કંઠસ્થ રાખનાર સહાબીઓ શહીદ થતા રહેશે, તો કુરાને શરીફનો મોટો ભાગ નષ્ટ થઇ જશે.
હઝરત અબુ બક્ર (ર.અ ) મહંમદ  સાહેબ (સ.અ .વ.)ની વફાત અર્થાત અવસાન પછી ઇસ્લામના પ્રથમ ખલિફા બન્યા (ઈ.સ. 8 જૂન, 632- 23 ઓગસ્ટ, 634 ). તેમનું અંગત જીવન અને ચરિત્ર અંત્યંત શુદ્ધ હતા.  તેઓ પાબંધ નમાઝી હતા. જયારે હઝરત ઉમર ઇસ્લામના બીજા ખલિફા હતા (ઈ.સ. 23 ઓગસ્ટ, 634-7 નવેમ્બર  644 ). તેઓ પણ અત્યંત પવિત્ર અને ઇસ્લામના  પ્રખર અનુયાયી હતા. હઝરત અબુબક્ર  અને હઝરત ઉમર વચ્ચે એક અદભુત સમજદારી અને સાતત્ય હતું. પ્રથમ ખલિફા હોવા છતાં હઝરત અબુ બક્ર  હઝરત ઉમરને ખુબ માનતા હતા. હઝરત અબુ બક્રના  ખલીફા તરીકેના સવા બે વર્ષના શાસનકાળ દરમિયાન તેમણે હઝરત ઉંમરના અભિપ્રયો  અને સુચનોનું બાઇજ્જત અમલીકરણ કર્યું  હતું. અને એટલે જ જયારે પોતાનો   ઉત્તરાધિકારી નિયુક્ત કરવાનો સમય આવ્યો ત્યારે તેમણે હઝરત ઉંમરનું નામ જ સૂચવ્યું હતું  .
હઝરત અબુ બક્ર ના શાશન કાળ  દરમિયાન જ હઝરત ઉમરને કુરાને શરીફની તમામ આયાતોને એકત્રિત કરવાનો વિચાર આવ્યો  હતો. તેમણે  એ વિચાર ખલિફા હઝરત અબુ બક્ર ને જણાવ્યો. હઝરત ઉંમર (ર.અ.)ના આ વિચાર સાથે આરંભમાં ખલોફા હઝરત અબુ બક્ર  સંમત ન હતા. તેમની દલીલ હતી,
જે કામ અલ્લાહના રસુલ હઝરત મહંમદ પયગમબર સાહેબ (સ.અ.વ.) એ નથી કર્યું, એ કાર્ય આપણે કેવી રીતે કરી શકીએ?”
પરંતુ હઝરત ઉમર (ર.અ.) તેમને કુરાને શરીફની આયાતોને એકત્રિત કરવા પ્રેરતા રહ્યા અને કહેતા રહ્યા,
અલ્લાહના રસુલ મહંમદ સાહેબ (સ.અ.વ.) પર વહી દ્વારા ઉતરેલ આયાતોને જાળવવાની આપણી પવિત્ર ફરજ છે.
અંતે હઝરત અબુ બક્ર (ર.અ ) સંમત થયા. પણ એ કાર્ય કપરું હતું. મહંમદ  સાહેબને વહી અર્થાત ખુદાનો સંદેશ આવતો ત્યારે તેમના સહાબીઓ અથવા અનુયાયીઓ તે વહીને કંઠસ્થ કરી લેતા અથવા એ વહી ઝાડની છાલ પર કે પથ્થર પર કોતરી નાખતા. કેટલીક વહી ચામડાઓ પર પણ લખાયેલી હતી. કેટલીક વહી ખુદ મહંમદ  સાહેબને પણ કંઠસ્થ રહી જતી હતી. પણ એ તમામ વહી કે આયાતોનું સંકલન કરવાનું કાર્ય  ભગીરથ હતું. જેનો આરંભ મહંમદ  સાહેબની વફાત પછી પ્રથમ ખલિફા હઝરત અબુ બક્ર ના સમયમાં થયો. હઝરત મહંમદ  પયગંબર સાહેબના સમયમાં તેમની વહીઓની નોંધ રાખનાર જૈદ  બિન સાબિત હતા. ખલિફા હઝરત અબુ બક્રએ  કુરાને શરીફના સંકલનનું કાર્ય તેમને સોંપ્યું . જો કે પહેલા તો એ પણ આ કાર્ય સ્વીકારતા સંકોચ અનુભવાતા હતા.પણ પછી તે જવાબદારી તેમણે  સ્વીકારી .
