Monday, September 28, 2015

અન ટુ ધીસ લાસ્ટ અને ગાંધીજી : ડૉ. મહેબૂબ દેસાઈ


યુનાઈટેડ નેશનએ ગાંધીજીના જન્મ દિવસ ૨ ઓક્ટોબરને "અહિંસા દિન" તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. ભારત માટે એ ગર્વની બાબત છે. જાન્યુઆરી ૨૦૦૪માં ઈરાની નોબેલ વિજેતા શિરીન અબ્દીએ મુંબઈના એક  એક હિન્દી શિક્ષક પાસેથી "અહિંસા દિવસ" માટે દરખાસ્ત લીધી હતી. એ વિચારમાં ભારતીય કોંગ્રેસના કેટલાક નેતાઓને રસ પડ્યો. સોનિયા ગાંધી અને આર્કબિશપ ટુટુ દ્વારા જાન્યુઆરી ૨૦૦૭ના આરંભમાં નવી દિલ્હીમાં મળેલ એક કોન્ફરન્સમાં તે અંગેનો ઠરાવ પસાર થયો. એ ઠરાવ યુનાઇટેડ નેશન્સને મોકલવામાં આવ્યો. જેમાં ૨ ઓક્ટોબરને વિશ્વ અહિંસા દિવસ તરીકે સ્વીકારવા યુનાઇટેડ નેશન્સને અપીલ કરવામાં આવી. ૧૫ જૂન ૨૦૦૭ના રોજ  યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ ૨ ઓક્ટોબરને "અહિંસા આંતરરાષ્ટ્રીય દિવસ" તરીકે ઉજવવા માટે જનરલ એસેમ્બલીમાં એ વિચાર ચર્ચા માટે મુકાયો. અને સર્વ સંમતથી તે સ્વીકારવામાં આવ્યો. અને આમ ગાંધીના જન્મ દિવસને "અહિંસા દિવસ" તરીકે ઉજવવાની યુનાઇટેડ નેશન્સએ જાહેરાત કરી. આજે વિશ્વમાં અહિંસાના પુજારી ગાંધીજીને સૌ માને છે, જાણે છે. પણ તેમના સત્ય અને અહિંસાના વિચારોના મૂળમાં જે કેટલાક અદભૂત પુસ્તકોનો પ્રભાવ હતો, તેનાથી આમ માનવી ખાસ પરિચિત નથી. એ યુગમાં ગાંધીજી જે પુસ્તકથી ખુબ પ્રભાવિત થયા હતા, તે હતું જોહન રસ્કિનનું "અન ટુ ધીસ લાસ્ટ". આ નાનકડી પુસ્તિકાએ ગાંધીજીના માનસમાં હલચલ મચાવી મૂકી હતી. ગાંધીજીએ પોતાની આત્મકથામાં તેનો ઉલ્લેખ કરતા લખ્યું છે,

"પોલાક મને મુકવા સ્ટેશને આવેલા, ને "આ પુસ્તક રસ્તામાં વાંચી શકાય તેવું છે. તે વાંચી જજો. તમને ગમશે" એમ કહી તેમણે રસ્કિનનું "અન ટુ ધીસ લાસ્ટ" મારા હાથમાં મુક્યું. આ પુસ્તકને લીધા પછી હું છોડી જ ન શક્યો તેણે મને પકડી લીધો.જોહનિસબર્ગથી નાતાલ ચોવીસ કલાક જેટલો રસ્તો હતો. ટ્રેન સાંજે ડરબન પહોંચી હતી. પહોંચ્યા પછી આખી રાત ઊંઘ ન આવી. પુસ્તકમાં સૂચવેલ વિચારો અમલમાં મુકવાનો મેં ઈરાદો કર્યો....
જે થોડા પુસ્તકો મેં વાંચ્યા છે તેને હું ઠીક પચાવી શક્યો છું એમ કહી શકાય. એવા પુસ્તકોમાં જેણે મારા જીવનમાં તત્કાળ મહત્વનો રચનાત્મક ફેરફાર કરાવ્યો, એવું તો આ એક જ પુસ્તક કહી શકાય. તેનો મેં પાછળથી તરજુમો કર્યો, ને તે "સર્વોદય" ને નામે છપાયો છે...
મારી એવી માન્યતા છે કે જે વસ્તુ મારામાં ઊંડે ભરેલી હતી, તેનું સ્પષ્ટ પ્રતિબિંબ મેં રસ્કિનના આ ગ્રંથરત્નમાં જોયું, ને તેથી તેણે મારી ઉપર સામ્રાજ્ય જમાવ્યું. ને તેમાંના વિચારોનો અમલ મારી પાસે કરાવ્યો."

