Friday, June 30, 2017

રમઝાન અને ઇદના અર્થપૂર્ણ SMS : ડૉ. મહેબૂબ દેસાઈ


 રમઝાન માસના આગમન અને તેના વિદાય સુધીનો મુસ્લિમ બિરાદરોનો ઉત્સાહ અનેરો હોય છે. વળી, રમઝાન માસનો ચાંદ દેખાય ત્યારેથી ઈદની ખુશીનો એજહાર કરવાની તેમની રીતે પણ અનેરી છે. આજે એ અંગે થોડી વાત કરવી છે. રમઝાન માસનો ચાંદ દેખાય ત્યારેથી મુસ્લિમોમાં ઈબાદત (ભક્તિ ) અને જકાત (દાન)નો મહિમા આરંભાય છે. તેમના વ્યવહાર અને વર્તનમાં તેનો અહેસાસ અનુભવી શકાય છે. જો કે આજે રૂબરૂ મુલાકાતનું મહત્વ ઘટ્યું છે. એટલે સોશિયલ મીડિયા અને ખાસ મોબાઇલ દ્વારા શુભેચ્છક સંદેશોની આપ લે વધુ થાય છે.  બીજ એટલે ચાંદ. રમઝાન અર્થાત રોઝા માસનો આરંભ હંમેશા ચાંદ દેખાયા પછી જ થાય છે. રમઝાન નો ચાંદ દેખાય પછી મુસ્લિમ બિરાદરો પોતાના સ્વજનો અને મિત્રોને રમઝાન માસના આગમનની  મુબારક બાદી આપતા સંદેશાઓ મોકલે છે. એક મુસ્લિમ બિરાદર જે.પી. સૈયદે મને રમઝાન મુબારકનો સંદેશ મોકલતા લખ્યું છે,
તુમ ઈબાદત કે લમ્હો મેં
 મેરા એક કામ કરના
 હર નમાઝ કે બાદ
 હર સહરી સે પહેલે
 હર રોઝે કે બાદ
 સિર્ફ અપની દુવા કે કુછ અલ્ફાઝ
મેરે નામ કરના
એક ફિલ્મી ગીતમાં દુવામે યાદ કરના જેવા શબ્દો આવે છે. દરેક મુસ્લિમ એક બીજાથી છુટા પડતા પહેલા અલ્લાહ હાફીઝ કે ખુદા હાફીઝ અર્થાત ખુદા તમારી રક્ષા કરે તેમ કહે છે. તેની સાથે દુવામાં યાદ રાખજો એવું પણ કહે છે. એટલે કે તમે ભગવાન, ઈશ્વર કે ખુદાને પ્રાર્થના કરો ત્યારે મને પણ યાદ કરજો. પણ રોજબરોજની દુવા કરતા રમઝાન માસમાં માંગવામાં આવતી દુવા વિશિષ્ટ છે. એટલે રમઝાનનો ચાંદ દેખાય પછી દરેક મુસ્લિમ અન્ય મુસ્લિમને ખાસ કહે છે કે રમઝાનની દુવાઓમા અમને ખાસ યાદ રાખજો.
એ જ રીતે રમઝાન ગુનાહોની માફી માટેનો ઉમદા માસ છે. અને એટલે જ એક એવો સંદેશ પણ મને મળ્યો હતો. જેમ કે,
 બે જુબાં કો જબ વો જુબાં દેતા હૈ
 પઢને કો વો કુરાન દેતા હૈ
 બક્ષને પે આયે જબ ઉમ્મત કે ગુનાહો કો
 તોહફે મેં ગુનેહગારો કો રમઝાન દેતા હૈ

