Tuesday, March 20, 2018

ખ્વાજા-એ-અજમેર : ગરીબોના બેલી : ડૉ.મહેબૂબ દેસાઈ


૧૪ થી ૨૮ માર્ચ દરમિયાન હઝરત ખ્વાજ ગરીબ નવાઝના ૮૦૬મા ઉર્સ મુબારકની અજમેરમાં ઉજવણીની થઈ. સૂફી સંતોના ઉર્ષની ઉજવણી તેમના જન્મ દિને નથી થતી, પણ તેમની વફાત અર્થાત મૃત્યુ દિને કરવામાં આવે છે. કારણ કે સૂફી વિચારધારા મુજબ જીવન એ બંધન છે, જયારે મૃત્યું એ મુક્તિ છે. એટલે સૂફી સંત ગરીબ નવાઝના મુક્તિ અર્થાત મૃત્યું દિનની ઉજવણી ઉર્ષ રૂપે કરવામાં આવે છે.
સૂફી પરંપરાના ચિશ્તીયા સિલસિલાના પ્રસિદ્ધ સંત ખ્વાજા મોયુદ્દીન ચિશ્તીથી ભાગ્યેજ વિશ્વનો કોઈ મુસ્લિમ અપરિચિત હશે. હઝરત ખ્વાજા મોયુદ્દીન ચિસ્તી હઝરત મહંમદ પયગંબર (સ.અ.વ.) સાહેબના વંશજ છે. મહંમદ સાહેબના નવાસા હઝરત ઈમામ હુસેન અને હઝરત ઈમામ હસન અનુક્રમે તેમના પિતા અને માતાના પરિવારના હતા. ખ્વાજા સાહેબના પિતા ગ્યાસુદ્દીન અને માતા બીબી ઉમ્મુલ વીર ચૌદ વર્ષની વયે જ બાળક મોયુદ્દીનને છોડી ખુદાની રહેમતમા પહોંચી ગયા હતા. ઈ.સ. ૧૧૪૨ (હિજરી સંવત ૫૩૭)ના સંજર મુકામે ખુરસાન (ઈરાન) પ્રાંતમા જન્મેલ બાળક મોયુદ્દીનને ૧૧ વર્ષની ઉમરે કુરાને શરીફ કંઠસ્થ હતું. વીસ વર્ષ સુધી તેમણે પોતાના ગુરુ ખ્વાજા ઉસ્માન હારુનની સેવા કરી, અને અનેક ઓલોયાઓનું સાનિધ્ય માણ્યું. અને એ દ્વારા હઝરત ખ્વાજા મોયુદ્દીન ચિસ્તીએ પોતાની આધ્યાત્મિક જ્ઞાનની ભૂખ સંતોષી. આ જ સમય દરમિયાન તેમણે બે વાર મક્કા-મદીનાની હજ પણ કરી.
ઈ.સ. ૧૧૬૧મા જયારે તેઓ ભારતમાં પ્રવેશ્યા ત્યારે મહંમદ ઘોરીની ફોજ પૃથ્વીરાજ ચૌહાણથી પરાજિત થઈ પાછી ફરી રહી હતી. ફોજના સરદારે આપને સલાહ આપતા કહ્યું,
અત્યારે આપ હિન્દુસ્તાનમા ન જાવ. મુસ્લિમ ફોજોને કારમો પરાજય મળી રહયો છે.
આપે શાંત સ્વરે ફરમાવ્યું,
તમે તલવારના ભરોસે હિંદમાં પ્રવેશ્યા હતા, હું ખુદાના ભરોસે હિંદમાં પ્રવેશી રહ્યો છું.
