Wednesday, January 28, 2015

આપણી ધાર્મિક સમરસતાનો ઇતિહાસ : ડો. મહેબૂબ દેસાઈ

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ત્રણ દિવસના ભારત પ્રવાસની સમાપ્તિ કરતા કહ્યું હતું,

"જો ધર્મના આધારે ભાગલા નહિ પડે તો ભારતનો જરુર વિકાસ થશે". ભારત અને તેના વિકાસના ઇતિહાસનું આ સનાતન સત્ય છે. એ આપણી સંસ્કૃતિની ધરોહર છે. ભારતે એ સત્યને દરેક યુગમાં સાકાર કરી વિશ્વમાં હંમેશા પોતાનું નામ ઊંચ સ્થાને રાખ્યું છે. તેનો ઇતિહાસ સાચ્ચે જ રોમાંચક અને અદભૂત છે. ભારતમાં હિંદુ અને ઇસ્લામ ધર્મ વચ્ચે સંવાદિતતા અને સમરસનો આરંભ ભારતમાં મુસ્લિમોના આગમન સાથે થયો હતો. પણ તેનો ઇતિહાસ આપણા અભ્યાસક્રમોમા ક્યાંય જોવા મળતો નથી. બંને ધર્મોના વિદ્વાનો અને વિચારકોએ હિંદુ અને ઇસ્લામ ધર્મના વિચારોને સાહિત્ય અને સમભાવ સાથે આચારણમાં મુકવા કરેલા પ્રયાસો એ સમરસતાનું ઉમદા વાતાવરણ સર્જ્યું હતું. પરિણામે ભારતીય સંવાદિતતાની એ પરંપરાએ દેશ અને દુનિયામાં એક આદર્શ દ્રષ્ટાંત ઉપસાવ્યું છે.

એ યુગમા ઇસ્લામનું કેન્દ્ર બગદાદ હતું. બગદાદના વિદ્વાનોને ભારતના હિંદુધર્મ, તેનો ઇતિહાસ અને આધ્યાત્મિક જ્ઞાનમાં અત્યંત રસ હતો. તેથી બગદાદના પ્રવાસીઓ અન્ય માધ્યમો દ્વારા ભારત વિષે જાણવા સક્રિય પ્રયાસો કરતા હતા. એ સમયના કેટલાક મુસ્લિમ ઇતિહાસકરો જેવા કે બલાજરી, યાકુબ અને મુકીદસીના ગ્રંથોમાં ભારતનું વર્ણન જોવા મળે છે. રબ્નેનદીમના ગ્રંથ "અલ ફહીરસ્ત"મા હિંદુ ધર્મ અંગે એક આખું પ્રકરણ આલેખવામાં આવ્યું છે. એ સમયે બગદાદમાં કેટલાક હિંદુ પંડિતો અને નવ મુસ્લિમો પણ વસતા હતા. સૈયદ સુલેમાન નદવીએ એ અંગે લખ્યું છે,

"એ સમયે બગદાદમાં અનેક હિંદુ પંડિતો મૌજૂદ હતા. તેમાના કેટલાકના નામો આજે પણ ઇતિહાસના પડળમા દટાયેલા પડ્યા છે. જેમા પંડિત કનક, પંડિત મનકા અને પંડિત કપિલરાય મુખ્ય હતા"

આ પંડિતોએ કેટલાક સંસ્કૃત ગ્રંથોના ફારસીમાં અનુવાદ કર્યા હતા. એ પહેલા આર્યભટ્ટના ગ્રંથ

"બ્રહ્મ સિદ્ધાંત"નો અનુવાદ ઈબ્રાહીમ ફરાજીની મદદથી અરબી ભાષામાં કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન બીજા કેટલાક હિંદુ ગ્રંથોના અનુવાદ અરબી ભાષામાં થયાના પુરાવાઓ મળે છે.

