Monday, March 7, 2016

ઇસ્લામમાં બહુપત્નીત્વ અને તલાક : ડૉ. મહેબૂબ દેસાઈ

૮ માર્ચને આંતર રાષ્ટ્રીય સ્ત્રી દિવસ તરીકે આપણે ઉજવાયો. એ સંદર્ભમાં જ હમણાં ઇસ્લામના કાનૂન મુજબ ત્રણવાર તલાક બોલવાથી તલાક થઇ જાય છે અને ચાર પત્ની પ્રથાના વિરુદ્ધમાં ત્રણ શિક્ષિત મહિલાઓએ આરંભેલ જેહાદની સ્ટોરી "દિવ્ય ભાસ્કર"માં વાંચી. આમ તો આ બંને આદેશો ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાને શરીફની આયાતોના સંદર્ભમાં અર્થઘટનના મહત્વના મુદ્દાઓ છે.

ઇસ્લામમાં ચાર પત્ની કરવાની છૂટ અર્થાત બહુપત્નીત્વની પ્રથા એ યુગની સામાજિક અને રાજકીય જરૂરિયાતનું પરિણામ છે. પ્રાચીન અને મધ્યયુગમાં યુરોપ અને એશિયાના બધા દેશોમાં એ રીવાજ પ્રચલિત હતો. પ્રાચીન સમયમાં ભારતમાં પણ રાજા-મહારાજાઓ એક કરતા વધુ પત્નીઓ રાખતા હતા. રાજા દશરથ, સમ્રાટ અશોક, અકબર જેવા રાજાઓ તેનું ઉત્તમ ઉદાહર છે. ઇસ્લામમાં બહુપત્નીત્વનો સિધ્ધાંત એ સમયના અરબસ્તાનના સામાજિક અને રાજકીય જરૂરિયાતને કારણે સ્વીકારવામાં આવ્યો હતો. જેમ કે હઝરત ખદીજા સાથેના પ્રથમ નિકાહ પછી હઝરત મહંમદ સાહેબના થયેલા અન્ય નિકાહઓ એક ય બીજા સ્વરૂપે રાજકીય કારણોસર થયા હતા, નહિ કે વૈભવ વિલાસ અને શારીરિક જરૂરિયાત (નફસાની ખ્વાહિશ) માટે. અંગ્રેજ ઇતિહાસકાર સ્ટેન્ડ લેન પોલ આ અંગે લખે છે,

"એમના કેટલાક લગ્નો તો, જે કેટલીક સ્ત્રીઓના પતિ ઇસ્લામની લડાઈમાં માર્યા ગયા હતા, તેમનો વિચાર કરીને કરવામાં આવ્યા હતા. તે સ્ત્રીઓને કશો આધાર ન હતો. તેમના પતિઓને મહંમદ સાહેબે ખુદ લડાઈમાં મોકલ્યા હતા. એટલે મહંમદ સાહેબ પાસે આશરો મેળવવાનો તેમને અધિકાર હતો. અને મહંમદ સાહેબ અંત્યંત દયાળુ હતા. તેમણે નિકાહ કરીને તે બેસહારા સ્ત્રીઓને આશરો આપ્યો હતો."

એ સમયે અરબસ્તાનમાં થતી રોજે રોજની લડાઈઓમાં હજારો સૈનિકો માર્યા જતા હતા. પરિણામે સમાજમાં વિધવાઓ અને અનાથોની સંખ્યા વધતી જતી હતી. જયારે બીજા પક્ષે પુરુષોની સંખ્યા ઘટતી જતી હતી. એવા સંજોગોમાં સમાજમાં અનૈતિક સબંધો અને વ્યભિચાર ન વિસ્તરે માટે જ ઇસ્લામમાં ચાર પત્નીઓ સુધીની છૂટ આપવામાં આવી હતી. અને એટલે જ બહુપત્નીત્વના આ સિદ્ધાંતને સ્પષ્ટ કરતા કુરાને શરીફમાં ખાસ કહેવામાં આવ્યું છે,

"અને જો તમને એ બાબતનો ડર હોય કે તેમની સાથે નિકાહ કર્યા સિવાય અનાથો સાથે તમે ન્યાય નહિ કરી શકો, તો જે સ્ત્રીઓ તમને ગમે તેમાંથી બે,ત્રણ કે વધારેમાં વધારે ચાર સાથે નિકાહ કરી લો. પરંતુ ડર હોય કે તમે તે બધી સ્ત્રીઓ સાથે સમાન ઇન્સાફ નહિ કરી શકો તો એક જ નિકાહ કરો"

