Tuesday, October 13, 2015

આદર્શ શિક્ષકની ઓળખ : ડૉ. મહેબૂબ દેસાઈ

દશેરાના દિવસે એટલે કે ૨૨ ઓક્ટોબરના રોજ વિશ્વગ્રામ દ્વારા પાલનપુરમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ શાખાના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ માટે આયોજિત સેમિનારમાં "મહંમદ સાહેબ : આદર્શ શિક્ષક" વિષયક વ્યાખ્યાન આપવાની તક સાંપડી. એ સંદર્ભે આદર્શ શિક્ષક અંગે થોડું વાંચવા વિચારવાનું થયું. આપણી પ્રાચીન પરંપરામાં જીવનનો પ્રથમ તબક્કો બ્રહ્મચર્ય આશ્રમનો છે. જેમાં યુવાન એક થી પચ્ચીસ વર્ષ ગુરુના આશ્રમમાં રહે છે અને શિક્ષણ મેળવે છે. પણ એ શિક્ષણ અનોપચારિક છે. તેમાં કોઈ અભ્યાસક્રમ નથી. તેમાં કોઈ પદ્ધતિ નથી. એ પુસ્તકીયું નથી. ત્યાં કોઈ પણ પ્રકારની પરીક્ષાને સ્થાન નથી. આમાં છતાં જયારે વિદ્યાર્થી આશ્રમમાંથી બહાર નીકળે છે, ત્યારે જીવન શિક્ષણ લઈને નીકળે છે. એ શિક્ષણ તેને જીવનમાં ઉપયોગી થઇ પડે છે. અને એટલે જ એ યુગમાં શિક્ષણ લીધા પછી ગુરુ દક્ષિણામાં અંગુઠો માંગે તો પણ શિષ્ય ગુરુને તે હોંશે હોંશે આપી દે છે. જયારે આજે શિષ્ય ગુરુને અંગુઠો આપવા કરતા દેખાડવાનું વધુ પસંદ કરે છે. તેના મૂળમાં આપણી માત્ર માહિતી આપતી શિક્ષણ પ્રથા છે. આજે આપણે વિદ્યાર્થીઓને જીવન જ્ઞાન નથી આપતા. માત્ર માહિતી આપીએ છીએ. જે ઇન્ટરનેટના યુગમાં વિદ્યાર્થી ગમે ત્યાંથી આસાનીથી મેળવી શકે છે. પરિણામે આજનું શિક્ષણ માહિતી અને પરીક્ષા લક્ષી બની ગયું છે. જેમાં ગુરુ શિષ્ય વચ્ચેનો આદર ભાવ રહ્યો નથી.  
 
આમાં છતાં સાવ નિરાશાજનક સ્થિતિ નથી. આજે પણ ગુરુ પૂર્ણિમાના દિવસે અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ફોન આશીર્વાદ માટે આવે છે. આજે પણ વિદ્યાર્થીઓ ગુરુને પગે લગતા ગર્વ અનુભવે છે. તેન મૂળમાં આપનાં સમાજમાં આદર્શ શિક્ષક તરીકેના જળવાઈ રહેલા કેટલાક સંસ્કારો છે. પશ્ચિમના એક ચિંતક વિલિયમ વોર્ડએ આદર્શ શિક્ષક માટે એક સુંદર અવતરણ આપેલ છે."Good Teacher Explain, Superior Teacher Demonstrate and Great Teacher Inspired" અર્થાત "સારો શિક્ષક સમજણ આપે છે. ઉત્તમ શિક્ષક નિર્દેશન આપે  છે અને મહાન શિક્ષક પ્રેરણા આપે છે."

