Thursday, August 11, 2016

સૂફી કથાઓમા માનવ મુલ્યો : ડૉ. મહેબૂબ દેસાઈ


તા. ૧૧ ઓગસ્ટના રોજ ગ્રામ દક્ષિણામૂર્તિ, મણારમા પંડિત સુખલાલજી વ્યાખ્યાનમાળા અંતર્ગત
સૂફી કથાઓમાં માનવ મુલ્યો વિષયક વ્યાખ્યાન આપવાનો અવસર સાંપડ્યો. વ્યાખ્યાનનો આરંભ મેં સૌ પ્રથમ સૂફીસંતોના લક્ષણોથી કર્યો, જેમા ઠેર ઠેર માનવ મુલ્યો દ્રષ્ટિગોચર થાય છે. જેમકે
૧. સૂફીસંતો ખુદા કે ઈશ્વરને પ્રિયતમા માની તેનો જિક્ર કરે છે. તેને પ્રેમ કરે છે.
૨. તેઓ ખુદા કે ઈશ્વરને મંદિર-મસ્જિતમા નથી શોધતા. તેઓ માને છે ઈશ્વર કે ખુદા દરેક માનવીના હદયમા વસે છે.
૩. તેઓ મોટેભાગે ધાર્મિક ક્રિયાકાંડોથી અલિપ્ત રાહે છે.
૪. તેઓ મૃત્યુંને મુક્તિ માને છે. મુક્તિના આનંદની ઉજવણી કરે છે. અને એટલે જ સૂફીસંતોની દરગાહ પર ઉર્ષની ઉજવણી મૃત્યુતિથિ પર થાય છે, જન્મતિથી પર નહિ.
૫. સૂફી સંતો ઊંચનીચ, અમીર ગરીબ, ધર્મ જ્ઞાતિના ભેદભાવોમા માનતા નથી. તેમને મન સૌ સમાન છે. સૌ એક જ ખુદાના સંતાનો છે.
૬. તેઓ માને છે ખુદાની પ્રાપ્તિ માટે જરૂરી છે અહંકારનો ત્યાગ.
વિશ્વના સૌથી પ્રથમ અને શ્રેષ્ઠ સૂફી સંત હઝરત મહંમદ પયગમ્બર સાહેબ હતા. જેમના જીવન કવન માંથી સૂફીઓં હંમેશા પ્રેરણા લેતા રહે છે. તેઓ સાદગી, સેવા, સંયમ, ઈબાદત અને નિરાભિમાનનું આદર્શ દ્રષ્ટાંત હતા. તેઓ પોતાના અનુયાયીઓ સાથે સમાન વ્યવહાર કરતા.એકવાર સફરમાં સૌ ભોજન બનાવવામા લાગી ગયા. મહંમદસાહેબ જંગલમાંથી સૂકા લાકડા શોધવા નીકળી પડ્યા. સહાબીઓએ ઘણી ના પાડી ત્યાંરે તેઓ બોલ્યા,
જે પોતાની જાતને અન્યથી ઉંચી કે બહેતર માને છે તેને ખુદા નથી ચાહતા
આવા માનવીય સિદ્ધાંતોને જીવનમાં સાકાર કરનાર અનેક સૂફીઓ ભારતમાં થઇ ગયા
સૂફી સંતોના પિતામહ સમા અલ મન્સુર, જેમણે સૌ પ્રથમ અનલ હકનો સિધ્ધાંત આપ્યો. અર્થાત તેમણે સૌ પ્રથમ કહ્યું હું ખુદા છું. મારામાં ખુદા છે તેમની એ વાત એ યુગમાં કોઈના ગળે ન ઉતરી અને તેમને પથ્થરો મારીને મારી નાખવામાં આવ્યા. અબ્દુલ રહીમ ખાનખાન જેઓ અકબરના માર્ગદર્શક બહેરામ ખાનના પુત્ર હતા. અને ઉત્તમ કૃષ્ણભક્ત હતા. તેમણે પોતાની એક સાખીમાં કહ્યું છે,
 બડે બડાઈ ના કરે, બડેના બોલે બોલ
 રહિમન હીરા કબ કહે લાખ ટકા હૈ મોલ
સિંધના સૂફી સંતોમાં બુલ્લેશાહનું નામ ઘણું મોટું છે. તેમણે કહ્યું છે,
મંદિર-મસ્જિદ તોડો,
 મુઝે પ્યાર કૈસા  
