Monday, May 16, 2016

ટેન કમાન્ડઝ : દસ ધર્માદેશ : ડૉ. મહેબૂબ દેસાઈ

મોટે ભાગે એમ માનવમાં આવે છે કે ટેન કમાન્ડઝએ યહુદી અને ખ્રિસ્તી ધર્મના પયગમ્બર હઝરત મુસા દ્વારા આપવામાં આવેલ ધર્માદેશ છે. અને તેને જ કેન્દ્રમાં રાખી આજ મથાળાની ઘણી અંગ્રેજી ફિલ્મો પણ બની છે. હઝરત મૂસા ઇસ્લામના એક અગ્ર પયગમ્બર હતા. ખુદાએ પોતાના પયગમ્બરો પર વખતો વખત વહી દ્વારા કેટલીક નોંધપાત્ર કિતાબો ઉતારી છે. જેમ કે હઝરત મૂસા (અ.સ.) પર ખુદાએ "તૌરાત" નામક કિતાબ ઉતારી હતી. હઝરત ઇસા (ઈસુ) પર ખુદાએ "ઈંજીલ" ઉતારી હતી. જેને ખ્રિસ્તીઓ "બાઈબલ" કહે છે. હઝરત દાઉદ (અ.સ.) પર ખુદાએ "ઝુબુર" નામક કિતાબ ઉતારી હતી. જયારે હઝરત મુહંમદ પયગમ્બર (સ.અ.વ.) પર ખુદાએ "કુરાન" ઉતાર્યું હતું. જો કે કુરાને શરીફમાં એ પહેલાની ત્રણે ખુદાઈ કીતાબોની ઉત્તમ બાબતો મુહંમદ સાહેબ (સ.અ.વ.) એ સામેલ કરી છે. ટેન કમાન્ડસ કુરાને શરીફની એવી જ પાંચ આયાતોનો સંગ્રહ છે. જેનો ઉલ્લેખ હઝરત મુસાએ "તૌરાત"માં કર્યો છે. એ આયાતો કુરાને શરીફમાં સૂરા; અન્આમમાં  ૧૫૧ થી ૧૫૩માં આપવામાં આવેલ છે. આજે એ દસ ધર્માંદેશ વિષે થોડી વાત કરવી છે. "તૌરાત" અને "કુરાને શરીફ"માં આપવામાં આવેલ એ દસ ધર્માદેશમાં અદભુત સામ્ય છે. કુરાને શરીફમાં તે આદેશો પ્રતિબંધો તરીકે આલેખવામાં આવ્યા છે. સૌ પ્રથમ કુરાને શરીફની સૂરા: અન્આમની ૧૫૧ થી ૧૫૩ની આયાતોનો ગુજરાતી અનુવાદ જોઈએ.

"હે નબી, એમને કહો કે આવો હું તમને સંભાળવું, તમારા રબે તમારી ઉપર કયા પ્રતિબંધો મુક્યા છે.

 તેની સાથે કોઈને ભાગીદાર ન બનાવો.

 અને માતા-પિતા સાથે નેક વર્તાવ કરો.

 અને પોતાના બાળકોને ગરીબીના ડરથી કતલ ન કરો, અમે એમને પણ રોજી આપીએ છીએ અને

 તેમને પણ   આપીશું.

 અને નિર્જલતાની વાતોની નજીક પણ ન ફરકશો, ચાહે તે ખુલ્લી હોય કે છુપી,

 અને કોઈ જીવને જેને અલ્લાહે હરામ ઠેરવ્યું છે, મારો નહિ પરંતુ હક્કની સાથે.

 આ વાતો છે જેમની શીખ તેણે તમને આપી છે, કદાચ તમે બુદ્ધિપૂર્વક વર્તો.

 અને આ પણ કે અનાથના માલ નજીક ન જાઓ પરંતુ એવી રીતે જે શ્રેષ્ઠ હોય, અહી સુધી કે તે

 પુખ્ત ઉંમરે પહોંચી જાય.

 અને તોલમાપમાં પૂરેપૂરો ઇન્સાફ કરો, અમે દરેક વ્યક્તું ઉપર જવાબદારીનો એટલો જ બોજ નાખીએ

 છીએ જેટલો તે ઉઠાવી શકે છે.

 અને જયારે વાત કરો ત્યારે ન્યાયની કહો, ચાહે મામલો પોતાના સગાનો જ કેમ ન હોય.

 અને અલ્લાહનો કરાર પૂરો કરો.

 અને બેશક આ સીધો માર્ગ છે, તેના પર ચાલો અને તે માર્ગ પર ન ચાલો કે જે તમને અલ્લાહના

 માર્ગથી વિખુટા કરી દે,

 તમને આ હુકમ આપ્યો છે, જેથી તમે બચી શકો."  (સૂરા: અન્આમ ૧૫૧ થી ૧૫૩)

ઉપરોક્ત કુરાને શરીફની આયાતમાં અલ્લાહએ માનવ સમાજ પર કુલ દસ પ્રતિબંધો કે આદેશો આપ્યા છે. એ મુજબ

૧. સૌ પ્રથમ આદેશ "તેની સાથે કોઈને ભાગીદાર ન બનાવો" છે.અર્થાત ઇસ્લામના મૂળભૂત સિધ્ધાંત એકેશ્વરવાદનો અત્રે ઉલ્લેખ છે. અલ્લાહ એક છે. અને તેની ઇબાદતમાં કોઈને ભાગીદાર ન બનાવો. એક માત્ર અલ્લાહની જ ઈબાદત કરો. ઈસ્લમમાં આ સિદ્ધાંતને તોહીદ કહેલ છે.

