Friday, November 27, 2015

યે કતઈ ઇસ્લામ નહી હૈ : ડૉ. મહેબૂબ દેસાઈ

આતંકવાદીઓની વિશ્વભરમાં અમાનવીય હત્યાઓએ પુન: ઇસ્લામના સિદ્ધાંતો અને આદેશો અંગે લોકોને વિચારતા કરી મુક્યા છે. ન્યુસ ચેનલો અને અખબારોને ચર્ચવાનો એક ગરમાગરમ વિષય મળી ગયો છે. દરેક પક્ષના સભ્યો અને સમાજ ચિંતકો પોતાના મંતવ્યો સંભાળી સંભાળીને મૂકી રહ્યા છે. કારણ કે મંતવ્ય મુકવામાં પણ આમીર ખાન કે શાહરૂખ ખાન જેમ ફસાઈ જવાનો ભય સૌને છે. એમાંય વળી, મુસ્લિમ સેલિબ્રિટી માટે તો આ તકેદારી અનિવાર્ય બની ગઈ છે. કારણ કે સહિષ્ણુતા અને અસહિષ્ણુતાના અંગેના તેમના વિધાનોને એક ખાસ દ્રષ્ટિથી જોવામાં આવે છે. આજે સંસદ સુધી એ ચર્ચા ચાલી રહી છે. એવા સમયે ઇસ્લામ અને તેના સાચા સિદ્ધાંતોની વાત અનિવાર્ય બને છે. આતંકવાદીઓ ઇસ્લામના નામે જે અમાનુષી કાર્યો કરી રહ્યા છે, "યે કતઈ ઇસ્લામ નહી હૈ".  ઇસ્લામમાં આવા કોઈ આદેશો નથી. ઇસ્લામ માનવીય મઝહબ તરીકે મહંમદ સાહેબના યુગમાં જાણીતો હતો. અને આજે પણ તેના સિદ્ધાંતો એ જ દર્શાવે છે.

કોઈ ધર્મ અમાનવીય, અનૈતિક કૃત્યોને આચરવાનો આદેશ આપતો નથી. કોઈ ધર્મને પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માનવ શક્તિની આવશ્યકતા નથી. ધર્મ ખુદ એટલો સત્વશીલ અને માનવીય હોય છે, જે ખુદ યુગો સુધી ટકી રહે છે. હિંદુ, ઇસ્લામ, જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી આ બધા ધર્મો તેના ઉમદા ઉદાહરણ છે. ઇસ્લામ ૧૪૦૦ વર્ષથી દુનિયામાં ટકી રહ્યો છે. એ માટે કોઈ તલવાર કે બળ જવાબદાર નથી. પણ મહંમદ સાહેબે આપેલા સત્વશીલ માનવીય સિદ્ધાંતો છે. ઇસ્લામના ધર્મ ગ્રંથ "કુરાન-એ-શરીફ"માં પ્રેમ, દયા, કરુણા, અહિંસા, નીતિમત્તા, સત્ય, સમભાવ, ભાઈચારો, પાડોશીધર્મ અને સર્વધર્મ સમભાવ જેવા અનેક વિષયો અંગે આયાતો છે. કુરાને શરીફમાં તેની અનેક દ્રષ્ટાંત કથાઓ પણ આપવામાં છે. ઇસ્લામ જેના માટે વિશેષ ચર્ચામાં રહ્યો છે, અને આતંકવાદીઓ જેના નામે હિંસા આચરી રહ્યા છે, તે જિહાદનો આધ્યાત્મિક અર્થ પણ આતંકવાદીઓ જાણતા નથી. કસાબને એક પત્રકારે પૂછ્યું હતું,

"જિહાદ એટલે શું ?"

