Wednesday, July 1, 2015

સાહસીક પ્રવાસન નહી, પ્રવાસમાં સાહસ : ડૉ. મહેબૂબ દેસાઈ

પ્રવાસના અનેક પ્રકારોમાં એક પ્રકાર છે સાહસિક પ્રવાસ. સાહસિક પ્રવાસમાં પ્રવાસી સાહસીક કાર્યો દ્વારા આનંદ મેળવવાનો પ્રયાસ કરે છે. ડેઝર્ટ રાયડીંગ અર્થાત રણની રેતીમાં કાર ચલાવવી કે તેમાં સફર કરવી. દુબઈમાં આ પ્રકારનો આનંદ મેં પણ માણ્યો છે. પેરા ગ્લાઈડીંગ કે હેન્ગ ગ્લાઈડિંગ અર્થાત પતંગિયા જેવા ખુલ્લા વિમાનમાં આકાશમાં ઉડવું. રોક ક્લાઈમ્બિગ અર્થાત પથ્થરના પહાડો પર ચડવું. બંજી જમ્પિંગ અર્થાત શરીર પર દોરડું બાંધી ઊંડી ખીણમાં કૂદવું. માઉન્ટનિયરિંગ અર્થાત પહાડો ચડવા. સાહસીક પ્રવાસના શોખીનો માટે આ બધા આનંદ આપતા કાર્યો છે. તેમાં ક્યારેક પ્રવાસી તકલીફમાં પણ મુકાય જાય છે. મારા એક મિત્રએ દોરડું બાંધી ખીણમાં કુદકો માર્યો હતો. તેમની ગરદનને નુકશાન થયુ અને તેમને ઇસ્પીતાલે પહોંચાડવા ૭૦૦ ડોલર ખર્ચવા પડ્યા હતા.એટલે સાહસિક પ્રવાસમાં પણ પ્રવાસીએ સંપૂર્ણ તકેદારી રાખવી જરૂરી છે. પોતાના સ્વાસ્થને ધ્યાનમાં રાખી પ્રવાસીએ સાહસ કરવું જોઈએ.

સાહસિક પ્રવાસ કે અન્ય કોઈ પણ પ્રકારના પ્રવાસમાં અકસ્માત થવાની સંભાવના રહેલી છે. માટે વિદેશ જતા દરેક પ્રવાસીએ ટ્રાવેલિંગ ઇન્સુરન્સ લેવો અનિવાર્ય છે. કારણ કે ટ્રાવેલિંગ ઇન્સ્યુરન્સ ઘણી બધી બાબતો અંગે પ્રવાસીને સુરક્ષા આપે છે. જેમ કે ફ્લાઈટ ચુકી જવી, સામાન ખોવાઈ કે ચોરાઈ જવો, પાસપોર્ટ ગુમ થઇ જવો, પ્રવાસમાં માંદા પડવું, પ્રવાસમાં અકસ્માત થવો વગેરે બાબતોમાં ટ્રાવેલિંગ ઇન્સુરન્સ પ્રવાસીને આર્થિક રીતે સહાય કરે છે. અને તેને થયેલ નુકસાનની ભરપાઈ કરે છે. માટે વિદેશમાં પ્રવાસે જતા દરેક પ્રવાસી માટે ટ્રાવેલિંગ ઇન્સુરન્સ અનિવાર્ય છે. કારણ કે વિદેશમાં મેડીકલ ટ્રીટમેન્ટ અત્યંત ખર્ચાળ છે. વળી, પ્રવાસી ગમે તેટલું પરફેક્ટ પ્રવાસનું આયોજન કરે, પણ ધાર્યું તો ધણીનું અર્થાત ઈશ્વરનું જ થાય છે. એવા કપરાં સંજોગોમાં ટ્રાવેલિંગ ઇન્સુરન્સ પ્રવાસીને ઘણો ઉપયોગી થઇ પડે છે. ટ્રાવેલિંગ ઇન્સુરન્સ કઈ કંપનીનો લેવો એ પ્રવાસી ઉપર નિર્ભર છે. પ્રવાસી એ અંગે તેના એજન્ટની સલાહ લઇ શકે છે. જો કે તેના ક્લેઈમની વિધિ ઘણી અટપટી છે. તે માટે પ્રવાસીએ પ્રવાસ પૂર્વે પોતાના ટ્રાવેલિંગ એજન્ટ પાસેથી  ટ્રાવેલિંગ ઇન્સુરન્સની પોલીસી અને તેની જાણકારી મેળવી લેવી જોઈએ. વળી, પ્રવાસના આરંભ પૂર્વે ટ્રાવેલિંગ એજન્ટની સપૂર્ણ વિગતો પણ પોતાની ડાયરીમાં પ્રવાસીએ નોંધી લેવી જોઈએ. જેથી વિદેશમાંથી જરૂર પડ્યે ટ્રાવેલિંગ એજન્ટનો સંપર્ક કરી શકાય. અને પોતાને થયેલ નુકસાન કે અકસ્માતનું વળતર મેળવવાની કાર્યવહી હાથ ધરી શકાય.

