Friday, August 11, 2017

હાજી મહંમદ રફીની હજયાત્રા : ડૉ. મહેબૂબ દેસાઈ


હાલ સાઉદી એરેબીયાના મક્કા-મદીના શહેરમાં વિશ્વના લાખો મુસ્લિમો હજની ક્રિયાઓ પૂર્ણ કરી, ઇબાદતમાં લીન છે. ઇસ્લામ ધર્મમા પાંચ બાબતો અતિ મહત્વની છે. ઈમાન, નમાઝ, રોઝા, ઝકાત અને હજ. હજ દરેક સક્ષમ મુસ્લિમ માટે ફરજીયાત છે. સક્ષમ અર્થાત આર્થિક અને શારીરિક રીતે સક્ષમ માનવીએ જીવનમાં એકવાર હજયાત્રા ફરજીયાત કરવી જોઈએ, એવો ઇસ્લામમાં આદેશ છે. અને એટલે જ ભારતના જાણીતા મુસ્લિમ કલાકારો, રાજનિતિજ્ઞો, વેપારીઓ. બુદ્ધિજીવીઓ  કે સામાન્ય મુસ્લિમો હજયાત્રાએ જવાનું ચુકતા નથી. ભારતના એક સમયના ફિલ્મોના જાણીતા પાશ્વગાયક મહંમદ રફી (૧૯૨૪-૧૯૮૦) પણ ૧૯૬૯ની સાલમાં હજયાત્રાએ ગયા હતા. એ ઘટના પણ દરેક ઈમાન (આસ્થા) ધરાવનારે જાણવા જેવી છે. રફી સાહેબની હજયાત્રા તેમના ઈમાન, કુરબાની અને દુવાઓનું અદભુદ મિશ્રણ છે. આ એ યુગની વાત છે જયારે ફિલ્મી દુનિયામાં રફી સાહેબ અને લતાજીનુ એક ચક્રિય શાસન હતું. કોઈ ફિલ્મ એવી નહોતી બનતી જેમાં રફી સાહેબના ગીતો ન હોય. એવા કારકિર્દીના તપતા સમયે ૧૯૬૯મા રફી સાહેબે  પોતાની પત્ની બિલ્કીસ સાથે હજયાત્રાએ જવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી. અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમા ખળભળાટ મચી ગયો. રફી સાહેબ એક સાથે બે માસ માટે મુંબઈની બહાર રહેવાના હતા, એ સમાચાર ફિલ્મી દુનિયામા અગ્નિ જેમ પ્રસરી ગયા. અનેક નિર્માતાઓએ રફી સાહેબને સમજાવવાનો પ્રયાસ કર્યો,
રફી સાહેબ, અત્યારે તમારી કારકિર્દી મધ્યાહને છે. આપ આવા સમયે ઇન્ડસ્ટ્રીથી દૂર રહેશો તો ફેકાઈ જશો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા ચડતા સૂરજની જ પૂજા થાય છે. તમારી બે માસની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા ગેરહાજરી તમારી કારકિર્દીને નુકસાન કરશે.
પણ આ તમામ દલીલો રફી સાહેબના નિર્ણયને બદલી ન શકી. આ નિર્માતાઓમાં એક શક્તિ સામંત પણ હતા. જેઓ આરાધના નામક ફિલ્મ બનાવી રહ્યા હતા. રફી સાહેબના હજયાત્રાએ જવાને કારણે તેમની ફિલ્મ પણ બે માસ સુધી થંભી જવાની હતી. પણ રફી સાહેબે તેમને પણ પોતાનો હજયાત્રાનો નિર્ણય મકમતાથી જણાવી દીધો. અને આમ પોતાની કારકિર્દીના મધ્યાહને રફી સાહેબ હજયાત્રાએ જવા નીકળી ગયા. પરિણામે શક્તિ સામંતે પોતાની ફિલ્મ આરાધનાના મોટાભાગના ગીતો કિશોર કુમાર પાસે ગવડાવ્યા. અને એ ફિલ્મે કિશોર કુમારને પ્રસિદ્ધ પાશ્વગાયક બનાવી દીધા. એ ઈતિહાસ સૌ ફિલ્મી ઈતિહાસ લેખકો જાણે છે. આ ઘટના રફી સાહેબના ઇસ્લામમા ઈમાન અને હજયાત્રા માટે વ્યવસાયને પણ કુરબાન કરી દેવાની ભાવના વ્યક્ત કરે છે. જો કે મહંમદ રફી સાહેબને આ સંસ્કારો તેમના કુટુંબમાંથી જ મળ્યા હતા. આ અંગે તેઓ લખે છે,

મારું કુટુંબ અત્યંત ધાર્મિક હતું. અમારા કુટુંબમા ગાવા કે વગાડવાના વ્યવસાયને સારો માનવામાં આવતો નહી. મારા પિતાશ્રી હાજી અલી મોહમ્મદ સાહેબ અત્યંત ધાર્મિક હતા. તેમનો મોટા ભાગનો સમય ખુદાની ઇબાદતમાં જ પસાર થતો હતો.