આવા અનુવાદો અને મૌખિક માધ્યમો દ્વારા ભારતીય ધર્મો પ્રત્યેની અરબોની જાણકારી વિસ્તૃત થતી જતી હતી. તે અલ્બેરુની અને જાહીજ જેવા પ્રવાસીઓના વર્ણનો દ્વારા જાણી શકાય છે. પરંતુ ભારત અંગે પ્રત્યક્ષ અને આધારભૂત માહિતી મેળવવાનો આરંભ અલ્બેરુનીથી થયો હતો. અલ્બેરુની ભારતમાં લગભગ ચાલીસ વર્ષો રહ્યો હતો. તેણે બાકાયદા સંસ્કૃત ભાષા શીખી હતી. હિંદુ ધર્મનું પાયાનું જ્ઞાન તેણે હિંદુ ધર્મ ગ્રંથોમાંથી મેળવ્યું હતું. તેના આધારે તેણે "તહ્કીકુલ માહિન્દ" નામક ગ્રંથ લખ્યો હતો. જેમાં સહજ અને સહકારાત્મક શૈલીમાં તેણે હિંદુધર્મ અને સંસ્કૃતિનો પરિચય આપ્યો હતો. આ ગ્રંથ અરબી ભાષામાં ભારતશાસ્ત્રનો પરિચય કરાવતો સૌ પ્રથમ અને આધારભૂત ગ્રંથ હતો. આ ગ્રંથમા અલ્બેરુનીએ ઇસ્લામ અને હિંદુ ધર્મનો તુલનાત્મક અભ્યાસ રજુ કર્યો હતો. અને તેમાં ઇસ્લામ અને હિંદુ ધર્મના મૌલિક અંતરને વ્યક્ત કરતા લખ્યું હતું,

"હિંદુ ધર્મને સમજવામાં મુસ્લિમોને આ મૌલિક અંતરને કારણે જ તકલીફ પડે છે. જેથી તેનું સકારાત્મક વિષ્લેષણ અનિવાર્ય છે."

આ સમગ્ર યુગ દરમિયાન હિંદુ વિદ્વાનોના લખાણો દ્વારા ઇસ્લામને સમજવાની કોશીશ થતી રહી હતી. સિંધ અને બગદાદમાં આ અંગે અનેક ધર્મચર્ચો યોજાતી રહેતી હતી. કુરાન--શરીફનો હિન્દુસ્તાની ભાષામાં અનુવાદ આ જ સમય દરમિયાન થયો હતો. હિન્દુસ્તાનમાં ઇસ્લામિક શિક્ષણ પ્રથા ઉપર ઘણા પુસ્તકો લખાયા હતા. અનેક હિંદુ રાજાઓએ મુસ્લિમ વિદ્વાનોને પોતાના દરબારમાં સ્થાન આપ્યું હતું. અને તેના દ્વારા ઇસ્લામને સમજવાના ભરપુર પ્રયાસો થયા હતા.

આ ઐતિહાસિક સંદર્ભમાં જોઈએ તો અવશ્ય મહેસુસ થશે કે આજે બરાક ઓબામાએ  હિંદુ અને ઇસ્લામ બંને ધર્મો વચ્ચે સમરસતાની વાત કરી છે, તે તો ભારતની પુરાતન પરંપરાનો એક ભાગ છે. અને તે કોઈ એક તરફી પ્રયાસો ન હતા. બલકે બંને ધર્મોના અનુયાયીઓ, વિદ્વાનો એક બીજાના ધર્મ અને પરંપરાને સમજવાનો સંનિષ્ઠ પ્રયાસ કરતા હતા. એ વાતનો અહેસાસ ભારતના સુલતાનોના શાસનકાળમા દરમિયાન ઉડીને આંખે વળગે છે. એ યુગમાં મુસ્લિમ સૂફી સંતો, હિંદુ સંતો અને કવિઓએ બંને ધર્મના વચ્ચે સેતુનું કાર્ય કર્યું હતું. સૂફીઓએ ઇસ્લામના એકેશ્વરવાદ (તૌહીદ)ને અદ્વેત્વાદ તરીકે રજુ કર્યો. તેમાં હિંદુ વિદ્વાનોએ હિંદુ ધર્મની "વેદાંત" વિચારધારાની ઝલક અનુભવી. જયારે બીજી બાજુ હિંદુ ભક્તોએ ભક્તિ આંદોલન દ્વારા ઇસ્લામ અને હિંદુ ધર્મના સિદ્ધાંતો અને રીતરીવાજો વચ્ચેની સમરસતા અભિવ્યક્ત કરવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું. આ સમરસતા ઉજાગર કરવમાં મુલ્લા દાઉદ, કબીર, રસખાન અને તુલસીદાસે અગ્ર ભૂમિકા ભજવી. સૂફી સંતો  હઝરત શેખ નિઝામુદ્દીન ઓલિયા, બાબા ફરીરુદ્દીન ગંજશકર, ખ્વાજા ગરીબ નવાઝ વગરેની ભૂમિકા પણ અગ્ર હતી. અમીર ખુસરો પણ હિંદુ મુસ્લિમ ગંગા-જમુના સંસ્કૃતિના સમન્વય નાયક તરીકે ઉભરી આવ્યા હતા.