"કોશિશ કરવી એટલે જિહાદ"

"પણ આવી હિંસા શા માટે"

તેનો જવાબ હતો,

"પૈસા માટે"

કુરાને શરીફમાં બે શબ્દો વારંવાર વપરાયા છે. એક, કીતાલ અર્થાત યુદ્ધ અને બીજો જિહાદ. કીતાલ શબ્દ યુદ્ધ કે માનવ માનવ વચ્ચેના સંઘર્ષ માટે વપરાયો છે. જયારે જિહાદ શબ્દ હંમેશા આધ્યાત્મિક પરિવર્તન માટે વપરાયો છે. માનવીના અંદરના દુર્ગુણોને નાથવા માટે માનવી પોતાની જાત સાથે જે સંઘર્ષ કરે છે તે જિહાદ છે. અર્થાત "માનવી પોતાના અવગુણો, દુષણો, કુટેવો અને અનૈતિક કાર્યોનું દમન કરવા પોતાના મન અને હદય સાથે જે સંઘર્ષ કરે છે તે ક્રિયા જેહાદ છે." આવા ઉમદા કાર્યમાં ક્યાય માનવ હત્યા કરવાનો આદેશ નથી. નિર્દોષ માનવીઓના ખુન વહેવડાવવાનો ક્યાય ઉલ્લેખ નથી. બલકે કુરાને શરીફમાં ખાસ કહેવામાં આવ્યું છે કે,

"લા તુ ફસીદ" અર્થાત "ધરતી પર ફસાદ ઉત્પન્ન ન કર."

અર્થાત સમાજમા ઝગડો, ફસાદ કે સંઘર્ષ ન કર. સમાજમાં રહેનાર દરેક માનવી એક કોમના સભ્યો છે. તેની સાથે પ્રેમ અને એખલાસથી રહેવાનો આદેશ મહંમદ સાહેબના ઉપદેશો અને કુરાને શરીફની આયાતોમાં ઠેર ઠેર જોવા મળે છે. એ જ રીતે ધર્મના પ્રચાર બાબત પણ ઇસ્લામમાં સ્પષ્ટ આદેશ છે,

"લા ઇકરા ફીદ્દીન' અર્થાત "ધર્મની બાબતમાં બળ જબરી ન કરીશ"

ઇસ્લામનો પ્રચાર તલવારના જોરે થયાનું કહેનાર સૌ માટે કુરાને શરીફનો આ આદેશ પુનઃ વિચાર માંગી લે છે.  હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) પર રમજાન માસમાં ઉતરેલ પ્રથમ વહી શિક્ષણ અને જ્ઞાનના સંદર્ભે હતી. તેમાં કયાંય હિંસાનો ઇશારો સુઘ્ધાં નથી. એ પ્રથમ વહીમાં ખુદાએ મહંમદસાહેબ (સ.અ.વ.)ને કહ્યું હતું,
"પઢો-વાંચો પોતાના ખુદાના નામે જેમણે આખા વિશ્વનું સર્જન કર્યું છે. જેણે લોહીના એક બુંદમાંથી ઇન્સાનનું સર્જન કર્યું છે. એ જ તારો પાલનહાર ખુદા છે. જેણે ઇન્સાનને કલમ દ્વારા જ્ઞાન આપ્યું અને ઇન્સાન જે નહોતો જાણતો,જેનાથી તે અજ્ઞાન હતો, તે બધું તેને શીખવ્યું છે."
કુરાને શરીફનો આરંભ "બિસ્મિલ્લાહ હિરરહેમા નિરરહિયમ" થી થાય છે. જેનો અર્થ થાય છે, શરૂ કરું છું અલ્લાહના નામે જે બેહદ મહેરબાન અને દયાળુ છે. કુરાને શરીફમાં કહ્યું છે,

