Sunday, December 31, 2017

દાવત : ડૉ.મહેબૂબ દેસાઈ


છેલ્લા પંદર દિવસથી નિકાહની દાવતોમા જમી જમીને થાકી ગયો છું. અને એટલે આજે તેના વિષે લખી થોડી રાહત મેળવવાનો પ્રયાસ કરું છું. દરેક સમાજમાં ખુશીના અવસરોને માણવા ભોજન સમારંભો યોજાય છે. ઇસ્લામના અનુયાયીઓ અર્થાત મુસ્લિમો પણ પોતાની ખુશીને વહેચવા દાવતો કરે છે. જેમ કે દાવત એ વલીમા, દાવત એ અકીકાહ. દાવત એટલે નિમંત્રણ. દાવત એ વલીમા એટલે નિકાહ કે અન્ય ખુશીના સમયે આપવામાં આવતું ભોજનનું નિમંત્રણ. દાવત એ અકીકાહ એટલે બાળકના જન્મ સમયે કુરબાની કરી તેના મટનમાંથી ભોજન બનાવી તે ભોજન માટે આપવામાં આવતું નિમંત્રણ. 
ઇસ્લામિક રીવાજ મુજબ આવી ભોજનની દાવતોને સામાન્ય રીતે દાવત-એ-દસ્તારખ્વાં  પણ કહે છે. દસ્તારખ્વાં શબ્દ ઉર્દુ ભાષાનો છે. દસ્તારખ્વાં એટલે ભોજન સમયે પાથરીને જેના પર ભોજનની થાળી મૂકી ભોજન આરોગવામાં આવે તે કાપડનો મોટો ટુકડો. આવો ટુકડો લંબચોરસ કે ચોરસ પણ હોઈ શકે. દસ્તારખ્વાં ના રંગ બાબત પણ ઇસ્લામમાં સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. હઝરત મહંમદ પયગંબર (સ.અ.વ)એ ફરમાવ્યું છે,
દસ્તારખ્વાંનો રંગ સૂર્ખ એટલે કે લાલ હોવો જોઈએ.
કારણ કે ભોજન લેતા સમયે કોઈ ખાદ્ય પદાર્થ દસ્તારખ્વાં પર પડી જાય તો તેનો દાગ કે પદાર્થ પર ભોજન લેનારનું ઝાઝું ધ્યાન જાય નહી. અને વ્યક્તિ ઇત્મિનાનથી સંકોચ વગર ભોજન લઇ શકે. વળી, સુર્ખ દસ્તારખ્વાં વાપરનાર માટે ઇસ્લામમાં અઢળક પુણ્ય છે. હઝરત મહંમદ સાહેબ(સ.અ.વ)એ ફરમાવ્યું છે,
સુર્ખદસ્તારખ્વાં પર ભોજન લેનાર માટે અનેક ભૂખ્યાઓને ભોજન કરાવવા જેટલો સવાબ મળે છે.
એ જ રીતે ઇસ્લામી સંસ્કરો મુજબ ભોજનનો થાળ કે થાળી ભોજન લેનારની બેઠકથી ઉંચે રાખવામાં આવે છે. કારણ કે અનાજ એ ખુદાની નેમત (ભેટ) છે. તેનો માન મરતબો જાળવવો એ દરેક મુસ્લિમની ફરજ છે. માટે જ ઇસ્લામી રીવાજ મુજબ ભોજનનો થાળ હંમેશા ભોજન લેનારની બેઠક કરતા સહેજ ઉંચે અથવા સમકક્ષ રાખવામાં આવે છે.
ઇસ્લામમાં એક જ થાળમાં જમવાની ક્રિયાને પણ ખુબ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સાથે જમવાના કાર્યને ઇસ્લામમાં પુણ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે. જેને હમ પ્યાલા હમ નિવાલા પણ કહે છે. પ્યાલા એટલે વાડકો અને નિવાલા એટલે કોળીયો. એક જ પ્યાલામાંથી સાથે કોળીયો લેવો એ સદભાવ અને ભાઈચારનું પ્રતિક છે. માટે જ મુસ્લિમ સમાજના ભોજન સમારંભોમા એક મોટા થાળમાં ચાર વ્યક્તિઓને સાથે જમવા બેસાડવામાં આવે છે. થોડા વર્ષો પૂર્વે મુસ્લિમ ભોજન સમારંભોમા દસ્તારખ્વાં નીચે જમીન પર પાથરી તેના પર થાળ મૂકી ચાર વ્યક્તિઓને જમવા બેસાડવામાં આવતા હતા. પણ હવે તે ક્રિયામાં પરિવર્તન આવ્યું છે. દસ્તારખ્વાં ટેબલ પર પાથરી તેના પર થાળ મૂકી તેની આસપાસ ચાર ખુરશીઓ મૂકી ભોજન કરાવવાનો આરંભ થયો છે. પણ ભોજનના થાળને હંમેશા ઉપર રાખવાની પરંપરા યથાવત છે. હમણાં મારા પિતરાઈ સ્વ. ઈસાભાઈની પુત્રી શબનમના નિકાહની દાવતમા ટેબલો ખૂટી ગયા, ત્યારે ઇકબાલભાઈએ અમને મોટા પાણીના જગ પર થાળ મૂકી તેની આસપાસ ચાર ખુરસીઓ ગોઠવી જમાડ્યાનું મને યાદ છે. અર્થાત ભોજનનો થાળ હંમેશા ભોજન લેનારની સમકક્ષ કે સહેજ ઉંચે રાખવાનો રીવાજ ઇસ્લામી સંસ્કારોનું આગવું લક્ષણ છે.

