Thursday, March 2, 2017

મુસ્લિમ કલાકારોના ભક્તિ ગીતો : ડૉ. મહેબૂબ દેસાઈ


ભારતના હિંદુઓમાં સૌથી લોકપ્રિય ભક્તિ ગીતો ક્યા ? એવા એક સાધારણ પ્રશ્નના જવાબમાં ભારતના નાગરિકોએ આપેલા ઉત્તરમાં દસ ફિલ્મી ભક્તિ ગીતોનો સમાવેશ થાય છે. જેમાંના છ ભક્તિ ગીતો મોહંમદ શકીલ બદાયુની અને ચાર ગીતો સાહિર લુધિયાનવી (મૂળ નામ અબ્દુલ હૈય)એ લખેલા છે. ભારતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સમન્વય અને સદભાવના અહિયાં અટકતા નથી. આ દસ ભક્તિ ગીતોમાના મોટાભાગના ગીતોને ભારતની સંગીતબધ્ધ મિયાં નૌશાદે કર્યા છે. જયારે તેને સ્વરબધ્ધ કરનારા મોહંમદ રફી છે. અને તેમાના મોટાભાગના ગીતોને પડદા પર સાકાર કરનાર મુસ્લિમ કલાકારો છે. આ ઈતિહાસ ભારતની સાંસ્કૃતિક અને અધ્યાત્મિક વિરાસત છે. તે આજે રચાયો નથી. પણ વર્ષોથી ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના પાયામાં રહેલ કોમી એકતાનું એ અદભૂત ઉદાહરણ છે. ફિલ્મ દુનિયા લપસણી દુનિયા છે. એવી ટીકા કરનાર માનવીઓ માટે એ સત્ય પણ જાણવા જેવું છે કે ફિલ્મ દુનિયામાં ભારતના તમામ રાજ્યો કરતા વધુ કોમી એખલાસ જોવા મળે છે. તેના અનેક દ્રષ્ટાંતો માનું એક છે તેના ભક્તિ ગીતો. તેની કેટલીક વિગતો જાણવા, માણવા અને પામવા જેવી છે.

