Saturday, August 22, 2015

ઇસ્લામમાં મહેમાન નવાઝી : ડો. મહેબૂબ દેસાઈ

ત્રણ માસની વિદેશ સફરને પૂર્ણ કરીને આવ્યા પછી મને મહેમાન તરીકે રાખનાર સૌ હિંદુ મુસ્લિમ વડીલો અને મિત્રોની મહેમાન નવાઝી મને વારંવાર યાદ આવી જાય છે. "મહેમાં જો હમારા હોતા હૈ, વો જાન સે પ્યારા હોતા હૈ" એવું હસરત જયપુરીનું એક ગીત રાજ કપૂરની એક ફિલ્મ"જિસ દેશમે ગંગા બહેતી હૈ"માં મુકેશના કંઠે સાંભળ્યું હતું. જેમાં હિંદુ અને ઇસ્લામ ધર્મના "અતિથી દેવો ભવ:" ના સંસ્કારોને અભિવ્યકત કરવામાં આવ્યા હતા. ઇસ્લામની એક હદીસમાં આ અંગે સુંદર દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે,

"હઝરત અબુ તલ્હા અને તેની પત્ની ઉમ્મ સુલેમ અત્યંત ગરીબ હતા.એક દિવસ હઝરત અબુ તલ્હા એક ગરીબ ભૂખ્યા પ્રવાસીને મહેમાન બનાવી ઘરે લાવ્યા. અને પત્નીને તેમણે ભોજન પીરસવા કહ્યું. પત્નીએ પતિના કાનમાં કહ્યું,"ઘરમાં આપના પૂરતું જ ભોજન છે"

હઝરત અબુ તલ્હાએ પત્નીને કહ્યું,

"ઘરના બધા દીવાઓ ઓલવી નાખો. એક માત્ર મોમબત્તી ચાલુ રાખો. અને મારા માટે જે ભોજન બચાવીને આપે રાખ્યું છે, તે મહેમાનને જમવા આપો. હું અંધારમાં તેમની સાથે ભોજન કરી રહ્યાનો દેખાવ કરીશ." હઝરત હઝરત અબુ તલ્હાની આ ઘટનાના બીજા જ દિવસે મહંમદ સાહેબે  હઝરત હઝરત અબુ તલ્હાને કુરાનની એક આયાત સંભળાવતા કહ્યું હતું,

"તમારી ગરીબી છતાં મહેમાનને હંમેશા પ્રથમ ભોજન આપો"  ઇસ્લામની મહેમાન નવાઝીનું આ ઉમદા દ્રષ્ટાન છે.

બુખારી શરીફની એક હદીસમાં મહંમદ સાહેબનું એક અવતરણ ટાંકતા કહેવામાં આવ્યું છે,

"જે લોકો ખુદા અને તેના અંતિમ ન્યાય પર વિશ્વાસ રાખે છે, તેમણે તેમના મહેમાનોનો અવશ્ય સત્કાર કરવો જોઈએ"

મહંમદ સાહેબે એ પણ ફરમાવ્યું છે કે.

"અને મહેમાન નવાઝી (સત્કાર) ત્રણ દિવસ માટે હોય છે. એ પછી યજમાન જે કઈ મહેમાન માટે કરશે તે તેના માટે સદકા સમાન છે"

અત્રે સત્કારનો અર્થ સંપૂર્ણ મહેમાન નવાઝી થાય છે. જેમાં મહેમાનનું સન્માન, આરામ, સુકુન, ખુશી અને લાગણીઓની કદર કરી તેની તકેદારી રાખવાનો ભાવ છે.મહેમન સાથે ખૂલ્લ દિલે અને ખુલ્લા મને મળવું, હસી ખુશી તેનું દિલ બહેલાવવું, તેના રહેવા અને ભોજનની યથા શક્તિવ્યવસ્થા કરવી. મહેમાન એ ભાવ અને પ્રેમનો ભૂખ્યો હોય છે. યજમાનના ઘરનું રુખું સુકું અથવા સાદું ભોજન પણ તેના માટે પકવાન સમાન હોય છે.હઝરત મહંમદ સાહેબના ઘરે કોઈ મહેમાન આવતો તો તેઓ ખુદ તેની ખિદમતમાં લાગી જતા. મહંમદ સાહેબ પોતાના મહેમાનને ભોજન માટે દસ્તરખાન પર બેસાડતા ત્યારે મહેમાનને વારંવાર આગ્રહ કરતા,

"થોડું વધારે લો, થોડું વધારે લો" અને જયારે મહેમાન તૃપ્ત થઇ જતા ત્યારે આગ્રહ કરવાનું બંધ કરતા.