વળી,દાવતના ભોજનમા કે તેના વ્યવસ્થા તંત્રમા ક્યારેય ક્ષતિઓ ન શોધો. યજમાનનો ભાવ અને તેની લાગણીની ટીકા ન કરો, કદર કરો. અલબત્ત ભોજન સારું હોય તો તેની અવશ્ય તારીફ કરો, પણ અન્યના ભોજન સાથે તેની તુલના કરી યજમાનને દુઃખ ન પહોંચાડશો. હઝરત મહંમદ પયગમ્બર સાહેબ નાના મોટા, અમીર ગરીબ સૌની દાવત કબૂલ કરતા અને પ્રેમથી જે કઈ આપે તે જમી લેતા. આ અંગે હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ)એ ફરમાવે છે,
જયારે દાવત આપવામાં આવે ત્યારે અવશ્ય જવું જોઈએ. જેવો દાવત મળવા છતાં કોઈ પણ કારણ વગર જતા નથી તેઓ ખુદાની નાફરમાની કરે છે.
આજના ઝડપી યુગમાં સૌને સમયનો અભાવ વર્તાય છે. વળી, એકધારું બહારનું ભોજન દરેકને સદતું નથી. એવા સંજોગોમા મહેમાન ક્યારેક ધર્મ સંકટમા મુકાય જાય છે. આ અંગે પણ મહંમદ સાહેબ (સ.અ.વ)એ ફરમાવ્યું છે,
દાવત સ્વીકારનાર વ્યક્તિ યજમાનને ત્યાં ભોજન આરોગે કે ન આરોગે એ મહત્વનું નથી. પણ યજમાનને ત્યાં જવું જરૂરી છે. તેના ન જવાથી દાવત આપનાર યજમાનને દુઃખ થશે. અને કોઈનું દિલ દુભાવવું ગૂનો છે.  
કયારેક એવું પણ બને છે કે દાવત આપનાર યજમાને ભોજનની દાવત માત્ર એજ વ્યક્તિની આપી હોય અને ભોજન સમારંભમાં સમગ્ર કુટુંબ જોડાઈ જાય. તે પણ વાજિબ નથી. હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ)એ આ અંગે ફરમાવે છે,
જેની દાવત હોય તેની સાથે એક પણ વ્યક્તિ વધારે હોય તો તેની તુરત જાણ યજમાનને કરો. અને તે સંમત થાય તો જ તે વધારાની વ્યક્તિને સાથે લઇ જાવ.
એક જ દિવસે અને સમયે બે દાવતો હોય તો કોની દાવત સ્વીકારવી ? એ અંગે પણ મહંમદ સાહબ (સ.અ.વ)એ ફરમાવ્યું છે,
જયારે તમને બે યજમાનો જમવાનું નિમંત્રણ આપવા આવે ત્યારે જે યજમાનનું ઘર તમારા ઘરથી નજીક હોય તેનું નિમંત્રણ સ્વીકારો. કારણ કે નજીક ઘરવાળો બે રીતે મહત્વનો છે, પ્રથમ તે તમારો સ્નેહી છે, પરિચિત છે. અને બીજું એ તમારો પાડોશી છે.
ઇસ્લામના દાવત અંગેના આ વિચારો દરેક સમાજ માટે ઉપયોગી અને અનિવાર્ય નથી લગતા ?



Monday, November 20, 2017

ઈદ-એ-મિલાદ : મહંમદ સાહેબના આદર્શોને પામવાનો દિન : ડો. મહેબૂબ દેસાઈ


ઇસ્લામમાં રબ્બી ઉલ અવ્વલ માસનું વિશેષ મહત્વ છે. કારણકે આ માસની ઇસ્લામિક તારીખ ૧૨ના રોજ હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) સાહેબનો જન્મ દિવસ છે. એ મુજબ ૨ ડીસેમ્બરના રોજ ઇસ્લામના અનુયાયીઓ ઈદ-એ-મિલાદ અર્થાત મહંમદ સાહેબ (સ.અ.વ.)નો જન્મ દિવસ ઉજવશે. એ સંદર્ભે મહંમદસાહેબના કેટલાક જીવનપ્રસંગો વાગોળવાનું આકર્ષણ રોકી શકતો નથી.
એક વખત હજરત મહંમદ પયગમ્બર (સ.ચ.વ)ને તેમના એક અનુયાયીએ પૂછ્યું,
 મારા સારા ઉછેર અને સંસ્કાર માટે કોને જવાબદાર ગણી શકાય?
મહંમદસાહેબ(સ.અ.વ.)એ કહ્યું, તારી માતાને.
એ વ્યકિતએ પૂછ્યું,‘માતા પછી કોણ ?’
તારી માતા  ફરી એ જ જવાબ મળ્યો.
એ પછી કોણ?
મહંમદસાહેબે ફરમાવ્યું, એ પછી તારા પિતા.
એક સહાબીએ મહંમદસાહેબને પૂછ્યું, ઔલાદ પર મા બાપના શા હક્કો છે ?
આપે ફરમાવ્યું, ઔલાદની જન્નત (સ્વર્ગ) અને દોઝક (નર્ક ) માબાપ છે.
અર્થાત્ મા બાપની સેવાથી જન્નત મળે છે અને તેમની સાથેની નાફરમાની અને ગેરવર્તણૂકથી દોઝક મળે છે.
એક વાર મહંમદસાહેબ(સ.અ.વ.) મુઆવઝની દીકરીની શાદીમાં ગયા. તેમને જૉઇને બાળાઓ હજરત મહંમદ (સ.અ.વ)ની આસપાસ ગોઠવાઇ ગઇ અને શહીદોની પ્રશંસા કરતાં ગીતો ગાવા લાગી. એક બાળાએ એ ગીતમાં એક કડી ઉમેરી, ફીના નબીય્યુન યાસઅલમુ માફીગદા અર્થાત્ અમારી વચ્ચે એક નબી છે, જે કાલની વાત જાણે છે.  મહંમદસાહેબ પોતાનાં વખાણ કે પ્રશંશા કયારેય સાંભળતા નહીં, એટલે તેમણે તરત ગીત ગાતી બાળાઓને રોકીને કહ્યું,
 જે ગાતા હતા તે જ ગાઓ. આવી વાત ન કરો.
હજરત મહંમદસાહેબ(સ.અ.વ.)ન્યાય, ઇન્સાફના ખૂબ આગ્રહી હતા. એક વખત મખઝૂમ કબિલાની એક સ્ત્રીએ ચોરી કરી. ઇન્સાફ માટે ફરિયાદી રસૂલેપાક પાસે આવ્યો. ઔસામા બિનઝેદી પ્રત્યે રસૂલેપાકને ખૂબ માન. આથી તે ચોરી કરનાર સ્ત્રી ઔસામા બિનઝેદીને લઇને મહંમદસાહેબ પાસે આવી. ઔસામ બિનઝેદીને જૉઇને મહંમદસાહેબ બોલી ઉઠયા,
 ઔસામા, શું તમે ન્યાયની વરચે પડવા આવ્યા છો ?
રસૂલેપાકનો પ્રશ્ન સાંભળી ઔસામાની નજર શરમથી ઢળી ગઇ. મહંમદસાહેબ(સ.અ.વ.)એ સાથીઓને સંબોધન કરતા કહ્યું,
તમારી પહેલાંની પ્રજા પૃથ્વી પરથી ભૂંસાઇ ગઇ છે, કારણ કે તેમણે ગરીબો, મઝલુમો પ્રત્યે ઇન્સાફ કર્યોન હતો. ખુદાના કસમ જૉ ફાતિમાએ (રસૂલેપાકની પ્રિય પુત્રી) ગુનો કર્યોહોય તો એને પણ સજા કરું.
મહંમદસાહેબને અવારનવાર સોનું-ચાંદી અને કમિંતી ચીજવસ્તુઓની ભેટો મળતી રહેતી, પણ પોતાની કુટીરમાં તે વસ્તુઓ એક રાત પણ તેઓ રાખતા નહીં. વસ્તુઓ જેવી આવે કે તરત તેને જરૂરતમંદોમાં તકસીમ (વહેંચી) કરી દેતા. એક રાત્રે તેમને બેચેની જેવું લાગવા માંડયું. કંઇ ચેન ન પડે. અંતે તેમણે પત્ની આયશાને પૂછ્યું, ‘આપણી છત નીચે પૈસા કે કંઇ સોનું-ચાંદી નથી ને?’આયશાને યાદ આવી જતાં બોલી ઠયાં,
અબ્બા (અબુબક્ર) ગરીબો માટે થોડા પૈસા આપી ગયા છે. તે પડયા છે.
રસૂલેપાક (સ.ચ.વ)એ ફરમાવ્યું,
અત્યારે ને અત્યારે તે પૈસા હાજતમંદોમાં વહેંચાવી દે. તને ખબર નથી, પ્રેષિતોની છત નીચે ધન ન હોય.
મુસાફરીમાં એક વાર સાથીઓ સાથે હજરત મહંમદ પયગમ્બરસાહેબ પગપાળા જઇ રહ્યા હતા. ભોજનનો સમય થતા કાફલો એક જગ્યાએ રોકાયો. રાંધવા માટે સૌએ કામની વહેંચણી કરી લીધી. પયગમ્બરસાહેબે બળતણ ભેગું કરવાનું પોતાના માથે લીધું. સાથીઓએ કહ્યું,
આપ એ તકલીફ ન લો. એ કામ અમે કરી લઇશું.
મહંમદસાહેબ(સ.અ.વ.) બોલ્યા,
 પણ હું મારી જાતને તમારા કરતાં ઉચી રાખવા નથી માગતો. જે પોતાને પોતાના સાથીઓ કરતાં ઉચ્ચ  ગણે છે તેને ખુદા નથી ચાહતા.
હજરત મહંમદ પયગમ્બરસાહેબની ઉંમર ૬૩ વર્ષની થવા આવી હતી. તેઓ બીમાર રહેતા હતા. તાવને કારણે અશકિત પણ ઘણી લાગતી હતી. આમ છતાં પોતાના બંને પિતરાઇઓ અલી અને ફજલનો ટેકો લઇ તેઓ નિયમિત સાથીઓને મળવા મસ્જિદમાં આવતા, નમાજ પડતા, તે દિવસે પણ નમાજ પછી તેમણે સાથીઓને કહ્યું, ‘મારા સાથીઓ, તમારામાંથી કોઇને મેં નુકસાન કર્યું હોય તો તેનો જવાબ આપવા અત્યારે હું મોજૂદ છું. જૉ તમારામાંથી કોઇનું મારી પાસે કશું લેણું હોય તો જે કંઇ આજે મારી પાસે છે તે બધું તમારું છે.
એક સાથીએ યાદ અપાવ્યું,
મેં આપના કહેવાથી એક ગરીબ માણસને ત્રણ દિરહમ આપ્યા હતા.
મહંમદસાહેબે તેને તે જ ક્ષણે ત્રણ દિરહમ આપી દીધા અને કહ્યું,
આપણી લેણદેણ માટે આ જગતમાં શરમાવું સારું છે. જેથી ખુદાને ત્યાં કષ્ટ સહન કરવું ન પડે.