ઈ.સ. ૧૮૬૦મા પ્રસિદ્ધ થયેલ જોહન રસ્કીનના "અન ટુ ધીસ લાસ્ટ" પુસ્તકના સંપર્કમાં ગાંધીજી ઈ.સ.૧૯૦૪ના  માર્ચમાં આવ્યા હતા. ઈગ્લેન્ડના ડોવર ગામે  જન્મેલ હેન્રી સોલોમન પોલાક ૧૯૦૩માં દક્ષિણ આફ્રિકામાં આવી વસ્યા હતા. ૧૯૦૪માં ગાંધીજીના પરિચયમાં આવ્યા પછી તેઓ ફિનીક્સ આશ્રમમાં જોડાયા હતા. તેમણે જ ગાંધીજીને "અન ટુ ધીસ લાસ્ટ" વાંચવા આપ્યું હતું. જેનો ઉલ્લેખ આપણે આગળ ગાંધીજીના અવતરણમાં જોયો. "અન ટુ ધીસ લાસ્ટ" પુસ્તકે ગાંધીજીના સમગ્ર જીવનને બદલી નાખ્યું હતું. એ પુસ્તકના વાંચન પછી ગાંધીજી બેરિસ્ટરમાંથી ખેડૂત બન્યા. ગૃહસ્થમાંથી આશ્રમવાસી બન્યા. ડરબનથી દૂર અગિયાર માઈલના અંતરે ફિનીક્સ સ્ટેશનથી અઢી માઈલ પર ૧૦૦ એકર જમીન ખરીદી અને અખબાર "ઇન્ડિયન ઓપીનીયન" ડરબનથી ફિનીક્સ આવી ગયું.અને તેમાં કાર્ય કરનાર પહેલા માત્ર પોતાની રોજીરોટી કમાતા હતા.પણ હવે તેઓ સમુહજીવન જીવતા આશ્ર્મ્કાસીઓ બનાયા. આવી જબરજસ્ત અસર જે પુસ્તકની ગાંધીજી પર થઇ તે "અન ટુ ધીસ લાસ્ટ" અંગે ગાંધીજી લખે છે,

"આપણમાં જે સારી ભાવનાઓ સુતેલી હોય તેને જાગ્રત કરવાની શક્તિ જે ધરાવે તે કવિ છે. બધા કવિની બધા ઉપર સરખી અસર નથી થતી, કેમ કે બધામાં સારી ભાવનાઓ એકસરખા પ્રમાણમાં હોતી નથી.
'સર્વોદય' ના સિદ્ધાંતો હુ આમ સમજ્યો :
૧. બધાના ભલામાં આપણું ભલું રહેલું છે.
૨. વકીલ તેમજ વાણંદ  બંનેના કામની કિંમત એક સરખી હોવી જોઈએ, કેમ કે આજીવિકાનો હક બધાને એક સરખો છે.
૩. સાદું મજૂરીનું, ખેડૂતનું જીવન જ ખરું જીવન છે.

