Saturday, August 19, 2017

ઈબાદત કે ભક્તિનું હાર્દ : ડૉ. મહેબૂબ દેસાઈ



ઈબાદત એટલે ભક્તિ. ભક્તિનો દરજ્જો દરેક ધર્મના કેન્દ્રમાં છે. ભક્તિ વગરના ધર્મની પરિકલ્પના શક્ય નથી. અલબત્ત ઈબાદતના માર્ગો કે ક્રિયામા ભેદ હોઈ શકે. દરેક મઝહબમાં તે ભિન્ન છે. પણ તેનો ઉદેશ એક જ છે. ખુદા કે ઈશ્વર સમીપ જવું. માનવી ખુદા કે ઈશ્વર નજીક શા માટે જવાની જીજીવિષા રાખે છે ? તેનો ટૂંકો જવાબ છે,  જેમ શરીરની શુદ્ધિ માટે સ્નાન, સાત્વિક આહાર અને નિર્દોષ ઔષધિઓ અનિવાર્ય છે. તેમ જ મન, હદય અને આત્માની શુદ્ધિ અર્થે જરૂરી છે ઈબાદત.
દરેક ધર્મમાં ઈબાદત-ભક્તિ માટે નિશ્ચિત ક્રિયા મુક્કરર કરી હોય છે. પણ એ જ ક્રિયા દ્વારા ઈબાદત કરવાથી ખુદા-ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. તે સત્ય નથી. કુરાને શરીકમા કયાંય નમાઝની ક્રિયાનો ઉલ્લેખ નથી. આમ છતાં કુરાને શરીકમા પાંચ વક્તની નમાઝ પઢાવો ઉલ્લેખ વારંવાર જોવા મળે છે.

