Wednesday, April 26, 2017

એક હિંદુ સજ્જનનો કુરાન પ્રેમ : ડૉ. મહેબૂબ દેસાઈ


થોડા દિવસો પહેલા એક શૈક્ષણિક હેતુસર જાણીતા બકેરી ગૃપના માલિક ૮૧ વર્ષના મા. અનિલભાઈ બકેરીને તેમના કાર્યલયમાં મળવા જવાનું થયું. જૂની હાઇકોર્ટ પાસે આવેલી તેમની ઓફિસના પગથીયા ચડતો હતો ત્યારે ગુજરાતના એક મોટા ગ્રુપના માલિકને મળવાના આનંદ સાથે સજાગતા પણ હતી. સાંભાળ્યું હતું કે તેઓ સમયના ખુબ પાબંધ છે. તેમણે મને ૧૨.૩૦નો સમય આપ્યો હતો. પણ હું સમયથી ૧૫ મિનીટ વહેલો તેમની ચેમ્બરના મુલાકાતી ખંડમા પહોંચી ગયો. તેમની અંગત સેક્રેટરી રીના બેનરજીએ મને આવકાર્યો. અને મને ઠંડા પાણીના સ્થાને ઠંડું લીંબુનું શરબત આપ્યું. ગરમીને કારણે તે મને ગમ્યું. પણ ગ્લાસ હોઠો પર માંડતા સમયે જ મારી નજર મા.અનિલભાઈની ચેમ્બરના દરવાજા પાસે એક જુના લાકડાના દરવાજા પર પડી. એ દરવાજો દીવાલ પર શોભાના ભાગ તરીકે લગાડેલો હતો. આજકાલ જુનું ફર્નીચર કે દરવાજા, બારીઓ બેઠક ખંડ કે મુલાકાતી ખંડમા સુશોભન તરીકે રાખવાની ફેશન ચાલી છે. એટલે તેના ભાગ રૂપે તે ત્યાં લગાડ્યો હશે તેમ મને લાગ્યું. પણ થોડું ધારી ને જોયું તો મારી આંખો પહોળી થઈ ગઈ.

