Friday, May 6, 2016

આત્મહત્યા : અધાર્મિક અપકૃત્ય : ડૉ. મહેબૂબ દેસાઈ

૬ મેંના રોજ રાજ ભવનમાં ગુજરાતના બૌદ્ધિકોની એક સભા મળી હતી. મહામહીમ રાજયપાલ શ્રી ઓ.પી.કોહલી સાહબે ખાસ બોલાવેલી અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા આયોજિત આ બેઠકનો ઉદેશ રાજ્યમાં વધી રહેલા આત્મહત્યાના કિસ્સાઓને રોકવા વિચારણાના કરવાનો હતો. મહામહીમ રાજયપાલ શ્રી ઓ.પી.કોહલીજી આવી કોઇં સામાજિક સમસ્યાથી ચિંતિત થઇ, તેના ઉકેલ માટે રાજ્ય ભવનમાં બેઠક બોલાવે તે પ્રસંગ સમગ્ર ગુજરાતની પ્રજા માટે નવતર હતો. અને એટલે જ આ બેઠકમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાજય શિક્ષણ મંત્રી વસુબહેન ત્રિવેદી, સાથે ગુજરાતના જાણીતા બુદ્ધિજીવીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વમાં યુવાનોમાં (૨૫ વર્ષથી નીચેના) આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. વિશ્વમાં દર વર્ષે આઠ લાખ માનવીઓ આત્મહત્યા કરે છે. જેમાં દોઢ લાખ માણસો ભારતમાં આત્મહત્યા કરે છે. ગુજરાતમાં એક માત્ર અમદાવાદ શહેરમાં જ છેલ્લા એક માસમાં ૪૫ વ્યક્તિઓએ આત્મહત્યા કરી છે. જેમાં ૧૫ જણે નદીમાં કુદીને, ૨૦ જણે ગળાફાંસો ખાઈને, ૫ જણે સળગીને અને ૫ જણે ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે. આવા સળગતા પ્રશ્ન પર રાજ્યપાલ ચિંતિત થાય અને તેના ઉકેલ માટે બુદ્ધિજીવીઓને પોતાના આંગળે નોતરી ચર્ચા કરે, એ ઘટના જ આપણા રાજ્યપાલમા હજુ પણ જીવંત રહેલા શિક્ષકને વ્યક્ત કરે છે.

જીવન માનવીને ઈશ્વર-અલ્લાહે આપેલ અનમોલ દોલત છે. તેને કોઈ નાના મોટા ભારણથી હારી જઈ ત્યજી દેવાની ક્રિયા એટલે આત્મહત્યા કે આપઘાત. શેખ આદમ આબુવાલાએ કહ્યું છે,

"અમને નાખો ઝિંદગીની આગમાં,

 આગને પણ ફેરવીશું બાગમાં

 સર કરીશું આખરી સૌ મોરચા

 મૌતને પણ આવવા દો લાગમાં"

એ જ લહેજામાં આપણા જાણીતા શાયર દાગ દહેલાવી કહે છે,
"દુનિયા મેં આદમીકો મુસીબત કહા નહિ ?
વો કોનસી ઝમી હૈ જહાં આસમાં નહિ ?"

ગુજરાતી કવિ રાજેન્દ્ર શાહ એવા જ આશાવાદી સૂરમાં કહે છે,

"ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર ?

 નાની અમથી જાતક વાતનો મચવીએ ના શોર !"


જિંદગી ખુદાની પ્યારી નેમત (ભેટ) છે તેને આત્મહત્યા કે આપઘાત કરી વેડફી નાખવી એ દરેક મઝહબમાં મોટો ગુનાહ છે .શંકરાચાર્યની પેલી આશાવાદી ઉક્તિ આજે પણ પ્રચલિત છે,

"અંગ ગળી ગયું છે, માથાના વાળ સફેદ થઇ ગયા છે,મોઢું દાંત વિનાનું થઇ ગયું છે એવો વૃદ્ધ હાથમાં લાકડી લઇ ચાલે છે,છતાં જીવવાની આશા છોડતો નથી"

ઇસ્લામમાં આત્મહત્યા કે આપઘાત માટે ખુદકુશી શબ્દ વપરાયો છે. અને તેનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો છે. ઇસ્લામ માને છે,