ઇસ્લામમાં મહેમાનના આગમન સમયે કરવાના વ્યવહાર કે વિવેકનો પણ ઉલ્લેખ છે. મહેમાનનું આગમન આપણા ઘરે થાય ત્યારે સૌ પ્રથમ તેની સાથે દુવા સલામ કરો. તેની ખેરિયત ના સમાચાર પૂછો. કુરાને શરીફમાં આ અંગે કહ્યું છે,

" શું આપને ઈબ્રાહિમના ઇજ્જતદાર મહેમાનોની વાત ખબર છે ? જયારે તેમના ઘરે મહેમાન આવતા ત્યારે તેઓ સૌ પ્રથમ તેમને સલામ પેશ કરતા"

મહેમાનોના સત્કારનો મામલો યજમાન માટે પોતાની ઈજ્જત વધારવા જેવો છે.મહેમાન સમક્ષ જે કઈ ઉત્તમ ભોજન, રહેણાંક અને સગવડત યજમાન પાસે ઉપલબ્ધ હોય તે પેશ કરવાનો ઇસ્લામમાં આદેશ છે. પણ મહેમાનનો સત્કાર દેખાડો કરીને કે તેને સત્કારનો અહેસાસ કરવાની કયારેય ન કરો. મહંમદ સાહેબે મહેમાન નવાઝીની જે આદર્શ મિશાલ પેશ કરી હતી, તેનો ઉલ્લેખ કરતા અબૂ શુરેહ ફરમાવે છે,

"મારી બંને આંખોએ જોયું છે,અને બંને કાનોએ સંભાળ્યું છે કે જયારે નબી સાહેબ કહેતા હતા કે મહેમાનના ઉત્તમ સત્કારનો બદલો યજમાનને ખુદાતાલા પ્રથમ રાત્રે જ  આપી દે છે"

અર્થાત મહેમાન નવાઝીનું પુણ્ય ખુદા યજમાનને તુરત આપે છે. મહેમાન નવાઝી ખુદ કરવા પર પણ ઇસ્લામમાં ખાસ ભાર આપવામાં આવ્યો છે. મહેમાન નવાઝી નોકર ચાકરો પર ન છોડો. મહેમાનની ખિદમત યજમાને ખુદ કરવી જોઈએ. ત્યારે જ યજમાન મહેમાન નવાઝીના સાચા સવાબ (પુણ્ય) ને હક્કદાર બને છે. એકવાર હઝરત ઈમામ શાફાઈ હઝરત ઈમામ મલિકના ત્યાં મહેમાન બનીને ગયા. બંને ઇસ્લામના મોટા જ્ઞાતા હતા. સવારે ફજરની નમાઝનો સમય થયો. એટલે હાથમાં પાણી ભરેલો વઝું કરવાનો લોટો લઇ, હઝરત ઈમામ શાફાઈના રૂમનો ધીમેથી દરવાજો ખખડાવતા હઝરત ઈમામ મલિકે કહ્યું,

"આપ પર હંમેશ ખુદાની રહેમત રહે, નમાઝનો સમય થઇ ગયો છે, આપ વઝું કરી લો" હાથમાં લોટા સાથે હઝરત હઝરત ઈમામ મલિકને દરવાજે ઉભેલા જોઈ, હઝરત ઈમામ શાફાઈ શરમાઈ ગયા. તેમની શરમને પામી જતા હઝરત ઈમામ મલિક બોલ્યા,

"આપ અન્ય કોઈ વિચાર ન કરો. મહેમાનની ખિદમત કરવી એ જ ઇસ્લામિક તહેજીબ છે"