"ખુદા ક્ષમાશીલ અને પ્રેમાળ છે."
"અને ખુદા તમારા ઉપર કૃપાદૃષ્ટિ રાખવા ઇરછે છે, પણ શુદ્ર  વાસનાઓની પાછળ ભટકનાર લોકો તમે આડે માર્ગે જઈને ખુદાથી દૂર ચાલ્યા જાવ છો."
"અલ્લાહને પુકારતા રહો નિશ્ચિત અલ્લાહની કૃપા સારા ચારિત્ર્યશીલ લોકોની સમીપ છે."
"જે કોઈ રજમાત્ર પણ નેકી (સદ્કાર્ય) કરશે અને જે રજમાત્ર પણ બુરાઈ કરશે, તેને સૌને ખુદા જોઈ રહ્યો છે."
"તારો રબ (ખુદા) એવો નથી કે તે વિના કારણ વસ્તીઓનો નાશ કરે."
"તેઓ જે સદ્કાર્યો કરે છે તેની કદર કરવામાં આવશે. અલ્લાહ સંયમી લોકોને સારી રીતે ઓળખે છે."
આજે આપણા સમાજમાં અભિવાદન કે સલામ કરવાના શબ્દો પણ ધર્મ અને જાતિના ધોરણે પ્રચલિત   છે. જેમ કે "જય જિનેદ્ર" "જય માતાજી" "જય સ્વામીનારાયણ" "જયશ્રી કૃષ્ણ". ઇસ્લામિક સંસ્કારો મુજબ એક મુસ્લિમ બીજા મુસ્લિમને મળે છે ત્યારે "અસ્સલામો અલયકુમ"  કહે છે અર્થાત તમારા પર ખુદા સલામતી વરસાવતા રહે. તેના જવાબમાં કહેવામાં આવે છે "વાલેકુમ અસ્લામ" અર્થાત ખુદા તમારા પર પણ સલામતી વરસાવતા રહે. પણ ઇસ્લામ તો તેનાથી પણ આગળ સર્વધર્મ અભિવાદનને આવકારતા કહે છે,

"જયારે તમને કોઈ સલામ કરે તો તમે પણ તેને અત્યંત સારા શબ્દોમાં જવાબ વાળો. અથવા જેવા શબ્દો તેણે કહ્યા છે તેવા જ શબ્દોમાં જવાબ વાળો."

અર્થાત મને કોઈ "જય સ્વામીનારાયણ" કહે તો તે શબ્દમાં જ તેનો ઉત્તર વાળવો ઇસ્લામમાં પુણ્યનું કાર્ય છે.

એજ રીતે દુર્ગુણોથી દૂર રહેવા તરફ નિર્દેશ કરતા કુરાને શરીફમાં કહ્યું છે.

"શેતાન માત્ર એટલું જ ઈચ્છે છે કે દારૂ અને જુગાર દ્વારા તમારી વચ્ચે દુશ્મનાવટ અને વેરભાવના ઉત્પન થાય. તમને અલ્લાહની યાદ અને નમાજથી અટકાવે. શું તમે અટકી જશો ?"

આતંકવાદીઓની અકારણ માનવ હત્યાઓએ સમગ્ર માનવજાતને હચમાચવી મુક્યો છે. પરિણામે આજ કાલ સોશોયલ મીડિયામાં એક કાવ્ય વહેતું થયું છે. એ સાચ્ચે જ આજના સંદર્ભમાં સમજવા અને સમજાવવા જેવું છે. જેમાં ઇસ્લામને જિહાદના નામે બદનામ કરતા આતંકવાદીઓને ટકોર કરતા કહેવામાં આવ્યું છે.