 પર પ્યાર ભરા દિલ કભીના તોડો
 જિસ દિલ મેં દિલબર રહેતા
અત્રે જે દિલબરની વાત બુલ્લેશાહ કરે છે તે  ઈશ્વર-ખુદા છે. જેના હદયમાં ખુદા રહે છે, તે દિલ ક્યારેય ના તોડો. આવા માનવ મૂલ્યોની શીખ બુલ્લેશાહના ઉપદેશોના કેન્દ્ર છે. એવા જ એક અન્ય સૂફીસંત થઇ ગયા બાબા ફરીદ, જેઓ જાણીતા સૂફીસંત નીઝામુદ્દીન ઓલિયાના શિષ્ય હતા. વર્ષો જગલમાં રહી, ઝાડના પાંદડાઓ ખાઈને ઈબાદત કરી. પછી તેઓ પોતાના ઘરે આવ્યા. દાઢી અને માથાના વાળ વધી ગયા હતા. ગૂંચાઈ ગયા હતા. વર્ષો પછી પોતાના પુત્રને જોઈ તેમની મા ઘણા ખુશ થયા. પુત્રનું માથું ખોળમાં મૂકી તેના પર હાથ ફેરવવા લાગ્યા. ત્યારે ફરીદે કહ્યું,
મા મારા વાળમાં હાથ ન ફેરવ. વાળ ગુંચાયેલા છે, તેથી મને પીડા થાય છે
ત્યારે મા બોલ્યા,
બેટા ફરીદ, વર્ષો તે જંગલમાં ઝાડના પાંદડા તોડી ને ખાધા ત્યારે એ વૃક્ષોને કેટલી પીડા થઇ હશે ?
અને બાબા ફરીદને જ્ઞાન લાધ્યું ઈબાદત એવી રીતે કરો જેમાં પીડા તમારે ખુદે સહેવી પડે
સંત કબીર પણ ઉત્તમ કોટના સૂફી હતા. જેમનું જીવન અને સાખીઓ તેની સાક્ષી પૂરે છે. તેઓ કહે છે,
મૌકો કહા ઢૂંઢો બંદો મૈં તો તેરે પાસ મેં
ના મૈં બકરી, ના મૈં ભેડી મેં છુરી ગંડાસા મેં
નહીં ખાલ મેં, નહીં પોંછ
મેં ના હડ્ડી ના માસ મેં
ના મૈં દેવલ,
ના મૈં મસજિદ,
ના કાબે કૈલાસ મેં
મેં તો રહૌ સહર કે બહાર,
મેરી પુરી મવાસ મેં
કહે કબીર સુનો ભાઈ સાધો,
સબ સાંસો કી સાંસ મેં
ગુજરાત પણ સૂફી પરંપરાથી તરબતર છે. સંત અહેમદ ખટુ ગંજબક્ષ, હઝરત ઉસ્માન, હઝરત શાહઆલમ શાહ, મહેમુદ શાહ બુખારી, હઝરત દાવલ શાહ, હઝરત સતાર શાહ. સૂફી સંપ્રદાયની ચિસ્તીયા શાખાના હિમાયતી સત્તાર શાહના કોમી એકતાને વાચા આપતા ભજનો આજે પણ લોક જીભે રમે છે.
કોઈ બ્રાહ્મણ કોઈ વાણીયો
કોઈ સૈયદ કોઈ શેખ
જ્ઞાન કરીને જોઈ લો
ભાઈ આત્મ સૌના એક
ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના સરોદ ગામના વતની સુલેમાન ભગત (ઈ.સ.૧૬૯૯) અને જીવણ મસ્તાન (ઈ.સ.૧૭૦૦)ની રચનાઓ ગામે ગામ ગવાતી હતી.જીવણ મસ્તાન લખે છે,
ઇશ્વરતો છે સોનો સરખો રે, એને નથી કોઈ ભેદ
રોકી શકે એને નહી કોઈ જોઈ લો ચારે વેદ
ખોળિયાને ભુલાવે રે ઉભું થયું એવું ભાન છે
સજનો ક્સાઈ, સુપચ ભંગી, રોહીતદાસ ચમાર
એવા લોકો મોટા ગણાય , એ ભક્તિનો સાર"
આવ સૂફીસંતોએ વહેવડાવેલ માનવ મુલ્યોની સરવાણી આજે પણ આપણને રાહ ચીધતી રહે છે.


