Sunday, May 21, 2017

સનાતન શાશ્વત ધર્મ ઇસ્લામ : ડૉ. મહેબૂબ દેસાઈ


રાહે રોશન ના નિયમિત વાચક એસ્ટેટ એજન્ટ રહીમભાઈએ મને ઉપરોક્ત મથાળા નીચે ઇસ્લામની કેટલીક વિશિષ્ટતાઓ દર્શાવતો એક લાંબો મેસેજ વોટ્શોપ પર મોકલ્યો છે. પ્રથમ દ્રષ્ટિએ જ ગમી જાય અને ઇસ્લામના સિદ્ધાંતો સામે મસ્તક નમી જાય તેવા એ મેસેજની સત્યતા તપાસીને, થોડો મઠારીને અત્રે મુકવાની લાલચ રોકી શકતો નથી. સૌ પ્રથમમાં તો ઇસ્લામના મૂળમાં એકેશ્વરવાદ અર્થાત તોહીદ છે. ઇસ્લામ કહે છે એક ઈશ્વર કે ખુદાની જ ઈબાદત કરો, જેને કોઈ રૂપ, રંગ કે આકાર નથી. જેને કોઈએ નથી બનાવ્યો પણ જેણે સમગ્ર વિશ્વનું સર્જન કર્યું છે. એવા ધર્મના કેટલાક અદભૂત મુલ્યો જાણવા જેવા છે.જેમ કે,