 "હર બાર એ ઇલ્જામ રહ ગયા,

 હર કામ મેં કોઈ કામ રહ ગયા

 નમાઝી ઉઠ ઉઠ કર ચલે ગયે મસ્જિત સે

 દહેશત ગરો (આતંકવાદીઓ) કે હાથ મેં ઇસ્લામ રહ ગયા


 ખુન કિસી કા ભી ગીરે યહાં

 નસ્લે (વંશ) આદમ કા ખુન હૈ આખીર

 બચ્ચે સરહદ પાર કે હી સહી

 કિસી કી છાતી કા સુકુન હૈ આખીર


 ખુન કે યે નાપાક યે ધબ્બે,

 ખુદા સે કૈસે છુપોગે

 માસુમો કે કબર પર ચડ કર,

 કૌન સી જન્નત મેં જાઓગે

 
કાગઝ પર રખ કર રોટિયાં

ખાઉ ભી તો કૈસે

ખુન સે લથપથ આતા હૈ

અખબાર ભી આજ કલ


દિલેરી કા હરગીઝ, હરગીઝ યે કામ નહિ હૈ

દહેશત (આતંક) કિસી મઝહબ કા પૈગામ નહિ હૈ


તુમ્હારી ઈબાદત, તુમ્હારા ખુદા

તુમ જાનો, હમે પક્કા યકીન હૈ

યે કતઈ (નિશ્ચિત પણે) ઇસ્લામ નહી હૈ,

યે કતઈ ઇસ્લામ નહી હૈ"


ઈશ્વર-ખુદા સૌને સદબુદ્ધિ આપે એજ અભ્યર્થના સાથે વિરમીશ.

 

Sunday, November 1, 2015

ગૂજરાત વિદ્યાપીઠનો ૬૨મો પદવીદાન સમાંરભ : ડૉ. મહેબૂબ દેસાઈ

આગામી ૧ ડીસેમ્બરના રોજ ૯૫ વર્ષની ગાંધીજી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના ૬૨માં પદવીદાન સમારંભમાં  ભારતના રાષ્ટ્રપતિ માં.પ્રણવ મુખરજી મુખ્ય મહેમાન તરીકે આવી રહ્યા છે.૧૯૬૩ થી ૨૦૧૪ સુધી ભારતના ૪૪ મહાનુભાવો આ સ્થાન શોભાવી ચૂકયા છે. જેમાં જવાહલાલ નહેરુ, ડો. રાધાકૃષ્ણ, ડો. ઝાકીરહુસેન, ખાન અબ્દુલા ગફાર ખાન, આચાર્ય જે.બી. કૃપલાની, શ્રી ઉછરંગ રાય ઢેબર , ડો. વર્ગીસ કુરિયર, શ્રી જ્ઞાની ઝૈલસિંઘ, મનુભાઈ પંચોલી, ઉષાબહેન મહેતા, બાબુભાઈ જશભાઈ પટેલ, ઉમાશંકર જોશી, અર્જુન સિંગ, નારાયણ દેસાઈ, ગોપાલ કૃષ્ણ ગાંધી અને ચુનીભાઈ વૈદ  જેવા દીગજ્જોનો તેમાં સમાવેશ થાય છે. આવો ભવ્ય ભૂતકાળ ધરાવતી ગુજરાત વિદ્યાપીઠના ૬૨મા પદવીદાન સમારંભની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ૯૫ વર્ષનો ગૂજરાત વિદ્યાપીઠનો ભવ્ય ઇતિહાસ આંખો સામે તરવા માંડે છે. ભારતમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ છે, જેની સ્થપાના ગાંધીજીએ કરી હોય અને જેણે સ્વાતંત્ર્ય સંગ્રામમાં અગ્ર ભૂમિકા ભજવી હોય. ગુજરાતમાં એવી એક માત્ર સંસ્થા છે ગૂજરાત વિદ્યાપીઠ. જ્યાં સ્નાતક, અનુસ્નાતક, એમ.ફીલ. અને પીએચ.ડી. સુધીનું ઉચ્ચ શિક્ષણ મોટાભાગના તમામ વિષયો આપવામાં આવે છે, એ સત્ય ગુજરાતના બહુ ઓછો વાલીઓ અને યુવાનો જાણે છે.

ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ૧૮ ઓક્ટોબર ૧૯૨૦ના રોજ કરી હતી. એ અસહકાર આંદોલનનો યુગ હતો. પરિણામે દેશના યુવાનોને રાષ્ટ્રીય કેળવણી આપવા અને સ્વાતંત્ર સંગ્રામના સૈનિકોના સંતાનોને રચનાત્મક અને રાષ્ટ્રીય શિક્ષણ આપવાના ઉદેશથી શ્રી ડાહ્યાભાઈ ઈજતરામ વકીલના મકાનમાં ગાંધીજીના વરદ હસ્તે ગૂજરાત વિદ્યાપીઠનો આરંભ થયો હતો.  ગુજરાત વિદ્યાપીઠમાં સૌ પ્રથમ પ્રવેશ મેળવનારા માત્ર ૫૯ વિદ્યાર્થીઓ હતા. આમાંના ઘણા ખરા તો સરકારી કોલેજની ઉજ્વળ કારકિર્દી ત્યાગીને ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા હતા. ગાંધીજીએ ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના વેળાએ કહ્યું હતું,

"આપણે મહા વિદ્યાલયની પ્રતિષ્ઠા રાષ્ટ્રીય દ્રષ્ટિએ કરીએ છીએ. વિદ્યાર્થીઓને બળવાન અને ચારિત્રવાન બનાવવા માટે કરીએ છીએ. વિદ્યાર્થીઓને મારી વિનંતી છે કે મારી ઉપર જેટલી શ્રધ્ધા છે તેટલી જ શ્રધ્ધા તમારા અધ્યાપકમાં રાખજો. પણ જો તમે તમારા આચાર્યને કે અધ્યાપકને બલહીન જુવો તો તે સમયે પ્રહલાદના અગ્નિથી એ આચાર્યને અને અધ્યાપકને ભસ્મ કરી નાખજો. અને તમારું કામ આગળ ચલાવો. એજ મારી ઈશ્વર પ્રત્યે પ્રાર્થના છે અને એજ મારા વિદ્યાર્થીઓને આશીર્વાદ છે."

૧૯૩૦માં સવિનય કાનુન ભંગની લડતનો આરંભ થયો.  ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ તેમાં પણ ગાંધીજી સાથે જોડાયા. દાંડીકૂચમાં મહા વિદ્યાલયના વિદ્યાર્થીઓની "અરુણ ટુકડી" દાંડીકુચના પૂર્વ આયોજનમાં સક્રિય હતી. પરિણામે અંગ્રેજ સરકારે ગૂજરાત વિદ્યાપીઠને બંધ કરવાનો આદેશ આપ્યો. અને ગૂજરાત વિદ્યાપીઠ બંધ પડી. એ પછી ૧૯૪૭માં ગાંધીજીના રહસ્ય મંત્રી મહાદેવભાઇ દેસાઈની સ્મૃતિમાં "મહાદેવભાઈ દેસાઈ સમાજ સેવા મહા વિદ્યાલય" નો આરંભ થયો. મહા વિદ્યાલય પ્રારંભમાં ગૂજરાત વિદ્યાપીઠના મૂળ મકાન "પ્રાણજીવન વિદ્યાર્થી ભવન" માં ચાલતું હતું. એ પછી હાલનું નવું મકાન તૈયાર થતા ૧૯૬૩થી ત્યાં ખસેડાયું.