યજમાન માટે એક અન્ય આદેશ પણ ઇસ્લામની તહેજીબને વ્યક્ત કરે છે. ભોજનના દસ્તારખાન પર પહોંચતા પહેલા યજમાને સૌ પ્રથમ હાથ ધોઈને પહોંચી જવું જોઈએ. કારણ કે  ભોજનના દસ્તારખાન પર મહેમાનનું સ્વાગત કરવાની તેની ફરજ છે. જયારે ભોજન લીધા પછી યજમાને છેલ્લે હાથ ધોવા જોઈએ. અર્થાત મહેમાનના હાથ ધોવડાવ્યા પછી યજમાને હાથ ધોવા જોઈએ. તેમાં પણ મહેમાનની ઈજ્જત કરવાનો ભાવ રહેલો છે. ઇસ્લામમાં મહેમાન માટે પણ કેટલીક બાબતો કહેવામાં આવી છે. જેમ કે મહેમાન વિદાય વેળા એ યજમાન માટે દુઆ કરે. હઝરત મહંમદ સાહેબ એકવાર હઝરત અબ્દુલાહ બિન બીસ્રના પિતાના મહેમાન બન્યા હતા. ભોજન લીધા પછી, મહંમદ સાહેબ જયારે વિદાય લેવા ઉઠ્યા ત્યારે યજમાનની પત્નીએ મહંમદ સાહેબને અટકાવીને કહ્યું, "અમારા માટે દુવા કરતા જાવ."

અને મહમંદ સાહેબે એક યજનામ ને છાજે તેવી દુવા કરતા કહ્યું,

"હે અલ્લાહ, તેમની રોઝીમાં બરકત આપજો. તેમને અતિમ ન્યાયના દિવસે મુક્તિ આપજો. અને તેમના પર હંમેશા આપની રહેમત (દયા) ઉતારતા રહેજો"

Friday, August 14, 2015

"મહેમાં જો હમારા હોતા હૈ, વો જાન સે પ્યાર હોતા હો" : ડો. મહેબૂબ દેસાઈ

ત્રણ માસની વિદેશ સફરને પૂર્ણ કરીને આવ્યા પછી મને મહેમાન તરીકે રાખનાર સૌ હિંદુ મુસ્લિમ વડીલો અને મિત્રોની મહેમાન નવાઝી મને વારંવાર યાદ આવી જાય છે. "મહેમાં જો હમારા હોતા હૈ, વો જાન સે પ્યારા હોતા હૈ" એવું હસરત જયપુરીનું એક ગીત રાજ કપૂરની એક ફિલ્મ"જિસ દેશમે ગંગા બહેતી હૈ"માં મુકેશના કંઠે સાંભળ્યું હતું. જેમાં હિંદુ અને ઇસ્લામ ધર્મના "અતીતથી દેવો ભવ:" ના સંસ્કારોને અભિવ્યકત કરવામાં આવ્યા હતા. ઇસ્લામની એક હદીસમાં આ અંગે સુંદર દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે,

"હઝરત અબુ તલ્હા અને તેની પત્ની ઉમ્મ સુલેમ અત્યંત ગરીબ હતા.એક દિવસ હઝરત અબુ તલ્હા એક ગરીબ ભૂખ્યા પ્રવાસીને મહેમાન બનાવી ઘરે લાવ્યા. અને પત્નીને તેમણે ભોજન પીરસવા કહ્યું. પત્નીએ પતિના કાનમાં કહ્યું,"ઘરમાં આપના પૂરતું જ ભોજન છે"

હઝરત અબુ તલ્હાએ પત્નીને કહ્યું,

"ઘરના બધા દીવાઓ ઓલવી નાખો. એક માત્ર મોમબત્તી ચાલુ રાખો. અને મારા માટે જે ભોજન બચાવીને આપે રાખ્યું છે, તે મહેમાનને જમવા આપો. હું અંધારમાં તેમની સાથે ભોજન કરી રહ્યાનો દેખાવ કરીશ." હઝરત હઝરત અબુ તલ્હાની આ ઘટનાના બીજા જ દિવસે મહંમદ સાહેબે  હઝરત હઝરત અબુ તલ્હાને કુરાનની એક આયાત સંભળાવતા કહ્યું હતું,

"તમારી ગરીબી છતાં મહેમાનને હંમેશા પ્રથમ ભોજન આપો"  ઇસ્લામની મહેમાન નવાઝીનું આ ઉમદા દ્રષ્ટાન છે.

