Wednesday, August 3, 2016

મિર્ઝા અબુ તાલેબ ખાનની કરબલા અને નેજીફની મુલાકાત : ડૉ. મહેબૂબ દેસાઈ


હમણાં એક સુંદર પુસ્તક વાંચવામાં આવ્યું. મિર્ઝા અબુ તાલેબ ખાનનો પશ્ચિમ દેશોનો પ્રવાસ (અનુવાદ : યુનુસ ચિતલવાલા, રંગદ્વાર પ્રકાશન, અમદાવાદ). મિર્ઝા અબુ તાલેબ ખાને માસિર તાલિબી ફી બિલાદ અફરન્ગી નામે  ફારસીમાં લખેલ ગ્રંથનો સૌ પ્રથમ અંગ્રેજીમાં અનુવાદ ચાર્લ્સ સ્ટવાર્ડએ ૧૮૧૪મા કર્યો હતો. એ ગ્રંથનો ગુજરાતી અનુવાદ જનાબ યુનુસ ચિતલવાલાએ કર્યો છે. જેમાં પશ્ચિમના દેશોનો ઇસ. ૧૭૯૯ થી ૧૮૦૩ દરમિયાનનો સુંદર ચિતાર આપવામાં આવ્યો છે. પશ્ચિમી જગતનો જાયજો લેનાર પ્રવાસીઓમાં મિર્ઝા અબુ તાલેબ ખાન અગ્ર હતા. લખનૌ (અવધ)મા ઇ.સ. ૧૭૫૨મા જન્મેલ અબુ તાલીબને યુરોપિયન વિદ્વાનોએ એક સંવેદનશીલ અને ઊંડી સૂઝ ધરાવનાર સામજિક ચિંતક તરીકે મૂલવ્યા છે. અબુ તાલિબ માત્ર એક પ્રવાસી ન હતા. પણ યુરોપ અને હિન્દોસ્થાનની સંસ્કૃતિ, સમાજ, ઈતિહાસ અને રાજકીય માહોલનો તુલનાત્મક અભ્યાસ કરનાર મોટા વિદ્વાન પણ હતા. ગવર્નર જનરલ કોર્ન વોલિસ સાથે તેમને નિકટનો પરિચય હતો. તેમની વિદ્વતાથી કોર્ન વોલિસ કાફી પ્રભાવિત હતા. તેમણે ૭ ફેબ્રુઆરી ૧૭૯૯ થી ૪ ઓગસ્ટ ૧૮૦૩ દરમિયાન યુરોપની મુલાકાત લીધી હતી. એ મુલાકાત દરમિયાન તેઓ મુસ્લિમ શિયા સમાજના ધાર્મિક યાત્રાધામ બગદાદ અને નેજાફની મુલાકતે ગયા હતા. એક શિયા પંથી વિદ્વાન પ્રવાસી તરીકે બગદાદ અને નેજાફનું ૨૧૩ વર્ષ પહેલાનું સુંદર ચિત્ર તેમણે તેમની પ્રવાસ કથામાં આપેલ છે. તેમની એ પ્રવાસ કથાના કેટલાક અંશો માણીએ.

સૌ પ્રથમ મિર્ઝા અબુ તાલેબ ખાન કરબલાની મુલાકાત લે છે. આ એ જ સ્થળ છે જ્યાં હઝરત ઈમામ હુસેન અને યઝદી વચ્ચે સત્ય અને અસત્યની લડાઈ થઇ હતી. અને હઝરત ઈમામ હુસેન અને તેમના ૭૨ સાથીઓ શહીદ થયા હતા. આ અંગે મિર્ઝા અબુ તાલેબ ખાન લખે છે,

કરબલા અને તેના પરિસરનો મોટા પાયે પુનરુદ્ધાર કરાયો હતો. ઈરાનના શાહ મોહમ્મદ ખાન કેજરે બધો ખર્ચ અદા કરેલો. મક્બરાનો ગુંબજ અત્યંત આકર્ષક છે.તેના પર સોનાની લાદીઓ ચોડેલી છે. અંદરના ભાગે સુંદર ડીઝાઇનનું સુશોભન કરેલું છે. જેના પર સોનાનું વરખ ચઢાવેલું છે. પ્રખ્યાત કારીગરો, કમાનગરો, લહિયાઓ ને શિલ્પીઓએ એ કાર્ય કરેલુ છે. શહીદ થયેલા હુસેન, જે હઝરત અલીના પુત્ર હતા અને મોહમ્મદના પૌત્ર થાય, તેમની દરગાહ કેન્દ્ર સ્થાને આવેલી છે. તેની આસપાસ સ્ટીલની જાળી મુકેલી છે. જેના પર સોનેરી નકશી કામ છે. પરિસરમાં ૭૨ શહીદોની કબરો આવેલી છે જે હઝરત હુસેન સાથે શહીદ થયા હતા. અહીંથી પા માઈલના અંતરે એક ગુફા આવેલી છે જ્યાં એ લોકોની કતલ કરાઈ હતી. અહીની માટી આખા વિશ્વમાં પવિત્ર પ્રસાદી રૂપે લઇ જવાય છે.