આમ વ્યવસાય કરતા હજને પ્રાધાન્ય આપવાની પ્રેરણા રફી સાહેબને તેમના કુટુંબના સંસ્કારોમાંથી મળી હતી. હજયાત્રાએ જતા પૂર્વે રફી સાહબે કરેલ એક વિધાન પણ એ યુગમાં ખુબ પ્રચલિત બન્યું હતું. તેમણે એ સમયે આપેલ એક પ્રેસ ઈન્ટરવ્યુંમા કહ્યું હતું,
પ્રથમવાર હજ કરીને આવ્યા પછી મેં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છોડી માત્ર ખુદાની ઈબાદત કરવાનું નક્કી કર્યું હતું.
પણ હજયાત્રાથી પાછા ફર્યા પછી પણ ફિલ્મ નિર્માતાઓ તેમની પાસે ગીતો ગવડાવવા ઉત્સુક હતા. જેથી એ શક્ય ન બન્યું. હજયાત્રા દરમિયાનનો રફી સાહેબનો એક પ્રસંગ તેમની શુદ્ધ ધાર્મિક ભાવનાને વ્યક્ત કરે છે. હજની ક્રિયાઓ પતાવ્યા પછી રફી સાહેબ મક્કામા નિયમિત પાંચ સમયની નમાઝમાં લીન રહેતા. એક દિવસ ફજર અર્થાત પરોઢની નમાઝની અઝાન સાંભળી રફી સાહેબના મનમાં એક વિચાર ઝબકયો.
મક્કાની મસ્જિતમા ફજરની નમાઝની અઝાન આપવાનો સવાબ અલ્લાહ બક્ષે તો મજા પડી જાય
અને તેમણે આ વિચાર તેમની સાથે હજમા ભેળા થઈ ગયેલા પાકિસ્તાનના મશહુર ગાયક મસુદ રાણા (૧૯૩૮-૧૯૯૫)ને કહ્યો. મસુદ રાણા ખુદ પાકિસ્તાનમાં મોટા ગાયક હતા. છતાં આ વિચારના અમલ માટે તેમને બિલકુલ શ્રધ્ધા ન હતી. છતાં મક્કાની મસ્જિતના વહીવટ કર્તાઓ સમક્ષ આ સુચન તેમણે જેમ તેમ કરીને મુકયું,
ભારતના મશહુર ગાયક મહંમદ રફી સાહેબ ફજરની નમાઝની અઝાન આપવા ઈચ્છે છે.
એક પળનો પણ વિચાર કર્યા વગર મક્કાની મસ્જીતના વહીવટ કર્તાઓએ સ્પષ્ટ શબ્દોમાં ના પાડતા કહ્યું,
મક્કાની મસ્જિતના નિયમો મુજબ કોઈ પણ બહારની વ્યક્તિને અઝાન આપવાની મંજુરી ન આપી શકાય

અને આમ પ્રથમ તબક્કે જ મહંમદ રફી સાહેબના મક્કાની મસ્જિતમા ફજરની નમાઝની અઝાન આપવાના વિચાર પર પૂર્ણવિરામ મૂકી ગયું. પણ મસુદ રાણા એમ જપીને બેસે તેવા ન હતા. તેઓ મક્કાની મસ્જિતના વહીવટ કર્તાઓને મનાવતા રહ્યા.અને એક દિવસ તેમના એ પ્રયાસોને સફળતા સાંપડી.મક્કાની મસ્જિતના વહીવટ કર્તાઓએ મંજુરી આપતા કહ્યું,
માત્ર એકવાર મહંમદ રફી સાહેબ ફજરની નમાઝ માટે અઝાન આપશે. એ પછી તેઓ ફરીવાર આવી કોઈ માંગણી નહિ કરે.
આ નિર્ણયની જાણ મસુદ રાણાએ જયારે મહંમદ રફી સાહેબને કરી ત્યારે તેમના આનંદનો કોઈ પાર ન હતો. અને એ દિવસ આખો ભારતના મશહુર ગાયક મહંમદ રફી સાહેબ પાંચે સમયની નમાઝમા ખુદાને દુવા કરતા રહ્યા કે તેઓ અઝાન ખુબ સારી રીતે આપી શકે. અને એ માટે તેઓ મનોમન પ્રેક્ટીસ પણ કરતા રહ્યા. બીજા દિવસે પરોઢે  મહંમદ રફી સાહેબ મક્કાની મસ્જિતમા અઝાન આપવા સમયસર પહોંચી ગયા. અને ખુદાની ઈબાદતમા લીન બની એમણે મક્કાની મસ્જીતમાં ફજરની નમાઝની અઝાન આપી. મસ્જિતમા અઝાન આપી તેમણે ફજરની નમાઝ પઢી. નમાઝ પઢી જયારે તો બહાર આવ્યા, ત્યારે મક્કાની મસ્જિતના વહીવટ કર્તાઓ તેમની રાહમાં બહાર ઉભા હતા. જેવા મહંમદ રફી સાહેબ તેમનો આભાર માનવા હોઠો ઉઘડ્યા કે ત્યાં જ એક વહીવટ કર્તાએ મહંમદ રફી સાહેબનો હાથ પોતાના હાથમાં લેતા બોલ્યા,
રફી સાહબ, આપ કી અઝાન કા સૂર ઔર લય ઇતના લાજવાબ થા કી ખુદા કી ઈબાદત કે લિયે હર મોમીન કો ખીંચતા હૈ. આપ સે ગુઝારીશ હૈ જહાં તક આપ યહાં પર હો ફજર કી નમાઝ કી અઝાન આપ હી દિયા કરોં  

એ સાંભળી આટલા મોટા ગાયકની આંખો પણ ખુશીથી ઉભરાઈ ગઈ. ઘટના આટલેથી અટકતી નથી. પાકિસ્તાની ગાયક મસુદ રાણાએ એ અઝાન રેકોર્ડ કરી લીધી હતી. અને તેઓ જીવ્યા ત્યાં સુધી અવારનવાર એ અઝાન સાંભળી સુકુન મેળવતા રહ્યા હતા.




1 comment:

  1. An excellent article! The love for God and implicit faith can move mountains and make the impossible, simply possible. Thank you for this moving post.

    ReplyDelete