Wednesday, August 3, 2016

મિર્ઝા અબુ તાલેબ ખાનની કરબલા અને નેજીફની મુલાકાત : ડૉ. મહેબૂબ દેસાઈ


હમણાં એક સુંદર પુસ્તક વાંચવામાં આવ્યું. મિર્ઝા અબુ તાલેબ ખાનનો પશ્ચિમ દેશોનો પ્રવાસ (અનુવાદ : યુનુસ ચિતલવાલા, રંગદ્વાર પ્રકાશન, અમદાવાદ). મિર્ઝા અબુ તાલેબ ખાને માસિર તાલિબી ફી બિલાદ અફરન્ગી નામે  ફારસીમાં લખેલ ગ્રંથનો સૌ પ્રથમ અંગ્રેજીમાં અનુવાદ ચાર્લ્સ સ્ટવાર્ડએ ૧૮૧૪મા કર્યો હતો. એ ગ્રંથનો ગુજરાતી અનુવાદ જનાબ યુનુસ ચિતલવાલાએ કર્યો છે. જેમાં પશ્ચિમના દેશોનો ઇસ. ૧૭૯૯ થી ૧૮૦૩ દરમિયાનનો સુંદર ચિતાર આપવામાં આવ્યો છે. પશ્ચિમી જગતનો જાયજો લેનાર પ્રવાસીઓમાં મિર્ઝા અબુ તાલેબ ખાન અગ્ર હતા. લખનૌ (અવધ)મા ઇ.સ. ૧૭૫૨મા જન્મેલ અબુ તાલીબને યુરોપિયન વિદ્વાનોએ એક સંવેદનશીલ અને ઊંડી સૂઝ ધરાવનાર સામજિક ચિંતક તરીકે મૂલવ્યા છે. અબુ તાલિબ માત્ર એક પ્રવાસી ન હતા. પણ યુરોપ અને હિન્દોસ્થાનની સંસ્કૃતિ, સમાજ, ઈતિહાસ અને રાજકીય માહોલનો તુલનાત્મક અભ્યાસ કરનાર મોટા વિદ્વાન પણ હતા. ગવર્નર જનરલ કોર્ન વોલિસ સાથે તેમને નિકટનો પરિચય હતો. તેમની વિદ્વતાથી કોર્ન વોલિસ કાફી પ્રભાવિત હતા. તેમણે ૭ ફેબ્રુઆરી ૧૭૯૯ થી ૪ ઓગસ્ટ ૧૮૦૩ દરમિયાન યુરોપની મુલાકાત લીધી હતી. એ મુલાકાત દરમિયાન તેઓ મુસ્લિમ શિયા સમાજના ધાર્મિક યાત્રાધામ બગદાદ અને નેજાફની મુલાકતે ગયા હતા. એક શિયા પંથી વિદ્વાન પ્રવાસી તરીકે બગદાદ અને નેજાફનું ૨૧૩ વર્ષ પહેલાનું સુંદર ચિત્ર તેમણે તેમની પ્રવાસ કથામાં આપેલ છે. તેમની એ પ્રવાસ કથાના કેટલાક અંશો માણીએ.