પહેલી વસ્તુ હું જાણતો હતો. બીજી હું ઝાંખી જોતો હતો.ત્રીજીનો મેં વિચાર જ નહોતો કર્યો. પહેલીમાં બીજી બંને સમાયેલી છે એ મને 'સર્વોદય' દીવા જેવું દેખાડયું. સવાર થયું ને હું તેનો અમલ કરવાના પ્રયત્નોમાં પડયો"

જોહન રસ્કિન ઈગ્લેન્ડમાં વિક્ટોરિયન અને એડવર્ડડીયન યુગમાં કલા વિવેચક તરીકે ખાસ્સા જાણીતા હતા. લગભગ ૨૫૦ પુસ્તકો તેમના વિષય પરના પ્રસિદ્ધ થયા હતા. આજે તો તેમના એ ગ્રંથો ઉપલબ્ધ નથી. પણ તેમનું પુસ્તક "અનટુ ધીસ લાસ્ટ" આજે પણ ઉપલબ્ધ છે. તે કોઈ કલા વિવેચનનું પુસ્તક નથી. પણ રસ્કીનના આર્થિક અને રાજકીય વિષય પરના ચાર લેખોનો સંગ્રહ છે. રસ્કીને આ પુસ્તકનું મથાળું "અનટુ ધીસ લાસ્ટ" બાઈબલની એક આખ્યાયિકા (મેથ્યુ ૨૦.૧૪) પરથી લીધું છે. જેમાં એક માણસ પોતાના ખેતરમાં કામ કરવા આવનાર સૌ મજુરોને સમાન વેતન આપે છે. એમાં કેટલાક વહેલા આવેલા મજુરો હોય છે. અને કેટલાક કામ શોધતા શોધતા ખેતર સુધી મોડા પહોંચ્યા હોય છે. ખેતરનો માલિક સૌ મજુરોને સરખી મજુરી આપે છે. એટલે વહેલો આવનાર મજુર પૂછે છે,
"મોડા આવનાર મજુરને પણ સરખી મજુરી કેમ આપવામાં આવી ?"
 ત્યારે ખેતરનો માલિક જવાબ આપતા કહે છે,
"મેં તમને સૌને જેટલું વેતન આપવાનું વચન આપ્યું હતું, તેટલું વેતન આપ્યું  છે. પણ પહેલા આવ્યા તે ફાવ્યા અને મોડા આવ્યા તે નુકશાનમાંરહે, એ ક્યાંનો ન્યાય ?"
આ નાનકડા પુસ્તકમાં રસ્કિન સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર સબંધી જીવન કલાનો એક નવો જ અભિગમ રજુ કરે છે. રસ્કિન કહે છે,
"ઈશ્વરની રચનામાં માનવીના કાર્યો ઉપયોગિતાના સંદર્ભમાં જ મુલવાયા તે યોગ્ય નથી. પણ તેનું મૂલ્યાંકન માનવીય ન્યાયના માપદંડથી થાય તે જરૂરી છે."
"રાષ્ટ્રની સંપતિ માત્ર શ્રેષ્ઠ આર્થિક રીતે સંપન્ન માનવીઓ જ નથી. પણ સામુદાયિક હિતો અને ન્યાયને પોષનારા માનવીઓ રાષ્ટ્રની સાચી સંપતિ છે."
"અસલ સ્વરૂપ માનવતા સ્વયંમ છે, પૈસો એ તો પડછાયા પાછળની દોડ છે."
"માનવા જીવન કરતા અધિક એવી કોઈ સંપતિ નથી"
"અનટુ ધીસ લાસ્ટ"ના લેખક રસ્કિન માનવ જાતિના વિકાસમાં બે મોટા અંતરાયો જોવે છે. પ્રેમ અને હિમતનો અભાવ. બીજાને માટે ન્યાયનો આગ્રહ પ્રેમ હોય તો જ સંભવી શકે.અને પોતાને હાથે બીજાને અન્યાય ન થાય માટે ત્યાગપૂર્વક, સ્વેચ્છાએ સાદું જીવન જીવવાની નૈતિક હિંમત માનવીમાં અનિવાર્ય છે. "હિન્દ સ્વરાજ"માં ગાંધીજીએ આ સિદ્ધાંતોને વિસ્તૃત સ્વરૂપે આલેખ્યા છે.સ્વરાજની વ્યાખ્યા આપતા ગાંધીજી લખે છે,