આજે એવા કેટલાક ભક્તિ ગીતોની વાત કરવી છે, જેના સર્જનમાં મુસ્લિમ શાયરોની કલમ, સંગીતકારોના સૂર, ગાયકોના અવાજ અને અભિનેતાની અદાયગી મુસ્લિમ હોવા છતાં અદભૂત રીતે સાકાર થઈ છે. તેનું સૌ પ્રથમ ઉદાહરણ છે ૧૯૫૨ આવેલ બૈજુ બાવરા ફિલ્મનું ગીત મન તરપદ હરી દર્શન કો આજ. એ ગીત શકીલ બદાયુએ લખ્યું છે. તેના .ગાયક મોહંમદ રફી સાહેબ છે. જયારે તેના સંગીતકાર મીંયા નૌશાદ છે. આજે પણ આ ગીત ભારતના મંદિરો વાગે છે અને લોકો ભક્તિ ભાવથી તેને માણે છે. એવું જ બીજું એક ગીત મહેબૂબ ખાનની  ફિલ્મ અમરનું છે, ફિલ્મનો આરંભ એ જ ગીતથી થાય છે.
ઇન્સાફ કા મંદિર હૈ
ભગવાન કા ઘર હૈ
કહેના હૈ જો કહે દે
તૂઝે કિસ બાત કા ડર હૈ
હૈ ખોટ તેરે મન મેં
તો ભગવાન  સે હૈ દૂર
હૈ પાંવ તેરે ફિર ભી તું
આને સે હૈ મજબૂર
હિમ્મત હૈ તો આ જા
યે ભલાઈ કી ડગર હૈ
આ ગીતના રચયતા પણ શકીલ બદાયુની છે. સંગીતકાર મીંયા નૌશાદ છે.અને ગાયક પણ મોહંમદ રફી સાહેબ છે.
શકીલ બદાયુનીનું આવું જ એક ભજન ફિલ્મ ઘરનામા છે. ૧૯૬૧મા રીલીઝ થયેલી એ ફિલ્મમાં મોહંમદ રફી સાહેબે ગયેલા એ ભજનના શબ્દો છે,
જય રઘુનંદન
જય સીયારામ
હે દુઃખ ભંજન
તુમ્હે પ્રણામ
આવું જ એક અન્ય ગીત સાહિર લુધીયાનવી લિખિત ફિલ્મ નીલકમલનું છે. તેના શબ્દો છે,
હે રામ હે રામ  
હૈ રોમ રોમ મેં બસને વાલે રામ
જગત કે સ્વામી
હે અંતર યામી
મેં તુઝ સે ક્યા માંગું
ભગવાન રામ અને સીતાની સામે યાચના કરતા વહીદા રહેમાન પર ચિત્રિત થયેલા આ ગીત ભક્તિ
ગીતોમા આજે પણ અગ્ર સ્થાન ધરાવે છે. ૧૯૭૦મા દિલીપકુમારની એક પારિવારિક ફિલ્મ ગોપી આવી હતી. તેનું એક ભજન આજે પણ સૌના મુખમાં રમ્યા કરે છે. મોહંમદ રફી એ ગાયેલ અને દિલીપ કુમાર પર ચિત્રિત થયેલ એ ભજનના શબ્દો છે,
  સુખ કે સબ સાથી
   દુઃખ મેં ન કોઈ
   મેરે રામ મેરે રામ
   તેરા નામ સાચા
   દુજા ન કોઈ
ભગવાન રામ સીતા અને હનુમાનજી સામે ભક્તિ ભાવથી દિલીપ કુમારે ગાયેલ આ ભજન આજે પણ સાંભળીએ છીએ ત્યારે થોડીવાર માટે પણ મન સંસારી મોહથી અલિપ્ત થઈ જાય છે. નયાદૌર ફિલ્મનું પેલું ભજન જેમાં દિલીપકુમાર અને અજીત ભગવાન શંકરના મંદિરમાં પ્રાર્થના કરી રહ્યા છે, ત્યારે એક ફકીર દ્વારા ગવાય છે. એ પણ સાચ્ચે જ માણવા જેવું છે.
આના હૈ તો આ રાહ મેં
કુછ દેર નહિ હૈ
ભગવાન કે ઘર દેર હૈ
અંધેર નહિ હૈ
જબ તુઝ સે ના સુલઝે
તેરે ઉલઝે હુએ ધંધે
ભગવાન કે ઇન્સાફ
પર છોડ દે બંદે
ખુદ હી તેરી મુશ્કેલ વો
આસાન કરે ગા
જો તું નહિ કર પાયા
વો ભગવાન કરે ગા
અત્રે મુસ્લિમ શાયર સાહિર લુધિયાનવીએ  સરળ શબ્દોમાં ભગવાનનો મહિમા વ્યક્ત કર્યો છે.અજીત (મૂળ નામ હમીદ અલી ખાન)અને દિલીપકુમાર બંને મુસ્લિમ અભિનેતાઓએ સાહિર લુધિયાનવીના શબ્દોને અભિનય  દ્વારા સાકાર કરેલ છે. આજે પણ આ ગીત મંદિરની આરતીમાં વાગે છે ત્યારે કોઈ નાગરિક તેમાં હિંદુ મુસ્લિમનો ભેદ મહેસૂસ નથી કરતો. માત્ર ભક્તિમાં લીન બની તેને માણે છે. અને અંતે લગાન ફિલ્મનું જાવેદ અખ્તરે લખેલ પ્રભુ પ્રાર્થના ઓ પાલનહારે નિર્ગુણ ઔર ન્યારેને પણ સંગીત બધ્ધ કરનાર એ.આર. રહેમાન છે. આવો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સમન્વય ભારત દેશ સિવાય દુનિયાના એક પણ દેશમાં જોવા મળતો નથી. એ જ આપણી સાચી વિરાસત છે અને તેનું જતન કરવાની આપણા સૌની ફરજ છે..