એ જ સંસ્કારોની સુવાસ મેં સમગ્ર વિદેશ યાત્રા દરમિયાન અનુભવી હતી. મારા સ્વજન સમા બોસ્ટનના યજમાન ફિરોઝ વોરાનો આગ્રહ મારી અમેરિકા યાત્રાના કેન્દ્રમાં છે. તેમના આગ્રહને કારણે જ મેં અમેરિકાનો વિસા કઢાવ્યો હતો. વળી, તેમના ઘરે મારે વધારેમાં વધારે રોકાવાનું બન્યું હતું. મારા આગમન પૂર્વે તેમની પત્ની શબાનાને હદય રોગનો હુમલો આવ્યો હતો. છતાં એ વાત અમારા કાને પડવા દીધા વગર તે બંને પતિ પત્નીએ અમારી ખુબ ખિદમત કરી હતી. બોસ્ટનમાં ફેરવવામાં પણ પોતાની નોકરીના સમયમાં એડજેસ્ટમેન્ટ કરી તેમની કારમાં અમને તેમણે ખુબ ફેરવ્યા હતા. અમે આખો દિવસ ફરતા પણ અમારા સવાર, સાંજ અને રાત્રીના ભોજનની જરા પણ કચવાટ વગર શબાના વ્યવ્સ્થ કરતી. અમારા નિવાસ માટે પણ તેમણે આમારા આગમન પૂર્વે અમારા માટે એક ખાસ એસી રૂમ તૈયાર કરાવી રાખ્યો હતા. તેમાં અમને કોઈ તકલીફ ન પડે તેની બંને પતિ-પત્ની ખાસ તકેદારી રાખતા હતા. તેમની સાથેનો કેનેડાનો પ્રવાસ પણ અમારા માટે એક લહાવો બની રહ્યો હતો. જો કે એ પ્રવાસમાં અમારી સાથે ફિરોઝભાઈ અને શબાનાનો પરિવાર, ફિરોઝભાઈના  સાસુ સસરા, મારો પુત્ર ઝાહિદ-સીમા અને ઝેન એમ અગીયારેક વ્યક્તિઓ જોડાઈ હતી. એક મોટી કારમાં અમારો કાફલો ચાર દિવસ અને ચાર રાત કેનેડાના ત્રણ શહેરો નાઇગ્રા ટાઉન, ટોરેન્ટો અને બફેલોમાં ખુબ ફર્યો હતો. જો કે ફિરોઝભાઈની પત્ની શબાના અને મારી પુત્રવધુ સીમા બંને સગી બહેનો છે. આમ છતાં પોતાની પત્નીની બીમારી અને વ્યથા છુપાવી એક માસ સુધી મહેમાન નવાઝી કરવી એ કોઈ આસન કામ નથી. એ તો પાંચ વખતના નમાઝી એવા ફિરોઝભાઈમાં પડેલ ઇસ્લામના સંસ્કારોની દેન છે.

શિકાગોની મારી મુલાકાત દરમિયાન મારા યજમાન હતા મારી ફુઈની દીકરી હાજરબહેનની ચાર દીકરીઓ અને તેમના જમાઈઓ. એટલે કે મારી ભાણીઓ. મકસુદ-શરીફા વોરા , સલીમ-જુલી દેસાઈ, જહીર-ફિરોઝા દેસાઈ, વલીયુદ્દીન-હફીઝા દેસાઈ.  આ ચારે ભાણીઓ અને તેમના પતિઓએ મને અનહદ પ્રેમ અને ઈજ્જતથી રાખ્યાનો આજે પણ અહેસાસ છે. તેમની સાથે અને જાવેદ-મોના દેસાઈએ પણ સારા યજમાન તરીકે અમને સાચવ્યા હતા. અમારા શિકાગોના આગમન પૂર્વે પાંચે કુટુંબો ઇદના દિવસે ભેગા થયા હતા. અને સો એ એક સાથે મળીને સર્વ સંમતિથી અમારા પ્રવાસ, નિવાસ અને ભોજનનું સુંદર આયોજન કરી રાખ્યું હતું. શિકાગોના એરપોર્ટ પર રાત્રીનો સમય હોયને મને લેવા બધા ન આવશો એવો મારો આગ્રહ હોવા છતાં પચ્ચીસ માણસોનો કુંભો આઠ કાર સાથે રાત્રીના આગિયાર વાગ્યે શિકાગોના એર પોર્ટ પર અમને લેવા આવ્યો હતો. આ ચારે ભાણીઓ અને તેમના પતિ દેવોના ટુંકા પરિચય વગર તેમના યજમાન પણાની સાચી અનુભૂતિ નહિ થાય.