 ખુદાના આવા પાક-પ્યારા પયગમ્બરની વફાત મુસ્લિમ ચાંદ ૧૨ રબ્બીઉલ અવ્વલ, ૧૧ હિજરી ૮ જૂન ઇ.સ. ૬૩૨ના રોજ થઇ, પણ નોંધપાત્ર બાબત એ છે કે મહંમદસાહેબનો જન્મ અને વફાત ૧૨ રબ્બી ઉલ અવ્વલ અર્થાત્ એક જ મુસ્મિલ તારીખે થયાં હતાં.

Sunday, November 19, 2017

કિસી કા દિલ જો તોડેગા, ખુદા કયા ઉસકો છોડેગા ? : ડૉ. મહેબૂબ દેસાઈ


થોડા સમય પહેલા મારો એક લેખ આપણે કેવા મુસ્લિમ છીએ ? રાહે રોશનમા છપાયો હતો. તેને સૌ મુસ્લિમોનો સાનુકુળ પ્રતિસાદ સાંપડ્યો હતો. એ સંદર્ભે અનેક મુસ્લિમ બિરાદરોના પ્રતિભાવો મળ્યા હતા. તે સર્વેનો એક જ સૂર હતો કે,

આપણે આદર્શ ઇસ્લામની વાતો કરીએ એ છીએ. પણ આપણા મોટાભાગના મુસ્લિમ સમાજમા હજુ ઇસ્લામની સાચી સમજ કેળવાઈ નથી. એ માટે આપણે સૌએ સાથે મળીને પ્રયાસો કરવા જોઈએ