મુઘલ કાળમાં આ સમરસતાને ચાલુ રાખવામાંનું કાર્ય મુઘલ શાસકોએ કર્યું. મુઘલ શાસક બાબરે તેના પુત્ર હુમાયુંને નસિયત કરતા ખાસ કહ્યું હતું,

"તારા માટે અનિવાર્ય છે કે તુ તારા હદયમાંથી ધાર્મિક ભેદભરમ દૂર કરી દે. અને દરેક ધર્મના રીતરીવાજ અને સિદ્ધાંતો મુજબ ઇન્સાફ કર. તુ ગાયોની કુરબાની પર પ્રતિબંધ મુક. એ દ્વારા તુ હિન્દુસ્તાનના લોકોના દિલ જીતી શકીશ. અને તેમના દેવસ્થાનોની હિફાઝત કર. એ જ  આદર્શ શાસકની પવિત્ર ફરજ છે"

અકબરના સમયમાં અબુલ ફઝલે તેના પુસ્તક "આયને અકબરી"મા હિંદુ ધર્મનો પરિચય આપતું એક આખું પ્રકરણ આલેખ્યું છે. અકબરે અનેક સંસ્કૃત પુસ્તકોનો ફારસીમાં અનુવાદ કરાવ્યો હતો. એ પછી જુલ્ફીકાર મવદે "દબિસ્તાને મજાહીદ" નામક એક ગ્રંથ લખ્યો. જેમાં બંને ધર્મોના તુલનાત્મક અધ્યયનને હકારાત્મક શૈલીમા રજુ કરવામાં આવ્યા હતા. મોઘલકાળમાં જ દારા શિકોહએ હિંદુ ધર્મ અને ઇસ્લામની સમરસતાની વાતને પોતાના લેખન અને આચરણમાં રજુ કરી હતી. આ જ પરંપરાને શેખ અબ્દુલ કુદ્દુસ ગંગોહી, મિર્ઝા મઝહર ખાનખાના, મૌલાના ફજલુલ રહમાન ગંજ મુરાદાબાદી, મૌલાના ફજલુલ હસન અને હઝરત મોહનીએ ચાલુ રાખી હતી. એજ રીતે અર્વાચીન યુગમાં ભારતના મહાન સુધારક રાજા રામ મોહન રાયએ ચાલુ રાખી હતી. તેમણે હિંદુ મુસ્લિમ સમરસતાને વાચા આપતો ગ્રંથ

"તોહાફ્તુલ મોહિદીન" લખ્યો હતો. એકેશ્વરવાદ (તોહીદ)ને વાચા આપતો આ ગ્રંથ રાજા રામ મોહન રાયએ ફારસી ભાષામાં લખ્યો હતો. અને તેની વિસ્તૃત પ્રસ્તાવના અરબી ભાષામાં લખવામાં આવવી હતી. રાજા રામ મોહન રાયનું વ્યક્તિત્વ પણ બહુ ધર્મી હતું, તેમણે પોતાનું શિક્ષણ ઇસ્લામિક મદ્રેસામા લીધું હતું. જયારે હિંદુ ધર્મની શિક્ષા તેમણે ગુરુકુળમાં લીધું હતું. રાજા રામ મોહન રાય પછી વિવેકાનદે પણ સમરસતાની એ પરંપરાને જીવંત રાખી હતી. તેમણે હિંદુ મુસ્લિમ કોમના સંગમને વાચા આપતા કહ્યું હતું,

"હુંદુ અને ઇસ્લામ ભારતીય શરીરના બે અંગો છે. જેમાં બુદ્ધિ અર્થાત વેદાંત અને શરીર એટલે ઇસ્લામ છે"

તેમણે યથાર્થવાદી અને સહિષ્ણુતાનો પરિચય આપતા કહ્યું હતું,

"ભારત પર મુસ્લિમોનો વિજય ગરીબ અને કચડાયેલા લોકો માટે મુક્તિનો માર્ગ સાબિત થયો છે"

પછીના યુગમાં વિનોબા ભાવે અને પંડિત સુંદરલાલે હિંદુ મુસ્લિમ સમરસતાની પરંપરાને આગળ વધારી હતી. વિનોબાજીએ "રુહુલ કુરાન" અને પંડિત સુંદરલાલએ "ગીતા અને કુરાન" જેવા ગ્રંથો દ્વારા 

બંને ધર્મની બુનિયાદી એકતાના દર્શન કરાવ્યા હતા. ભારતની આવી સમરસતા ભારતના ઇતિહાસમાં દટાયેલી પડી છે. આજે જયારે ભારતની યાત્રાએ આવેલ બરાક ઓબામા "જો ધર્મના આધારે ભાગલા નહિ પડે તો ભારતનો જરુર વિકાસ થશે" ઉચ્ચારે છે ત્યારે મને આપણી ઉપરોક્ત ધાર્મિક સમરસતાનો ઇતિહાસ સાંભરી આવે છે.
 

