Friday, June 24, 2016

યરવડા જેલમાં ઇસ્લામ : ડૉ. મહેબૂબ દેસાઈ

૪ જાન્યુઆરી ૧૯૩૨ના રોજ ગાંધીજીની ૧૮૨૭ના રેગ્યુલેશન નંબર ૨૭ મુજબ મુંબઈ મુકામેથી અંગ્રેજ સરકારે ધરપકડ કરી. અને તેમને યરવડા જેલમાં લઇ જવામાં આવ્યા. લગભગ ૨૦ માસના યરવડા જેલ નિવાસમાં ગાંધીજી સાથે તેમના રહસ્ય મંત્રી મહાદેવભાઈ દેસાઈ અને સરદાર પટેલ હતા. એ દરમિયાન તેમની ત્રણે વચ્ચે અનેક વિષયો પર વિશાદ ચર્ચાઓ થતી. એ મુજબ ઇસ્લામ, મહંમદ સાહેબ અને ઇસ્લામના અનુયાયીઓ અંગે પણ આ સમય દરમિયાન અનેક વાર રસપ્રદ ચર્ચાઓ થઈ હતી. જેનો ઉલ્લેખ મહાદેવભાઈએ તેમની ડાયરી ભાગ ૧,,અને ૩મા સવિસ્તર આપેલ છે. 

૩૦ જુલાઈ ૧૯૩૨ના રોજ ગાંધીજી દક્ષિણ આફ્રિકાના મુસ્લિમ સમાજ સાથેનો તેમનો એક અનુભવ ટાંકતા સરદાર પટેલને કહે છે,

"મેં વોશિગ્ટન અર્વિંગનું મહંમદ સાહેબનું જીવન ચરિત્ર વાંચેલું. એને મુસ્લિમોની સેવા કરવાને અર્થે "ઇન્ડિયન ઓપીનીયન" માં એનું સમજાય એવી સરળ ભાષમાં ભાષાંતર આપવા માંડ્યું. એક બે પ્રકરણ આવ્યા ત્યાં તો મુસલમાનોનો સખ્ત વિરોધ જાહેર થવા લાગ્યો. હજુ પયગમ્બર વિષે કશું આવ્યું નહોતું, પયગમ્બરના જન્મ સમયના અરબસ્તાનની મૂર્તિપૂજા અને વહેમો અને દુરાચારોનું વર્ણન હતું. એ જ આ લોકોને અસહ્ય થઇ પડ્યું. મેં કહ્યું "આ તો ગ્રંથકર્તાએ પ્રસ્તાવના રૂપે કહ્યું છે આ બધું સુધારવા પયગંબરનો અવતાર થયો. પણ કોઈ સાંભળે જ નહિ, અમારે આવું જીવનચરિત્ર ન જોઈએ, ન જોઈએ ! બસ આગલા પ્રકારણો લખાયેલા, તેના ટાઇપ ગોઠવેલા તે પણ રદ કર્યા." આગળ ગાંધીજી કહે છે " બિચારા ભોળાનાથે તો ચિત્ર કાઢી નાખ્યા અને માંગેલ સુધારા કર્યા તોયે તેનો જીવ ન બચી શક્યો ! આ પછી અમીરઅલીનું "Sprit of Islam"  (ઇસ્લામનું હાર્દ)ગુજરાતીમાં આપવાની ઈચ્છા હતી છતાં એ વિચાર જ માંડી વાળેલો !" (મહાદેવભાઈની ડાયરી પુસ્તક ૧, પૃષ્ટ ૩૩૩,૩૩૪)

એ યુગના મુસ્લિમ માનસને વાચા આપતી આ ઘટનામાં અવશ્ય આજે થોડું ઘણું પરિવર્તન આવ્યું છે. પણ મુસ્લિમ માનસની આ મર્યાદા સંપૂર્ણ દૂર કરવાનું હજુ બાકી છે.