"સૌએ સૌ માટે મેળવવાનું રાજ એટલે સ્વરાજ"
રસ્કિન આગળ લખે છે,
"જગતમાં પર્યાવરણ કે આર્થિક વિષમતાના દરેક પ્રશ્નના કેન્દ્રમાં માનવીનું માનસિક વલણ છે. તૃષ્ણાને સ્થાને સંતોષ એજ અંતે તો સુખમય માનવ સમાજ માટે પ્રથમ શરત છે. સંતોષ એ વ્યક્તિગત જીવન પરિવર્તન માટેની પણ મુખ્ય શરત છે."
"ખરેખર તો પોતાની પાસે જેટલું હોય તેટલાથી સંતોષ માનીને જીવવું જોઈએ. ઈશ્વરે જે કઈ આપ્યું છે તેમાં સંતોષ માનનાર સુખી છે"
"માનવસમાજના વિકાસ માટે આવા સુખની પ્રાપ્તિ વ્યક્તિગત પ્રયત્નો દ્વારા જ સંભવિત બનશે. સામુદાયિક પ્રયાસો કરતા વ્યકતિગત પ્યાસો તેમાં વધુ કારગત સાબિત થાય છે." 
"માનવીની આંખો પર સ્વાર્થના પડો ચડેલા છે. દરેક માનવીએ પોતાની આંખ પરથી એ પડો દૂર કરવા પડશે. ત્યારેજ શાંતિનો વ્યવહાર સમાજમાં સ્થાપિત થશે."
રસિકના આ વિચારો "અનટુ ધીસ લાસ્ટ"ના ચારે લેખોમાં પ્રસરેલા છે. તેમના આ વિચારો એ પછી પણ વિકસતા રહ્યા છે. રસ્કીનના આત્મકથનાત્મક ગ્રંથ "પ્રીટેરીટા"માં તેઓ લખે છે,
"પ્રભુની શાંતિનો વાસ જો ક્યાય હોય તો તે ગરીબ અને મહેનતુ માનવીના હદયની ઉદારતા અને કર્મનિષ્ઠામાં છે. દરેક ધર્મમાં સુસંગતતા નૈતિક કાર્યો, અન્ય પ્રત્યે પ્રેમ અને નિસ્વાર્થ ત્યાગ છે"
રસ્કીનના વિચારોમાં આજે પણ તાજગીનો અહેસાસ થાય છે. તેમને એ યુગની ઔદ્યોગિક સભ્યતાની એક મોટી ખામી એ લાગી હતી કે એ સભ્યતામાં સૌન્દર્યના શાસ્ત્રની અવગણના કરવામાં આવી છે. સાચી સભ્યતામાં ઉપયોગિતા અને ભવ્યતા એટલે શિવ અને સુંદર બંનેનો સુભગ સમન્વય હોવો જોઈએ.એટલે સભ્યતા એ ખોરાક, પાણી, કપડા, આવાસ, વગેરેની સૌ માટે વ્યવસ્થા કરવાની સાથે આરોગ્ય, શિક્ષણ, આરામ, લોકોની સર્જનવૃતિને પણ અવકાશ હોવો જરૂરી છે. ઔદ્યોગિક સભ્યતા અર્થાત નવી રાજનૈતિક અર્થરચના થોડા લોકોને વિલાસના સાધનો પુરા પાડે છે. પણ મોટાભાગના લોકોની પાયાની જરૂરિયાતો પણ પૂરી પાડતી નથી. રસ્કિન કહે છે કે રેશમી દુપટ્ટાઓ પહેલા કાંબળાની વ્યવસ્થા થવી જોઈએ. જ્યાં સુધી સમાજમાં લોકો ટાઢે ઠરે છે, નગ્ન અવસ્થામાં જીવે છે ત્યાં સુધી વસ્ત્રાભૂષણમાં ભવ્યતા લાવવાનો પ્રયાસ પણ નૈતિક ગુનો છે.ગાંધીજીએ આ વિચારને "હિન્દ સ્વરાજ"માં બીજ રૂપે રજુ કર્યો છે.