ઇસ્લામ ધર્મની શ્રેષ્ટતા માટે કોઈ મતભેદ ન હોઈ શકે. વિશ્વમાં આજે તે ઉત્તમ અને બહોળો પ્રચાર પ્રસાર પામેલ મઝહબ છે. પણ તેના અનુયાયીઓ ઈસ્લામને સમજવામાં અને તેનું પાલન કરવામાં ઉણા ઉતર્યા છે. તે કડવું સત્ય પણ સ્વીકારવું જ રહ્યું. બર્નાર્ડ શોને એકવાર કોઈકે પૂછ્યું.
વિશ્વમા શ્રેષ્ટ ધર્મ કયો ?
એકપળનો પણ વિચાર કર્યા વગર તેઓ બોલ્યા,
ઇસ્લામ
પણ બીજી પળે તેઓ બોલ્યા,
પણ તેના અનુયાયીઓ તેની શ્રેષ્ટતાને પામી શકયા નથી
આ વિધાનની સત્યતા પામવા આપણે ઝાઝા દૂર જવાની જરૂર નથી. આપણી આસપાસ પણ તે દ્રષ્ટિગોચર થાય છે. મોટાભાગના શિક્ષિત કે અશિક્ષિત મુસ્લિમના સામાન્ય જીવન વ્યવહાર, વેપાર-વ્યવસાય કે નૈતિક આચરણમા કલમાના શરીક આદર્શ મુસ્લિમના લક્ષણોની કમી આપણે અનુભવીએ છીએ. જે મઝહબના પવિત્ર ગ્રંથ કુરાને શરીફમાં લખ્યું છે,
તોલમાં ત્રાજવાની દંડીને હંમેશા સીધી રાખીને તોલ કરો. અને લોકોને તેમની ખરીદેલી વસ્તુ ક્યારેય ઓછી ન આપો.
મહંમદ પયગમ્બર સાહેબે પણ તિજારત અર્થાત વેપાર કર્યો છે. પણ તેમાં ક્યારેય બેઈમાની નથી કરી. પરિણામે તેમના વેપારમાં હંમેશા ખુદાએ બરકત આપી હતી. એ યુગમાં હઝરત ખદીજા મોટા વેપારી હતા. તેમનો વિદેશમાં વેપાર મહંમદ સાહેબે સંભાળ્યો હતો. અને તેમાં અઢળક નફો કરી આપ્યો હતો. એ ઘટના ઇસ્લામી ઇતિહાસમાં જાણીતી છે. એ વાત ભૂલી જઈ જયારે ક્ષણિક લાભ માટે આપણે વેપારમા ઈમાનદારીને નેવે મૂકી વેપાર કરી છીએ, ત્યારે આપણે આપણી બરકતને બમણી થતા રોકીએ છીએ. અલ્લાહના ગુનેગાર બનીએ છીએ. અને આપણા ગ્રાહકને દુઃખી કરી તેનો વિશ્વાસ ગુમાવીએ છીએ.
એ જ રીતે આપણે સૌ ઘણીવાર અહંકારનો ભોગ બનીએ છીએ. મોટે ભાગે માન, મરતબો, મોભો કે સત્તા તેના મૂળમાં હોય છે. પરિણામે આપણો અહંકાર ક્યારેક કોઈ ગરીબ-અમીર માનવીને અપમાનિત કે દુઃખી કરી નાખે છે. મહંમદ સાહેબે એક હદીસમા ફરમાવ્યું છે,
જે વ્યક્તિના હદયમાં રજમાત્ર પણ અહંકાર હશે તે જન્નતમા દાખલ નહિ થાય.
મહંમદ સાહેબ આગળ ફરમાવે છે,
અલ્લાહને અભિમાન ગમે છે. પણ ઘમંડ નહિ. કારણ કે ઘમંડ એટલે પોતાની તુલનામાં બીજાને તુચ્છ સમજવું. અલ્લાહની નજરમાં સૌ સમાન છે.
માનવી માનવી વચ્ચે દુઃખ ઉત્પન કરનાર એક અન્ય માનવ લક્ષણ મજાક કે મશ્કરી છે. નિર્દોષ આનંદ માટે મજાક મશ્કરી આવકાર્ય છે. પણ કોઈને ઉતારી પાડવા કે તેની ટીકા ટિપ્પણ કરવા માટે થતી મજાક ઇસ્લામમાં આવકાર્ય નથી. ઇસ્લામમાં ઇસ્તિરઝા અર્થાત એવી ઠઠ્ઠામશકરી જેમાં કોઈનું દિલ દુભાતું હોય તે અંગે કહેવામાં આવ્યું છે,
કોઈની ટીકા કરવા કે તેને ઉતારી પાડવા કે તેના દોષોને જાહેરમાં લાવવા થતી નીચે મુજબની મશ્કરી ગુનાહ છે,
૧. કોઈના ચાલવા, ઉઠવા, બેસવા કે બોલવાની નકલ કરાવી.
૨. કોઈ પણ વ્યક્તિની વાત પર કે તેના ચેનચાળા પર હસવું
એક અન્ય હદીસમાં હઝરત મહંમદ સાહેબે ફરમાવ્યું છે,
મને કોઈ મોટી દોલત પણ કોઈની નકલ કરવા માટે આપવામાં આવે તો પણ હું તે માનવીની નકલ કરીશ નહિ
વુમન એમ્પાવર મેન્ટ અને સ્ત્રી સ્વાતંત્રની આપણે વાતો કરીએ છીએ. પણ તેના અમલમા કંજુસાઈ કરીએ છીએ. એ સત્ય મુસ્લિમ સમાજને પણ લાગુ પડે છે. પડદા પ્રથા અને બહુપત્નીત્વમાંથી તો મુસ્લિમ સમાજ મોટે ભાગે બહાર નીકળી ગયો છે. પણ હજુ ભણેલી ગણેલી, સુંદર અને મોટા ઘરની દીકરીની અપેક્ષા આપણે રાખીએ છીએ, પણ તેનું સ્થાન ઘરના ચોકામાં અને પુરુષથી ઉતરતું રાખવાનું ચલણ લુપ્ત થયું નથી. પરિણામે જાણ્યે અજાણ્યે સર્જાય છે ઉચ્ચ શિક્ષણ પામેલ કન્યાના જીવનમાં યાતના અને દુ:ખો. કુરાને શરીફમા કહ્યું છે,
‘હૂં તમારામાંથી કોઈ પણ વ્યક્તિના કામને વ્યર્થ નથી ગણાતો. ચાહે તે પુરુષ હોય કે સ્ત્રી. તમે પરસ્પર એકમેકના અંગો છો અને સમાનતાના અધિકારી છો´
પુરુષ અને સ્ત્રી બંનેને મા-બાપ કે નજીકના સંબધીની સંપતિમાં અધિકાર છે.’
માનવ જીવનમાં દુઃખ સર્જતા આ તો માત્ર થોડાક દ્રષ્ટાંતો છે. પણ ઇસ્લામમાં તો કોઈ પણ સંજોગો કે પરિસ્થિતિમાં અન્યને દુઃખ આપવું ગુનાહ છે. જયારે કોઈ દુઃખીના ચહેરા પર સ્મિત આણવાના કાર્યને ઈસ્લામે ઈબાદત જેટલું જ મહત્વ આપ્યું છે. અને એટલે જ આ ઉક્તિ ખાસ પ્રચલિત છે,

કિસી કા દિલ જો તોડેગા,
ખુદા કયા ઉસકો છોડેગા ?”