સૌથી નાની ભાણીનું નામ શરીફા અને તેના પતિનું નામ મકસુદભાઈ. શરીફાનું ફેમીલી નામ બોબી છે. બંને પતિ પત્નીનો સ્વભાવ ભિન્ન છે. મકસુદ એટલે અલ્લાહની ગાય. ભોળો અને નિખાલસ માણસ. અમેરિકામાં કાર ચલાવવાનું કામ સૌથી સરળ છે. કારણ કે  અહિયાં ટ્રાફિક ઓછો, રસ્તા પહોળા અને લોકોમાં ટ્રાફિક સભાનતા અદભૂત. વળી, અમેરિકનો ફૂટપાથ પર ચાલનાર રાહદારીઓ અને સીનીયર સીટીઝનની ઈજ્જત કરે છે. પરિણામે ચાર રસ્તાના ક્રોસિંગ પર સૌ નિરાંતે કાર રોકે છે. કોઈને જરા પણ ઉતાવળ હોતી નથી. એટલે જ અહિયાં સ્ત્રીઓ શહેર અને હાઇવે પર આરામથી કાર ચલાવે છે. પણ મકસુદભાઈ આવા વાતાવરણમાં પણ કાર ચલાવતા ટેન્શનમાં આવી જાય છે. તેમના સ્વભાવથી સંપૂર્ણ વિપરીત તેમની પત્ની બોબી એટલે આત્મ વિશ્વાસનો દરિયો. ત્રણ બહેનોને અમેરિકમાં સેટ કરવામાં જેટલો ફાળો તેના પિતા હુસેનભાઇનો છે, તેટલો જ ફાળો બોબીનો છે. કારનું લાઇસન્સ કઢાવવાથી માંડીને કોઈ પણ બાબત કે સમસ્યાને પહોંચીવળવા તે તૈયાર જ હોય. મકસુદભાઈના ડંકન ડોનાલ્ડના બિઝનેસને સેટ કરવામાં પણ બોબીની કુનેહ અને સુઝે અગ્ર ભાગ ભજવ્યો છે. આજે તે બે ડંકન ડોનાલ્ડમાં ભાગીદારી ધરાવે છે. બંનેનું ચાર બેડના રૂમવાળું નિવાસ પોતાનું છે. અમે શિકાગોના એરપોર્ટ પરથી સૌ પ્રથમ તેના ત્યાં જ ગયા હતા. અમારા રાત્રીના ભોજન માટે તેણે અનેક વાનગીઓ બનાવીને રાખી હતી. અને રાત્રે બાર વાગ્યે પણ તેણે અમને ભાવથી ભોજન કરાવ્યું હતું.  એ પછી જુલેખા. જેનું ફેમીલી નામ જુલી છે. તેના પતિનું નામ સલીમ. સલીમ આમ તો મારા પિતરાઈ બંધુ યાકુબભાઈનો મોટો પુત્ર છે. એ પણ દિલનો દિલદાર છે. પણ પાકો બિઝનેસ મેન છે. શિકાગો જેવા શહેરમાં તેણે પણ પોતાનું પાંચ બેડ રૂમનું મકાન બનાવી લીધું છે. તે પણ બે ડંકન ડોનાલ્ડમાં ભાગીદારી ધરાવે છે. સાથે સાથે સલીમ જૂની કારના લે વેચના બિઝનેસમાં પણ સક્રિય છે. તેને ત્યાં પણ અમે એક દિવસ અને એક રાત રોકાયા હતા. રાત્રે તેને ત્યાં બાર્બેક્યુમાં સૌને મજા પડી હતી. એ પછી આવે જહીર-ફિરોઝા દેસાઈ. જહીર મારા સગા ફૂઈ હલીમાબહેનનો પુત્ર છે. એ નાતે પણ તેની મહેમાન નવાઝી અમારા માટે ભાવ વિભોર કરી મુકે તવી હતી. જહીર અને ફીરોઝા પાંચેક વર્ષથી જ અમેરિકામાં સેટલ થયા છે.