Sunday, January 18, 2015

સૂફીસંત શાહ લતીફની રહસ્યમય રચનો : ડો. મહેબૂબ દેસાઈ

સિંધના રહસ્યવાદી સૂફી સંત શાહ લતીફની રચનોનું ગુજરાતી ભાષાંતર હાલ મારા અભ્યાસમાં આવ્યું. તેમના કથનો અને રચનાઓ સમજવા વાચકે આધ્તાત્મિક ઊંડાણને પામવું પડે. તેઓ કહેતા,

"તમારા મસ્તકને બંને ગોઠણ વચ્ચે દબાવીને એકાંતમાં જીવો"

અર્થાત તમારા અહંકારને તમારામાં જ ઓગળી એકાન્તમાં જીવવાનું કહેનાર શાહ લતીફ આગળ કહે છે,

"જ્યાં જ્યાં હું દ્રષ્ટિ કરું છું ત્યાં ત્યાં હું માત્ર એને જ (પરમાત્મા) નિહાળું છું. દરેક ચીજ એનો  ઉદઘોષ કરે છે. દરેક વ્યક્તિ મન્સુર બની ગઈ છે. કહો આમાંથી કેટલાને ફાંસીને માંચડે લટકાવું ?"

જીવનની પાઠશાળામાં ભણેલા લતીફ તેમના પિતા પાસેથે ફારસી અને અરબી શીખ્યા હતા. તેમની રચાનોમાં ભાષાનું સોંદર્ય અને અર્થની ગહનતા બંને ભારોભાર જોવા મળે છે.

"ઉપવાસો અને પ્રાર્થનાઓ ! ચોક્કસ પણે

 તેઓ પોતાનું મુલ્ય ધરાવે છે જ ;

 તેમ છતાં પ્રિયતમના દીદાર કરવા માટે

 એકબીજા પર રોશની છે,

 એ રોશની એટલે પ્રેમભાવની રોશની"

બે ગોવાલણો વાતો કરતી હતી. એક ગોવાલણે બીજીને કહ્યું,

"હું તો મારા પ્રિયતમને આટલીવાર મળી, તું કેટલીવાર મળી ?"

બીજી ગોવાલણે કહ્યું ,

"બહેન,પોતાના પ્રેમીને કેટલી વખત મળવાનું થયું તેનો હિસાબ શા માટે રાખવો જોઈએ ?" શાહ લતીફ આ સંવાદો સાંભળી બોલી ઉઠ્યા,

 "એમના દેહ જ જપમાળા

 મન છે એમના મણકા

 એમના હદય છે વીણા

 તૂ હી તૂ  "તૂ હી તૂ "નું અંતરગાન

 એવા (મહાત્માઓ) કે જેની નિંદ્રા પણ પ્રાર્થના બની છે

 તેઓ ઊંઘમાં પણ જાગૃતિમાં હોય છે" 

એક વખત શાહ લતીફ રસ્ત્તાની એક બાજુ બેઠા હતા. ત્યારે થોડા યાત્રિકોને તેમને મક્કા તરફ જતા જોયા. એ વખતે તેમના મનમાં પણ મક્કા જવાની ઈચ્છા થઇ. એ જ વખતે એમણે તરસ્યા ઘેટા-બકરાનું ટોળું જોયું. એ ટોળાએ બાજુના ઝરણાના સ્વચ્છ, પારદર્શક પાણીમાં પ્યાસ બુઝાવી અને તે ઝરણા સામે આભારનો દ્રષ્ટિપાત કર્યો.

અને ઘેટા-બકરાનું ટોળું ચાલવા માંડ્યું. એ જોઈ શાહ લતીફના મુખમાંથી કવિતા ફૂટી,

"કદાચ આ જન્મ હું તને શોધ્યા કરીશ,

 શોધ્યા જ કરીશ,

 પરંતુ કદાચ હું તને કદીયે ન મળી શકું"

કહેવાય છે કે શાહ લતીફને તેમના શિક્ષકે "અલીફ" પછી "બે" શીખવાડવાનો પ્રયાસ કર્યો. અને તેમને તે શબ્દ શીખવાની ના પડી દીધી. તેમના એક કાવ્યમાં તેઓ લખે છે,

 "તમારા હદય પ્રદેશમાં

 "અલીફ" (અલ્લાહ)નો ખેલ ચાલતો રહે

 તેથી તમને તમારી કોરી વિદ્વતાની

 અર્થવિહીનતા મીથ્થ્યાભિમાનનું ભાન થશે

 તમને એ ચોક્કસ સમજાશે કે

 જીવન પ્રત્યે પવિત્ર દ્રષ્ટિ જોવા  

 એક માત્ર અલ્લાહનું નામ પર્યાપ્ત છે.