આ વિચારો આજની અર્થ વ્યવસ્થા સંદર્ભે પણ એટલાજ પ્રસ્તુત લાગે છે. ૨ ઓક્ટોબર વિશ્વ અહિંસા દિવસ નિમિત્તે આ વિચારો સાચા અર્થમાં જીવનમાં અમલમાં મુકવાની આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ એ જ અભ્યર્થના.


                                                                                  

Wednesday, September 23, 2015

સૌરાષ્ટ્રના સિંહ : અમૃતલાલ શેઠ : ડૉ. મહેબૂબ દેસાઈ


૨૫ ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર, રોશની, નઈ રોશની, ફૂલછાબ, અંગ્રેજી પત્ર "સન" અને જન્મભૂમી જેવા અખબારોના  આદ્ય સ્થાપક શ્રી અમૃતલાલ શેઠ (૧૮૯૧ થી ૧૯૫૪) ની ૧૨૪મી જન્મ જયંતી ગઈ. આવતા વર્ષે તેમની જન્મ જયંતીને સવાસો વર્ષ પૂર્ણ થશે. ૨૫ ઓગસ્ટ ૧૮૯૧ના રોજ લીંમડીના જૈન કુટુંબમાં જન્મેલ અમૃતલાલના પિતા દલપતરાય શેઠ ધ્રાંગધ્રા રાજ્યમાં શિક્ષક હતા.
અમૃતલાલે મેટ્રિક થયા પછી ધરમપુર રાજ્યમાં શિક્ષકની નોકરી સ્વીકારી. પણ એ બંધિયાર વાતાવરણમાં તેમને ન ફાવ્યું. એટલે લીમડી-વઢવાણમાં રહી વકીલાતનું ભણ્યા. એ સમયના જાણીતા વકીલ પોપટલાલ ચૂડકરના હાથ નીચે હાઇકોર્ટના પ્લીડરની પરીક્ષા આપી. એ સમયે ગીજીભાઈ બધેકા તેમના સહધ્યાય હતા. પછી લીમડી આવી મેજિસ્ટ્રેટ બન્યા. મૂનસફ, જેલ સુપ્રિટેન્ડેન્ટ, સબ રજીસ્ટાર પણ બન્યા. બરવાળા ચોવીસીનો કારભાર પણ તેમની પાસે જ હતો. પણ એક દિવસ ન્યાયના અમલમાં તેમનું મન દુભાયું. તેમને આપેલ ચુકાદો યુવરાજે માન્ય ન કર્યો.
એ ડાઘ અંતરમાં ઘાટી રીતે પડી ગયો. અને મનોમંથન કર્યું. રાજકોટ જઈ ધર્મપરાયણ સજ્જન મનસુખભાઈ મહેતાની સાથે ચર્ચ કરી અને કહ્યું,
"અંગ્રેજો સામે ગાંધીજી લડી રહ્યા છે. પણ દેશી રજવાડાઓની પ્રજાનું કોઈ નથી."
મનસુખભાઈએ કહ્યું,
"જેનું કોઈ નથી તેના તમે થાવ"
અને આમ લીમડી રાજ્યની મેજિસ્ટ્રેટની મોટી નોકરી છોડી અમૃતલાલ દેશી રાજ્યોની પ્રજાની સેવામાં જોડાયા.

