Sunday, January 7, 2018

વુમન એમ્પાવરમેન્ટ અને ઇસ્લામ : ડૉ. મહેબૂબ દેસાઈ


તલાકનો કાયદો આજે વાતાવરણમાં છે. તેના પક્ષ અને વિપક્ષમાં ચર્ચાઓ દેશભરમાં થઈ રહી છે. ગઈ કાલે મારા જુના મિત્ર રમેશભાઈનો પણ એ સંદર્ભે ફોન આવ્યો. તેઓ તલાકનો મુદ્દો સમજવા માંગતા હતા. મેં તેમને કહ્યું આની ચર્ચા ફોન પર શક્ય નથી. આપણે રૂબરૂમાં તેની નિરાંતે વાત કરીશું. તલાકના સંદર્ભમા જ આજે વુમન એમ્પાવરમેન્ટની વાતો થાય છે. પણ ઇસ્લામમાં તો સ્ત્રીને શક્તિ તરીકે ૧૫૦૦ વર્ષો પહેલા સ્વીકારવામા આવી છે. જો કે ઇસ્લામના મૌલવીઓ અને આલિમો આમ સમાજને તે સમજાવવામાં ઝાઝા સફળ થયા નથી. પરિણામે પડદાપ્રથા, બહુપત્નીત્વ કે તલાક જેવા ઇસ્લામના રિવાજોને કારણે આમ સમાજ એમ માનવા લાગ્યો છે કે સ્ત્રી સ્વાતંત્ર્ય કે શક્તિને ઇસ્લામમાં કોઈ જ સ્થાન નથી. આ બધા સામાજિક રિવાજોના મૂળમાં એ સમયની અરબસ્તાનની સામાજિક અને રાજકીય પરિસ્થિતિ જવાબદાર હતી. જેમ કે એ યુગમાં અવારનવાર યુધ્ધો થતા. યુધ્ધોમાં અનેક સિપાયો શહીદ થતા. પરિણામે તેમની વિધવાઓના નિભાવ અને રક્ષણનો પ્રશ્ન ઉદભવતો. એટલે મહંમદ સાહેબે એક વ્યક્તિ વધુમાં વધુ ચાર નિકાહ કરી શકે તેવો ખુદાનો આદેશ લોકોને સંભળાવ્યો. અર્થાત બહુપત્નીત્વ પ્રથા જે તે યુગની સામાજિક અને રાજકીય જરૂરિયાત હતી.
વળી, સ્ત્રીઓનું સ્થાન માત્ર ઘરની ચાર દીવાલો વચ્ચે જ છે એમ માનનાર આમ મુસ્લિમ સમાજને પણ મહંમદ સાહેબના પત્ની હઝરત ખદીજાના જીવન કવનથી પરિચિત કરાવવા જોઈએ. હઝરત મહંમદ સાહેબના પ્રથમ પત્ની હઝરત ખદીજા એ સમયના અરબસ્તાનના મોટા વેપારી હતા. અને દેશ વિદેશનો પોતાનો વેપાર તે જ સંભાળતા હતા. અને તેને કારણે જ હઝરત મહંમદ સાહેબ સાથે તેઓ પરિચયમાં આવ્યા હતા. હઝરત ખદીજા સાથેના મહંમદ સાહેબના નિકાહ પણ ઇસ્લામિક ઇતિહાસમાં એ અભૂતપૂર્વ ઘટના છે. વેપારમાં સતત સક્રિય રહેતા હઝરત ખદીજા દર વર્ષે અનુભવી લોકોને વેપારના માલ સાથે પરદેશમાં મોકલતા.એ વર્ષે પણ વેપારનો માલ લઈ કોઈ સારા વેપારીને સિરિય મોકલવાની તેમની ઈચ્છા હતી. મહંમદ સાહેબના કાકા અબુતાલીબને આ સમાચાર મળ્યા. તેમણે મહંમદ સાહેબ(સ.અ.વ.)ને વાત કરી.મહંમદ સાહેબે હઝરત ખદીજાનો માલ લઈ સિરીયા જવાની ઈચ્છા દર્શાવી. એ સમયે મહંમદ સાહેબ(સ.અ.વ.)ની ઉંમર ૨૫ વર્ષની હતી. મધ્યમ કદ,મજબુત કસાયેલું સુડોળ શરીર,નૂરાની ચહેરો,પહોળી અને પ્રભાવશાળી પેશાની,ચમકદાર મોટી આંખો, અંધારી રાત જેવા કાળા જુલ્ફો,સુંદર ભરાવદાર દાઢી,ઉંચી ગરદન,અને આજાના બાહુ જેવા મજબુત હાથો ધરાવતા મહંમદસાહેબ તીવ્ર બુદ્ધિમતાના માલિક હતા. સીરીયાથી પાછા ફરી મહંમદ સાહેબ (સ.