દિલ્હીમાં થોડા માસના રોકાણ પછી હઝરત ખ્વાજા મોયુદ્દીન ચિસ્તી સાહેબ અજમેર આવ્યા. અજમેરમાં તેમની ખ્યાતી દિનદુની રાત ચોગુની વધતી ગઈ. અનેક લોકો તેમના જ્ઞાન અને માનવીય વહેવારથી તેમના તરફ આકર્ષાયા. અનેક લોકોએ ઇસ્લામ અંગીકાર કર્યો. તેમના આવા પ્રભાવને રોકવા રાજા પૃથ્વીરાજ ચૌહાણે જાદુગર અજયપાલ જોગીને તેમની પાસે મોકલ્યા. જાદુગર અજયપાલ પોતાના જાદુથી ખ્વાજા સાહેબને નીચા દેખાડવાના ઉદેશથી ખ્વાજા સાહેબ પાસે ગયા. પણ ખ્વાજા સાહેબના પ્રેમાળ વ્યવહાર અને વર્તનથી તેઓ અત્યંત પ્રભાવિત થયા. અને તેમણે પૃથ્વીરાજ ચૌહાણને એટલું જ કહ્યું,
ખ્વાજા સાહેબ સાચા સંત છે, તેઓ મારા જેવા કોઈ જાદુગર નથી.
પછી તો ખ્વાજા સાહેબ હિંદી મુસ્લિમ એકતાની મિસાલ બની ગયા. તેમના ઉપદેશોમા ધર્મ, જાતિ કે કોમના ભેદભાવો ન હતા. તેઓ કહેતા,
ચાર કાર્યો આત્માની શોભા છે. ભૂખ્યાને ભોજન આપવું ,પીડિતોને સહાય કરવી, હાજતમંદની મદદ કરવી અને દુશ્મન સાથે પણ માનવતાપૂર્ણ વ્યવહાર કરવો
જે માનવીમાં ત્રણ ગુણો હશે તે અલ્લાહનો સાચો મિત્ર બની શકે છે. દરિયા જેવી સખાવત, સૂરજ જેવી ભલાઈ અને ધરતી જેવી પરોણાગત
ખ્વાજા સાહેબ અલ્લાહના પાક બંદા હતા. હંમેશા ખુદાની ઇબાદતમાં લીન રહેતા. પાંચ વક્તની નમાઝ તેઓ નિયમિત પઢતા. તેઓ કહેતા,
નમાઝ અલ્લાહની નિકટતા સાધવાની સીડી છે.
ખ્વાજા સાહેબનું જીવન સાદું અને પવિત્ર હતું. નાના મોટા સૌની વાત તેઓ નમ્રતા અને સસ્મિત સાંભળતા. ગરીબોના તેઓ બેલી હતા. તેમના દર પરથી કોઈ પણ માનવી ક્યારેય ખાલી હાથે પાછો ન ફરતો. ઈ.સ. ૧૨૩૨ (હિજરી સંવત ૬૩૦)મા ૯૦ વર્ષની વયે અજમેરમાં તેમની વફાત થઈ. જ્યાં તેમણે નિવાસ કર્યો હતો, ત્યાં જ તેમને દફનાવવામાં આવ્યા. આજે એ સ્થળ યાત્રાનું મોટું ધામ છે. તેમની વફાતને આજે ૮૦૬ વર્ષ થયા, છતાં દરેક ધર્મ, કોમ અને જાતિના લાખો શ્રધ્ધાળુઓ આજે પણ તેમની દરગાહ પર આવે છે. અને પોતાની મુરાદ પૂર્ણ થવાનો શુક્ર અદા કરી શાતા અનુભવે છે.
