Saturday, January 9, 2016

ગાંધી અને આંબેડકર : તુલનાત્મક અભ્યાસ : ડૉ. મહેબૂબ દેસાઈ


 
ભારતના સ્વાતંત્ર ઇતિહાસમાં ગાંધી અને આંબેડકર સબંધો વચ્ચે વ્યાપેલા વિચાર ભેદ આજે પણ સંશોધન અને અભ્યાસનો ગહન વિષય છે. તેમના વિચારોમાં રહેલા ભિન્નતાતો અભ્યાસ આરંભીએ એ પૂર્વે તેમના ઉછેર અને વિકાસના તબક્કોનો અભ્યાસ અનિવાર્ય છે. એ જ બાબત તેમના વિચારોની ભિન્નતાના અભ્યાસમાં મૂળભૂત સ્ત્રોતનું કાર્ય કરશે.

આંબેડકરનો જન્મ એક દલિત જાતિમાં થયો હતો. ગાંધીજી સ્વર્ણ વણિક પુત્ર હતા. આમ છતાં બંનેના ઉછેરમાં અસ્પૃશ્યતાનું કલંક એક ય બીજા સ્વરૂપે અસ્તિત્વમાં હતું. આંબેડકર જન્મથી અસ્પૃશ્યતાનો અભિશાપ અનુભવ્યો હતો. ગાંધીજી સાવ નાનપણથી જ અસ્પૃશ્યતાને અભિશાપ માનતા હતા. તેથી જ તેઓ તેમણે કહ્યું હતું,
"હું મારી પટનીને પરણ્યો તે પહેલા ઘણાં વખત પર અસપૃશ્યતા નિવારણે વર્યો હતો."૧  
ગાંધીજીએ પોતાના ઘરમાં પાયખાનું સાફ કરવા આવતા ઉકાભાઈના સ્પર્શથી અભડાઈ જવાય એ વાત સ્વીકારવાનો સૌ પ્રથમ ઇનકાર કર્યો હતો. અસપૃશ્યતા નિવારણના તેમના આદર્શની સાક્ષી સમાન તેમનું આ વિધાન મહત્વનું છે,

"અમારા સયુંકત જીવનમાં બે પ્રસંગો એવા આવ્યા હતા જયારે મારે અત્યંજો માટે કામ કરવાની અને પત્ની સાથે રહેવાની વચ્ચે પસંદગી કરવાની હતી, અને મેં પહેલી જ પસંદગી કરી હોત, પણ મારી પત્નીની ભલાઈને લીધે એ અણીનો વખત ટળી ગયો. મારું આશ્રમ જે મારું કુટુંબ છે તેમાં કેટલાય અત્યંજો છે, અને એક મીઠી પણ તોફાની બાળા મારી પોતાની દીકરી તરીકે રહે છે." 