એ યુગના મહાદેવભાઈ દેસાઈ સમાજ સેવા મહા વિદ્યાલય આચાર્યો હરતી ફરતી સંસ્થા જેવા હતા. મહા વિદ્યાલયના પ્રથમ આચાર્ય શ્રી અસુદમલ ટેકચંદ ગિડવાનીજી હતા. જેઓ અંગ્રેજીના અધ્યાપક હતા. તે પછી આચાર્ય જીવતરામ કૃપલાનીજી, કાકા સાહેબ કાલેલકર, મગનભાઈ પ્ર. દેસાઈ, રામલાલ પરીખ, મોહનભાઈ પટેલ. રતિલાલ આડતિયા જેવા વિદ્વાન મહાનુભાવોએ મહાદેવભાઈ દેસાઈ સમાજ સેવા મહા વિદ્યાલયને વિકસાવવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. ૧૯૬૩માં ભારત સરકારે ગૂજરાત વિદ્યાપીઠને કાયદાથી સ્થાપિત યુનિવર્સિટીનો દરજ્જો આપ્યો. અને વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ, નવી દિલ્હી (University Grants Commission, New Delhi) દ્વારા માન્યતા આપી. આજે ગૂજરાત વિદ્યાપીઠ ગુજરાતની એકમાત્ર એવી યુનિવર્સિટી છે, જે ગાંધી વિચારને કેન્દ્રમાં રાખી ઉચ્ચ શિક્ષણનું કાર્ય કરે છે. ૧૯૭૮થી મહાદેવભાઈ દેસાઈ સમાજ સેવા મહા વિદ્યાલયના સ્નાતક વિભાગો રાંધેજા અને સાદરામાં ખસેડાયા છે. રાંધેજામાં બહેનો અને સાદરામાં ભાઈઓ માટે સ્નાતક અભ્યાસક્રમો શરુ થયા. જયારે અનુસ્નાતક અભ્યાસક્રમો અમદાવાદ ખાતે રાખવામાં આવ્યા છે.  એ મુજબ રાંધેજા અને સાદરના કેન્દ્રો મહાદેવભાઈ દેસાઈ ગ્રામ સેવા મહા વિદ્યાલય તરીકે વિકસ્યા છે.

ગૂજરાત વિદ્યાપીઠ જેને ગાંધીજી હંમેશા જ્ઞાનપીઠ કહેતા, તેના નવ દાયકાના ઇતિહાસમાં અનેક મહાનુભાવો તેના સાનિધ્યમાં પાંગર્ય છે. તેની યાદી તો ઘણી લાંબી થવા જઈ રહી છે. પણ જયારે એવા નામોને યાદ કરવા બેસીએ છીએ ત્યારે કેટલાક નામો આંખો સામે ઉપસી આવે છે. ગૂજરાત વિદ્યાપીઠના આજીવન કુલપતિ (૧૯૨૦ થી ૧૯૪૮) એવા મહાત્મા ગાંધીજી, ડો. રાજેન્દ્ર પ્રસાદ, સરદાર પટેલ, આચાર્ય કૃપલાની, ગીદવાનીજી, કાકા સાહેબ કાલેલકર, શંકરલાલ બેંકર, મહાદેવભાઇ દેસાઈ, કિશોરલાલ મશરુવાલા, નરહરી પરીખ, જુગતરામ દવે, ડાહ્યાભાઈ પટેલ, મણીબહેન પટેલ. ફકરૂદ્દીન ઈબ્રાહીમ, પંડિત સુખલાલજી, પરીક્ષિત મજમુદાર, પંડિત બેચરદાસ દોશી, ધર્માનંદ કોસંબી, રસિકલાલ પરીખ, કવિ સુન્દરમ્, નગીનદાસ પારેખ, મગનભાઈ દેસાઈ, ઠાકોરભાઈ દેસાઈ, જેઠાલાલ ગાંધી, રામનારાયણ પાઠક, વિઠ્ઠલદાસ કોઠારી, કનુભાઈ દેસાઈ, ચંદ્રકાંત ઉપાધ્યાય, મોરારજી દેસાઈ, રામલાલ પરીખ, ડો. રતિલાલ આડતિયા, ઇન્દુલાલ યાજ્ઞિક, પૂ. મોટા, નાનાભાઈ ભટ્ટ, શ્રી રંગ અવધૂત, મૂળશંકર ભટ્ટ, ખડુંભાઈ દેસાઈ, દિનકર મહેતા, કરસનદાસ માણેક, જેવા અનેક મહાનુભાવોએ ગુજરાત વિદ્યાપીઠના ધડતરમાં પોતાના જીવનનો અમુલ્ય સમય આપ્યો છે. આવો ભવ્ય ઇતિહાસ ધરાવતી ગુજરાત વિદ્યાપીઠ અંગે સરદાર પટેલ લખે છે,

