Tuesday, February 23, 2016

યુધ્ધ : કુરાને શરીફ અને ભગવત ગીતાના સંદર્ભમાં : ડૉ. મહેબૂબ દેસાઈ


ઈસ્લામના ઇતિહાસમાં કરબલાના યુદ્ધ (..૬૮૦)નું અત્યંત મહત્વ છે. પણ તેનો ઉલ્લેખ સુધ્ધા કુરાને શરીફમાં નથી. કારણ કે કરબલાનું યુદ્ધ મહંમદ સાહેબના અવસાન (..૬૩૨) પછી ૪૮ વર્ષે લડાયું હતું. કુરાને શરીફમાં વિસ્તૃત રીતે માત્ર બે યુદ્ધોનો ઉલ્લેખ છે. જંગેબદ્ર અને જંગેઅહદ
કુરાને શરીફમાં જેનો સૌ પ્રથમ ઉલ્લેખ છે તે જંગેબદ્ર ૧૩ માર્ચ .. ૬૨૪ (૧૭ રમઝાન હિજરી ) બદ્ર (સાઉદી અરબિયા) નામની હરિયાળી ખીણમાં વસંત ઋતુમા લડાયેલ,  કુરુક્ષેત્ર જેવું યુદ્ધ છે. જે રીતે કૌરવોએ પાંડવો ઉપર અત્યાચારો કર્યા, તેમની મિલકત પડાવી લીધી. તેમને ઝેર આપવાનો પ્રયાસ કર્યો. તેમના ઘરોને આગ લગાડી દીધી. અને ૧૨ વર્ષના વનવાસ અને એક વર્ષના ગુપ્તવાસ એમ ૧૩ વર્ષનો દેશ નિકાલ કર્યો. પ્રમાણે મક્કાના કુરેશીઓએ મહંમદ સાહેબ તથા તેમના અનુયાયીઓને ઉપરોક્ત તમામ યાતનાઓ ૧૩વર્ષ સુધી આપી હતી. મહંમદ સાહેબ અને તેમના અનુયાયીઓએ અત્યંત સબ્રથી તે સહન કરી. પણ જયારે અત્યાચારોની પરાકાષ્ટા આવી ગઈ ત્યારે મહંમદ સાહેબે પોતાના અનુયાયીઓ સાથે મક્કાથી મદીના હિજરત (પ્રયાણ) કરી. આમ છતાં મક્કાના કુરેશીઓએ મહંમદ સાહેબ પર અત્યાચાર કરવાનું ચાલુ રાખું. તેમણે મહંમદ સાહેબે જ્યાં આશ્રય લીધો હતો, તે મદીના પર વિશાળ લશ્કર સાથે ચડાઈ કરી. સમયે કુરેશીઓ પાસે ૭૦૦ ઉંટ,૧૦૦ ઘોડા અને ૧૦૦૦ સૈનિકો હતા. જયારે મહંમદ સાહેબના પક્ષે માત્ર ૩૧૫ અનુયાયીઓ હતા.

ગીતામાં કૌરવોને "આતતાયી" કહેવામાં આવ્યા છે. મનુસ્મૃતિમાં અને અન્ય ગ્રંથોમાં આતતાયી શબ્દ એવા લોકો માટે વપરાયો છે, જેઓ આગ લગાડે છે. ઝેર આપે છે. લુંટ ચલાવે છે. અન્યની ભૂમિ કે સ્ત્રીનું હરણ કરે છે. મહંમદ સાહેબ અને તેમના અનુયાયીઓ પર કુરેશીઓએ આવા જુલમ કર્યા હતા, તેના માટે કુરાને શરીફમાં "કાફિર" શબ્દ વાપરવામાં આવ્યો છે. કાફિર એટલે નાસ્તિક, નગુણો. ખુદા (ઈશ્વર)ની રહેમતો (કૃપાઓ)નો ઇન્કાર કરનાર. આવા કાફિરો સામે સૌ પ્રથમવાર યુદ્ધ કરવાની પરવાનગી આપતા કુરાને શરીફમાં કહ્યું છે,

"
લડાઈ કાજે જેમના પર આક્રમણ કરવામાં આવે છે તેમને લડાઈ કરવાની પરવાનગી આપવામાં આવે છે. કારણ કે તેમના પર જુલમ છે. અને નિસંદેહ છે કે અલ્લાહ તેમની મદદ માટે પુરતો છે."