ડૉ. આંબેડકર દલિત જાતિમાં જન્મ્યા હોઈને, તેમણે જીવનભર અપમાનો સહન કર્યા હતા. ગાંધીજીને પણ તે અનુભવ દક્ષિણ આફ્રિકામાં પોતાની ચામડીના રંગ ભેદને કારણે થયો હતો. ગાંધીજીને પોતાની પાસે પ્રથમ વર્ગની ટીકીટ હોવા છતાં તેમને ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા હતા. ડૉ. આંબેડકર અને ગાંધી બંનેએ પોતાનું ઉચ્ચ શિક્ષણ પશ્ચિમમાં લીધું હતું.  ડૉ. આંબેડકરે અમેરિકામાં અને ગાંધીએ ઇંગ્લેન્ડમાં લીધું હતું. બંને એ પશ્ચિમી સંસ્કૃતિનો અનુભવ વિદ્યાર્થી અવસ્થમાં જ લીધો હતો. જો કે આંબેડકર જીવનભર પશ્ચિમી સભ્યતાના પ્રશંશક રહ્યા હતા. જયારે ગાંધીજીએ ઈંગલેન્ડમાં અભ્યાસકાળ દરમિયાન જ પશ્ચિમી સંસ્કૃતિને ત્યજવાનો આરંભ કરી દીધો હતો. અને "હિન્દ સ્વરાજ" પુસ્તક લખ્યું ત્યાં સુધી તો તેઓ તેના સખત ટીકાકાર બની ચૂકયા હતા. બંને નેતાઓ પોતાના વિચારોને જડતાપૂર્વક વળગી નહોતા રહેતા.સમય અને સંજોગ અનુસાર તેમના વિચારોમાં પરિવર્તન આવતું રહેતું હતું. ગાંધીજી અસ્પૃશ્યના વિરોધી હતા. પણ વર્ણવ્યવસ્થાના સમર્થક હતા. તેમણે જ્ઞાતિ વ્યવસ્થાને કદી ટેકો આપ્યો ન હતો. બલકે છેવટના વર્ષોમાં તેમણે સ્વર્ણ-અવર્ણ વિવાહનું સમર્થન કર્યું હતું. ડૉ. આંબેડકરે પહેલા સંયુક્ત મતદારમંડળોનું સમર્થન કર્યું હતું. પછી અલ્પ મતદાર મંડળોનું સમર્થન કર્યું હતું. દલિતોને વધુ અનામત બેઠકો સાથે તેમણે સંયુક્ત મતદાર મંડળોને ટેકો આયો હતો. પછી તેમણે પોતાનું મંતવ્ય બદલ્યું હતું. ડૉ. આંબેડકર માનતા હતા કે વર્ણ વ્યવસ્થાની નાબૂદી વગર અસ્પૃશ્યતાનું કલંક સમાજમાંથી જશે નહિ. ગાંધીજી સર્વધર્મ સમભાવના સમર્થક હતા. ડૉ. આંબેડકર દલિતોના ગૌરવ અને આત્મ સન્માન અપાવે તેવા ધર્મની શોધમાં હતા. જીવનના અંતિમ તબક્કામાં તેમણે ધર્મ પરિવર્તન કરી બૌદ્ધધર્મ અંગીકાર કર્યો હતો. મૂળમાં ગાંધીજીનું ચિંતન ધાર્મિક હતું. ડૉ. આંબેડકરનું ધર્મનિરપેક્ષ હતું. ગાંધીજીએ જીવનભર સત્તાને સ્પર્શ નહોતો કર્યો. ડૉ. આંબેડકરે સત્તા સ્વીકારી હતી. અને જરુર લાગી ત્યારે તે આસાનીથી છોડી પણ હતી. ડૉ. આંબેડકર દલિત જાતિઓ માટે આજીવન જીવ્યા. ગાંધીજી વિશ્વના સૌ દુખીયારઓ માટે આજીવન પ્રયાસ કરતા રહ્યા. ગાંધીજી અને ડૉ. આંબેડકર બંને વાણીમાં સત્યતા હતી. અને આત્મ ગૌરવની ખુમારી હતી. પણ બંનેની અભિવ્યક્તિમાં આસમાન જમીનનું અંતર હતું. ગાંધીજીની વાણીમાં નમ્રતા અને મધુરતા હતી. ડૉ. આંબેડકરની વાણીમાં તેજસ્વીતા અને કઠોરતા હતી.

કેટલાક વિદ્વાનો માને છે કે ગાંધીજી મનુવાદી હતા. પણ એ સત્ય નથી. ગાંધીજીએ "મનુસ્મૃતિ"નું અધ્યયન નાનપણમાં કર્યું હતું. પણ તેના કેટલાક ભાગોથી એમને સંતોષ ન હતો.બીજા કેટલાક ભાગો તેમને વિરોધ કરવા જેવા લાગ્યા હતા.ડૉ. આંબેડકર મનુવાદના ઘોર વિરોધી હતા. બંને મહાનુભાવો દેશના મુસ્લિમ રાજકારણના સમર્થક ન હતા. ડૉ. આંબેડકરે ગાંધીજીનો અનેકવાર કડક અને કડવી ભાષામાં વિરોધ કર્યો હતો. ગાંધીજી પોતાના વિચારો પર ગાંધીજી પોતાના વિચારોમાં અડગ હોવા છતાં ડૉ. આંબેડકરના વિચારોમાં રહેલ સત્યનું સમર્થન કરતા હતા. ડૉ. આંબેડકરે ગાંધીજી વિરોદ્ધ અનેકવાર અપમાનજનક ભાષા વાપરી હતી. પણ તેના સંદર્ભે ગાંધીજી કહેતા,

" સવર્ણ હિન્દુઓએ અવર્ણ પર સેકડો વર્ષથી કરેલ ગુજારેલ અન્યાય ને જોતા ડૉ. આંબેડકરની એવી ભાષા સમજી શકાય તેમ છે." 