 જેમના હ્દયોમાં તીવ્ર ઈચ્છા છે.

 તેઓ એ જ (જીવન) પૃષ્ટ વાંચશે

 જેના પર તેમને પ્રિયતમાના દીદાર થશે"

એકવાર શાહી કુટુંબની રાજકુમારી બીમાર પડી. શાહ લતીફના પિતા હકીમ હતા. તેઓ જઈ શકે તેમ ન હતા. એટલે તેમણે પુત્ર લતીફને રાજકુમારી પાસે મોકલ્યો. યુવાન શાહ લતીફ રાજકુમારીનું સોંદર્ય જોઈ તેના પ્રેમમાં પડ્યા. પણ રાજકુમારીના પિતાએ તેનો ઇનકાર કર્યો. અને શાહ લતીફ સંસાર ત્યાગી નીકળી પડ્યા.

"હે વિસ્મયકારક, કયા છુપાયો છે તું ? ખીલેલા કમળ અને ઉડતા હંસમા સોંદર્યવાન પ્રિયતમાને શોધું છું. એકાદવાર તેની ઝાંખી તો થઇ હતી. પણ અત્યારે તે અતિ સૂદૂર લાગી રહ્યા છે"

તેમની એક રચનામા આ વિચાર સાકાર થયો લાગે છે.

 "કમળના મૂળ તો તળિયામા પથરાયેલા હોય છે

 અને મધમાખી તો નિવાસી છે આકાશની

 (તેમ છતાં) ધન્ય છે એ પ્રેમ જે એ બંને ને જોડી દે છે.

 ગહરાઈની ગહનતામાં હંસ વસવાટ કરે છે

 જો તું એ ઊંડાણ પર એક વખત

 પ્રેમભરી દ્રષ્ટિ કરીને હંસ નિહાળશે

 તો તું ક્યારેય પછી બીજા પક્ષીઓ

 જોડે નહિ જ રહી શકે."

તેમના કેટલાક કાવ્યોમા સરળતા અને સૂફીઝમની સુગંધ પણ ભરેલી જોવા મળે છે.

"શું તું પોતાની જાતને પતંગિયું કહે છે !

 તો પછી આગને જોઈને પીઠ ન ફેરવતો ;

 પૂછ પરવાનાને, જલી જવું એટલે શું ?

 આ આગે ઘણાને ભસ્મીભૂત કર્યા છે

 આ આગમાં હોમી દે પોતાની જાતને

 આનંદો ! આનંદો તમે !  

 આનંદ સમાધી તો દેખતા ને થાય

 આંધળાને આનંદસમાધી વળી કેવી ?

 તેઓએ આનંદ ખરીદી લીધો છે

 અને તેને તેઓ હંમેશા પોતાની સાથે રાખે છે

 આ સ્થિતિ શબ્દની પેલે પારની છે

 તેઓની નજર જો પોતાના શત્રુ પર પણ પડે છે

 તો  તેઓ તેનામાં પણ પ્રિયતમના દર્શન કરે છે"

શાહ લતીફ કહે છે " સત્ય, કલ્યાણ અને સૌન્દર્ય, જયારે આપણે તેના દર્શન કરીએ છીએ ત્યારે આપણો આત્મા ગાઈ ઉઠે છે,

 "મિત્રો, તમે એને એ રીતે નથી જોઈ શકતા જે રીતે એને હું

 નિહાળું છું

 તે વધુ પ્રકાશિત છે સુર્ય અને તારામંડળથી

 ચંદ્રમાંથી અને નક્ષત્રોમાંથી

 તે માખણ, મધ અને શેરડી કરતાંય વધુ મીઠો છે.

 શાહ લતીફ જાહે છે કે પ્રિયતમનો જન્મ અંદર થયા છે."

રહસ્યવાદી સંતો અને કવિઓ જ આવી રચનો સર્જી શકે છે કારણ કે તેઓ દિવ્ય જ્ઞાનથી પ્રજવલિત હોય છે.