આદર્શ શિક્ષકના ઉપરોક્ત લક્ષણ સાથે કેટલાક એવા લક્ષણો પણ જોડાયેલા છે. જે સમાજ અને વિદ્યાર્થીઓના ધડતરમાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. કેપેલ્લા યુનિવર્સિટી(યુ.એસ.એ)ના શિક્ષણ વિભાગના અધ્યાપિકા ડૉ. મારિયા ઓરલેન્ડો આદર્શ શિક્ષકના મુખ્ય નવ લક્ષણો આપે છે. એ આદર્શ શિક્ષક છે જે,

૧. વિદ્યાર્થીનું સન્માન કરે છે. ૨. વિદ્યાર્થીમાં સમાજિક સભાનતા કેળવે છે. ૩. માયાળુ અને પ્રેમાળ હોય છે.
૪. દરેક વિદ્યાર્થી માટે સરખું માન ધરાવે છે. ૫. ભણવવા પ્રત્યે પ્રેમ ધરાવે છે. ૬. વિષયમાં તજજ્ઞ હોય છે.
૭. વિષયને રસમય શૈલીમાં રજુ કરવાની ક્ષમતા ધરવતો હોય છે. ૮. વિદ્યાર્થીઓ સાથે જીવંત સંપર્ક રાખવાની તેનામ ક્ષમતા છે. અને ૯. વિષયમાં વ્યવસાયિકતાને પ્રાધાન્ય આપે છે.

કરાંચીમાંથી પ્રસિદ્ધ થતા દૈનિક અખબાર "ડોન"માં થોડા મહિનાઓ પૂર્વે આદર્શ શિક્ષકના ગુણો અંગે ચર્ચા ચાલી હતી. એ ચર્ચામાં આદર્શ શિક્ષકના આઠ લક્ષણો પર સૌએ ભાર મુકાયો હતો. એ મુજબ આદર્શ શિક્ષક  ૧. વિષયનો જાણકાર ૨. આનંદી સ્વભાવ ૩. સ્પષ્ટ અને સત્ય વક્તા ૪. વ્યક્તિગત શિક્ષણ માટે તૈયાર  ૫. જીવન ઉપયોગી શિક્ષણ આપનાર ૬. નિર્વ્યસની, રહેણીકરણી અને પહેરવેશમાં સ્વચ્છ અને સંયમી ૭. આચાર અને વિચારમાં સમાનતા ૮. વિદ્યાર્થીના ગમા અણગમા પ્રત્યે સજાગ હોવો જોઈએ.

આપણા જાણીતા ગાંધીભક્ત વિનોબા ભાવે શિક્ષકના ત્રણ ગુણોને પ્રાધાન્ય આપે છે.

"શિક્ષક શીલવાન, પ્રજ્ઞાવાન અને કરુણાવાન હોવો જોઈએ. શીલવાન સાધુ હોય છે. પ્રજ્ઞાવન જ્ઞાની હોય છે. અને કરુણાવાન માં હોય છે. શિક્ષકમાં આ ત્રણે ગુણો અનિવાર્ય છે."

પંડિત સુખલાલજી કહે છે,

"સાચો શિક્ષક કોઈ એક જ ચીલાના કે એક જ પ્રકારના અનુકરણનો અવિચારી દાસ રહી શકતો નથી. તેની સ્વાભાવિક પ્રજ્ઞા અને સહજ સૂઝ એને વધારે લોકહિતાવહ કેળવણીની દિશા શોધવા, એના અખતરા કરવા અને એમાં આવી પડતાં બધાં જ જોખમો સામે ટટાર ઊભવાની પ્રેરણા આપ્યા કરે છે."

પૂ. રવિશંકર મહારાજ કહે છે,

"સાચા શિક્ષક માટે ત્રણ ગુણ આવશ્યક છે, જ્ઞાન, કર્મ અને ભક્તિ. ત્રણે માર્ગોનો સંગમ એના પંથમાં હોવો જોઈએ".

જે. કૃષ્ણમૂર્તિ કહે છે.

"મુખ્ય પ્રશ્ન વિદ્યાર્થીનો નથી, પણ શિક્ષકનો છે. જો આપણે બીજાને શિક્ષિત કરવા શક્તિમાન થવું હોય તો આપણાં પોતાનાં હ્રદય અને મન સાફ કરવાં જોઈએ. જો શિક્ષક પોતે વ્યગ્ર, દગાબાજ, પોતાની ઈચ્છાઓના જંગલમાં ખોવાયેલો હોય તો તે કોઈને ડહાપણ કઈ રીતે આપી શકે ? કે અન્યનો માર્ગ કઈ રીતે સરળ કરી શકે ?"