Thursday, November 16, 2017

મૌલાના અબ્દુલ કલામ આઝાદ : ડૉ. મહેબૂબ દેસાઈ


૧૧ નવેમ્બરના રોજ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્ર નેતા અને સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ પ્રધાન મૌલાના અબ્દુલ કલામ આઝાદની જન્મ તિથી હતી. તેમના જન્મ દિવસને ભારત સરકારે
રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવાનો ૨૦૦૮થી આરંભ કરેલ છે. એ અન્વયે એક સ્થાનિક ચેનલે યોજેલ એક લાઇવ કાર્યક્રમમા તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહેવાની તક સાંપડી. ત્યારે મૌલાના આઝાદનું એક અવતરણ મેં મારા વ્યાખ્યાનમાં ખાસ ટાંકતા કહ્યું હતું,
આકાશની ઉંચાઈ પરથી કોઈ ફરિશ્તો ઉતરે અને કુતુબ મિનાર પર એલાન કરે કે હું હિન્દુસ્તાનને ચોવીસ કલાકમાં આઝાદી અપાવી શકું છું પરંતુ એ શરતે કે હિંદુ-મુસ્લિમ કોમી એકતાને ત્યજી દે, તો આવી આઝાદી હૂં સ્વીકારીશ નહી
કોમી એકતાના આવા પ્રખર હિમાયતી મૌલાના સાહેબે રાષ્ટ્રીય જાગૃતિ પ્રસરાવવાના હેતુથી ૧૯૧૨મા અલ હિલાલ નામક ઉર્દુ અઠવાડિક શરુ કર્યું હતું. બંગાળની અંગ્રેજ સરકારે તેને બંધ કરવાના બદ ઈરાદાથી મૌલના સાહેબ પાસે બે હજારના જામીન માંગ્યા. મૌલાના સાહેબે તે આપ્યા. એ યુગમાં
અલ હિલાલ અખબારની ૨૬ હજાર નકલો વેચાતી હતી. અને તેનાથી પણ ચાર ગણા લોકો તે વાંચતા હતા. આથી ફરીવાર અંગ્રેજ સરકારે તેના માટે દસ હજારના જામીન માંગ્યા. એટલી મોટી રકમ મૌલાના સાહેબ ન આપી શક્યા. એટલે અલ હિલાલ પ્રેસ સરકારે જપ્ત કર્યું. એ પછી મૌલના સાહેબે અલ બલાગ નામનું સાપ્તાહિક શરુ કર્યું. અલ હિલાલ રાજકીય સાપ્તાહિક હતું. જયારે
અલ બલાગ સામાજિક ધાર્મિક જાગૃત્તિ માટેનું સાપ્તાહિક હતું. અલ બલાગને  પણ સામાજિક ધાર્મિક જાગૃત્તિનું એવું અદભૂત કાર્ય કર્યું કે અંગ્રેજ સરકાર તેને પણ જપ્ત કરવા પ્રેરાઈ. અને તેને પણ જપ્ત કરવામાં આવ્યું.
આમ બંગાળની અગ્રેજ સરકાર મૌલાના સાહેબની રાષ્ટ્રીય પ્રવૃત્તિથી ગળે આવી ગઈ હતી. એટલે અંતે તેમણે મૌલાના સાહેબને તડીપાર કર્યા. પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, અને મુંબઈની સરકારોએ તો તેમના પર પ્રથમથી પ્રતિબંધ મૂકી દીધો હતા. પરિણામે ૩૦ માર્ચ ૧૯૧૬ના રોજ મૌલના સાહેબ કલકત્તા થી બિહાર જવા નીકળ્યા. અને રાંચી પહોંચ્યા. મૌલાના સાહેબ રાંચી પાસેના મોરાબરી નામક ગામમાં રોક્યા. અહી આદિવાસીઓની વસ્તી હતી. આવા તડીપારની સજાના દિવસોમા પણ મૌલાના સાહેબ દીની કાર્યો જેવા કે પાંચ વક્તની નમાઝ, રોઝા વગેરે ચૂકતા ન હતા. તેમના તડીપારના હુકમના વિરોધમાં તેમના મિત્રો અને સબંધીઓએ સાઈઠ હજાર સહીઓવાળું મેમોરન્ડમ સરકારને આપ્યું હતું. પણ સરકારે તેના પર નજર સુધ્ધા ન કરી. પણ મૌલાના સાહેબના જીવન વ્યવહારમાં તેની જરા પણ અસર ન થઈ. તડીપાર દરમિયાન તેઓ નિયમિત પાંચ વક્તની નમાઝ અચૂક પઢતા. આ સમય દરમિયાન જ રમઝાન માસ આવી ચડ્યો. મોરાબરી ગામ રાંચી શહેરથી થોડું દૂર હતું. પરિણામે મૌલાના સાહેબ જુમ્માની નમાઝ અદા કરવા રાંચી શહેરમાં જવા લાગ્યા. એ મસ્જિતના લોકોને તેની જાણ થઈ. એટલે લોકોએ મૌલાના સાહેબને નમાઝ પઢાવવા અને ખુત્બો (ધાર્મિક વ્યાખ્યાન) કરવા આગ્રહ કર્યો. પછી તો દરેક જુમ્માએ મૌલાના સાહેબ રાંચી શહેરની જુમ્મા મસ્જિતમા ખુત્બો અને નમાઝ પઢાવતા.
જુલાઈ ૧૯૨૦મા અંગ્રેજ સરકારે મૌલાના સાહેબને નજર કેદ કર્યા. નજર કેદને કારણે મૌલાના સાહેબ ચાર વક્તની નમાઝ મસ્જિતમા પઢતા. પણ ઈશાની (રાત્રી)ની નમાઝ તેમને ઘરમાં જ પઢવી પડતી. એટલે મૌલાના સાહેબે રાત્રે મસ્જિતમાં નમાઝ પઢવાની સરકાર પાસે મંજુરી માંગી. પણ સરકારે તે ન આપી. મૌલાના સાહેબે કાયદા અને સજા ની ચિંતા કર્યા વગર ઈશાની નમાઝ મસ્જિતમા જઈ પઢવાનું શરુ કર્યું. મૌલાના સાહેબની મક્કમતા આગળ સરકાર ઝુકી. મૌલાના સાહેબના આ પગલા સામે સરકાર મૌન રહી. અને આમ મૌલના સાહેબ નજર કેદમા હોવા છતાં પાંચે વક્તની નમાઝ મસ્જિતમાં પઢવા લાગ્યા.
તડીપાર દરમિયાન મૌલાના સાહેબે રાંચી શહેરના મુસ્લિમોને જાગૃત્ત કરવા સક્રિય પ્રયાસો કર્યા. તેમનું ધ્યાન ધર્મ અને જ્ઞાન તરફ કેન્દ્રિત કર્યું. જેના કારણે વેરાન મસ્જિતો ફરીથી આબાદ થઈ. મૌલાના સાહેબે એક વર્ષ સુધી રાંચીની મસ્જિતમા કુરાને શરીફનું શિક્ષણ આપ્યું. મૌલાના સાહેબનો વધારે પડતો સમય વાંચન અને લેખનમાં પસાર થતો. તેમનો મહાન ગ્રંથ તરજુમાનુલ કુરઆન  આજ સમય દરમિયાનમાં લખાયો હતો. મૌલાનાસાહેબે  અન્ય એક ગ્રંથ અલબયાન પણ આ સમય દરમિયાન જ લખ્યો હતો. આ ઉપરાંત અન્ય ધાર્મિક પુસ્તિકાઓ અલ્લામા-ઈબ્ન-તીમીયાહ, અલ્લામા-ઈબ્ન- કાપિય્મ અને શાહ અલી ઉલ્લાહ મોહ્દ્દીસ દહેલવીનું જીવન ચરિત્ર પણ આ સમયમાં જ મૌલવી સાહેબે લખ્યું હતું. આ જ કાળમા તેમણે તર્કશાસ્ત્ર પર પણ એક પુસ્તિકા લખી હતી. એ પણ સત્ય છે કે આ સમય દરમિયાન મૌલાના સાહેબ અત્યંત આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા હતા. છતાં નજર કેદીને સરકાર તરફથી આપવામાં આવતી આર્થિક સહાય અંગ્રેજ સરકાર પાસેથી તેમણે લેવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો.  
મૌલાના સાહેબ અને ગાંધીજીની પ્રથમ મુલાકાત જાન્યુઆરી ૧૯૨૦મા દિલ્હીમાં હકીમ અજમલ ખાનને ત્યાં થઈ હતી. એ સમયે ખિલાફત ચળવળમા ભારતના મુસ્લિમો સાથે ભારતીય નેતાઓ અને પ્રજાને જોડવાનો પ્રશ્ન ખુબ ચર્ચામાં હતો. આ અંગે ગાંધીજી, મૌલાના આઝાદ, મૌલાના મુહમદ અલી, મૌલાના શૌકત અલી, હકીમ અજમલ ખાન, મૌલાના અબ્દુલ બારી વગેરે નેતાઓનું એક રાષ્ટ્રીય સંમેલનમાં ફિરંગી મહલમાં મળ્યુ હતું. તેમાં ગાંધીજી, લોકમાન્ય તિલક અને બીજા કોંગ્રેસી નેતાઓએ ભારતની પ્રજા અને નેતાઓને ખિલાફત ચળવળમાં જોડવાનો નિર્ણય લીધો હતો. પરિણામે ભારતીય મુસ્લિમ મોટી સંખ્યામાં સ્વતંત્ર યુધ્ધમાં જોડાવા સંગઠિત થયા હતા.