રમઝાન માસનો ચાંદ દેખાય પછી જ બીજા દિવસથી રોઝાનો આરંભ થાય છે. એ સાંજે દરેક મુસ્લિમ એક બીજાને ચાંદ ઉગ્યાની મુબારક બાદી આપે છે. એ સમયે આવતા સંદેશાઓ પણ લાગણીસભર હોય છે.
ચાંદ સે રોશન હો રમઝાન તુમ્હારા
 ઈબાદત સે ભરા હો રોઝા તુમ્હારા
 હર રોઝા ઔર નમાઝ કબૂલ હો તુમ્હારી
 યહી અલ્લાહ સે દુવા હૈ હમારી
૨૯ કે ૩૦ રોઝા પૂર્ણ થયા પછી ઈદની ઉજવણી થાય છે. આ વખતે ઈદ અને જગન્નાથજીની રથયાત્રા સાથે આવી અને તેના પ્રતિભાવમાં એક મુસ્લિમે બિરાદરે મને સંદેશ મોકલ્યો,
તહેવારો પણ કેવા સંપીને આવે છે,
 ને એક માણસ છે,
 જે તેના માટે ઝગડી મરે છે.
 માલિક સૌ ને  સદબુદ્ધિ આપે .  ..આમિન!!!
ઈદની મુબારકબાદી આપવાની પદ્ધતિ પણ સમય પ્રમાણે બદલાઈ છે. એક સમયે ઈદ મુબારક કરવા દરેક ઘરમા ભીડ જામતી હતી. પણ સોસીયલ મીડિયાએ તેમાં પરિવર્તન કર્યું છે. હવે ઈદ મુબારક કરવાનું માધ્યમ મોબાઇલે લઇ લીધું છે. જો કે મોબાઇલ ઈદ મુબારક સાથે સદ વિચારોના પ્રચાર પ્રસારનું કાર્ય પણ કરે છે. આ ઈદે હિંદુ અને મુસ્લિમ મિત્રો અને સ્વજનોના આવેલા સંદેશાઓ તેનું ઉમદા દ્રષ્ટાંત છે. ઈદ અને રથ યાત્રા સાથે આવ્યા હોય, તેને જોડતા હિંદુ અને મુસ્લિમ મિત્રોના ઉત્તમ સંદેશાઓ આવ્યા છે. ભાવનગરથી મારા મિત્ર ડૉ. સી.પી. રાઓલે મોકલેલ ઈદ મુબારકના સંદેશમાં લખ્યું છે,
જે દી' જગન્નાથનો પ્રસાદ લઈ રોજા છૂટશે ને
ઇદનો ચાંદ જોઈ ઉપવાસ તૂટશે...
એ દી' ઓવારણા લેવા હાથ ખૂટશે ને
મોસીન મોહન સાથે જઈ માખણ લુટશે...!!!
આવી સદભાવના અને શુભેચ્છા એ જ ભારતની સાચી ઓળખ છે. આ એ દેશ છે, જ્યાં રાધા અને રાબીયા બંનેને લોકો યાદ કરે છે. બંનેની ઈશ્વર ભક્તિના બે મોઢે વખાણ કરે છે. બંનેના વિચારોને સૌ સલામ કરે છે. અને બંને ના વિચારોને આચરણમાં મુકવા પ્રયાસ કરે છે. અને એટલે જ જગન્નાથજીનો પ્રસાદ ઇફ્તીયારી માટેની ખજુર બને તો તેમાં નવાઈ પામવા જેવું કશું નથી. એવો જ એક અન્ય કાવ્યાત્મક સંદેશો પણ માણવા જેવોં છે. જેમાં એક હિંદુ સ્વજન લખે છે,

ચાલને આજ 'અષાઢી ઈદ' અને 'રમઝાન બીજ' ઉજવી લઇએ,
તુ જગન્નાથના લાડુ ખાજે, અને  હું રમઝાનની ખીર
તુ પહેરજે ભગવો મારો, ને હું પહેરીશ લીલા ચીર
                       
                       ચાલને આજ......
હું પઢુ કુરાન-એ-શરીફ અને તુ પઢ જે મારી ગીતા
જ્યારે થશે આ યોગ ત્યારે ધેર-ધેર જન્મશે સમરસતા
                       
                       ચાલને આજ......
વેરઝેરની વાતો મેલી,ચાલ ભાઇ-બંધી કરી લઇએ
રામલ્લાહને પ્યારો એવો મીઠો ઇફ્તાર કરી લઇએ
                       
                       ચાલને આજ......
હું હિન્દુ ને તુ મુસ્લિમ, આ નકામી જંજાળ તુ છોડ
દેશ અને દુનિયા જોશે, 'જુગલ જોડી બેજોડ
ચાલને આજ 'અષાઢીઈદ' અને 'રમઝાનબીજ' ઉજવી લઇએ...


આ વખતનો રમઝાન માસ,ઈદ અને રથયાત્રાની ઉજવણી આવા સદ વિચારોની આપેલેને કારણે સુગંધમય અને સુખમય બની રહી છે.