જુના લાકડાના એ દરવાજાના છએ ચોકઠાંમા કલાત્મક રીતે કુરાને શરીફની આયાતો (શ્લોકો) લખી હતી. એટલે મેં શરબતનો ગ્લાસ પડતો મૂકી એ દરવાજા તરફ કદમો માંડ્યા. દરવાજા પાસે જઈને એ આયાતોને હું એક નજરે તાકી રહ્યો. દરવાજાના છએ ચોકઠાંમા આયાતો સુંદર રીતે ઉપસેલી હતી. કુરાને શરીફની આયાતો તો મેં કુરાને શરીફમાં વારંવાર પઢી છે. પણ આજે તેને સ્પર્શ કરી, મહેસૂસ કરવાનો મોકો ખુદાએ મને આપ્યો હતો. એટલે તે આયાતો પર હાથ ફેરવવા મેં જેવો હાથ લંબાવ્યો કે રીના બેનરજીનો મધુર અવાજ મારા કાને પડ્યો.
સર, એ પવિત્ર શ્લોકોને મહેરબાની કરીને હાથ ધોઈને સ્પર્શો એવી વિનંતી છે.  
અને મારો હાથ અટકી ગયો. મને તેમની ટકોરમા કુરાને શરીફની આયાતો પ્રત્યેનો ભક્તિ ભાવ સ્પષ્ટ દેખાયો. હું એ આયાતોને સ્પર્શ કર્યા વગર જોઈ રહ્યો. ત્યાજ રીના બેનરજી મારી પાસે આવી બોલ્યા,
સાહેબ આપને યાદ કરે છે.
અને મેં મા. અનિલભાઈ બકેરીની ઓફિસમાં કદમો માંડ્યા.એકદમ સાદગીથી ગોઠવાયેલ ઓફીસના એક ખૂણામા ૮૧ વર્ષના મા. અનિલભાઈ બેઠા હતા. મારા આગમનના ઉદેશ અન્વયે અમે થોડીવાર વાતો કરી. પણ પછી મારા મનમાં જે પ્રશ્ન સળવળતો હતો તે મેં પૂછી નાખ્યો,
કુરાને શરીફની આયાતો કોતરેલ આવો દરવાજો આપની ઓફીસના દરવાજા પાસે જ મુકવાનો વિચાર આપને કયાંથી આવ્યો.?
એ વિચાર મારો નથી. મારા પુત્ર અચલ બકેરીનો છે. થોડા વર્ષો પૂર્વે તેણે હૈદરબાદમાંથી ૧૦૦ વર્ષ જૂની ત્રણ  વસ્તુઓ ખરીદી હતી. આપની નજર મુલાકાતી ખંડની એક જ વસ્તુ પર પડી છે.
એમ કહી એ વડીલ પોતાની ખુરશીમાંથી ઉઠ્યા અને મને મુલાકાતી ખંડમા દોરી ગયા. જે સોફા પર હું બેઠો હતો તેની સામે પડેલ એક મોટો પટારો બતાવતા તેઓ બોલ્યા,
મહેબૂબભાઇ, આના પર આપની નજર નથી પડી લાગતી
હવે મેં લગભગ ચાર બાય અઢીના એ લાકડાના લંબચોરસ પટારા પર નજર કેન્દ્રિત કરી.પટારાની ચારે બાજુ કુરાને શરીફની આયાતો કોતરેલી હતી. તેના દરવાજા ઉપર પણ કુરાને શરીફની આયાતો હતી. હૂં કઈ બોલું એ પહેલા મા. અનિલભાઈ બોલી ઉઠ્યા,
મને તો કુરાને શરીફ વાંચતા આવડતું નથી. પણ અચલે આ પટારો અને ભિત પરના ઘોડાના ચિત્રમાં કંડારાયેલી આયાતો વાળું ચિત્ર પણ હૈદરબાદમાંથી ખરીદયા છે. 
એમ કહી તેમણે મને સોફાની ઉપરની દીવાલમાં ટાંગેલ કાષ્ટમા કોતરેલ ઘોડાનું ચિત્ર બતાવ્યુ. ઘોડાના એ ચિત્રમા ઠેર ઠેર કુરાને શરીફની આયાતો કોતરેલી હતી. એ જોઈ મને દુલ દુલ ઘોડાની યાદ આવી ગઈ. ઇસ્લામમાં હઝરત મહંમદ સાહેબ(સ.અ.વ.)ના નવાસા હઝરત ઈમામ હુસૈને(ર.અ.) કરબલાના મૈદનમાં દુલ દુલ નામક ઘોડા પર યઝદી સામે લડ્યા હતા. અને એ જ ઘોડા પર શહીદ થયા હતા. તેમની યાદમાં ઇસ્લામના મહોરમ માસમાં ભારતના કેટલાક પ્રદેશોમાં તાજીયા સાથે દુલ દુલ નામના અશ્વને પણ સજાવવામાં આવે છે. અને તેનું જલુસ કાઢવાનો રીવાજ છે. દુલ દુલ નામક એ અશ્વને ઇસ્લામમાં જુલજીનાહ અર્થાત બે પાંખોવાળો ઘોડો પણ કહે છે.

થોડી પળો હું એ અશ્વના ચિત્ર અને તેમાં કંડારાયેલી કુરાને શરીફની આયાતોને જોઈ રહ્યો. પછી પાછી મારી નજર  સોફાની સામે મુકેલા પટારા પર ગઈ. એ પટારો જમીન પર ન હોતો મુકેલો. પણ તેને મુકવા માટે એક ખાસ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું હતું અને તેના પર એ પટારો મુકવામા આવ્યો હતો. એ જોઈ મારા મનમાં જે પ્રશ્ન ઉદભવ્યો. એ મા. અનિલભાઈ પામી ગયા અને બોલ્યા,

મહેબૂબભાઇ, તમે જે વિચારો છો. એ હું પામી ગયો છું. શરૂઆતમાં આ પટારા માટે પ્લેટફોર્મ બનાવ્યું ન હતું. અને જમીન પર જ અચલે પટારો મુક્યો હતો. પણ ૨૫ વર્ષ પૂર્વે એક એસ.બી.એસ. બેંકના  મેનેજર મને મળવા આવ્યા હતા. તેઓ મુસ્લિમ હતા. તેમણે કુરાને શરીફની આયાતો કોતરેલ આ પટારો જોયો અને બોલ્યા કે આ પટારા પર કુરાને શરીફ ની આયાતો છે માટે તેને ઊંચા સ્થાન પર રાખો તો સારું. જેથી સૌ તેને બરાબર જોઈ શકે અને તેનું માન પણ જળવાશે. અને અચલે તુરત આ પ્લેટફોર્મ  તૈયાર કરાવ્યું. આમ કુરાને શરીકની આયાતોવાળો આ પટારાનું તેના પર આરોહણ થયું. આજે એ વાતને ૨૫ વર્ષ થઈ ગયા.