ગાંધીયુગમાં સૌરાષ્ટ્રના સિંહનું બિરુદ મેળવનારા અમૃતલાલ શેઠ બહુમુખી પ્રતિભા ધરાવનાર લોકસેવક હતા.
રાષ્ટ્ર ભક્તિના અનેક ક્ષેત્રોમાં ધુમી વળેલ પ્રતિભા સંપન્ન વ્યક્તિ હતા. આજે ઇન્વેસ્ટિગેટીંગ જર્નાલીઝમની બોલબાલા છે. પણ આજ થી ૭૦ વર્ષ પહેલા એ અંગે કોઈને વિચાર સુધ્ધાં ન હતો આવ્યો, ત્યારે અમૃતલાલ શેઠે ઇન્વેસ્ટિગેટીંગ જર્નાલીઝમને પોતાના જીવનમાં સાકાર કર્યું હતું. આ અંગે તેઓ લખે છે,
"એ દિવસોમાં સ્વરક્ષણ માટે છ ભડાકાની એક નાની પિસ્તાલ હું કાયમ ખિસ્સામાં રાખતો. એ પિસ્તાલથી વધુ દૂર  નહી એટલા અંતરે લવિંગના નિશાનો રાખી તે ઉડાવી દેવાની કાર્યદક્ષતા મેં મેળવી હતી.ઓફિસમાં પણ છ ભડાકાની મોટી બંદુક રાખતો. અને અનેક પ્રસંગે વૃક્ષો ઉપર નિશાનો ગોઠવી તે ઉડાવી દેતો. આ રીતે મારા ફરતું પિસ્તાલ અને બંદુકનું વાતાવરણ રાખતો. અને એ વાતાવરણમાં મસ્તી પૂર્વક ફરતો. કોઈ કોઈવાર  ભર વરસાદમાં રોજની ત્રીસ ચાલીસ માઈલની ઘોડેસવારી કરતો. અને એમ ત્રણ ચાર દિવસોનો પ્રવાસ કરી આવી, એ પ્રવાસના વર્ણનો અને મારી જાત તપાસથી શુદ્ધ થઇ આવેલી બાતમીઓ "સૌરાષ્ટ્ર"માં પ્રસિદ્ધ કરતો. અને રાજા અને અધિકારીઓ થથરી ઉઠતા. હું જ્યાં જતો ત્યાં છડેચોક જતો. ગુપ્તવેશે કદી કોઈ સ્થળે ગયો નથી. અને જયાં જાઉં ત્યાં જરૂર પડ્યે રાજાઓ અને અધિકારીઓને મળતો પણ ખરો."
આ કેફિયત કોઈ ફિલ્મના હીરો કે નવલકથાના નાયકની નથી. પણ ગાંધીયુગમાં અંગ્રેજો અને દેશી રાજાઓની ઊંઘ હરામ કરનાર "સૌરાષ્ટ" નામક સાપ્તાહિકના સ્થાપક અને તંત્રી અમૃતલાલ શેઠની છે. એ વખતે રાણપુરમાંથી "સૌરાષ્ટ્ર" નામક સાપ્તાહિક નીકળતું. જેણે ગાંધીજીના "નવજીવન" સાથે સૌરાષ્ટ્રમાં પત્રકારત્વની એક નવી હવા પ્રસરાવી હતી. જેણે સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન નીડર પત્રકારત્વની નવી દિશા ઉઘાડી હતી. એ યુગમાં અમૃતલાલ શેઠના સાપ્તાહિક "સૌરાષ્ટ્ર"ની ગુજરાત અને સૌરષ્ટ્રના દેશી રાજ્યો અને અંગ્રેજોમાં એવી ધાક હતી કે કેટલાક દેશી રાજ્યોએ તો "સૌરાષ્ટ્ર" પ્રવેશ પર પોતાના રાજ્યમાં પ્રતિબંધ મુક્યો હતો. અને આમ છતાં "સૌરાષ્ટ્ર"ની નકલો દેશી રાજ્યોની પ્રજા ગમે ત્યાંથી મેળવીને વાંચતી, વંચાવતી અને તેના અહેવાલોને પથ્થરની લકીર માની તેના પર આંખ બંધ કરી વિશ્વાસ મુકતી. કારણ કે સૌરાષ્ટ્રના અંકોમાં રજુ થતા અહેવાલો રાજાઓ કે અધિકારીઓની ખુશામતના બદલે નક્કર સનાતન સત્ય રજુ કરતા હતા.
જેમ કે જામનગર રાજ્યના શાસક જામરણજીતસિંહનું જયારે સ્વદેશમાં આગમન થયું ત્યારે "સૌરાષ્ટ્ર"ના ડીસેમ્બર ૨૯, ૧૯૨૮ના અંકમાં જામરણજીતસિંહને ઉદેશેની "ઉડાઉગીરી છોડો"નામક મથાળા નીચે લખ્યું હતું,
"રાજ્યની ઉપજનો લગભગ ત્રીજો ભાગ આપ પોતાના માટે જ વાપરી નાખો એ આજના યુગમાં યોગ્ય ન જ ગણાય. જે રાજાને રાણી નથી, સંતાન નથી, તે રાજા ઓછામાં ઓછી ગણત્રીએ વાર્ષિક ત્રીસ લાખ રૂપિયા પોતાની જાત પાછળ ખર્ચે એ રાજ પ્રજા નભાવી ન શકે....મહેમાનો કે મિત્રો પાછળ આપ બહુ ઓછું ખર્ચ કરો એમ પ્રજા જરૂર ઈચ્છે. એકાદ ગવર્નર કે વાઈસરોયના સત્કાર પાછળ લાખો રૂપિયાનું ખર્ચ કરવું એટલે ગરીબ પ્રજાના પરસેવાથી ભેળું કરેલું દ્રવ્ય બિનજવાબદાર રીતે ઉડાવી દેવું. શહેનશાહને પણ એવી રીતે દ્રવ્ય ઉડાડવાની સત્તા નથી, એ આપથી ક્યાં અજાણ છે?" 
લીમડી રાજ્યના મેજીસ્ટ્રેટ જેવા ઉચ્ચ હોદ્દાનો ત્યાગ કરી ગાંધીજીના સ્વાતંત્ર્ય યજ્ઞમાં પોતાની જાતને હોમી દેનાર શ્રી અમૃતલાલ શેઠે ૧૯૨૧ના ઓક્ટોબરની ૨ જી તારીખે બ્રિટીશ ભારતના એક નાનકડા ગામડા રાણપુરમાંથી "સૌરાષ્ટ્ર" નામક સાપ્તાહિકનો આરંભ કર્યો હતો. ત્યારે તેના ૨૯ ઓક્ટોબર ૧૯૨૧ના અંકના તંત્રી લેખમાં યજુર્વેદનું અવતરણ ટાંકતા તેમણે લખ્યું હતું,
"હું મારી માતૃભુમિને માટે, તેના દુઃખ નિવારણ માટે સર્વ પ્રકારના કષ્ઠ સહન કરવાને તૈયાર છું. તે કષ્ઠ ચાહે ત્યાંથી આવે, અને ચાહે તેટલા આવે તેની મને ચિંતા નથી."