બંને લશ્કરો એક બીજા સામે યુદ્ધ કરવા ઉભા હતા. સ્થિતિ પણ ગીતા અને કુરાને શરીફમાં થયેલ યુધ્ધોની સમાનતાનું ઉત્તમ ઉદાહરણ છે. કૌરવો અને પાંડવો જેમ બદ્રના યુધ્ધમાં પણ બંને પક્ષે એક બીજાના સગાઓ ઉભા હતા. કોઈના કાકા, મામા, ભાઈ, સસરા દ્રષ્ટિ ગોચર થતા હતા.ગીતામાં પોતાના
સગા સબંધીઓને જોઈ અર્જુનનું હદય દ્રવી ઉઠ્યું હતું. તેણે લડવાની ના પડી દીધી હતી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું,

"
હે અર્જુન, આવું નપુંસક વર્તન તારા જેવા વીર પુરુષને શોભતું નથી. તારા જેવા વીરને માટે શબ્દો કોઈ પણ સમયે યોગ્ય નથી. શુદ્રપણું, હદયની દુર્બળતા ત્યજી દે અને યુદ્ધ કરવા માટે ઉભો થા"
બરાબર રીતે કુરાને શરીફમાં યુધ્ધની સંમતિ મળવા છતાં અનેક મુસ્લિમોએ પોતાના સગા સબંધીઓ સામે લડવાની મહંમદ સાહેબને ના પાડી દીધી હતી. અંગે કુરાને શરીફમાં કહ્યું છે,
"
આપના પરવરદિગારે આપને મદીનાથી હિકમત સાથે બદ્ર તરફ મોકલ્યા હતા.પણ મુસલમાનોનું એક જૂથ તેને ના પસંદ કરતુ હતું"
યુદ્ધ માટે ઇન્કાર કરતા અનુયાયીઓને સમજાવવા મહંમદ સાહેબે ઉપવાસ કર્યા, ખુદાને પ્રાર્થના કરી. ત્યારે મહંમદ સાહેબ પર કુરાને શરીફની નીચેની આયાત ઉતરી હતી. જેમાં કહ્યું હતું,

"
તમારા પર જિહાદ(ધર્મયુદ્ધ) ફરજ કરવામાં આવેલ છે. તેથી તેનો ઇન્કાર કરવો તે યોગ્ય નથી. સંભવ છે કે જે વાત તમને યોગ્ય લાગતી હોય, તે વાત તમારા હિતમાં નિવડે અને જે વાત તમને યોગ્ય લાગતી હોઈ તે તમારા માટે અહિતની સાબિત થાય. અલ્લાહ દરેક બાબત સારી રીતે જાણે છે. પણ તમે જાણતા નથી"

"
તમે એવા લોકો સાથે કેમ લડતા નથી, જેઓએ પોતાના સૌગંદ તોડી નાખ્યા અને રસુલ (મહંમદ સાહેબ)ને મક્કાથી હાંકી કાઢવાની તજવીજ કરી. અને તેઓ પ્રથમ લડવાની તમને ફરજ પાડી છે."


અને આમ બદ્રની હરીયાળી ખીણમાં બંને ફોજો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. કુરુક્ષેત્રના યુદ્ધ જેમ મહંમદ સાહેબની ફોજમાં ધર્મ અને ન્યાય માટે લડવાનો અદભૂત જુસ્સો હતો. તેનું એક ઉત્તમ ઉદાહરણ ઇસ્લામી હદીસમાં નોંધાયેલું છે. યુધ્ધમાં મહંમદ સાહેબના પક્ષે મુસ્લિમોની સંખ્યા અત્યંત ઓછી હતી. જયારે કુરેશીઓ પાસે સંખ્યા બળ અને લશ્કરી સરંજામ વધુ હતો. એવા સમયે મહંમદ સાહેબના લશ્કરમાં એક વ્યક્તિ પણ વધે તો તેનું ઘણું મહત્વ હતું. એવા કપરા સમયે બે મુસ્લિમો હિજૈફ બિન યમન અને અબુ હુસૈન મહંમદ સાહેબ (...)પાસે આવ્યા. અને કહ્યું,
હે રસુલ,  અમે મક્કાથી આવતા હતા ત્યારે રસ્તામાં અમને કુરેશીઓ પકડી લીધા હતા. અમને શરતે છોડ્યા છે કે અમે લડાઈમાં આપને સહકાર આપીએ. અમે મજબુરીમાં તેમની શરત સ્વીકારી હતી. પણ અમે તમારા પક્ષે લડવા તૈયાર છીએ.
મહંમદ સાહેબ તેમની વાત એક ધ્યાને સાંભળી રહ્યા. પછી ફરમાવ્યું,
હરગીઝ નહિ.તમે તમારો વાયદો પાળો. અને યુદ્ધથી દૂર રહો. અમે કાફરો સામે અવશ્ય લડીશું. અમને ખુદા જરૂર મદદ કરશે.
આમ મુલ્યોના આધારે લડાયેલ યુધ્ધમાં કુરેશીઓ પાસે વિશાળ લશ્કર હોવા છતાં તેમને રણક્ષેત્ર છોડી ભાગવું પડ્યું. મહંમદ સાહેબના ૧૪ અને કુરેશીના ૪૯ માણસો યુદ્ધમા હણાયા. અને તેટલા કેદ પકડાયા.

No comments:

Post a Comment