૨. બીજો આદેશ એ છે કે માતા-પિતા સાથે બદ્સૂલૂકી ન કરો. માતા-પિતા સાથે બદ્સૂલૂકી મોટો ગુનાહ છે. અર્થાત માતા-પિતા સાથે હંમેશા ભલાઈનો વ્યવહાર અને સારી વર્તણુંક કરો.

૩. સામાજિક કે આર્થિક કારણો સર પોતાના સંતાનોની હત્યા ન કરો. એ યુગમાં દીકરીના જન્મ સાથે જ તેને રણની રેતીમાં દાટી દેવાની પ્રથા હતી. વળી, ગરીબી કે બેરોજગારીને કારણે સંતાનોને મારી નાખવમાં પણ આવતા. આજે પણ  ભ્રૂણ હત્યાને રોકવાના વિશ્વભરમાં પ્રયાસો થાય છે.  

૪.  નિર્લજ્જતા અથવા વ્યભિચાર ન કરો. તે હરામ છે.

૫.  કોઈની નાહક, અકારણ, અન્યાયી રીતે હત્યા કરાવી હરામ છે. તે મોટો ગુનાહ છે.  

૬.  યતીમો અર્થાત અનાથોનો માલ (સ્થાવર જંગમ મિલકત) નાઝાઈઝ રીતે ન ખાઓ, તે હરામ છે. યતીમો,અનાથો કે નાબાલિગ બાળકોના માલથી દૂર રહો. તેના માલ પર બેઈમાની ભરી નજર પણ ન નાખો. બલકે તેમના માલની હિફાઝત કરો. તેમાં વૃદ્ધિ થાય તેવા પ્રયાસો કરો.

૭. તોલ માપમાં બેઈમાની કરવી એ પણ હરામ છે. તે મોટો ગુનાહ છે. અત્રેનો આદેશ તિજારત અર્થાત વેપારમાં ઈમાનદારીથી વર્તવા પર ભાર મુકે છે. કોઈને ઓછું તોલીને આપવું કે કોઈની પાસેથી બેઈમાની કરી વધારે લેવું બંને ગુનાહ છે.

૮.  સાક્ષી, ન્યાય કે  ન્યાયની કોઈ પણ પ્રક્રિયામાં બેઈમાની કે નાઈન્સાફી કરવી હરામ છે. જુઠ્ઠી સાક્ષી આપવી, ન્યાયમાં પક્ષપાત કરવો કે ખોટા પુરવાઓ ઉભા કરી ઇન્સાફને ગેરમાર્ગે દોરવાની કોઈ પણ ક્રિયા કરવા પર આ આદેશથી પ્રતિબંધ મુકવામાં આવેલા છે.

૯.  અલ્લાહ સાથેના કરારનો ભંગ કરવો, એટલે કે કોઈ પણ કરાર ભંગ કરવો હરામ છે. ગુનાહ છે.

૧૦. સીધા માર્ગ પર ચાલો અને તે માર્ગ પર ન ચાલો કે જે તમને અલ્લાહના

 માર્ગથી વિખુટા કરી દે. અર્થાત ખુદાએ નૈતિક અને સત્યના માર્ગે જ ચાલવાનો આદેશ આપ્યો છે. અનૈતિક કે અસત્યના માર્ગ પર ચાલવું હરામ છે. તે મોટો ગુનાહ છે.

કુરાને શરીફની આ આયાતમાં આપવામાં આવેલ આ દસ આદેશોમાંના સાત આદેશો તો તૌરાતમાં આપવામાં આવેલ ટેન કમાન્ડસમાં સમાયેલા છે. જેમ કે  અલ્લાહ સિવાય કોઈની ઈબાદત ન કરો, માતાપિતાનો આદર કરો, અકારણ હત્યા ન કરો, નાજાયજ શારીરિક સંબધો ન રાખો, ચોરી ન કરો, ખોટી સાક્ષી ન આપો, અને કોઈની ઈર્ષા ન કરો.

અને એટલે જ કઅબ અહબાર જે તૌરાતના વિદ્વાન આલીમ હતા. તેઓ ફરમાવે છે,

"કુરાન મજીદની આ આયાતો જેમાં દસ વસ્તુઓનું વર્ણન છે, અલ્લાહની કિતાબ તૌરાતમાં બિસ્મિલ્લાહ પછી આ  આયાતો શરુ થાય છે. અને કહેવામાં આવ્યું છે કે આ દસ આદેશો તે છે જે હઝરત મૂસા (અ.સ.) પર નાઝીલ થઈ    હતી"

 

No comments:

Post a Comment