Tuesday, October 13, 2015

હઝરત મહંમદ પયગંબર : આદર્શ શિક્ષક : ડૉ. મહેબૂબ દેસાઈ

દશેરાના દિવસે એટલે કે ૨૨ ઓક્ટોબરના રોજ વિશ્વગ્રામ દ્વારા પાલનપુરમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ શાખાના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ માટે આયોજિત સેમિનારમાં "મહંમદ સાહેબ : આદર્શ શિક્ષક" વિષયક વ્યાખ્યાન આપવાની તક સાંપડી. એ સંદર્ભે આદર્શ શિક્ષક અંગે થોડું વાંચવા વિચારવાનું થયું.
પશ્ચિમના એક ચિંતક વિલિયમ વોર્ડએ આદર્શ શિક્ષક માટે એક સુંદર અવતરણ આપેલ છે."Good Teacher Explain, Superior Teacher Demonstrate and Great Teacher Inspired" અર્થાત "સારો શિક્ષક સમજણ આપે છે. ઉત્તમ શિક્ષક નિર્દેશન આપે  છે અને મહાન શિક્ષક પ્રેરણા આપે છે."

આદર્શ શિક્ષકના ઉપરોક્ત લક્ષણ સાથે કેટલાક એવા લક્ષણો પણ જોડાયેલા છે. જે સમાજ અને વિદ્યાર્થીઓના ધડતરમાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. કેપેલ્લા યુનિવર્સિટી(યુ.એસ.એ)ના શિક્ષણ વિભાગના અધ્યાપિકા ડૉ. મારિયા ઓરલેન્ડો આદર્શ શિક્ષકના મુખ્ય નવ લક્ષણો આપે છે. એ આદર્શ શિક્ષક છે જે,

૧. વિદ્યાર્થીનું સન્માન કરે છે. ૨. વિદ્યાર્થીમાં સમાજિક સભાનતા કેળવે છે. ૩. માયાળુ અને પ્રેમાળ હોય છે.
૪. દરેક વિદ્યાર્થી માટે સરખું માન ધરાવે છે. ૫. ભણવવા પ્રત્યે પ્રેમ ધરાવે છે. ૬. વિષયમાં તજજ્ઞ હોય છે.
૭. વિષયને રસમય શૈલીમાં રજુ કરવાની ક્ષમતા ધરવતો હોય છે. ૮. વિદ્યાર્થીઓ સાથે જીવંત સંપર્ક રાખવાની તેનામ ક્ષમતા છે. અને ૯. વિષયમાં વ્યવસાયિકતાને પ્રાધાન્ય આપે છે.

આપણા જાણીતા ગાંધીભક્ત વિનોબા ભાવે શિક્ષકના ત્રણ ગુણોને પ્રાધાન્ય આપે છે.
"શિક્ષક શીલવાન, પ્રજ્ઞાવાન અને કરુણાવાન હોવો જોઈએ. શીલવાન સાધુ હોય છે. પ્રજ્ઞાવન જ્ઞાની હોય છે. અને કરુણાવાન માં હોય છે. શિક્ષકમાં આ ત્રણે ગુણો અનિવાર્ય છે."

પૂ. રવિશંકર મહારાજ કહે છે,

"સાચા શિક્ષક માટે ત્રણ ગુણ આવશ્યક છે, જ્ઞાન, કર્મ અને ભક્તિ. ત્રણે માર્ગોનો સંગમ એના પંથમાં હોવો જોઈએ".

આદર્શ શિક્ષકના આ તમામ લક્ષણો મહમદ સાહેબના જીવનમાં ચારેકોર પ્રસરેલા છે.સૌ પ્રથમ આપણે જ્ઞાન અને સમજણના સંદર્ભમાં તપાસીએ તો માલુમ પડશે કે મહંમદ સાહેબમાં ઇસ્લામિક અને જીવન જ્ઞાન અમાપ હતું. જીવનના સારા નરસા તમામ તબક્કોઓમાંથી તેઓ સંયમ અને સ્વસ્થાથી પસાર થયા હતા. પરિણામે ઇસ્લામની વાત અરબસ્તાનના અભણ અને અસંસ્કારી લોકો વચ્ચે તેઓ અત્યંત સંયમથી કરતા. અનેક અપમાનો અને અવગણો છતાં તેમણે કયારેય સ્વસ્થા ગુમાવી ન હતી. એક આદર્શ શિક્ષક પોતાના વિદ્યાર્થીની અનેક નબળાઈઓને સહન કરીને પણ તેને જ્ઞાન આપવાનું પવિત્ર કાર્ય છોડતો નથી, ચૂકતો નથી. એ જ રીતે કુરાને શરીફની આયાતો એક કુશળ શિક્ષકની જેમ તેઓ નાના મોટા, ગરીબ અમીર, સૌને સમજાવતા. આયાતોનું અર્થઘટન કરતા અને જીવન વ્યવહારમાં તેનું મુલ્ય એક શિક્ષક જેમ તટસ્થતાથી રજુ કરતા હતા. તેઓ કહેતા,

"કુરાને કેવળ તે જ ધર્મ પ્રવર્તકોને સાચા નથી માન્યા, જેમના નામ તેની સામે હતા. પણ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે મારા પહેલા જેટલા રસુલો અને ધર્મ પ્રવર્તકો થઇ ગયા તે સૌને હું સાચા માનું છું અને તેમનામાંથી કોઈ એકને પણ સાચા ન માનવા તેને હું ખુદાની સત્યતાનો ઇનકાર કરવા બરાબર સમજુ છું"