આનો અર્થ એ નથી થતો કે ખલિફા હઝરત અબુ બક્રના  સમયમાં કુરાને શરીફનું સર્જન થયું.  મહંમદ  સાહેબના સમયમાં જ કુરાને શરીફની આયાતો અને સુરતો ક્રમવાર હતી. તે પારા  અર્થાત પ્રકરણ પ્રમાણે ગોઠવાયેલ  પણ હતી. સુરતોને નામ પણ આપવામાં આવ્યા હતા. માત્ર  હઝરત અબુ બક્ર ના સમયમાં એ તમામ આયાતો અને સુરતોને વ્યવસ્થિત રીતે એકત્રિત કરી તેને  એક સંપૂર્ણ ગ્રંથનું સ્વરૂપ  આપવામાં આવ્યું. આમ અત્યાર સુધી વેરવિખેર પડેલની આયાતો ભેગી થઇ અને તેનું પવિત્ર ગ્રંથ  કુરાન શરીફ સ્વરૂપે અવતરણ થયું.  તેને સહીફા સિદ્દીક અથવા મસહફે સિદ્દીક પણ કહે છે. આમ હઝરત જૈદ બિન સાબિત દ્વારા તૈયાર કરવામાં આવેલ કુરાને શરીફની આ પહેલી પ્રત હઝરત અબુ બક્રની તિજોરીમાં સુરક્ષિત રાખવામાં આવી.એ પછી તે હઝરત ઉમરના કબ્જામાં આવી. હઝરત ઉમરે  એ પ્રત  હઝરત હફઝા ને સુરક્ષિત રીતે રાખવા આપી. અને તેની સાથે વસિયત પણ કરી કે,
કુરાને શરીફની એ પ્રત કોઈને ન આપશો. અલબત્ત કોઈ તેની નકલ કરવા ઈચ્છે કે પોતાની પાસે રહેલી નકલ ચેક કરવા ઈચ્છે તો તકેદારી સાથે આપશો”  
હઝરત  ઉસ્માન ખલિફા બન્યા પછી તેમણે  કુરાને શરીફની મૂળપ્રતની કેટલીક નકલો તૈયાર કરાવી અને જુદા જુદા સ્થાનો પર મોકલી હતી. જયારે મદીનાના ગવર્નર તરીકે મરવાન આવ્યો, ત્યારે તેણે કુરાને શરીફની અસલ પ્રત હઝરત હફઝા  પાસેથી મેળવવાની કોશિશ કરી હતી. પણ હઝરત હફઝાએ તે આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. જો કે મુસ્લિમ શિયા પંથના અનયુઆયીઓ માને  છે કે મહંમદ  સાહેબના અવસાનના છ માસ  જ અલી ઈબ્ન અબુ તાલિબે કુરાને શરીફની પ્રત  મેળવી લીધી હતી. તે જ મૂળભૂત કુરાને શરીફ છે. પણ આ સાથે મુસ્લિમ સુન્ની પંથના અનુયાયીઓ સંમત થતા નથી.
ટૂંકમાં આજે ઇસ્લામના પવિત્ર ગ્રંથ તરીકે અસ્તિત્વમાં છે તે કુરાને શરીફ અનેક મંઝિલો પાર કરી આજના સ્વરૂપમાં આપણી સમક્ષ આવેલ છે. જેના આદેશો અને હિદાયતો આજે પણ એટલા જ સત્ય અને અસરકારક છે. બસ માત્ર જરૂર  છે તો તેના ઇમાનદારી પૂર્વકના  અમલની. અલ્લાહતઆલા  આપણને સૌને તેનો  નિષ્ઠાપૂર્વક અમલ કરવાની શક્તિ આપે એ જ દુવા : આમીન


1 comment:

  1. શુ મહંમદ સાહેબે 51 વર્ષ ની ઉંમર માં 6 વર્ષ ની આયેશા સાથે નિકાહ કર્યા હતા ?? સોશિયલ મીડિયા ના સમાચાર અનુસાર .

    જો સાચા હોય તો શા કારણે ??

    ReplyDelete