તેમને ત્યાં પણ અમે એક દિવસ અને એક રાત રોકાયા હતા. બંને પતિ પત્નીના માયાળુ અને પ્રમાળ સ્વભાવે અમને ખુબ સાચવ્યા હતા. એ પછી આવે વલીયુદ્દીન-હફીઝા દેસાઈ. જહીર-ફિરોઝા અને વલીયુદ્દીન-હફીઝા એક જ બિલ્ડીંગમાં સામ સામેના ફલેટમાં રહે છે. વલીયુદ્દીન-હફીઝા બંને પણ પાંચેક વર્ષથી અમેરિકમાં આવ્યા છે. પણ છતાં ખાસ્સા સેટલ થઇ ગયા છે. વલીયુદ્દીન અર્થાત વલુ પણ સ્વભાવમાં મકસુદભાઈ જેવો જ છે. અલ્લાહનું માણસ. તેમને ત્યાં પણ અમે એક દિવસ અને એક રાત રહ્યા હતા. આ બધી બહેનોનો એક માત્ર ભાઈ એટલે જાવેદ. અને તેની પત્ની મોના. જાવેદ સ્વભાવે નિખાલસ છે. તેની પત્ની મોના અતિ પ્રેમાળ છે. તેના ઘરે પણ અમે એક દિવસ અને એક રાત રહ્યા હતા. આમ શિકાગોની અમારી મુલાકાત જુદા જુદા પણ પ્રેમાળ યજમાનો વચ્ચે કયારે પૂરી થઇ ગઈ તેની કોઈને ખબર ન પડી. અને આખા પ્રવાસ દરમિયાન સૌ એક જ સૂરમાં અમને ફરિયાદ કરી રહ્યા કે આટલા ઓછા દિવસો લઈને શિકાગો કેમ આવ્યા ? આવી જ એક અન્ય ફરિયાદ પણ મોટા સૂરમાં અમારે અલ્તાફ હવાની સાંભળવી પડી. અલ્તાફ ઘણા વર્ષોથી અમેરિકાના શિકાગો શહેરમાં રહે છે. તે મારા સાળા અબ્દુલ રહેમાનનો મિત્ર છે. અમારા શિકાગો આગમનની તે પણ આતુરતાથી રાહ જોતો હતો. પણ કૌટુંબિક ઘરોની મેહમાન નવાઝીમાંથી હું તેને જરા પણ સમય જ આપી શક્યો ન હતો. તેનો મને રંજ  હતો. પણ તેનો અલ્તાફને તો ખાસ્સો રોષ હતો. શિકાગોના ભારતીય વિસ્તાર દીવાનમાં તેની ગીફ્ટ અને ઈલેક્ટ્રોનિક આઈટેમ્સની મોટી દુકાન છે. શિકાગોનો દીવાન વિસ્તાર ભારતીય દુકાનો અને રેસ્ટોરન્ટોથી ભરેલો છે. અમે છેલ્લા દિવસે અલાતાફ્ને મળવા તેની દુકાને ગયા. અને તેનો પ્રેમ ભર્યો ગુસ્સો મારે સહેવો પડ્યો. હું તેની લાગણીને માત્ર સાંભળી રહ્યો. મારી પાસે તેનો કોઈ જ ઉત્તર ન હતો. અલ્તાફ થોડો શાંત પડ્યો, એટલે મેં તેને કહ્યું,