મા. અનિલભાઈની વિદાય લઇ હું તેમની ઓફિસની બહાર નીકળ્યો. પણ મારું હદય હજુ તેમના બેઠક ખંડમા જ હતું. જયારે મગજ વિચારી રહ્યું હતું,
ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાને શરીફ પ્રત્યે મુસ્લિમ સમાજને લગાવ હોય, માન હોય એ સામાન્ય ઘટના છે. પણ એક હિંદુ સજ્જન પોતાની ઓફિસમાં કુરાને શરીફની આયાતો અંકિત વસ્તુઓને સજાવીને, તેના માન મરતબાને છાજે તેમ જાહેરમાં મુલાકાતીઓના દર્શન અર્થે મુકે, એ ઘટના જ આજના બદલાતા જતા વાતાવરણમાં બિનસાંપ્રદાયિકતાનું ઉત્તમ ઉદાહરણ છે.


આવા વિચાર અને તેના અમલ માટે મા. અનિલભાઈ અને શ્રી. અચલભાઈને સો સો સલામ.

Sunday, April 23, 2017

૧૯૨૬મા પ્રસિદ્ધ થયેલ એક પુસ્તકની વાત : ડૉ. મહેબૂબ દેસાઈ


૨૩ એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસે રવિવાર હતો. મારા અંગત ગ્રંથાલયમા ૧૯૨૬મા પ્રસિદ્ધ થયેલ મુસ્લીમ મહાત્માઓ પુસ્તક મેં વર્ષોથી સાચવી રાખ્યું છે, તે કાઢ્યું. તેના જર્જિત પુંઠા અને પાના ઉપર એક નજર કરી. તેના પર હાથ ફેરવ્યો. અને ૧૯૨૬ના યુગને સ્પર્શી રહ્યાની મને અનુભૂતિ થઈ. વિવિધ ગ્રંથમાળા ગ્રંથાક ૧૯૩-૧૯૬, વર્ષ ૧૭ મું સંવંત ૧૯૮૩મા પ્રસિદ્ધ થયેલ મુસ્લીમ મહાત્માઓ (૯૨ ચરિત્રો અને ૧૩૦૦ વચનામૃત) પુસ્તકના મુખ પૃષ્ઠ પર પુસ્તકના અનુવાદક તરીકે લખ્યું છે પાઠક જગજીવન કાલિદાસ. તેની નીચે સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય તરફથી સંશોધન અને પ્રકાશન : ભિક્ષુ-અખંડાનંદ, સ્થળ અમદાવાદ અને મુંબઈ-૨ લખ્યું છે. તેની નીચે પુષ્ઠ સંખ્યા ૫૯૨, પ્રત ૧૦૩૦૦ જેઠ ૧૯૮૪. મુલ્ય ૧!!!, સાદુ પૂંઠું ૧!!. અર્થાત પોણા બે રૂપિયા અને દોઢ રૂપિયો લખ્યું છે. ૯૧ વર્ષ પહેલા પ્રસિદ્ધ થયેલ આ ગ્રંથના મુખ પૃષ્ટની વિગતો જોતા લાગે છે કે એ યુગમાં લોકોની  વાંચન ક્ષમતા આજ કરતા અનેક ગણી હશે. કારણ કે એ યુગમાં પુસ્તકની ૧૦,૩૦૦ નકલો પ્રથમ આવૃત્તિમા પ્રસિદ્ધ થઈ હતી.
પુસ્તકમા ૯૨ મુસ્લિમ મહાત્માઓના પરિચય સાથે તેમના ૧૩૦૦ અમૃત વચનો આપવામાં આવ્યા છે. પુસ્તકના આરંભમાં ભિક્ષુક અખંડાનંદજીનું લગભગ ૧૫ પાનાનું નિવેદન ૯૧ વર્ષ પછી પણ યથાર્થ લાગે છે. તેઓ લખે છે,