એમર્સન કહે છે,

"જે વ્યક્તિ અઘરી બાબતોને સહેલી બનાવે છે તે શિક્ષક છે."

શિક્ષકને માટે જ્ઞાન તો આવશ્યક જ છે.પણ એ પૂરતું નથી. એ જ્ઞાન પચાવવા, સરળ બનાવવા, શિષ્યોના મનમાં ઉતારવા મહેનત કરવી જોઈએ, ઉદ્યમ કરવો જોઈએ, શ્રમ કરવો જોઈએ. જ્ઞાન ઉપરાંત કર્મ અનિવાર્ય છે. વર્ગમાં જતા પહેલા તેની તૈયારી કરવી જોઈએ, તાલીમ લેવી જોઈએ, પ્રયોગ કરવા જોઈએ, શિક્ષકે ભણાવતાં પણ શીખવું જોઈએ. જ્ઞાન અને કર્મનો મેળ થાય તો શિક્ષણ જામે. પરંતુ એ જ્ઞાન અને કર્મ પૂરતાં નથી. ત્રીજી જોઈએ છે ભક્તિ. ભક્તિ એ રાજમાર્ગ છે. તે ઘણાંખરાં માણસોનો ઉદ્ધાર કરાવે છે, તે જ્ઞાન અને કર્મની ખોટ પણ પુરી દે છે, તે મુક્તિનું દ્વાર અને સાધનાની કૂંચી છે. અને શિક્ષકને માટે ભક્તિ એટલે પ્રેમ, હૂંફ, ભાવના. ભાવના એટલે દરેક વિદ્યાર્થી માટે લાગણી, માન, કદર.

કદાચ આજના શિક્ષકમાં ઉપરોક્ત તમામ ગુનો ન  હોય. પણ સમાજ અને વિદ્યાર્થીના ઘડતર માટે કેટલાક  અનિવાર્ય લક્ષણો જરૂરી છે. જેમ કે,

શિક્ષકોનું ચારિત્ર્ય અણી શુદ્ધ હોવું જોઈએ. એ પોતાના વિષયમાં ઓછો પ્રવીણ હશે તો ચાલશે. પણ અશુદ્ધ ચારિત્ર કદાપી ચલાવી ન લેવાય. આદર્શ શિક્ષક વિદ્યાર્થીના અભ્યાસમાં જ નહિ પણ એના આખાયે જીવનમાં રસ લે અને એના હ્રદયમાં ઊતરવા પ્રયત્ન કરે તે જરૂરી છે. એવા શિક્ષક સાથે વિદ્યાર્થીની નિકટતા વધે છે.

શિક્ષકે પોતાની લાયકાત અને જ્ઞાન વધારવા હંમેશાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. એ જ રીતે પૂરી તૈયારી કર્યા વિના વર્ગ લેનાર શિક્ષક વિદ્યાર્થીઓનો અમૂલ્ય સમય બગાડે છે. વળી, દરેક વિદ્યાર્થીની ખાસિયત તપાસી તેને જે રીતે એના વિષયમાં સૂઝ પડે અને રસ ઉત્પન્ન થાય તેવા ઉપાય સતત શોધતા રહેવા જોઈએ. કેટલાક શિક્ષકો વિદ્યાર્થીના પ્રશ્નોથી મુંઝાય છે. સારો શિક્ષક વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવાની તક આપે છે.તેની જ્ઞાન મેળવવાની ઉત્સુકતાને જવાબો આપી ઠારે છે, તેનું સમાધાન કરે છે.
આવા થોડા વિચારોને પણ જો શિક્ષક પોતાના વ્યક્તિત્વમાં અને વર્ગખંડમાં સાકાર કરેશે તો શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો આત્મીય અને માન પ્રેરક નાતો પુનઃ સ્થપાતા વાર નહી લાગે.

 

No comments:

Post a Comment