ગાંધીજી મહંમદ પયગમ્બર સાહેબના જીવન કવનથી ખુબ પ્રભાવિત હતા. અને એટલે જ ૨૬.૧૧.૧૯૩૨ના રોજ હરિભાઉ ફાટકને અસ્પૃશ્યતા નિવારણમાં કેવી મક્કમતા હોવી જોઈએ તેનો દાખલો આપતા કહે છે,

"અસ્પૃશ્યતા નિવારણનું કામ કરો તે પૂરી ધગશથી કરો. મહંમદ પયગમ્બરના જેવી ધગશથી અને એના જેવા યકીનથી. એ પછી મહંમદ સાહેબના જીવનનું એક દ્રષ્ટાંત ટાંકતા ગાંધીજી બોલ્યા,

"અબુબકર કહે : આપણે બે જણા છીએ અને આપણો તો શત્રુઓ કચ્ચરઘાણ વાળશે' એટલે પયગમ્બર સાહેબ કહે 'મૂરખ આપણે બે નથી, ત્રણ છીએ. ખુદા આપણી સાથે છે' બન્યું એવું કે તેની પાછળ લાગેલા માણસો ત્યાંથી પસાર થયા ત્યારે ગૂફા ઉપર કરોળિયાએ જાળા કરેલા હતા કે કીડીઓ ફરતી હતી એટલે પેલા બોલ્યા ' અહી કોઈ હોઈ શકે નહી' મહંમદે આ શબ્દો સાંભળ્યા અને કહ્યું ' જો, ખુદા ત્યાં ગૂફા આગળ ઉભા છે કે નહિ ?' એ માણસની શ્રધ્ધાની તો બરાબરી થઇ જ ન શકે. અને આ વાત તો તેરસો વર્ષ ઉપર બનેલી ઐતિહાસિક છે. કૃષ્ણ વિષે અને બીજા વિષે ઘણું વાંચીએ છીએ, પણ તે બધું પોરાણિક કાળનું છે, જયારે આ તો ઐતિહાસિક કાળની વાત છે." (મહાદેવભાઈની ડાયરી પુસ્તક ૨, પૃષ્ટ ૨૮૮) 

મહંમદ પયગમ્બર સાહબે મક્કાથી મદીના હિજરત કરી તે સમયનો આ પ્રસંગ છે. એ સમયે મહંમદ સાહેબ પાછળ મક્કાવાસી દુશ્મનો પડ્યા હતા. તેમનાથી છુપાવા તેઓ ગારેસોર નામક એક ગુફામાં અબુબક્કર સાથે છુપાઈ ગયા. ગુફાના મુખ આગળ તુરત એક કરોળિયાએ જાળું બનાવી નાખ્યું. જયારે દુશ્મનો એ ગુફા પાસે આવ્યા ત્યારે એ જાળું જોઈને ગુફાના મુખ પાસેથી જ પાછા ફરી ગયા. અત્રે ગાંધીજીએ એ પ્રસંગનો ઉલ્લેખ કરેલ છે. ગાંધીજીના કથનમાંથી ત્રણ બાબતો તરી આવે છે.

૧. મહંમદ સાહેબનો ખુદા ઉપરનો અતુટ વિશ્વાસ આ ઘટનામાં વ્યકત થયા છે.

૨. ગાંધીજીએ મહંમદ સાહેબના જીવનનો ઊંડો અભ્યાસ કર્યોં છે. માટે જ તેઓ મહંમદ સાહેબના જીવનનો હિજરત સમયનો આ પ્રસંગ જે ગારેસોરમાં બન્યો હતો તે જાણે છે.

૩. ગાંધીજી સ્વીકારે છે કે મહંમદ સાહેબએ કોઈ કાલ્પનિક પાત્ર નથી એ ઐતિહાસિક પાત્ર છે. તેરસો વર્ષ પહેલા બનેલી આ ઐતિહાસિક ઘટનાના તેઓ સાક્ષી છે.