કરબલાની યાત્રા પૂરી કરી તાલેબ ખાન નેજાફ આવ્યા. અને મુસાફરી દરમિયાન આવતી નહેરો પરના બે પૂલ પાર કર્યા. પ્રથમ નહેરને નહેરે હુસેની કહે છે. જેને તુર્કીના સુલતાન મુરાદે બાંધેલી, જેના દ્વારા યુક્રેટીસ નદીમાનું જળ કરબલા પહોંચે છે. જયારે બીજી નહેરનું નામ છે નહેરે હિંદુ. જેને લખનૌના નવાબ આસફ-ઉદ- દવલાએ બંધાવેલી. તે પ્રથમ નહેરની સરખામણીએ ઘણી પહોળી છે અને યુક્રેટીસ નદીના જળને નેજીફ પહોંચાડવાનું આયોજન છે. દસ લાખ રૂપિયાનો ખર્ચ તો થઇ ગયો છે, છતાં નેજીફ સુધી તે પહોંચી નથી. કારણ કે સ્થાનિક સત્તાધીશો અનેક રુકાવટો ઉભી કરે છે. નેજીફમાં હઝરત અલીનો મકબરો આવેલો છે. એનાથી ફક્ત નેજીફને જળ જ નહિ મળે પણ અનેક ગરીબોને કામ મળશે અને કિસાનોની જમીન ફળદ્રુપ બનશે.

હિલ્લા નગર યુક્રેટીસ નદીને બંને કાંઠે વસેલું છે, જ્યાં મોટા મકાનો અને અસંખ્ય બગીચા આવેલા છે. હિલ્લા બહારની મુખ્ય મસ્જિત સૂર્ય મસ્જિત (મસ્જીતે શમ્શ) તેરીકે ઓળખ્યા છે. જેના પર એક મિનાર આવેલ છે. જેને અલીનો મિનારો કહે છે.જો કોઈ કહે કે અલી હકમાં તો મિનારો ઝૂલે છે. અને કોઈ એમ કહે કે ઉમરના હકમાં તો મિનારો ઝૂલતો નથી. અહિયાં રાત્રી રોકાણ પછી મિર્ઝા અબુ તાલેબ ખાન નેજીફ જવા રવાના થયા. નેજીફને ફરતે કિલ્લો બાંધેલો છે. અને તેને અડીને ખાઈ ખોદવાનું કાર્ય પ્રગતિમાં છે. જેથી વહાબીઓના હલ્લા સામે રક્ષણ મળી રહે. એનો ખર્ચ નવાબ આસફ-ઉદ- દવલાએ ભોગવ્યો છે.

હઝરત અલીનો મકબરો, તેની આજુબાજુના મકાનો અને વિશાલ પ્રવેશ દ્વાર સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના છે. તેના ગુંબજ અને મિનારાને નાદિર શાહના કોઈ સગાએ રીપેર કરાવેલા અને એના પર પણ સોનાની લાદીઓ ચોટાડેલી છે. મકબરા અને મુખ્ય દ્વારની અંદરના ભાગે સુશોભિત લાદીઓ ચોડેલી છે. મકબરાના આગળના ભાગે આરસની એક વિશાલ બેઠક બાંધેલી છે, જેથી યાત્રાળુઓ તેના પર આરામ લઇ શકે. મકબરા, તેની અંદરની દરગાહ અને ગોખલાના દરવાજા ચાંદીના છે. જોકે એમની મોટાભાગની ચાંદીની વસ્તુઓ કાઝેમાઈ મોકલી દેવી છે જેથી વહાબીઓથી તે સુરક્ષિત રહે. પણ અતિ કીમતી ગાલીચા, ફાનસ અને અન્ય ફર્નીચર હજુ અહી જ રખાયું છે. ઈમામ અલીની દરગાહમાં ફાતેહા પછી યાત્રાળુઓને મકબરાના એક ખૂણા તરફ નજર કરવાનું કહેવાય છે. આ એ જગ્યા છે જ્યાં ઈમામ હુસેનનું માથું જ તેમના દીકરા ઝૈનુલ આબેદિન સિરિયાથી લાવેલા, તેને દફન કર્યું છે. અહીથી યાત્રાળુઓ મકબરાની નીચેની દીવાલ પાસે બે સિજદા કરે છે. એક આદમ માટે અને એક નૂહ માટે, જે લોકવાયકા પ્રમાણે અહી દફન થયેલા છે. મકબરાના પ્રવેશની બહાર ઈરાનના શાહ અબ્બાસ અને એક નાકડા ઓરડામાં ઈરાનના રાજા મોહમ્મદ ખાન કેજરની કબરો આવેલી છે. અહી રાજ્યના કર્મચારીઓ સતત કુરાન પઠન કરે છે અને અગરબત્તી, ધૂપ અને મિણબત્તીની રોશની કરે છે.
મિર્ઝા અબુ તાલેબ ખાન લખે છે,
હઝરત અલીના મકબરામાં દાખલ થતાં જ મારા પર ઘેરી અસર થઇ અને હું ઝાડના પાન જેમ ધ્રુજવા લાગ્યો. ભારે મુશ્કેલી વેઠી મેં સજદા કર્યા. મુખ્ય મકબરાથી થોડે અંતરે બીજા બે બાંધકામો આવેલા છે. જે ઝૈનુલ આબેદિન (હુસેનના પુત્ર) અને સફેહ સુફ્ફાના છે. મારી યાત્રા પૂરી થતા, હું હિલ્લા અને કરબલા થઇ બગદાદ પરત ફર્યો

આવા પ્રવાસ વર્ણનો ઇતિહાસની ધરોહર છે.

No comments:

Post a Comment