આવા કોમી એકતાના પ્રખર હિમાયતી રાષ્ટ્રીય નેતા મૌલાના આઝાદ આજે આપણી વચ્ચે નથી પણ તેમની મઝહબી અને રાષ્ટ્રીય વિચારધાર આજે પણ આપણને માર્ગદર્શન આપતી રહી છે. તેમાથી આપણે કેટલું ગ્રહણ કરવું છે તે આપણે જ નક્કી કરવાનું છે. 

Thursday, October 26, 2017

આપણે કેવા મુસ્લિમ છીએ ? : ડૉ. મહેબૂબ દેસાઈ


યુરોપની વિદેશયાત્રા દરમિયાન વિશ્વના મુસ્લિમોના દીદાર કર્યા પછી, પુનઃ અહીના મુસ્લિમ બિરાદરો સાથે નાતો સધાયો. ગુજરાતના મુસ્લિમ સમાજ સાથેનો મારો નાતો વર્ષો જૂનો છે. આમ છતાં ગુજરાતના મુસ્લિમ સમાજથી મને થોડો અસંતોષ પણ રહ્યો છે. અલબત્ત એમા કોઈ અંગત કારણો જવાબદાર નથી. તેઓ સાચે જ ઉમદા માનવીઓ છે. પણ ઇસ્લામના આદેશો અનુસાર થોડું પણ ચાલવાની તેમની નિષ્ક્રિયતા મારા માટે દુઃખ બની રહે છે. હું અત્રે તેમને ચમત્કારિક ધોરણે પાંચ વક્તના નમાઝી બનાવી દેવાની વાત નથી કરતો. પણ જીવન વ્યવહારમાં વ્યસન મુક્તિ, ભાઈચારો, પાડોશી ધરમ જેવા ઇસ્લામી સંસ્કારો અને આદર્શોનો તો કોઈ પણ મુસ્લિમ આસાનીથી જીવનમાં અમલ કરી જ શકે. પણ જયારે એક મુસ્લિમ બીજા મુસ્લિમ સાથે સદભાવ ભર્યો વ્યવહાર કરવામાં પણ કંજુસાઈ કરે છે, ત્યારે સાચે જ દુઃખ થાય છે.
મને બરાબર યાદ છે કે મારા એક લેખમાં મેં હઝરત મહંમદ પયગંબર સાહેબ (સ.અ.વ.)માટે ઇસ્લામિક સીરત અને હદીસોમાં વપરાયેલ શબ્દ ઉમ્મી (અનપઢ)નો ઉપયોગ કર્યો ત્યારે તેનો સખ્ત વિરોધ મુસ્લિમોએ કર્યો હતો. એ સમયે એક ટીવી ચેનલે મારો પ્રતિભાવ પૂછ્યો હતો. ત્યારે મેં  એટલું જ કહ્યું હતું,
એ લોકોને ભલે મારા માટે જે કહેવું હોય તે કહે, પણ અંતે તેઓ મારા ભાઈઓ છે. આપણે આપણી આંગળીએથી આપણા નખને દૂર નથી કરી શકતા, તો હું તેમનાથી મારી જાતને અલગ કેવી રીતે રાખી શકું ?
થોડા મહિનાઓ પહેલા એક સામાજિક સમસ્યાના ઉકેલ માટે મારે એક મુસ્લિમ બીરદારને ત્યાં જવાનું થયું. તેમના ઘરમાં પ્રવેશ્યો તો દુવા સલામ કરવા જેવા ઇસ્લામિક સંસ્કારોનો પણ સંપૂર્ણ અભાવ મને જોવા મળ્યો. મહંમદ સાહેબે ફરમાવ્યું છે,
આપના ઘરે દુશ્મન પણ આવે તો, સસ્મિત દુવા સલામ સાથે તેને આવકારો
આવા સંસ્કારો માટે કોઈ ખર્ચ કરવાની જરૂર નથી. એ તો ઇસ્લામની દેન છે. મહંમદ સાહેબની હદીસ છે. તેનો અમલ માત્ર દરેક મુસ્લિમને સવાબ અર્થાત પુણ્યના હકદાર બનાવે છે. આવા માનવીઓ પોતાને ઇસ્લામના અનુયાયીઓ કહે છે ત્યારે મને સાચ્ચે જ નવાઈ લાગે છે.
ઇસ્લામમાં વ્યસનને કોઈ સ્થાન નથી. છતાં એવા અનેક મુસ્લિમ બિરાદરો મેં જોયા છે જેઓ સતત મુખમાં તમાકુ કે માવો ભરીને વાત કરતા હોય છે. પરિણામે તેમની સાથે વાત કરવાનું ગમતું નથી. મહંમદ સાહેબે ફરમાવ્યું છે,
લોકો તમને વ્યસન તથા જુગાર માટે પૂછશે, તેમને કહી દેશો કે આ બંને વસ્તુ પાપમુલક છે. કોઈને તેથી ક્ષણિક ફાયદો થતો હશે પણ તેનું પાપ લાભ કરતા અનેકગણું છે.
આવા મુસ્લિમોને આપણે વ્યસન મુક્ત થવા કહીએ છીએ ત્યારે તેઓ હંમેશા હસીને વાત ટાળી દેતા હોય છે.
એ જ રીતે હિંદુ કે મુસ્લિમ કોઈની પણ ટીકા અર્થાત ગીબત કરવી એ પણ ઇસ્લામમાં ગુનો છે. કોઈની માનહાની કરવી કે કરવામાં સહભાગી બનવું એ પણ ઇસ્લામમાં ગુનો છે. એવું કરનારા ભલે પોતાને અન્ય માનવીથી ચડિયાતો માનતો હોય, પણ તે અલ્લાહનો ગુનેહગાર છે. અલબત્ત તેને તેના અહંમના મદમા તેની ખબર નથી હોતી. હઝરત મહંમદ સાહેબે ફરમાવ્યું છે,
નિંદા કરનાર માનવી દોઝકમા જશે.
હઝરત ઈમામ ગિઝાલી તો નિંદા કરનાર વ્યક્તિ સામે પાંચ તકેદારીઓ રાખવાનું કહે છે,
તમારી પાસે કોઈની નિંદા કરવામાં આવે ત્યારે પાંચ બાબતોનું ખાસ ધ્યાન રાખો.
૧. નિંદા કરનારની વાત કદાપી ન માનો.
૨. નિંદા કરનારના કાર્યોથી ચેતો.
૩. નિંદા કરનાર પ્રત્યે નાખુશી વ્યક્ત કરો.
૪. નિંદા કરનારની વાતની વિશ્વનીયતા કયારેય ન તપાસો.
૫. નિંદા કરનાર અંગે અન્યને કશું જ ન કહો.