ગાંધીજીના પ્રખર અનુયાયી મીરાબહેન, જેમનું મૂળ નામ મેડેલીન સ્લેડ હતું. તેઓ ગાંધીજીના આચાર અને વિચારોથી પ્રભાવિત થઇ ઇંગ્લેન્ડથી તેમના આશ્રમમાં રહેવા અને ભારતની આઝાદીની લડતમાં ભાગ લેવા આવ્યા હતા. તેમણે યરવડા જેલના સરનામે ગાંધીજીને લખેલા એક પત્રમાં ભગવાન ઈસુ અને મહંમદ સાહેબની સરખામણી કરી હતી. તેના જવાબમાં ગાંધીજી લખે છે,

"મને લાગે છે કે ઈશુ અને મહંમદ વચ્ચે તે જે સરખામણી કરી છે તે આકર્ષક છે પણ અંશતઃ જ ખરી છે. તે એ વચન તો સંભાળેલા છે કે 'સરખામણીઓ અળખામણીઓ હોય છે' મારા મત પ્રમાણે બધા ક્રાંતિકારીઓ સુધારક હોય છે અને બધા સુધારકો ક્રાંતિકારીઓ હોય છે.બંને મહાન ધર્મગુરુઓ હતા અને પોતાના જમાનાને અને જરૂરીયાતને અનુરૂપ હતા. બંનેએ માનવ પ્રગતિમાં પોતાનો અનન્ય ફાળો આપ્યો હતો. જગદ્ ગુરુઓમાં બંન્નેનું સ્થાન સમાન છે"(મહાદેવભાઈની ડાયરી પુસ્તક ૨, પૃષ્ટ.૧૯૯,૨૦૦)

આ વિધાનમાં ગાંધીજીની દીર્ઘ દ્રષ્ટિ અને ઊંડી ધાર્મિક સૂઝનો પરિચય થાય છે. તેઓ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે ધર્મના મહાનુભાવો વચ્ચે સરખામણી અળખામણી બની જતી હોય છે. ભલે પછી તેમના વચ્ચે અનેક સામ્યતાઓ હોય.

એક ભાઈએ ગાંધીજીને પૂછ્યું,

"અંતરાત્માનો અવાજ મળ્યાનો દાવો માણસ ક્યારે કરી શકે ?"

તેના જવાબમાં ગાંધીજીએ કહ્યું,

"બુદ્ધ, કૃષ્ણ. મહમ્મદ, તેઓ જે સત્ય ઉચ્ચાર્ય છે તે તેઓની શક્તિથી નથી ઉચ્ચાર્યા. પણ તેમની મારફત કોઈક અલોકિક શક્તિએ ઉચ્ચારાવ્યા છે. કેટલાક માણસો એવા અધિકારી હોય છે કે જેમની મારફત અલોકિક શક્તિ કામ કરાવે છે. પણ તે ક્યારે કરે તેની સાબિતી ન આપી શકાય. "(મહાદેવભાઈની ડાયરી પુસ્તક ૩, પૃષ્ટ.૫૦)

ઉપરોક્ત વિધાનમાં ગાંધીજીએ મહંમદ સાહેબ પર અલોકિક શક્તિ દ્વારા ઉતરેલ "વહી" અર્થાત ખુદાઈ પયગામની વાત સ્વીકારી છે. ગાંધીજીનો ઇસ્લામનો અભ્યાસ ઘણો ઊંડો હતો. એટલે તેઓ એક સ્થાને કહે છે,

"હું માનું છું વેદ નવો ન જ હોય શકે. વેદ તો અંનત છે. કોઈના પણ હદયમાં ઈશ્વર પ્રેરણા કરે અને તે બોલે તો એ વેદ છે. મહંમદે કહેલું પણ વેદ વાક્ય હોઈ શકે. માટે તો વેદ સત્ય છે"(મહાદેવભાઈની ડાયરી પુસ્તક ૩, પૃષ્ટ.૬૬)

ગાંધીજીના ઇસ્લામ અને તેના અનુયાયીઓ અંગેના આ વિચારો આજે પણ પ્રસ્તુત છે. અને રહેશે.

 

 

2 comments:

 1. I was very happy to have found this site. I wanted to thank you for this excellent post. I definitely enjoyed every little bit of it and I have you bookmarked to check out new stuff you post in the future.
  Dresses Designing Talent

  ReplyDelete
 2. Mehboobbhai aapno rahe Roshan arrival niymit read karu chhu.
  Islam dharm vise ghanu Navy janva male chhe.
  IDD ul fitr artical khub gamyo
  Shivlal pujara amdavad

  ReplyDelete