ઇસ્લામમાં ઇબાદતની ક્રિયા તરીકે નમાઝને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. દિવસમાં પાંચવારની નમાઝ ઇસ્લામમાં ફરજીયા છે. ફ્ઝર (સવાર), ઝોહર (બપોર), અસર (સાંજ), મગરીબ (સુર્યાસ્ત) અને ઈશા (રાત્રી)ની નમાઝો માટે મસ્જિતમા અઝાન થયા છે. અઝાન એટલે નમાઝ માટેનું નિમંત્રણ.
ઇસ્લામમા ઈબાદતના મૂળમાં મુખત્વ બે બાબતો અનિવાર્ય છે. ઈમાન અને તોહીદ. ઈમાન એટલે શ્રધ્ધા-વિશ્વાસ. શ્રધ્ધા વગરની  ઈબાદત કે ભક્તિ અર્થહીન છે. ખુદા કે ઈશ્વરમાં વિશ્વાસ જ ન હોય તો તેની ઇબાદત શા માટે કરવી જોઈએ ? અને બીજી બાબત છે તોહીદ અર્થાત એકેશ્વરવાદ. ઇસ્લામનો પ્રથમ કલમો એ સિધ્ધાંત પ્રત્યે સૌનું ધ્યાન દોરે છે. “લાહીલાહા ઇલલ્લાહ મુહમદુર રસુલીલ્લાહ” અર્થાત અલ્લાહ એક છે, તેનો કોઈ જ ભાગીદાર કે સમકક્ષ નથી. અને મહંમદ તેના રસુલ-પયગમ્બર છે.
ઇબાદતમા સામગ્રી કરતા અત્યંત મહત્વની બાબત છે શ્રધ્ધા, એકાગ્રતા અને નિસ્વાર્થતા. ઇસ્લામમાં પણ એ જ બાબતોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ઈમાન અને તોહીદ સાથે ત્રીજી બાબત પણ ઈબાદત માટે અત્યંત મહત્વની તે છે નિસ્વાર્થતા. ખુદા-ઈશ્વરની નિસ્વાર્થ ઈબાદતનું મુલ્ય અનેક ગણું છે. આ ત્રણ બાબતો વગરની ઈબાદત આત્મા વગરના ખોળિયા જેવી છે. આ બાબતને સમજવા માટે સૈદ્ધાંતિક ચર્ચા કરતા દ્રષ્ટાંતો વધુ અસરકારક પુરવાર થશે. આપણા સંતો કે સૂફીસંતોના જીવનમાં તેના અનેક દ્રષ્ટાંતો પડેલા જોવા મળે છે.
એક દિવસ સૂફીસંત હઝરત ખ્વાજા હસન બસરી ખુદાની ઇબાદતમાં લીન હતા. બરાબર એ જ સમયે એક સુંદર સ્ત્રી ખુલ્લા મોઢે, ખુલ્લા પગે તેમની પાસે દોડી આવી. તેણે કુરતાની બાંયો કોણી સુધી ચડાવેલી હતી. ગુસ્સા અને મહોબ્બતના મિશ્ર ભાવ સાથે તેણે તેના પતિની ફરિયાદ કરતા કહ્યું,
"હઝરત, આપ મારા પતિને તેમની બદ્સલુકી (ખરાબ વર્તન) બદલ ઠપકો આપી સુધારતા કેમ
નથી ?"
હઝરત ખ્વાજા હસન બસરીએ તે સ્ત્રી તરફ એક નજર કરી અને કહ્યું,
"ખાતુન, તમે પ્રથમ તમારું મોઢું ઢાંકી લો અને પછી જે કઈ કહેવું હોઈ તે કહો."
ખાતુને શર્મિન્દગી મહેસુસ કરતા ખભા પરથી ઓઢણી માથે મૂકી, કુરતાની બાંયથી હાથો અને પાયજામાંથી પગની પાની ઢાંકતા હઝરત હસન બસરીને કહ્યું,
"મારા પતિની મહોબ્બતના આવેશમાં હું હોશોહવાસ ખોઈ ઓઢણી ઓઢ્યા વગર અહિયાં દોડી આવી છું. જો આપે મને ટોકી ન હોત તો કદાચ મહોબ્બતના આવેશમાં જ હું બજારમાં પણ પહોંચી જાત, આપની હિદાયત બદલ હું આપની આભારી છું."
હઝરત હસન બસરી આ સાંભળી પ્રસન્ન થયા. પણ તેમની એ પ્રસન્નતા વધુ સમય ટકી નહિં. પેલી ખાતુને થોડીવાર અટકી  કહ્યું,
"હઝરત, મારા પતિની મહોબ્બતે મારા હોશોહવાસ હણી લીધા હતા. એટલે મને મારી ઓઢણીનું ભાન ન રહ્યું. પણ આપતો ખુદાની ઇબાદતમાં લીન હતા. છતાં આપને મારી ઓઢણી અને મારા ખુલ્લા માથાનો અહેસાસ થયો. તે જોઇને મને નવાઈ લાગી"
આટલું કહી તે સ્ત્રીએ રૂખસત લીધી. પણ જતા જતા ખ્વાજા હસન બસરીને ઇબાદતની સાચી પરિભાષા સમજાવતી ગઈ.
ઇબાદતમાં નિસ્વાર્થતાનો આવો જ એક કિસ્સો સૂફીસંત હઝરત રાબીયાનો જાણવા જેવો છે.
એકવાર કેટલાક અનુયાયીઓ હઝરત રાબીયા સાથે ઈબાદત અંગે ચર્ચા કરી રહ્યા હતા. હઝરત રાબિયાએ તેમને પૂછ્યું,
"તમે બધા ખુદાની ઈબાદત શા માટે કરો છો ? એકે જવાબ આપ્યો,
"અમે જહન્નમની (નર્ક)ની યાતાનોથી ડરીને ખુદાની બંદગી કરીએ છીએ.જેથી ખુદા જહન્નમના બદલે અમને જન્નત (સ્વર્ગ) બક્ષે. અને દોઝાકની આગથી અમે બચી જઈએ"
આ સંભાળી હઝરત રાબીયા બોલી ઉઠ્યા,
"એટલે તમે સ્વાર્થી છો, જન્નતની તમન્નાએ ઈબાદત કરો છો."
"આપ શા માટે ઈબાદત કરો છો ?" એક અનુયાયીએ પૂછ્યું.
હઝરત રાબિયાએ ફરમાવ્યું,
"ખુદાની ઈબાદત તો દરેક માનવી માટે ફર્ઝ છે. ખુદાએ જન્નત અને દોઝકનો ડર ન રાખ્યો હોત, તો પણ તેની ઈબાદત કરવાની આપણી સૌની ફરજ છે. માટે જ ડર અને અપેક્ષાથી મુક્ત થઈ, નિસ્વાર્થ પણે ખુદાની ઈબાદત કરો. એ જ સાચી ઈબાદત છે"
ખુદાની ઇબાદતમાં સર્વસ્વનો ત્યાગ એ પણ ઇસ્લામી ઈબાદતનું આગવું લક્ષણ છે. ઇસ્લામમાં કુરબાનીની પ્રથા એ ઇબાદતનું જ પરિણામ છે. હઝરત ઈબ્રાહીમ ખુદાના આદેશને સર આંખો પર ચડાવી પોતાના એકના એક પુત્ર ઈસ્માઈલનું બલિદાન આપવા તૈયાર થઈ જાય છે. ૬૦ વર્ષની ઉમરે અવતરેલ પુત્રને જંગલમાં લઇ જઈ તેને ખુદાના નામે કુરબાન કરવા જયારે ઈબ્રાહીમ છરી ઉપાડે છે ત્યારે એક અવાજ અરબસ્તાનની પહાડીઓમાં ગુંજી ઉઠે છે,
"ઈબ્રાહીમ, તે મારા આદેશનું શબ્દસહ પાલન કર્યું છે. ખુદા પોતાના નેક બંદોની ઇબાદતની આ જ રીતે કસોટી કરે છે. તું ખુદાની કસોટીમાં પાસ થયો છે. તેથી તારા વ્હાલા પુત્રના બદલે પ્રતિક રૂપે એક જાનવરની કુરબાની કર"

ઇબાદતની આ પરાકાષ્ટા જ ખુદાને પામવાનો સાચો માર્ગ છે.

No comments:

Post a Comment