"ગૂજરાત વિદ્યાપીઠમાં શિક્ષણ લેવાનું સદભાગ્ય મને મળ્યું નથી. પરંતુ ઈ.સ. ૧૯૨૦-૨૧માં તે સ્થપાઈ ત્યારેથી હું તેના કામો તથા પ્રગતિ રસપૂર્વક નિહાળતો રહ્યો છું. અને મારે માટે તે હંમેશા એક ખાસ આકર્ષણ અને પ્રેરણાનું સ્થાન રહેલું છે. તેના કેટલાક સ્નાતકોને હું ઓળખું છું. કેટલાક જોડે જાહેર જીવનમાં મારા મોંઘા સાથીઓ તરીકે મને ૧૯૩૦ પછી કામ કરવાનો લહાવો મળ્યો છે. આ બધાથી મારી એ સંસ્થા પ્રત્યેની નિષ્ઠા અને ભક્તિ હંમેશા વધતી રહી છે.....આ સંસ્થાએ ગુજરાતના જાહેરજીવનમાં જે ક્રાંતિ આણી છે, તેજ પ્રગટાવ્યું છે, શિક્ષણ કોને કહેવાય તેનો નમુનો રચી દેખાડ્યો છે- એ વસ્તુ વધારે મોટી અને મુખ્ય છે. હિંદના શિક્ષણ જગતમાં એ વસ્તુ વિરલ હતી. અને એણે નવ ગુજરાતને ઘડવામાં રસયાણ જેવું કામ લીધું છે."  

ગાંધીજીએ શિક્ષણને હંમેશા કેળવણી કહી છે. માનવીને જે કેળવે છે, તે જ સાચી કેળવણી. એ નાતે ગુજરાત વિદ્યાપીઠ ભલે સ્નાતક, અનુસ્નાતક. એમ.ફીલ. અને પીએ.ડી. કક્ષા સુધીનું શિક્ષણ આપતી હોય, પણ તે આપવાની તેની પદ્ધતિમાં યુવાનોને જીવન સંઘર્ષ માટે કેળવવાનું, ઘડવાનું કાર્ય કેન્દ્રમાં છે. જે ઉચ્ચ શિક્ષણના આજના માહોલમાં અનિવાર્ય છે. આપણી પ્રાચીન શિક્ષણ પ્રથામાં આશ્રમ જીવન અનિવાર્ય હતું. ગાંધીજીની ગુજરાત વિદ્યાપીઠ પણ આશ્રમ જીવનના પડછ્યા સમાન છે. નિવાસી આશ્રમ શાળાની જેમ જ અહિયા વિદ્યાર્થી રહે છે. અને જીવન શિક્ષણ સાથે ઉચ્ચ શિક્ષણ મેળવે છે. સાદગી અને સંયમ અહીના વાતાવરણમાં ધબકે છે. શિક્ષક અને વિદ્યાર્થીનો નાતો અહિયા અભ્યાસ પુરતો સીમિત નથી. જીવન શિક્ષણના દરેક તબક્કે વિદ્યાર્થી સાથે અધ્યાપક પણ કદમો માંડીને ચાલે છે. અહીયા વિદ્યાર્થી પોતાના કેમ્પસને પોતે જ સ્વચ્છ રાખે છે. ટૂંકમાં સ્વાશ્રય અહીના વાતાવરણ અનુભવ્યા છે. ગૂજરાત વિદ્યાપીઠનું ગ્રંથાલય અંત્યંત સમૃદ્ધ છે. તેનો કોપી રાઈટ વિભાગ વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને સંશોધકો માટે સ્વર્ગ સમાન છે. આવી વિદ્યાપીઠમાં ભણવું એ આજના બદલાતા જતા યુગમાં સાચ્ચે જ એક  લહાવો છે.