આ પુસ્તક ઉપરથી આ વાત સમજાશે કે, મુસલમાન શબ્દથી જરા પણ ભડકવા જેવું નથી. તેમના ધર્મ વિષે આ ગ્રંથ સારો જેવો ખ્યાલ આપી સદભાવ ઉપજાવશે. ખાનપાન તરફ જોઈએ તો હિંદુજાતિમાં પણ સિંધ, પંજાબ, બંગાળ, કાશ્મીર, મદ્રાસ ઈત્યાદી તરફ લાખો-કરોડો માંસાહારીઓ પડ્યા છે, અને એમાં ભેખધારીઓ પણ અનેક હોય છે, ત્યારે આ પુસ્તકમાંના મુસ્લીમ મહાત્માઓ તેવા નથી. તેઓ તો લગભગ બધા જ હિંસાથી અને માંસાહારથી દૂર રહેનારા તથા સંયમ, સચ્ચાઈ, પવિત્રતા, જ્ઞાન, વિરાગ, ભક્તિ, વિશ્વાસ અને સહનશીલતા ઇત્યાદિ દૈવી સંપતિમા શ્રેષ્ઠ હતા.
આ પુસ્તકમાં વર્ણવાયલા મુસ્લીમ મહાત્માઓ કેટલા બધા ઉચ્ચ કોટીના અર્થાત અસાધારણ જ્ઞાન-ચારિત્રવાળા હતા, એનો વધારે ખ્યાલ તો આ પુસ્તક વાંચવા-સાંભળવાથી જ આવી શકશે. ઉચ્ચતા-નીચતાનો આધાર અમુક દેશમા, કોમમાં કે જાતિમાં જન્મવા ઉપર રહેલો હોય, તેના કરતા ગુણ-ધર્મ-સ્વભાવ ઉપરજ વધારે રહેતો આવ્યો છે ને રહેશે. એથીજ ઋષિમુનીઓ બહ્મને જાણે તે બાહ્મણ એવું ઉપદેશી ગયા છે. જો એ કથન સાચુંજ હોય તો આ ગ્રંથમા વર્ણવેલા મુસ્લીમ મહાત્માઓને બ્રાહ્મણ, ઋષિ અથવા મહાત્મા કહેવા, એ કોઈ પણ રીતે ખોટું કે વધારે પડતું નહિ ગણાય.

“હિંદુ અને મુસલમાનોને હજુ પણ વધારે દુર્બળ ને દીનહીન બનાવવા માટે તેમના વચ્ચે એક યા બીજી રીતે વેરઝેર ફેલાવાઈ રહ્યા છે, એવા સમયમાં આ પુસ્તક કાઢવાનો મુખ્ય હેતુ આ પ્રમાણે છે :- હિંદુઓમાંથી મુસ્લીમ ધર્મ વિષેની અવળી સમજણ ઓછી થયા , મુસ્લીમભાઈઓનું ધ્યાન પોતાના સિદ્ધાંતો ને ઉત્તમ આદર્શો તરફ વધારે ખેંચાય અને બંને કોમોના લક્ષ્યમા આ વાત ઉતરતી ચાલે કે, દુનિયાના બધા મુખ્ય ધર્મો પરમાત્મારૂપી એકજ વૃક્ષમાંથી ને એકજ ઉદેશથી ઉદભવેલા અનેક ડાળો જેવા છે, તથા ગમે તેટલા મતભેદો છતાં તે માત્ર વચગાળાનીજ વાતો હોઈને સર્વોપરિ ધ્યેય, હેતુ, સાધન અને સાધના તો એક જેવાજ છે.”

