Friday, April 13, 2018

શબે-બરાત : ડૉ. મહેબૂબ દેસાઈ

વર્ષો પૂર્વે બયતુલમાલ, કપડવંજ તરફથી શબે-બરાત અંગે એક સુંદર પત્રિકા પસિદ્ધ થઈ હતી. મારી અંગત લાઈબ્રેરીમા મેં તે સાચવી રાખી હતી. આ વખતે ૩૦ એપ્રિલ સોમવારની રાતથી શબે બરાતનો આરંભ થશે અને ૧ મેંની સાંજે તે પૂર્ણ થશે. આજે શબે-બરાતની એ પત્રિકાની કેટલીક સુંદર વિગતોની વાત કરવી છે. આ રાત્રી ઇસ્લામના દરેક અનુયાયી માટે સંપૂણ ઈબાદતનો સમય છે. અને એટલે જ ઇસ્લામમાં શબે બરાતને ભરપૂર ઈબાદતની રાત્ર કહેવામાં આવે છે. ઇસ્લામિક માસ શાબાન ઇસ્લામિક વર્ષનો આઠમો મહિનો છે. જે ઘણી જ બરકતોથી ભરપૂર માસ છે. આ એ મહિનો છે જેના અંગે અલ્લાહના પ્યારા પયગંબર હઝરત મહંમદ સાહેબે ફરમાવ્યું છે,
શઅબાનો શહરી-વ- રમઝાનો શહરુલ્લાહ
અર્થાત
શાબાન મારો મહિનો છે અને રમઝાન અલ્લાહનો માસ છે.
ખુદાના માસ રમઝાન પછી સૌથી વધુ ફઝીલત અને બરકતવાળો માસ શાબાન છે. જેમાં ખુદાની ઈબાદતને વિશેષ પ્રાધાન્ય છે. શાબાન માસના ઉત્તમ અને ઈબાદતના દિવસો અને રાત્રીઓમા સૌથી મહત્વની રાત્રી શબે બરાત છે. શબ એટલે રાત્રી અને બરાત એટલે આદેશ-હુકમનામું. ઇસ્લામિક માસ શાબાનના ચૌદમા  દિવસ પછી આવતી પંદરમી રાતને શબે બરાત કહે છે. આ રાત્રે મુસ્લિમ બિરાદરો પર અલ્લાહની અનેક રહેમતો (કૃપા)ઉતારવામા આવે છે. ઈબાદત કરનાર હરેક બંદા પર ખુદા દ્વારા અનેક નેમતોની વર્ષા થાય છે. એટલે કે આ મુબારક રાતની દરેક ક્ષણની ઈબાદત પર ખુદાની રહેમત વર્ષે છે.
શબે બરાતને દિવસે મુસ્લિમો આખો દિવસ રોઝા અથવા ઉપવાસ રાખે છે. અને ૧૫મીની આખી રાત્રે જાગીને ખુદાની બંદગી કરે છે. તથા કબ્રસ્તાનમા જઈ પોતાના મૃત સ્વજનો માટે પ્રાથના પણ કરે છે. આમ શબે બરાત સાચા અર્થમાં આત્મ નિરીક્ષણની રાત છે. એક શાયરે શબે બરાત અંગે કહ્યું છે,
મુબારક રાત લેકર સાથ પયગામે નજાત આઈ
 ઈબાદત કે લીયે સબ સે બહેતર વો રાત આઈ
 ઇસી શબ મેં ખુદા તકસીમેં રિઝક ઉમ્ર કરતા હય
 મશીયત આજ લેકર દફતરે મૌતો હયાત આઈ
શબે બરાતને ઇસ્લામિક ગ્રંથોમાં જુદા જુદા નામોથી દર્શાવવામાં આવેલ છે. જેમ કે લયલતુલ મુબારક (બરકતવાળી રાત), લયલતુલ રહમત(ખાસ રહમતો ઉતરવાની રાત), લયલતુલ સુક (દસ્તાવેજવાળી રાત) અને લયલતુલ બારઅત (દોઝાકથી છુટકારાની રાત) કહેવામાં આવે છે.  
કુરાને શરીફમા પણ આ રાતનો ઉલ્લેખ છે. તેમાં કહેવામાં આવ્યું છે,
અમારા હુકમથી આ રાતમા દરેક હિકમતવાળું કામ વહેચી દેવામાં આવેલ છે.