અને આમ તલવારની ધાર પર આરંભાયેલી "સૌરાષ્ટ્ર" સત્યયાત્રામા પછીતો ઝવેચંદ મેઘાણી, હરગોવિંદ માયરામ પંડ્યા, ગોપાલદસ વિદ્ધાસ જેવી અનેક કલમો જોડાઈ. જેમાં પ્રગટેલ અગનજવાલાએ ગુજરાત અને સૌરાષ્ટ્રના દેશી રાજ્યોની પ્રજાના ખમીરને પુનઃ જીવંત કરી લોકલડતનો નવો દોર આરંભાયો હતો. જે કે સત્યની આ યાત્રામાં કસોટીના અનેક પ્રસંગો પણ આવ્યા હતા. જામ સાહેબના ઉગ્ર રોષનું કેન્દ્ર "સૌરાષ્ટ્ર" અને અમૃતલાલ શેઠ બન્યા હતા. જામ સાહેબના બેજવાબદાર અને અવિચારી વિધાનો જેવાકે ધોલેરા સત્યાગ્રહ ફંડના હિસાબો અને તેના ગેરવહીવટ અંગે જામ સાહેબે પોતાના ભાષણોમાં કરેલા જાહેર નિવેદનોને "ટાઈમ્સ ઓફ ઇન્ડિયા"એ પોતાના અખબારમાં પ્રસિદ્ધ કરી વિવાદ જગાવ્યો હતો. પણ એ વિવાદે અમૃતલાલ શેઠને પોતાની સત્યત સિદ્ધ કરવની તક આપી. અને તેમણે "ટાઈમ્સ ઓફ ઇન્ડિયા" સામે નુકસાની વળતરનો દાવો માંડ્યો. દાવો ખાસ્સો લાંબો ચાલ્યો. અંતે સત્યનો વિજય થયો. અને નુકસાની વળતર અને દાવના ખર્ચ પેટે રૂ. દસ હજાર "ટાઈમ્સ ઓફ ઇન્ડિયા"એ અમૃતલાલ શેઠને આપવાનું સ્વીકાર્યું.