અને છેલ્લે પાડોશી ધર્મ ઇસ્લામના પાયામાં છે. એક જ સોસાયટીમા રહેતા,એક જ મહોલ્લામાં કે વિસ્તારમાં રહેતા કે એક જ બિલ્ડીંગમા એક જ માળે રહેતા મુસ્લિમો વચ્ચે પણ વેરભાવ, દ્વેષ કે ઈર્ષાના ભાવો જાણે અજાણ્યે અભિવ્યક્ત થઈ જતા હોય છે. ઇસ્લામમાં હિંદુ મુસ્લિમ દરેક પાડોશી પ્રત્યે સમાન અને સદવર્તન રાખવાનો આદેશ છે. પણ આપણે આપણા નીજી સ્વાર્થ કે નાના મોટા લાભો માટે પાડોશી સાથેના સબંધો ને તનાવપૂર્ણ બનાવી દઈ એ છીએ. કુરાને શરીફમા ત્રણ પ્રકારના પાડોશીઓ અંગે ઉલ્લેખ છે,
૧. વલા જારે ઝીલ કુરબા અર્થાત એવા પાડોશી જે પાડોશી હોવા છતાં સગા પણ હોય.
૨. વલા જાહિલ ઝુનુબી અર્થાત એવા પાડોશી જે કૌટુંબિક સગાસબંધી ન હોય. આવા પાડોશીમા ગૈર મુસ્લિમ પડોશીનો પણ સમાવેશ થાય છે.
૩. વસ્સહીલે બિલજ્મ્બે અર્થાત એવા પાડોશી જેનો સંજોગવસાત મુસાફરીમા, દફતરમાં કે અન્ય કોઈ રીતે ભેટો થઈ ગયો હોય
આ ત્રણે પ્રકારના પડોશીઓ સાથે ઈસ્લામે સદવર્તન અને ભાઈચારો રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
કુરાને શરીફમા કહ્યું છે,
જે માણસ અલ્લાહ અને અતિમ ન્યાયના દિવસ પર ઈમાન રાખતો હોય તેણે પોતાના પાડોશીને કઈ પણ દુઃખ કે તકલીફ આપવા ન જોઈએ.
ચાલો, આપણે આપણી જાતને પૂછીએ કે આપણે આવા મુસ્લિમ છીએ ? અથવા બનવા પ્રયાસ પણ કરીએ છીએ ?