"ખુદાએ માનવીને આપેલ સૌથી મોટી નેમત (ભેટ) એ માનવ દેહ છે. તેનું જતન-જાળવણી કરવાની દરેક માનવીની ફરજ છે. જેણે આપણને માનવ દેહે જન્મ આપ્યો છે તેણે જ આ દુનિયામાંથી આપણી વિદાઈની પળ પણ નક્કી કરી છે. અને એટલે જ ખુદાને માનવીના જન્મ અને મરણમાં દરમિયાનગીરી કે દખલગીરી સ્વીકાર્ય નથી. જીવનમાં દુઃખો, સમસ્યાઓ કે યાતનાઓથી ત્રાસીને, હારીને જીવન ટૂંકાવી નાખવાની માનવીની ક્રિયા ખુદાને અત્યંત નાપસંદ છે"

અને એટલે જ ઇસ્લામે ખુદકુશીનો સખત વિરોધ કર્યોં છે. તેને સૌથી મોટો ગુનાહ ગણવામાં આવેલ છે.

એકવાર હઝરત મુહમદ પયગંબર (સ.અ.વ.) પાસે આવી,  એક અનુયાયી ભાંગી પડ્યો. આક્રંદ કરતા એ બોલી ઉઠયો,

"હવે મારાથી સહન નથી થતું, હું આ દુઃખોથી મુક્ત થવા ખુદકુશી કરવા માંગું છું."

મુહંમદ સાહેબે ફરમાવ્યું,

"જે શખ્સ પોતાને પહાડ પરથી ફેંકી ખુદકુશી કરશે તે સદાને માટે દોઝક (નર્ક)માં જશે. જે માણસ ઝેરથી પોતાને મારી નાખશે, તેના હાથમાં કયામતને દિવસે ઝેરનો પ્યાલો જ હશે. જે પોતાને લોઢા કે કાથીની સાંકળથી હલાક કરશે, કયામતના દિવસે તેના હાથમાં તે જ હશે. અને તે પોતાની જાતને તેનાથી મારતો હશે."

ઇસ્લામમાં એક ઉક્તિ બહુ જાણીતી છે. કમ ખાઓ ઔર ગમ ખાઓ. માનવી ભૂખથી મર્યાના દ્રષ્ટાંતો જુજ છે. પણ માનવી વધુ પડતું ખાઈને મર્યાના દ્રષ્ટાંતો અનેક છે. એજ રીતે માનવી જો ગમ ખાતા શીખી જાય તો પણ

આત્મહત્યાના પ્રસંગોને ટાળી શકાય. ગમ ખાવો એટલે કે ગમને પચાવવો. જેમ યશ, કીર્તિ કે ઉચ્ચ સ્થાન જો માનવી પચાવી ન શકે તો તે તેને ખાઈ જાય છે. એ જ રીતે માનવી દુઃખ, નિરાશા કે પરાજયને પચાવી જાય, નીલકંઠ બની તેને પી જાય, તો પણ અનેક માનવીઓ નિષ્ફળતાની ખાઈમાંથી બહાર નીકળી અવશ્ય પુનઃ ધબકતા બની શકે.

એજ રીતે ઇસ્લામના અન્ય એક શબ્દ પ્રચલિત છે. સબ્ર. સબ્ર આત્મહત્યાને મર્યાદિત કરવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી શકે છે. આપણી વધુ પડતી અપેક્ષાઓ અને તે પૂરી કરવામાં ઉણા ઉતરવાને કારણે આવતી હતાશા આત્મહત્યાનું મૂળભૂત કારણ છે. અને એટલે જ ઇસ્લામમાં સબ્રને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સબ્ર એટલે સંતોષ. જે મળ્યું છે તેમાં સંતોષ માનવો. "ખુદાએ મને જે કઈ આપ્યું છે તે મને મારી લાયકાત કરતા વધારે છે" તેમ માનીને જીવનાર માનવી કયારે દુ:ખી થતો નથી. હતાશ થતો નથી.

અંતમાં આત્મહત્યા અંગે હઝરત ઈમામ બુખારીનું એક અવતરણ કહી વાત પૂરી કરીશ. હઝરત ઈમામ બુખારી કહે છે,

"કોઈ પણ વ્યક્તિ મૌત આવ્યા પહેલા મૌતની તમન્ના ન કરે. અને ન તો એ માટે પ્રાર્થના કરે. કારણ કે મૌત આવ્યા પછી બધા જ આમાલો પૂર્ણ થઇ જાય છે. જીવન હશે તો જ કશુંક નેક કરવાની તક રહેશે. જીવન જ નહિ હોય તો પછી કશુજ નહી હોય"

 

No comments:

Post a Comment