સૌ પ્રથમ મિર્ઝા અબુ તાલેબ ખાન કરબલાની મુલાકાત લે છે. આ એ જ સ્થળ છે જ્યાં હઝરત ઈમામ હુસેન અને યઝદી વચ્ચે સત્ય અને અસત્યની લડાઈ થઇ હતી. અને હઝરત ઈમામ હુસેન અને તેમના ૭૨ સાથીઓ શહીદ થયા હતા. આ અંગે મિર્ઝા અબુ તાલેબ ખાન લખે છે,

કરબલા અને તેના પરિસરનો મોટા પાયે પુનરુદ્ધાર કરાયો હતો. ઈરાનના શાહ મોહમ્મદ ખાન કેજરે બધો ખર્ચ અદા કરેલો. મક્બરાનો ગુંબજ અત્યંત આકર્ષક છે.તેના પર સોનાની લાદીઓ ચોડેલી છે. અંદરના ભાગે સુંદર ડીઝાઇનનું સુશોભન કરેલું છે. જેના પર સોનાનું વરખ ચઢાવેલું છે. પ્રખ્યાત કારીગરો, કમાનગરો, લહિયાઓ ને શિલ્પીઓએ એ કાર્ય કરેલુ છે. શહીદ થયેલા હુસેન, જે હઝરત અલીના પુત્ર હતા અને મોહમ્મદના પૌત્ર થાય, તેમની દરગાહ કેન્દ્ર સ્થાને આવેલી છે. તેની આસપાસ સ્ટીલની જાળી મુકેલી છે. જેના પર સોનેરી નકશી કામ છે. પરિસરમાં ૭૨ શહીદોની કબરો આવેલી છે જે હઝરત હુસેન સાથે શહીદ થયા હતા. અહીંથી પા માઈલના અંતરે એક ગુફા આવેલી છે જ્યાં એ લોકોની કતલ કરાઈ હતી. અહીની માટી આખા વિશ્વમાં પવિત્ર પ્રસાદી રૂપે લઇ જવાય છે.

કરબલાની યાત્રા પૂરી કરી તાલેબ ખાન નેજાફ આવ્યા. અને મુસાફરી દરમિયાન આવતી નહેરો પરના બે પૂલ પાર કર્યા. પ્રથમ નહેરને નહેરે હુસેની કહે છે. જેને તુર્કીના સુલતાન મુરાદે બાંધેલી, જેના દ્વારા યુક્રેટીસ નદીમાનું જળ કરબલા પહોંચે છે. જયારે બીજી નહેરનું નામ છે નહેરે હિંદુ. જેને લખનૌના નવાબ આસફ-ઉદ- દવલાએ બંધાવેલી. તે પ્રથમ નહેરની સરખામણીએ ઘણી પહોળી છે અને યુક્રેટીસ નદીના જળને નેજીફ પહોંચાડવાનું આયોજન છે. દસ લાખ રૂપિયાનો ખર્ચ તો થઇ ગયો છે, છતાં નેજીફ સુધી તે પહોંચી નથી. કારણ કે સ્થાનિક સત્તાધીશો અનેક રુકાવટો ઉભી કરે છે. નેજીફમાં હઝરત અલીનો મકબરો આવેલો છે. એનાથી ફક્ત નેજીફને જળ જ નહિ મળે પણ અનેક ગરીબોને કામ મળશે અને કિસાનોની જમીન ફળદ્રુપ બનશે.