Thursday, October 19, 2017

શૈતાનને હંમેશા કાંકરી મારો : ડૉ. મહેબૂબ દેસાઈ


હજયાત્રાએથી પરત આવનાર સ્વજનોને હમણાં મળવાનું થયું. બધા શૈતાનને ઘણી મુશકેલી કાંકરી માર્યાની ઘટનાને વ્યથિત મને વ્યક્ત કરતા હતા. કારણ કે શૈતાનને કાંકરી મારવાની ક્રિયા હજની મુશ્કલે ક્રિયાઓ માની એક છે. જો કે હવે તો શૈતાનને કાંકરી મારવાના સ્થાને ચાર પાંચ માળનું મોટું  બિલ્ડીંગ બનાવી નાખવામાં આવ્યું છે. છતાં આજે પણ એટલી જ ભીડ અને અવ્યવસ્થા જોવા મળે છે. અલબત્ત તેમાં ત્યાના વ્યવસ્થા તંત્રનો કોઈ દોષ નથી. પણ હજયાત્રોની કાંકરી મારવાની ક્રિયા જલ્દી પૂર્ણ કરવાની વૃત્તિ જવાબદાર છે. વળી, સૌ હજયાત્રીઓ ગાડરિયા પ્રવાહમાં તણાય છે. કોઈ લીફ્ટ પકડીને છેક ઉપરના માળે જવાની કોશિશ કરતુ નથી એટલે એક જ સ્થાન પર માનવ ભીડ અવ્યવસ્થા સર્જે છે. અને એટલે જ મોટાભાગના હજયાત્રીઓ કાંકરી મારવાની ક્રિયાની વાત નીકળે એટલે અવશ્ય કહે,
બહુ મુશ્કેલીથી શૈતાનને કાંકરી મારી.
હજયાત્રાની શૈતાનને કાંકરી મારવાની ક્રિયામા એક અદભૂત જીવન બોધ રહેલો છે. આજે તેની થોડી વાત કરાવી છે.
હજયાત્રા દરમિયાન મીનામાં ઇબ્લીસ નામના શૈતાનને કાંકરી મારવાની ક્રિયા હજયાત્રીઓને ફરજીયાત કરવાની હોય છે. જો કે એ માત્ર એક હજની ક્રિયા નથી. તેની પાછળનો ઉદેશ જીવનમાં પણ મુલ્યો જાળવવાની પ્રતિજ્ઞા છે. શૈતાન એટલે અનૈતિક માર્ગે દોરનાર તત્વો. અસત્ય, અધર્મ, અસામાજિકતા અને અનૈતિકતા તરફ માનવીને દોરી જનાર વ્યક્તિ કે સંજોગો. આ તમામ શૈતાની તત્વો છે. તેને કાંકરી મારવી, તેનો ત્યાગ કરવો, તેનો જીવન વ્યવહારમાં તિરસ્કાર કરવો એટલે શૈતાનને કાંકરી મારવી. ઇસ્લામમાં શૈતાનથી દૂર રહેવાની પ્રેરણા આપનાર હઝરત ઈબ્રાહીમની કથા સાથે શૈતાનને કાંકરી મારવાની કથા સંકળાયેલી છે. પોતાન વહાલા પુત્ર ઈસ્માઈલની ખુદાના આદેશ મુજબ કુરબાની કરવા હઝરત ઈબ્રાહીમ તૈયાર થઈ ગયા. અને પુત્રને લઇ ઉજડ જંગલ તરફ પ્રયાણ કર્યું. ત્યારે ખુદાના આદેશથી તેમને ચલિત કરવા શૈતાને પ્રયાસો આરંભ્યા. સૌ પ્રથમ શૈતાન હઝરત ઈબ્રાહીમના પત્ની હઝરત હાજરા પાસે ગયો અને તેમને કહ્યું,
હઝરત હાજરા, તમને ખબર છે તમારા પતિ તમારા પુત્ર ઈસ્માઈલને શા માટે તેમની સાથે લઇ ગયા છે ?
હઝરત હાજરાએ ફરમાવ્યું,
કઈંક કામ અર્થે લઇ ગયા હશે.
હઝરત હાજરા, તમે ઘણા ભોળા છો. તમને ખબર નથી તમારા પતિ પુત્ર ઈસ્માઈલને ખુદના નામે કુરબાન કરવા લઇ ગયા છે.
હઝરત હજરાએ એક નજર શૈતાનની શરારત ભરી આંખો સામે કરી, પછી ફરમાવ્યું,
મારા પતિ ખુદના પ્યારા પયગંબર છે. ખુદની આજ્ઞાનું પાલન કરવા તેઓ હંમેશા તત્પર રહે છે. એટલે ખુદાનો આદેશ હઝરત ઈસ્માઈલને કુરબાન કરવાનો હશે, તો તેનું તેઓ અવશ્ય પાલન કરશે. તેમની એ ઈબાદતમા હૂં તેમની સાથે છું.
શૈતાન ઇબ્લીસ સમજી ગયો કે હઝરત હાજરાને બહેકાવવા મુશકેલ છે એટલે તે પુત્ર ઈસ્માઈલ પાસે પહોંચી ગયો.
ઈસ્માઈલ, તમને ખબર છે તમારા પિતા તમને ક્યાં લઇ જાય છે ?
હઝરત ઈસ્માઈલે ફરમાવ્યું,
મારા વાલિદ સાહેબ (પિતા) ખુદાના પ્યારા પયગંબર છે. તેઓ જે કરશે તે ખુદાના આદેશ મુજબ જ કરશે.
અરે પણ, તે તમારી કુરબાની કરવા તમને લઇ જઈ રહ્યા છે.
એ સત્ય હોય તો પણ તેમાં ખુદાનો આદેશ હશે. ખુદના આદેશ મુજબ કુરબાન થાવનું મને ગમશે.
અહિયાં પણ શૈતાન ઇબ્લીસ ફાવ્યો નહી. એટલે અંતે તેણે હઝરત ઈબ્રાહીમને બહેકાવવાનો પ્રયાસ કર્યો.
હે ઈબ્રાહીમ, તમે ગાંડા થઈ ગયા છો. સ્વપ્ના તો સાચા હોતા હશે ! અને એવા સ્વપ્નના આધારે એકના એક માસુમ પુત્રની કુરબાની કરાતી હશે ?
પણ હઝરત ઈબ્રાહીમ તો પ્રથમથી જ સમજી ચૂક્યા હતા કે ખુદના આદેશની અવગણના કરવા સમજાવવા આવનાર શૈતાન ઇબ્લીસ છે. એટલે શૈતાન ઇબ્લીસ વધુ કઈ કહે તે પહેલા જ હઝરત ઈબ્રાહીમ બોલી ઉઠ્યા,
આને કાંકરા મારી ભગાડો. આ શૈતાન છે.
પિતાના આવા ઉદગારો સાંભળી સાથે ચાલી રહેલ પુત્ર ઇસ્લામાઈલે પણ શૈતાનને કાંકરીઓ મારવા માંડી. બંને પિતા પુત્રએ શૈતાનને સાત સાત કાનાક્રીઓ મારી તે સ્થળને જમ્રતુલ સાગર અર્થાત નાનો શૌતન કહે છે. એ પછી જમ્રતુલ બોસ્તા (વચલો શૈતાન) અને જમ્રતુલ અલઅક્બા (મોટો શૈતાન)ને પણ પિતા પુત્રએ કાંકરીઓ મારી. પરિણામે શૈતાન નાસી ગયો.
હઝરત ઈબ્રાહીમને ખુદના આદેશથી ચલિત કરવા પ્રયાસ કરનાર શૈતાન આજે પણ સક્રિય છે. આજે પણ અનેક સ્વરૂપે, અનેક સંજોગોમાં જીવનના દરેક માર્ગ પર ડગલે ને પગલે શૈતાન આપણને અનૈતિક, અધાર્મિક અને અસામાજિક માર્ગે દોરવા સતત પ્રયત્ન કરી રહેલ છે. એ શૈતાનને સંયમ, સબ્ર અને શાંતિની કાંકરી મારી આપણાથી દૂર રાખવાની જરુર છે. ખુદા આપણને સૌને એવા થી દૂર રાખવા સંયમ અને ઈબાદતની પરવળ કાંકરીઓ અત્તા (પ્રદાન) કરે એ જ દુવા – આમીન.