એક શિક્ષક પાસે જ્ઞાન થોડું ઓછું હશે તો સમાજ તે ચલાવી લેશે. પણ તેનું ચારિત્ર કલંકિત હશે તો સમાજ તેને સાંખી નહિ લે. અને એટલે જ વિનોબા ભાવેએ શિક્ષકના ગુણોમાં શીલને સૌ પ્રથમ પ્રાધાન્ય આપેલ છે. મહંમદ સાહેબના ચારિત્રની શુદ્ધતા તો તેમની યુવાનીમાં વારવાર સિદ્ધ થઇ છે.અલ અમીન જેવા ખિતાબો ધરાવતા ખુબસુરત યુવાન મહંમદ સાહેબ પર જયારે તે પયગમ્બર ન હતા ત્યારે અરબસ્તાનની અનેક ખુબ સુરત કન્યાઓ નિકાહ કરવા ઉત્સુક રહેતી, તેમની બાંદી બનવામાં ગર્વ અનુભવતી. છતાં મહંમદ સાહેબ હંમેશા એ સૌ સાથે સ્ત્રી સન્માનને છાજે તેવો જ વ્યવહાર કરતા.તેઓ કહેતા,

"માત્ર એજ ઇન્સાન સ્ત્રીની ઈજ્જત કરે છે જે ઈજ્જત અને માનની મહત્તા સમજે છે, એ જ ઇન્સાન સ્ત્રીઓનું અપમાન કરે છે જે ખુદ ઝલીલ અને બદબખ્ત હોય છે"

રવિશંકર મહારાજે શિક્ષકના કર્મ પર વિશેષ ભાર મુકાયો છે. શિક્ષણ એ વ્યવસાય નથી. સેવા છે. અને સેવાના ક્ષેત્રમાં કાર્ય કરનાર દરેક વ્યક્તિના સારા નરસા તમામ કાર્યો પર આખા સમાજની નજરો ટાંપીને બેઠી હોય છે. મહંમદ સાહેબનું જીવન એ દ્રષ્ટિએ આદર્શ હતું. માનવતા,સત્ય અને તટસ્થા તેમના જીવનમાં ભારોભાર વણાયેલા હતા.ધર્મના પ્રચારમાં કે માનવમૂલ્યોની જાળવણીમાં તેમણે કયારેય બળજબરી કે અન્યાય કર્યો ન હતો. એકવાર એક શખ્સ મહંમદ સાહેબ પાસે આવ્યો અને કહ્યું,

"આ માણસે મારું જાન અને માલનું ખુબ નુકસાન કર્યું છે. મને તેનો બદલો લેવાની પરવાનગી આપો."

મહંમદ સાહેબ એટલું જ બોલ્યા,

"તેને માફ કરી દો"

આદર્શ શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને રચનાત્મક કે હકારાત્મક અભિગમ તરફ પ્રેરે છે. ચિંતક વિલિયમ વોર્ડ પણ શિક્ષકના પ્રેરણા આપવાના લક્ષણને તેની મહાનતા તરીકે વર્ણવતા કહ્યું છે,"મહાન શિક્ષક પ્રેરણા આપે છે."

મહંમદ સાહેબે સમાજને સદમાર્ગે દોરવામાં આખું જીવન ખર્ચી નાખ્યું હતું. તેમના પ્રયાસોને કારણે જ અરબસ્તાનની જંગલી પ્રજામાં ઇસ્લામના સંસ્કારોનું સિંચન થયું હતું. એ જ રીતે પૂ. રવિશંકર મહારાજે

સાચા શિક્ષકના ત્રણ ગુણોમાં ભક્તિને પ્રાધાન્ય આપ્યું છે. અહિયા શિક્ષક માટે ભક્તિનો અર્થ ઇશ્વરની આરાધના કે ભક્તિ નથી. પણ શૈક્ષણિક કાર્ય પ્રત્યે ભક્તિપૂર્ણ લગાવ થાય છે. શિક્ષણ એ સેવા છે. અને તેનો અમલ ઈશ્વરની ભક્તિ જેટલોજ પવિત્ર અને ઈમાનદારી પૂર્વક કરવા તરફ રવિશંકર મહારાજ આંગળી ચીંધે છે. મહંમદ સાહેબ પોતાના સમગ્ર જીવન દરમિયાન માત્ર ઇસ્લામનો પ્રચાર જ ભક્તિ પૂર્ણ રીતે નથી કર્યો, પણ સમાજ શિક્ષણનું અમુલ્ય કાર્ય પણ કર્યું છે. અરબસ્તાનમાં તાજી જન્મેલી દીકરીને જીવતી દાટી દેવાનો રીવાજ પ્રચલિત હતો. સમાજને એવા કુરીવાજોમાંથી બહાર કાઢવાનું કાર્ય પણ મહંમદ સાહેબે ઘણી સબ્ર અને સંયમથી કર્યું હતું.

આવા તો અનેક આદર્શ શિક્ષકના લક્ષણોથી મહંમદ સાહેબનું સમગ્ર જીવન છલોછલ હતું. એ અર્થમાં જોઈં તો મહંમદ સાહેબ આદર્શ શિક્ષક કરતા પણ ઘણા આગળ હતા. જેમણે માત્ર વિદ્યાર્થી કરતા સમાજ ઘડતર દ્વારા એક નવા ઇસ્લામિક મુલ્યો સભર સમાજનું સર્જન કર્યું હતું.   

 
 

1 comment:

  1. HEllo Sir,
    I really want to get a copy of this book "Hajrat Mohamad and Islam" where can I buy it.

    ReplyDelete