દરે વર્ષની જેમ આ વર્ષે પણ તેમના ઉર્ષમા ભાગ લેવા દેશ વિદેશના શ્રધ્ધાળુઓ અજમેરમાં ઉમટી પડ્યા હતા. ઉર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. એ મુજબ ૧૪મીના રોજ ધજા ચઢાવવામા આવી હતી. ૧૮મીથી ઉર્ષનો આરંભ થયો હતો. ૨૩ના રોજ જુમ્માની નમાઝ થઈ હતી. એ નમાઝમા હાજરી આપવા માટે પણ મોટી સંખ્યામા મુસ્લિમો અજમેરમા ઉમટી પડ્યા હતા. ૨૪મી માર્ચના રોજ ફાતિહા અર્થાત દુવાનો કાર્યક્રમ યોજાયો હતો. અને ૨૮મીએ નમાઝ-એ-જુમ્મા પછી ઉર્ષ પૂર્ણ થયો હતો. આ વર્ષે ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉર્શના પ્રસંગે એક સંદેશ પણ પાઠવો હતો. જેમ લખ્યું હતું,
ભારત કે બારે મેં કહા જાતા હૈ કિ યહ શબ્દો મેં બયા નહિ હોતા બલ્કી ઇસે મહસૂસ કિયા જાના ચાહીએ. દેશ મેં વિભિન્ન દર્શનો કે મૂલ મેં શાંતિ, એકતા ઔર સદભાવના નિહિત રહી હૈ. સૂફીવાદ ભી ઉન મેં સે એક હૈ. જબ હમ ભારત મેં સૂફી સંતો કી બાત કરતે હૈ તો ખ્વાજા મોયુદ્દીન ચિશ્તી મહાન આધ્યાત્મિક પરંપરાઓ કે પ્રતિક રૂપ મેં દિખાઈ દેતે હૈ. ગરીબ નવાઝ દવારા કી ગઈ માનવતા કી સેવા ભવિષ્ય કી પીઢીયો કે લીએ પ્રેરણા બની રહેગી. ઇસ મહાન સંત કે વાર્ષિક ઉર્ષ કે અવસર પર દરગાહ અજમેર શરીફ પર ચાદર ભેજતે હુએ ઉન્હેં ખિરાજ-એ-અકીદત પેશ કરતા હું. ખ્વાજા મોયુદ્દીન ચિશ્તી કે વિશ્વભર કે અનુયાયિયો કો વાર્ષિક ઉર્ષ પર બધાઈ વ શુભકામનાએ.

ભારતમાં બિરાજમાન આવા સંતોએ જ ભારતની વિવિધતામાં એકતાની ભાવનાને આજે પણ જીવંત રાખી છે, અને તેમની સત્વશીલતાને કારણે જ હજારો-લાખો વર્ષો સુધી તે ટકી રહેશે.-આમીન.      


Friday, March 16, 2018

ઇસ્લામ અને જળ સંરક્ષણ : ડૉ. મહેબૂબ દેસાઈ


૨૨ માર્ચ સમગ્ર વિશ્વમા, વિશ્વ જળ દિન તરીકે ઉજવાય છે. એ નિમિત્તે આજે ઇસ્લામ ધર્મમા પાણીના મહત્વ અને સ્થાન વિષે થોડી વાત કરવી છે. ઇસ્લામનો જન્મ અરબસ્તાનના રણ પ્રદેશમાં થયો છે. જ્યાં પાણીની હંમેશા અછત રહી છે. અને એટલે જ ઇસ્લામના અનુયાયીઓ છેક પ્રાચીન સમયથી પાણીની બચત કરવા ટેવાયેલા છે. ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાને શરીફમાં ૬૩ વાર પાણી શબ્દનો ઉપયોગ થયો છે. અને તે પણ તેના મહત્વ અને ઉપયોગીતાના સંદર્ભમા. કુરાને શરીફમાં પાણીને જીવન નિર્વાહ માટેના મહત્વના અંગ તરીકે ખુદાએ આપેલ નેમત અર્થાત ભેટ ગણવામાં આવેલા છે. કુરાને શરીફમાં કહ્યું છે,
અલ્લાહે આપેલ નેમતોનો બગાડ ન કરો. એવું કરનાર શૈતાનનો ભાઈ છે. અલ્લાહને બગાડ કરનાર માનવી પસંદ નથી.
અરબી ભાષામાં પાણીને મા કહે છે. એ પણ ઘણું સુચિતાર્થ છે. કુરાને શરીફની સૂરે બકરહની ૭મી  રુકુઅમા કહ્યું છે,
યાદ કરો, જયારે મૂસાએ પોતાની કોમ માટે પાણીની પ્રાર્થના કરી, ત્યારે અમે કહ્યું કે ફલાણા ખડક ઉપર લાઠી મારો, આથી તેમાંથી બાર ઝરણા ફૂટી નીકળ્યા. અને દરેક કબીલાએ એ જાણી લીધું કે કઈ જગ્યા તેને પાણી લેવા માટેની છે. અલ્લાહે આપેલ રોઝી ખાઓ-પીવો અને ધરતી ઉપટ બગાડ ફેલાવતા ન ફરો.