અ.વ.)એ હઝરત ખદીજાને કરેલ વેપારનો બમણો નફો આપ્યો.આટલો નફો હઝરત ખદીજાને ક્યારેય મળ્યો ન હતો.મહંમદ સાહેબ(સ.અ.વ.) ની ઈમાનદારી, કાબેલીયત અને તેમના વ્યક્તિત્વથી હઝરત ખદીજા ખુબ પ્રભાવિત થયા. અને તેથી તેમનાથી ઉમંર નાના હોવા છતાં હઝરત ખદીજાએ મહંમદ સાહેબ સાથે નિકાહ કર્યા. એ ઘટના પણ સ્ત્રી શક્તિ અને દાક્ષણીયનું ઉત્તમ ઉદાહણ છે. ૨૫ વર્ષની વયે પોતાનાથી ૧૫ વર્ષ મોટા ૪૦ વર્ષના વિધવા હઝરત ખદીજા સાથે નિકાહ કરનાર મહંમદ સાહેબના જીવનમા સ્ત્રી સન્માન અને શક્તિનો અહેસાસ ભારોભાર હતો. મહંમદ સાહેબને ૪૦ વર્ષની વયે ખુદાનો પૈગામ (વહી)હઝરત ઝીબ્રાઈલ દ્વારા સંભળાવા લાગ્યો હતો. છતાં તેમની આ વાત કોઈ માનવા તૈયાર ન હતું. ત્યારે એક માત્ર તેમની પત્ની ખદીજાએ તેમના પર વિશ્વાસ કર્યો. અને તેમને હિંમત અને હોસલો આપનાર તેમના પત્ની હઝરત ખદીજા જ હતા. જે સમયે ઇસ્લામનો અંગીકાર કરવા કોઈ તૈયાર ન હતું,  ત્યારે હઝરત ખદીજાએ સૌ પ્રથમ ઇસ્લામનો અંગીકાર કર્યો હતો. ઇસ્લામના પ્રચાર પ્રસારને કારણે આખુ મક્કા શહેર મહંમદ સાહેબ(સ.અ.વ.)નું દુશ્મન બની ગયું હતું. મુહંમદ સાહેબ(સ.અ.વ.)ને જાનથી મારી નાખવાની ધમકીઓ મળવા લાગી હતી. એવા કપરા સમયે પણ પત્ની ખદીજાની હિમ્મત અને સાંત્વન  મહંમદ સાહેબને મળતા રહ્યા હતા.
સ્ત્રી ભ્રૂણ હત્યા અંગે આજે આપણી સજાગતા તારીફે કાબીલ છે. પણ વર્ષો પહેલા મહમંદ સાહેબે ફરમાવ્યું હતું,
જે વ્યક્તિને બે છોકરીઓ હોય, તેણે તેમનું સારી રીતે પાલન પોષણ કર્યું, તો તે માનવી મારી સાથે જન્નતમા પ્રવેશશે
સ્ત્રીઓના સમાન સામાજિક દરજજાનો સ્વીકાર કરતા એક હદીસમાં ફરમાવવામાં આવ્યું છે,
"કોઇ વિધવાનાં લગ્ન તેની સલાહસૂચન વિના ન કરવામાં આવે અને કોઇ કુંવારીનાં લગ્ન તેની સંમતિ વગર ન કરો."
લગ્ન કે શાદી અંગે ઇસ્લામે સ્ત્રીની સંમતિને એટલું બધું મહત્ત્વ આપ્યું છે કે જો નિકાહ પછી પણ સ્ત્રી એમ કહે કે તેની શાદી સંમતિ વગર કરવામાં આવી છેતો નિકાહ તૂટી જાય છે.
એક હદીસમાં કહેવામાં આવ્યું છે,
 "લિબાસ એટલે કે પોશાક જેમ શરીરને રક્ષણ અને શોભા આપે છે તેમ સ્ત્રી અને પુરુષ બંને જીવનને રક્ષણ અને શોભા આપે છે."

આમ ઇસ્લામમાં સ્ત્રી શક્તિ અને સ્વાંત્ર્યના સિદ્ધાંતનો સ્વીકાર વર્ષો પહેલા કરવામાં આવ્યો હતો. 

No comments:

Post a Comment