ઓહદના યુદ્ધ પછી ઉતારેલી આ આયાત (શ્લોક)માં પણ એકથી વધુ લગ્નો માટેનું સ્પષ્ટ કારણ આપવામાં આવ્યું  છે. સાથો સાથ દરેક પત્ની સાથે સમાન વર્તન-વ્યવહાર કરવા પર ખાસ ભાર આપવામાં આવ્યો છે. પણ જો માનવ સહજ સ્વભાવને કારણે તમે દરેક પત્ની સાથે સમાન વ્યવહાર, વર્તન અને પ્રેમ ન રાખી શકો તો માત્ર એક જ પત્ની કરવાનું સૂચવવામાં આવ્યું છે. કુરાને શરીફમાં પણ આ અંગે સાફ શબ્દોમાં કહ્યું છે,

"અને તમે ઈચ્છો તો પણ બધી પત્નીઓ સાથે સમાન વર્તન કરી શકવાને શકિતમાન નથી"

આ આયાત દ્વારા ખુદાએ સ્પષ્ટ શબ્દોમાં સૂચવ્યું છે કે માનવીનો ચંચળ સ્વભાવ તેને બધી પત્નીઓ સાથે સમાન વ્યવહાર, વર્તન અને પ્રેમ આપવામાં અસમર્થ છે. અર્થાત કુરાને શરીફમાં પણ પરોક્ષ રીતે એક પત્નીત્વના સિદ્ધાંતને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

ઇસ્લામમાં તલાકની છૂટ આપવમાં આવી છે. પણ સાથે સાથે કુરાને શરીફમાં એમ પણ કહેવામા આવ્યું છે ,

"ખુદાની નજરમાં સૌથી ખરાબ જો કોઈ વસ્તુ હોય તો તે તલાક છે"

હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) સાહેબ પણ તલાકને ધિક્કારતા હતા. કારણ વગર સ્ત્રીને તલાક આપવી એ ઇસ્લામમાં મોટો ગુનો છે. હઝરત મહંમદ સાહબે ફરમાવ્યું છે,

"જેટલી વાતની પરવાનગી મનુષ્યને આપવામાં આવી છે તેમાંથી સૌથી વધારે ધ્રુણાસ્પદ બાબત તલાક છે"

અને એટલે જ તલાક નિવારવાના ઉપાયો કુરાને શરીફમાં આપવામાં આવ્યા છે. જો પતિ પત્ની વચ્ચે કોઈ ઝગડો થાય તો કુરાને શરીફમાં તે અંગે ફરમાવવામાં આવ્યું છે,

"એક પંચ પતિ તરફથી અને એક પત્ની તરફથી, એમ બે પંચો આપસમાં સુલેહ કરાવી દે. કારણ કે ખુદા સંપમાં રાજી છે, સહાયક છે. પતિ પત્ની વચ્ચે સંપ કરાવવાનું કાર્ય સવાબ (પુણ્ય) છે."

ઇસ્લામમાં ત્રણવાર તલાક બોલવાથી તલાક થઇ જાય છે, એવી સામાન્ય સમજ અંગે પણ કુરાને શરીફમાં સ્પષ્ટતા કરવામાં આવેલા છે. પ્રથમ, દ્વિતીય અને તુતીય એમ ત્રણ તલાક વચ્ચે એક માસનો સમય રાખવાનું કુરાને શરીફમાં ફરમાવ્યું છે. કુરાને શરીફના પારા-૨ સયકુલની રુકુ ૨૯માં જણાવવામાં આવ્યું છે,


"બે વાર તલાક આપ્યા પછી પતિ સ્ત્રીને ત્રીજી વાર તલાક આપી દે તો તે સ્ત્રી તેના માટે હલાલ રહેશે નહિ. સિવાય કે તેના નિકાહ બીજા પુરુષ સાથે થાય અને તે તેને તલાક આપે. ત્યારે જો પહેલો પતિ અને સ્ત્રી બંને એમ વિચારે કે અલ્લાહના કાનૂન મુજબ બંને ચાલશે તો તેમના એકબીજા સાથે નિકાહ થઇ શકે"

આ ક્રિયાને ઇસ્લામમાં "હલાલા" કહે છે.

આમ ઉતાવળે, જલ્દબાજીમાં કે ગુસ્સામાં આપેલ તલાક પતિ પત્નીના દાંપત્ય જીવનને ખંડિત ન કરી નાખે તેની પુરતી તકેદારી ઇસ્લામમાં લેવાઈ છે. વળી, તલાક આપનાર વ્યક્તિને પણ લગ્નજીવન એ જ સ્ત્રી સાથે આરંભવા માટે જે શરત ઇસ્લામે મૂકી છે તે સખત સજા અને હિદાયત સમાન છે. અને એટલે જ તલાકની ઇસ્લામે છૂટ એવા સંજોગોમાં જ આપી છે, જયારે પતિ પત્ની વચ્ચે સમાધાનના બધા પ્રયાસો છતાં સાથે રહી શકવું બિલકુલ શકય ન હોય.

 

 

No comments:

Post a Comment