એટલે કે શબે બરાતના તમામ હુકમો જેવા કે માનવીની, જન્મ મૌત, રોઝી અને આગામી વર્ષ દરમિયાન માનવીને જે જે કાર્યો કરવાના હોય, તે આ રાત્રીએ ખુદા નક્કી કરે છે. અને દરેક કાર્યો કરવા કે માનવી પાસે કરાવવાના હેતુથી ફરિશ્તાઓની પણ નિયુક્તિ કરવામાં આવે છે.  
હઝરત મહંમદ પયગંબર (સ.અ.વ.)એ શબે બરાત અંગે ફરમાવ્યું છે,
શાબાનની ૧૫મી રાત્રે હઝરત ઝીબ્રઈલ મારી પાસે આવ્યા અને કહ્યું ‘યા રસુલ્લીલાહ ! શબે બરાત એવી રાત છે જેમાં આકાશ અને રહમતના દરવાજા ખોલી નાખવામાં આવે છે. માટે આપ ઉઠો અને નમાઝ પઢો અને પોતાના માથા તથા હાથોને આકાશ તરફ ઉઠાવો. મેં પૂછ્યું ‘હે ઝીબ્રઈલ ! આ રાત કેવી છે ? તેમણે કહ્યું ‘ આ એવી રાત છે જેમાં રહેમતના ૩૦૦ દરવાજા ખોલી નાખવામાં આવે છે. અલ્લાહ એવા દરેક મુસ્લિમને નેમતો બક્ષે છે જે અલ્લાહની ઇબાદતમાં બીજા કોઈને શરીક કરતો નથી. પરંતુ જાદુગર, નજૂમી, શરાબી, વ્યભિચારી, માબાપની નાફરમાની કરનાર, વ્યાજખોર, મુસ્લિમોમાં ફૂટ પાડનાર અને રિશ્તેદારી તોડનાર લોકોને માફ કરવામા નથી આવતા, જ્યાં સુધી તેઓ આ તમામ બાબતોનો ત્યાગ ન કરી દે.
હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.) આગળ ફરમાવ્યું છે,
શાબાનની ૧૫મી રાત ઇબાદતમાં પસાર કરો. તે દિવસે રોઝો (ઉપવાસ) રાખો અને અલ્લાહની યાદમા આખી રાત પસાર કરો કારણ કે એ રાત માટે આલ્લાહનું એલાન છે કે છે કોઈ માફી માંગનાર જેને હું માફી આપવા હું બેઠો છું ? છે કોઈ રોઝી માંગનાર જેને હું રોઝી આપવા બેઠું છું ? છે કોઈ મુસીબતોનો માર્યો જેને હું રસ્તો બતાવવા બેઠો છું ? આ રીતે ફજર અર્થાત સવાર સુધી ઈબાદત કરી ખુદા પાસે માંગનાર દરેકની મનગમતી મુરાદ (ઈચ્છા) પૂરી કરે છે. કારણ કે આ રાત દિલ ખોલીને ખુદા તેમના બંદાઓને નવાઝે છે. ખુદા આપે છે.

એટલે કે શબે બારાતની રાત દરેક મુસ્લિમ માટે અનેરો અવસર છે. દુન્વયી આફતો, મુસીબતોથી બચવાનો, રોઝી રોજગારમાં બરકત મેળવવાનો અને ગુનાહોથી મુક્તિ મેળવવાનો આ સુવર્ણ અવસર છે. અલ્લાહની બારગાહમાં રડી રડીને ક્ષમા માંગવાનો આ અવસર અને રોઝીમાં બરકત મેળવવાની આવી રાત વર્ષમાં એકવાર જ આવે છે. અને એટલે જ દરેક મુસ્લિમ શબે બારાતની રાતનો પૂરો સદઉપયોગ કરે અને ખુદાની ઈબાદત કરી ખુદા પાસે પોતાના વર્તમાન અને ભવિષ્યને સજાવાનો સવારવાનો અવસર ઝડપી લે એજ દુવા-આમીન.    



No comments:

Post a Comment