હિલ્લા નગર યુક્રેટીસ નદીને બંને કાંઠે વસેલું છે, જ્યાં મોટા મકાનો અને અસંખ્ય બગીચા આવેલા છે. હિલ્લા બહારની મુખ્ય મસ્જિત સૂર્ય મસ્જિત (મસ્જીતે શમ્શ) તેરીકે ઓળખ્યા છે. જેના પર એક મિનાર આવેલ છે. જેને અલીનો મિનારો કહે છે.જો કોઈ કહે કે અલી હકમાં તો મિનારો ઝૂલે છે. અને કોઈ એમ કહે કે ઉમરના હકમાં તો મિનારો ઝૂલતો નથી. અહિયાં રાત્રી રોકાણ પછી મિર્ઝા અબુ તાલેબ ખાન નેજીફ જવા રવાના થયા. નેજીફને ફરતે કિલ્લો બાંધેલો છે. અને તેને અડીને ખાઈ ખોદવાનું કાર્ય પ્રગતિમાં છે. જેથી વહાબીઓના હલ્લા સામે રક્ષણ મળી રહે. એનો ખર્ચ નવાબ આસફ-ઉદ- દવલાએ ભોગવ્યો છે.

હઝરત અલીનો મકબરો, તેની આજુબાજુના મકાનો અને વિશાલ પ્રવેશ દ્વાર સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના છે. તેના ગુંબજ અને મિનારાને નાદિર શાહના કોઈ સગાએ રીપેર કરાવેલા અને એના પર પણ સોનાની લાદીઓ ચોટાડેલી છે. મકબરા અને મુખ્ય દ્વારની અંદરના ભાગે સુશોભિત લાદીઓ ચોડેલી છે. મકબરાના આગળના ભાગે આરસની એક વિશાલ બેઠક બાંધેલી છે, જેથી યાત્રાળુઓ તેના પર આરામ લઇ શકે. મકબરા, તેની અંદરની દરગાહ અને ગોખલાના દરવાજા ચાંદીના છે. જોકે એમની મોટાભાગની ચાંદીની વસ્તુઓ કાઝેમાઈ મોકલી દેવી છે જેથી વહાબીઓથી તે સુરક્ષિત રહે. પણ અતિ કીમતી ગાલીચા, ફાનસ અને અન્ય ફર્નીચર હજુ અહી જ રખાયું છે. ઈમામ અલીની દરગાહમાં ફાતેહા પછી યાત્રાળુઓને મકબરાના એક ખૂણા તરફ નજર કરવાનું કહેવાય છે. આ એ જગ્યા છે જ્યાં ઈમામ હુસેનનું માથું જ તેમના દીકરા ઝૈનુલ આબેદિન સિરિયાથી લાવેલા, તેને દફન કર્યું છે. અહીથી યાત્રાળુઓ મકબરાની નીચેની દીવાલ પાસે બે સિજદા કરે છે. એક આદમ માટે અને એક નૂહ માટે, જે લોકવાયકા પ્રમાણે અહી દફન થયેલા છે. મકબરાના પ્રવેશની બહાર ઈરાનના શાહ અબ્બાસ અને એક નાકડા ઓરડામાં ઈરાનના રાજા મોહમ્મદ ખાન કેજરની કબરો આવેલી છે. અહી રાજ્યના કર્મચારીઓ સતત કુરાન પઠન કરે છે અને અગરબત્તી, ધૂપ અને મિણબત્તીની રોશની કરે છે.
મિર્ઝા અબુ તાલેબ ખાન લખે છે,
હઝરત અલીના મકબરામાં દાખલ થતાં જ મારા પર ઘેરી અસર થઇ અને હું ઝાડના પાન જેમ ધ્રુજવા લાગ્યો. ભારે મુશ્કેલી વેઠી મેં સજદા કર્યા. મુખ્ય મકબરાથી થોડે અંતરે બીજા બે બાંધકામો આવેલા છે. જે ઝૈનુલ આબેદિન (હુસેનના પુત્ર) અને સફેહ સુફ્ફાના છે. મારી યાત્રા પૂરી થતા, હું હિલ્લા અને કરબલા થઇ બગદાદ પરત ફર્યો

આવા પ્રવાસ વર્ણનો ઇતિહાસની ધરોહર છે.