આમ કુરાને શરીફની આરંભની સૂરમાં પાણીના વપરાશ અને તેનો બગાડ ન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કુરાને શરીફમાં પાણીનો ઉલ્લેખ દરિયો, નદી, ઝરણા અને વરસાદના સંદર્ભમા જોવા મળે છે. જેમાં પાણીના સદ્પયોગ કરવા અને તેનો બગાડ ન કરવાની વારંવાર હિદાયત આપવામાં આવી છે.કુરાને શરીફમાં કહ્યું છે,
અમે પાણી દ્વારા દરેક જીવનપયોગી વસ્તુઓનું સર્જન કર્યું છે.
પાણી એ માનવી માટે જીવાદોરી છે. તેનો બગાડ કે દુર ઉપયોગ ગુનાહ છે. મહંમદ સાહેબ (સ.અ.વ)એ તો ત્યાં સુધી કહ્યું છે,
નદી કિનારે રહેતા હો છતાં, પાણીનો બગાડ ન કરો.
મહંમદ સાહેબે એક અન્ય હદીસમાં પણ કહ્યું છે,
મુસ્લિમોને ત્રણ વસ્તુમાં સરખો હિસ્સો આપવામાં આવ્યો છે, ઘાસ, પાણી અને અગ્નિ
આ ત્રણે વસ્તુઓનો વિવેકપૂર્ણ ઉપયોગ માનવજાતિના અસ્તિત્વના પાયામાં છે. જેથી તેનો સભાનપણે ઉપયોગ કરવાની પણ ખાસ હિદાયત ઇસ્લામમાં આપવામાં આવી છે. કુરાને શરીફમાં કહ્યું છે,
અમે આકાશમાંથી પાણી વરસાવ્યું છે, અને તેના દ્વારા પૃથ્વી પર જીવન પાંગર્યું છે.
હઝરત મહમદ પયગંબર પણ પાણીની અહેમિયત અને તેનો બગાડ ન કરવાનો ખાસ આગ્રહ રાખતા હતા. તેઓએ ફરમાવ્યું છે,
હે આદમના સંતાનો ખાઓ પીઓ પણ તેનો બગાડ ન કરો. બગાડ કરનારને અલ્લાહ ચાહતો નથી.
ઇસ્લામમાં પાણી નું દાન એ ઉત્તમ દાન ગણાય છે. કુરાને શરીફમા આ અંગે કહ્યું છે,
ભૂખ્યાને ભોજન આપવું અને તરસ્યાને પાણી આપવું એ ઉત્તમ દાન કે સવાબ (પુણ્ય) છે.
 હઝરત ઈમામ હુસેન (ર.અ.) ની કરબલાના મૈદાનમાં શહાદતના માનમાં મહોરમમા ઇસ્લામના અનુયાયીઓ ઠેર ઠેર માર્ગો પર પાણીની સબીલો અર્થાત પરબો ઉભી કરે છે. અને જાણીતા અજાણ્યા, હિંદુ મુસ્લિમ સૌને પાણી પીવડાવે છે. એ સમયે પણ પાણીનો બગાડ ન થાય તેની દરેક સાચો મુસ્લિમ તકેદારી રાખે છે.