"અલતાફ માફ કર દે યાર, મારી પાસે અમેરિકાના દસ વર્ષના વિઝા છે. હવે પછી આવીશ તો તારે ત્યાજ ઉતરીશ" અને તે મારી સામે સસ્મિત એક નજરે તાકી રહ્યો. જાણે મારા કથનની સચ્ચાઈ ન માપતો હોય. તેની એ શંકાનું સમાધાન કરતા હું બોલ્યો હતો,

"કસમ સે".

મારા સ્વજનો મને ખુબ સારી રીતે રાખે તે તો સ્વભાવિક છે. પણ ક્યારેય ન મળેલા ફિલોડેલ્ફિયામાં રહેતા પૂર્વીબહેન અને દીપકભાઈ મલકાણ જયારે યજમાન તરીકે પ્રેમનો વરસાદ કરે ત્યારે કોઈ પણ મહેમાનનું એ પ્રેમ આગળ મસ્તક ઝુકી જાય. પૂર્વીબહેન સાથે મારો એક લેખક-વાચક અને બે કોલમ લેખકો જેવો પરિચય હતો. એક સમયે "ફૂલછાબ" ના એક જ પાના પર અમારી કોલમો છપાતી હતી. એ નાતે એ મારા પાડોશી પણ હતા. પણ મેં કયારેય તેમને જોયા ન હતા. અમે કયારેય મળ્યા ન હતા. અલબત અમારો નાતો ઈમેઈલનો હતો. તેમની ઇસ્લામ અંગેની દ્વિધા તેઓ મને મેઈલ દ્વારા જણાવતા.અને હું તેના જવાબ આપતો. છતાં તેમની આગતા સ્વાગતમાં ક્યાય કચાશ ન હતી. બલકે એક નજીકના સ્વજન જેવી નિર્મળ લાગણી અને પ્રેમમાં તેમણે અમને તરબતર કરી મુક્યા હતા. ફિલોડેલ્ફિયાની મારી મુલાકાત મારા કાર્યક્રમનો ભાગ ન હતી. પણ જ્યારે પૂર્વીબહેનને મારા ન્યુ યોર્કના કાર્યક્રમની જાણ થઇ કે તુરત તેમનો મારા પર બોસ્ટનમાં ફોન આવ્યો,

"મહેબૂબભાઈ, ન્યુ યોર્ક સુધી આવો છો તો  ફિલોડેલ્ફિયા ત્યાંથી ઝાઝું દૂર નથી. તમારે મારે ત્યાં આવવું જ પડશે"

હું તેમના આગ્રહ આગળ વધુ ટકી ન શક્યો. અને મેં મારો કાર્યક્રમ બે દિવસ વધારી દીધો. એ બે દિવસ મલકાણ દંપતીએ અમને ઘરના વડીલ જેમ સાચવ્યા હતા. પૂર્વી બહેન પણ શારીરિક રીતે નાદુરસ્ત હતા. એકધારું ઉભા રહી શકતા ન હતા. છતાં અમારા માટે તેમણે બંને દિવસ સ્વાદિષ્ઠ ભારતીય રસોઈ બનાવી અને પ્રેમથી અમને જમાડ્યા હતા. તેમના પતિ દીપકભાઈ સોફ્વેર ઈજનેર છે. સતત કામમાં રત રહે છે. સવારે પાંચ વાગ્યે જાગી લેપટોપ પર બેસી જાય છે. પણ અમને તેમણે પણ તેમની કારમાં ફિલોડેલ્ફિયામાં મન ભરીને ફેરવ્યા. મિલ્ટોન એસ. હર્શી (1857-1945)એ સ્થાપેલ અમેરિકાની જાણીતી ચોકલેટ હર્ષીનું "હર્શીસ ચોકલેટ વર્ડ"બતાવવા તેઓ અમને લઇ ગયા. એ દિવસ આખો દીપકભાઈએ અમારી સાથે પસાર કર્યો. સાંજે અમે ફિલોડેલ્ફિયા શહેરમાં ફર્યા. જો કે બંને રાત્રી દરમિયાન પૂર્વીબહેનએ ઇસ્લામ અંગેના તેમના મનમાં રમતા ઘણા પ્રશ્નો મને પૂછ્યા. મેં તેમને વચન આપ્યું હતું કે આપના દરેક પ્રશ્નો અંગે આપણે અચૂક સમય કાઢીને ચર્ચા કરીશું. અને તેમણે એ વચનનો પુરો લાભ લીધો. અમે બંને રાત્રે એ માટે ખાસ બેસતા. તેઓ પ્રશ્નો પૂછતાં જાય અને હું તેના જવાબ આપતો જઉં. અને છતાંય રાતનો  એક કયારે વાગી જતો તેની અમને બંનેને ખબર પણ ન રહેતી.

ત્રણ માસના વિદેશ પ્રવાસ પછી ૧૬ ઓગસ્ટે જયારે મેં ભારત આવવા વિમાન પકડ્યું ત્યારે અમેરિકાની મુલાકાતનો આનંદ મારા હદયમાં કોતરાયેલો હતો. કારણ કે મારા તમામ યજમાનોએ "મહેમાં જો હમારા હોતા હૈ, વો જાન સે પ્યારા હોતા હે" વિધાનને સાર્થક કર્યું હતું. તેમની એ મહેમાન નવાઝી આજે પણ મારા હદયમાં સંઘરાયેલી પડી છે અને હંમેશા રહેશે.