૧. દરેક મુસ્લિમ તેની કુલ આવકના અઢી ટકા જકાત અર્થાત ફરજીયાત દાન તરીકે આપશે.જેથી સમાજમાંથી આર્થિક અસમાનતા નિવારી શકાય. સમાજમા સમાનતા સ્થાપી શકાય. રમઝાન માસ જકાત આપવાનો ઉત્તમ માસ છે.
૨. ઇસ્લામ માનવતાવાદી ધર્મ છે. જકાત ફરજીયાત દાન છે. પણ ખેરાત મરજિયાત દાન છે. અને ખેરતા માત્ર પૈસાની જ ન હોય શકે. કોઈ પણ અસહાયને મદદ કરાવી. સુરદાસને માર્ગ ઓળંગવામા મદદ કરવી. વિદ્યાર્થીને વિના મુલ્યે ભણાવવા. આ બધા કૃત્યો ખેરાત અર્થાત દાન કે સદકાર્યો છે. ઈસ્લામે એ માટે ખાસ કહ્યું છે કે અસહાયને મદદ કરનાર માનવી સાચો મુસ્લિમ છે.  
૩. ઇસ્લામમા રમઝાન માસ ઉપવાસ અર્થાત રોઝાનો માસ છે. સૂર્ય ઉગે તે પહેલાથી અને સૂર્ય આથમે પછી ભુખ્યા તરસ્યા રહી ખુદાની ઈબાદત કરવાનો ઇસ્લામમા આદેશ છે. ઉપવાસ કે રોઝા દરેક મુસ્લિમ માટે ફરજીયાત છે. કારણ કે તે મન અને શરીરને શુદ્ધ કરવાનો માર્ગ છે. ભૂખ અને તરસનો અહેસાસ કરવાનો માર્ગ છે.
૪. ઇસ્લામમાં દીકરીનો જન્મ ખુદાની રહેમત (કૃપા)ની નિશાની છે. જે માનવી પોતાની નૈતિક રોઝીમાંથી દીકરીનું પાલન પોષણ કરશે, તેને શિક્ષણ આપશે, અને સારા કુટુંબમાં તેની શાદી કરશે, તે માનવી સાચા અર્થમાં જન્નતનો (સ્વર્ગનો) અધિકારી બને છે.
૫. ઇસ્લામ કહે છે સૌથી સારો માણસ એ છે જે તમામ સ્ત્રીઓ સાથે વિવિક પૂર્ણ વ્યવહાર કરે છે.
૬. ઇસ્લામમાં વિધવા સ્ત્રીને અપ સૂકનીયાળ માનવામાં આવતી નથી. તેને પણ બહેતર જીવનનો અધિકાર છે. અને એટલે જ વિધવાઓ અને તેના બાળકોને શક્ય તમામ સહાય કરો. અને સમાજમાં તેને  આદર અને માન આપો.
૭. ઇસ્લામમાં ઊંચ નીચના કોઈ ભેદો નથી. નમાઝ સમયે ખભાથી ખભો મિલાવી ઉભા રહો. તો જ નમાઝ પૂર્ણ થશે. કારણ કે ઇસ્લામ સમાનતાનો આગ્રહી છે. અને સમાનતા સ્વસ્થ સમાજ માટે અતિ અનિવાર્ય છે.
૮. ઇસ્લામમાં હિંદુ કે મુસ્લિમ કોઈ પણ ધર્મના પડોશીઓ સાથે હંમેશા સદ્વ્યવહાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પાડોશીના સુખમાં સુખી અને તેના દુઃખમાં દુઃખી રહેનાર માનવી જ સાચો મુસ્લિમ છે.
૯. ઇસ્લામ કહે છે શરાબ અર્થાત દારૂ અને જુગાર એ તમામ બૂરીઓના મૂળમાં છે. તેનાથી હંમેશા દૂર રહો. એટલુ જ નહિ પણ તેના વ્યવસાય સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા માનવીઓ સાથે પણ કોઈ વ્યવહાર ન રાખો.
૧૦. ઇસ્લામ કહે છે કે મજદૂરનો પસીનો સૂકાઈ એ પહેલા તેનું મહેનતાણું તેને ચૂકવી દો. મજદૂરની પસીનાની કે મહેનતની કમાઈને રોકી રાખવાનો તમને કોઈ અધિકાર નથી. કયારેય કોઈ મજદૂર કે અનાથની બદ્દદુવા ન લેશો. તેની એક બદ્દદુવા તમારી બરબાદીનું કારણ બની શકે છે.
૧૧. ઇસ્લામમાં ઈર્ષા અને ગીબત મોટા ગુનાહ છે. હંમેશા ઈર્ષાથી દૂર રહો. અને ગીબત અર્થાત કોઈની ટીકા ટિપ્પણ કરવામાં સમય બરબાદ ન કરો. એવી પ્રવૃત્તિ તમારા ગુનાઓમાં અભિવૃદ્ધિ કરે છે. અને જેની તમે ટીકા કરો છે તેના ગુનાઓને તે ધોવે છે. ટીકા તમારા સદકાર્યોને ઉધઈની જેમ ખાય જાય છે.
૧૨. ખુશ રહેવાનો ઉત્તમ માર્ગ ઇસ્લામમાં બતાવવામાં આવ્યો છે. અને તે એ છે તમારાથી અમીર ને ન જુવો. તમારાથી ગરીબને જોઈ હંમેશા ખુદાનો શુક્ર આભાર માનતા રહો કે ખુદાએ તમને તે ગરીબથી બહેતર જીવન આપ્યું છે.
૧૩. ઇસ્લામ કહે છે હંમેશા નૈતિક અર્થાત હલાલ કાર્યો જ આચરણમાં મુકો. સત્ય બોલવાનો આગ્રહ રાખો. વચન પાલન કરો. અને કયારેય કોઈનું દિલ ન દુભાવો. અનાયાસે કોઈને કઈ કહેવાય જાયતો તુરત તેની ક્ષમા યાચના કરી લો. અલ્લાહ તેમાં રાજી છે.
૧૪. ઇસ્લામમાં કહ્યું છે પાણીનો નિર્થક વ્યય ન કરો. વિના કારણ પાણીનો દુર વ્યય કરવો ગુનાહ છે. ઇસ્લામમાં વઝું અર્થાત નમાઝ પૂર્વે હાથ મોઢું ધોવાની ક્રિયામાં પણ પાણીની બચતને કેન્દ્રમાં રાખવામાં આવેલ છે.  
૧૫. રસ્તામા અવરજવર કરનાર માનવીઓને અડચણ રૂપ કે તકલીફ આપતી કોઈ પણ વસ્તુ મોટો પથ્થર, ખીલો કે ખાડો હોય તો તેને દૂર કરવાનુ કાર્ય પણ સવાબ(પુણ્ય) છે.ચાર રસ્તા પર ટ્રાફિક જામ થઈ જાય ત્યારે તેને યથાવત કરવામા પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે વિવેકપૂર્ણ સહાય કરવી એ પણ પુણ્યનું કાર્ય છે.  સત્તાધીશો તે દૂર કરશે મારે શું ? એવું માનનાર સાચો મુસ્લિમ નથી.
૧૬. ઇસ્લામમાં સ્ત્રી સન્માનની ભાવના પાયામાં છે. કોઈ પણ અજાણી સ્ત્રી પર નજર ન કરો. એવા સમયે નજર ફેરવી લો. કારણ કે પર સ્ત્રી પર બૂરી નજર કરાવી એ તો ગુનો છે જ, પણ તેના પર નજર કરવી એ પણ યોગ્ય નથી.

આ તમામ આદેશો એ સૂચવે છે કે કુરાને શરીફ માત્ર ધાર્મિક ગ્રંથ નથી. પણ એ તો સમગ્ર માનવજાતને નૈતિક જીવન માર્ગ ચિંધતો ગ્રંથ છે. તેમાં ઉત્તમ જીવન જીવવાનો માર્ગ બતાવવામાં આવ્યો છે. દરેક માનવીએ જીવનમા એકવાર તો કુરાને શરીફનું અધ્યન કરવું જ જોઈએ. કારણ કે ઉપરોક્ત બાબતો તો કુરાને શરીકની અનેક માનવ મુલ્યોને વ્યક્ત કરતી બાબતોમાની થોડીક જ છે.


No comments:

Post a Comment