“આ પુસ્તકમાં સમાયેલા મુસ્લીમ કોમના પવિત્ર ઋષિ-મુનીઓના ચરિત્ર અને વચનો હિંદુ, મુસલમાન કે જે કોઈ શુદ્ધભાવનાથી વાંચે-સાંભળે તેમનામાં સદગુણો વધી દુર્ગુણો ઘટે, અને કોમ-કોમ વચ્ચેથી વેરઝેરનો નાશ થઈ સુલેહ-શાંતિ અને માન-મહોબ્બત વધે એવા પ્રકારના છે. આ પ્રમાણે આ પુસ્તક જેમ સાર્વજનિક હિત વધારનારું છે, તેમ જિજ્ઞાસુઓ, હરિજનો, અને ભેખધારી સાધુ-ફકીરોના પણ વ્યક્તિગત જ્ઞાન-ચરિત્રમા ધર્મસાધનામા અને આત્મનિરીક્ષણમા ઉત્તમ પ્રકાશ ને ગતિ-મતિ આપે એવું છે.”

એ યુગમાં મુલ્ય નિષ્ઠ સસ્તું સાહિત્ય પ્રકાશિત કરી સમાજમાં મુકવાનું ઉત્તમ કાર્ય ભિક્ષુક અખંડાનંદજી દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. તેના પરિપક રૂપે “મુસ્લીમ મહાત્માઓ” ગ્રંથ રચાયો હતો. તે અંગે પણ ભિક્ષુક અખંડાનંદજી તેમના નિવેદનમા લખે છે,

“ત્રણ અરબી ગ્રંથો ઉપરથી “તજકરતુલ ઔલિયા” ગ્રંથ ફારસી ભાષામાં સારંશ રૂપે રચાયેલો, તેના ઉપરથી બંગાળીમા “તપાસમાળા” ગ્રંથ પણ ભાષાપદ્ધતિ વગેરે કારણોથી ભાવાર્થ રૂપે તથા કેટલોક અંશ છોડી દઈને યોજાયેલો હતો. એ બંગાળી ઉપરથી આ ગુજરાતી ગ્રંથ પણ એવાજ કારણોથી, એવા ધોરણો ને સારંશ તથા ભવાર્થરૂપેજ યોજી શકાયો છે. એ બંગાળીમાંના ૯૬ પૈકી ૯૨ ચરિત્ર આમાં લેવાયા છે, અને બોધ વચનો પણ જે લગભગ એકસરખા જેવા અથવા સમજવામાં વધારે કઠિન જણાય તે છોડી દઈ બાકીના-કુલ ૧૩૦૦ને શુમારે- લેવાયા છે”

જે મૂળ અરબી ગ્રંથ ઉપરથી મૌલાના મોલવી શેખ ફરીદુદ્દીન અત્તાર સાહબે આ ગ્રંથ ફારસીમાં તૈયાર કર્યો હતો. તેમની પ્રસ્તાવના પણ ગ્રંથના આરંભમાં લેવામાં આવી છે. જેના અંગે પણ ભિક્ષુક અખંડાનંદજી લખે છે,

“જેમ આ ગ્રંથમાંના ચરિત્ર ઉચ્ચ કોટીના મહાપુરુષોના છે, તેમ તેના મૂળ લખનાર પણ ઉચ્ચકોટીનાજ હોવા જોઈએ. અરબી ઉપરથી ફારસીમાં ઉતારનાર મૌલાના મોલવી શેખ ફરીદુદ્દીન અત્તાર સાહબે કેવા ઉચ્ચ કોટીના હતા, એ તો એમનો લેખ જ કહી આપશે. એ જે લેખનો સારાંશ આની અગાઉ “આ ગ્રંથની ઉપકરકતા”ના પેટામા અપાયા પછી આ ગ્રંથની છેવટે પરિશિષ્ઠના પેટામા જાણવા જેવી બાબતો અપાઈ છે, તે પ્રત્યે પાઠક કાળજીપૂર્વક વાંચશે-વિચારશે એવી આશા છે.”

આવા મુલ્યવાન ગ્રંથના પુનઃ પ્રકાશન અંગે મેં થોડા વર્ષો પૂર્વે “અખંડ આનંદ”ના સંપાદન કાર્યમાં જોડાયેલા શ્રી પી.કે. લહેરી સાહેબને વાત કરી હતી. એ સિવાય પણ કોઈ ધનપતિ આ ગ્રંથના પુનઃ પ્રકાશનની જવાબદારી ઉપાડવા તૈયાર થશે તો એક અદભુદ ગ્રંથ સમાજમાં ફરીવાર મૂકી શકશે.