ઇસ્લામમાં પાંચ વકતની નમાઝ ફરજીયાત છે. નમાઝ પહેલા વઝુ કરવામા આવે છે. વઝુ એટલે નમાઝ પૂર્વે હાથ-પગ, મોઢું ધોઈ શારીરિક રીતે પવિત્ર થવાની ક્રિયા. વઝુ કરવા માટે પાણીનો ઉપયોગ થાય છે. વઝુ સમયે પણ પાણીની બચત અને તેના સદુપયોગ પર ઇસ્લામમાં ભાર મૂકવામાં આવ્યો છે. વઝુ માટે હાથ ઉપરથી નીચે અર્થાત હથેળીથી કોણી સુધી પાણી લઇ જવામાં આવે છે. જેથી પાણીની બચત થઈ શકે અને કોણીએથી નીચે ઉતરતું પાણી પણ પુનઃ ઇસ્તમાલ થઈ શકે. વળી, જયારે વઝુ માટે પાણીની અછત હોય અથવા પાણી ઉપલબ્ધ ન હોય ત્યારે વઝુ કરવા માટે પાણીના સ્થાને પવિત્ર માટીનો ઉપયોગ કરવાનો પણ ઇસ્લામમાં આદેશ છે. જેને ઇસ્લામમાં તય્યમુમ કહે છે.
અને છેલ્લે મારે વાત કરાવી છે આબે ઝમઝમ ની. હિંદુ ધર્મમાં જે સ્થાન ગંગાજળનું છે તે સ્થાન ઇસ્લામમાં આબે ઝમઝમનું છે. ઈ.સ.પૂર્વે લગભગ ૨૦૦૦ની સાલમાં અસ્તિત્વમાં આવેલા ઝમઝમના કૂવાનો ઈતિહાસ પણ જાણવા જેવો છે. હજરત ઇબ્રાહીમ (અ.સ.) ખુદાના આદેશ મુજબ પોતાની પત્ની હજરત હાજરા અને પુત્ર હજરત ઇસ્માઇલ (અ.સ.)ને ઉજજડ વેરાન રણપ્રદેશ તિહામહમાં મૂકી, મન મક્કમ કરી ચાલ્યા જાય છે. એ ઉજજડ વેરાન રણપ્રદેશમાં પોતાના પુત્ર અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા હજરત હાજરા સફા અને મરવહ નામની ટેકરીઓ પર સાત ચક્કર મારે છે. પણ ઉજજડ પ્રદેશમાં દૂર દૂર સુધી માનવજાત કે પાણીનો એક છાંટો પણ જૉવા મળતો નથી. અંતે થાકીને હજરત હાજરા સાતમા ચક્કર પછી મરવહ પહાડી પર ઉભા રહે છે, ત્યારે એકાએક તેમને કંઇ અવાજ સંભળાય છે. એ અવાજની શોધમાં તેઓ આસપાસ દૂર સુધી નજર ફેરવે છે અને પોતાના નવજાત પુત્ર હજરત ઇસ્માઇલ પાસે એક માનવી ઉભેલો તેમને દેખાય છે. દોડતા હજરત હાજરા પોતાના પુત્ર પાસે આવે છે. બાળક પાસે ખુદાના ફરિશ્તા જિબ્રાઇલને જોઇને તેઓ શાંતિ અનુભવે છે.

હજરત જિબ્રાઇલે ઉજજડ રણપ્રદેશમાં અન્ન અને જળ શોધવામાં બેબાકળા બનેલા હજરત હાજરા સામે એક નજર કરે છે. પછી ચહેરા પર સ્મિત પ્રસરાવી, પોતાના પગની એડી જમીન પર મારે છે અને ત્યાંથી એક ઝરણું ફૂટી નીકળ્યું છે. આ એ જ ઝરણું જેને આપણે આબે ઝમઝમ કહીએ છીએ. આજે પણ આબે ઝમઝમનું પાણી સ્થાનિક અને વિશ્વમાંથી હજ માટે આવતા યાત્રાળુઓને અવિરત મળે છે. તેની પાછળનું મુખ્ય કારણ સાઉદી અરેબિયા સરકારનું ઉત્તમ વોટર મેનેજમેન્ટ છે. ઝમઝમના પાણીનો જરા પણ દુર ઉપયોગ ન થાય અને સૌને તે ઉપલબ્ધ થાય તેનું કુનેહ પૂર્વક આયોજન કરવામા આવ્યું છે. જળ સંરક્ષણ માટે ચિંતિત આપણે સૌએ એકવાર તો તેમના વોટર મેનેજમેન્ટનો જરૂર અભ્યાસ કરવો જોઈએ.