ડૉ. આંબેડકરે ગાંધીજીને ક્યારેય કોંગ્રેસથી અલગ માન્યા ન હતા. પણ ગાંધીજી અને કોંગ્રસના વિચારોમા અનેક સ્થાનો પર વિરોધ હતો. કોંગ્રેસને વિખેરી નાખવા સુધીનો વિચાર ગાંધીજી વ્યક્ત કરી ચૂકયા હતા. ટુંકમા ગાંધીજીએ કોંગ્રેસનો સાથ લીધો, તેને સાથ આપ્યો અને છેવટે તેનો સાથ છોડ્યો હતો. જયારે ડૉ. આંબેડકરે કોંગ્રેસનો મોટેભાગે વિરોધ કર્યો હતો. થોડો વખત તેને સહકાર આપ્યો હતો. પણ પછી તેનાથી અલગ થઇ ગયા હતા.

ગાંધીજી અને ડૉ. આંબેડકરે બને વ્યક્તિગત સ્વાર્થથી પર હતા. ગાંધીજીનું જીવન ધ્યેય સત્યની શોધ હતું. એ સંદર્ભે એમને અસ્પૃશ્યતા એક સમાજિક અન્યાયના સંકેત સમી દેખાતી હતી. તેથી તેઓ તેનો વિરોધ કરતા હતા. ડૉ. આંબેડકરનું જીવન ધ્યેય અસ્પૃશ્યતાને ખત્મ કરવાનું હતું. એ મિશન જ તેમનું સત્ય હતું. ગાંધીજી અને ડૉ. આંબેડકર બંને પુખ્તવયના તમામ દેશવાસીઓ માટે મતાધિકારના ભારે સમર્થક હતા. એ ન થયા ત્યાં સુધી બંને દલિતો સારું અમુક સમયની મર્યાદા સાથે અનામત બેઠક રાખવાના સમર્થક હતા.

આટલી સામ્યતા સાથે બને વચ્ચે જે વિચાર ભેદ હતો તે પણ જાણવા જેવોં છે. ગાંધીજી અને ડૉ. આંબેડકર બંનેના વિચારધારામાં અલ્પ ભેદ હતો. ગાંધીજી સમગ્ર માનવજાતનું હિત ઈચ્છતા હતા. જયારે ડૉ. આંબેડકર સમાજના એક અંગનું હિત વિચારતા હતા. ગાંધીજીની માનવ સેવાનો આરંભ સમાજના સૌથી દલિત અને પીડિત લોકોની સેવાથી થતો હતો. જયારે ડૉ. આંબેડકરે દલિતોના હિતને જ પોતાના જીવનનું મુખ્ય મિશન બનાવ્યું હતું. આમ છતાં ડૉ. આંબેડકરે રાષ્ટ્રના બંધારણનો ખરડો ઘડનાર સમિતિના અધ્યક્ષ તરીકે સમગ્ર સમાજનો ખ્યાલ રાખ્યો હતો. ગાંધીજી અસ્પૃશ્યતા નિવારણના પ્રશ્નને માનવીય દ્રષ્ટિએ, નૈતિક પ્રશ્ન તરીકે  જોતા હતા. જેથી એ માટેનો ઉકેલ તેમને સવર્ણ હિન્દુઓના માનસ પરિવર્તનમા દેખાતો હતો. ડૉ. આંબેડકરને દલિતોના હિતોને બંધારણીય ટેકો આપવામાં રસ હતો. અને તેમના એ પ્રયાસોમાં અંતે તેમને સફળતા પણ સાંપડી.

આ વૈચારિક ભેદને કારણે જ બંને વચ્ચે ગજગ્રાહ થયો હતો. આકરા મતભેદો થયા હતા.
------------------------------------------------------------------------
૧. ગાંધીજી, નવજીવન, ૯-૧૧-૧૯૩૧, પૃ. ૮૯

૨. એજન.

૩. દેસાઈ નારાયણ, મારું જીવન જ મારી વાણી, તૃતીય ખંડ, પૃ. ૧૪૫.

૪. એજન, પૃ. ૧૪૫.

No comments:

Post a Comment