૧૯૩૦માં ગાંધીજી સાથે મીઠાના સત્યાગ્રહનો આરંભ કરનારા દેશના અગ્ર નેતાઓમાંના એક અમૃતલાલ શેઠ પણ હતા. અમૃતલાલ શેઠની ધોલેરાની ખાડીમાં મીઠાનો કાયદો ભંગ કરવાની યોજનાને ગાંધીજીએ મંજૂરી આપી હતી.એ યોજનાં પ્રમાણે ધોલેરા અને ધંધુકા તાલુકાના ગરાસદારો-ભાયાતો, ખેડૂતો,સામાન્ય પ્રજાજનો વગેરે સાથે સૌરાષ્ટ્રના હજારો નવજવાનો અને નાગરિકોને નોતરવામાં આવ્યા. અમૃતલાલ શેઠનું "સૌરાષ્ટ્ર" ત્યારે સાચા અર્થમાં રણશિંગુ બની ગયું. ઝવેરચંદ મેઘાણીના શૌર્ય અને કવિત્વથી ભરપુર ગીતો તેમાં છપાતા. અને લાખો લોકોને એ પ્રેરણા આપતા. બર્માના યુદ્ધ મોરચે જઈ સુભાષ ચંદ્ર બોંસ અંગેની ઐતિહાસિક વિગતો અને દસ્તાવેજો જાનના  જોખમે એકઠા કરી ભારતની પ્રજાને તેનાથી વાકેફ કરનાર પણ અમૃતલાલ જ હતા. ૧૯૪૫મા તેઓ સયુંકત રાષ્ટ્ર સંઘની સ્થાપનાના સાક્ષી બનવા સાંફ્ર્ન્સીસકો ગયા. એ અરસામાં "જન્મભૂમિ" અખબારનો આરંભ કર્યો.   
"જન્મભૂમી" અખબાર માત્ર સમચારો પૂરતું સીમિત ન હતું. પ્રજાના દુઃખ દર્દોમાં સહભાગી પણ હતું. ૧૯૪૫-૪૬માં કોમી હુલ્લડોમાં રાષ્ટ્રવાદી મુસ્લિમોનું આશ્રય સ્થાન હતું. જુનાગઢની આરઝી હકુમતના નેતા સામળદાસ ગાંધીને મુંબઈની માધવબાગની સભામા તલવાર આપી વિદાય કરનાર અમૃતલાલ શેઠ હતા. આવા મહામાનવ અમૃતલાલ શેઠનું ૧૯૫૪ના જુલાઈ માસની ૩૦મી તારીખ શુક્રવારના રોજ હદયરોગના હુમલાથી મુંબઈમાં અવસાન થયું. આજે પણ સૌરાષ્ટ્રના એ સિંહની ગર્જના તેમણે આરંભેલા અખબારોના પાનાઓ પર સૌ મહેસુસ કરે છે.