આગળ જણાવ્યા મુજબ પ્રવાસમાં કેટલાક એવા પણ સંજોગો સર્જાય છે જેમાં પ્રવાસી ન ઈચ્છે તો પણ કુદરતી કે આકસ્મિક અકસ્માતમાં સપડાય જાય છે. મેં મારા પ્રવાસનું મારી દ્રષ્ટિએ સંપૂર્ણ આયોજન કર્યું હતું. પણ ધાર્ય તો ઈશ્વરનું જ થાય છે. આપ અનેક તકેદારીઓ સાથે  પ્રવાસ કરતા હો છતાં અકસ્માત થવાનો જ હોય તો કોઈ તેને રોકી શકતું નથી. એવા સમયે પ્રવાસીની કસોટી થાય છે. અકસ્માતમાંથી પોતાની જાતને સ્વસ્થ રીતે બહાર કાઢવી. અર્થાત પુનઃ સ્વથતા મેળવવી. એ પછી પ્રવાસ આગળ ધપાવવો કે ટૂંકાવવો એ નિર્ણય ખુદ પ્રવાસીએ જ લેવો પડે છે. એ સમયે તેણે મનને મક્કમ કરી, સાહસિક મનોવૃત્તિ કેળવવી પડે છે. અને તેમાંથી બહાર નીકળી પ્રવાસને આનંદપૂર્વક પૂર્ણ કરવા પ્રયાસ કરવો પડે છે. અથવા પ્રવાસને ટૂંકાવી પોતાના મુળ દેશ પરત જવાનો નિર્ણય લેવો પડે છે. આવા કપરા સંજોગોમાં સ્વસ્થ મને વિચાર કરી જે પ્રવાસી નિર્ણય કરે તે જ સાચો પ્રવાસી છે. એવા સમયે  પ્રવાસી માત્ર પોતાના અંગે જ વિચારતો નથી. પણ પોતાના સાથી પ્રવાસીઓ અંગે પણ વિચારે છે. કપરાં સંજોગોમાં પણ પ્રવાસ અને તેની સાથેના પ્રવાસીઓને ધ્યાનમાં રાખી નિર્ણય કરે છે.  

એવો જ એક અકસ્માત મારા પ્રવાસમાં પણ મેં અનુભવ્યો. તા ૧૪ જુન મારા માટે અકસ્માત લઈને આવશે તેની મને પણ ખબર ન હતી ? એ દિવસે મુસ્તાકભાઈના કુટુંબ સાથે અમે મેલબોર્ન ગાર્ડન અને તેની આસપાસના મોલમાં જવાનું આયોજન કરેલ. શહેનાઝએ માટે સવારે વહેલા ઉઠી, ભોજન બનાવી પેક કરવા માંડ્યું હતું. હજુ નીકળવાને વાર હતી એટલે સવારના નિત્યક્રમ પૂર્ણ કરી મેં મારા લેખનના ટેબલ ઉપર લેપટોપ ખોલ્યું. અને કુરાને શરીફની તફ્સીરના વિદ્વાન ઇબ્ન કથીરનો અપૂર્ણ લેખ પૂર્ણ કરવા બેઠો. એકાદ કલાકમાં એ પૂર્ણ કરી નાખ્યો. થોડી કમર સીધી કરવા મેં બેઠક ખંડ તરફ કદમો માંડ્યા. મુસ્તાકભાઈ એ સમયે બેઠક ખંડમાં પોતા મારવાના મશીનથી ઘરમાં પોતા મારી રહ્યા હતા. એકદમ લીસી ટાઈલ્સ અને તેના પર ગરમ પાણીના પોતા. મેં જેવું ડગલું ભર્યું કે તુરત મારો પગ લપસ્યો. અને હું નીચે ફસડાઈ પડ્યો. મારા આખા શરીરનું વજન મારા ડાબા હાથની કોણી પર આવી ગયું. અને હાડકું તૂટ્યાનો અવાજ મારા કાને પડ્યો. એક પળમાં તો ન થવાનું થઇ ગયું. આ એ જ હાથ હતો જેના પર આજથી લગભગ ૨૫ વર્ષો પહેલા એક અકસ્માતને કારણે ઓપરશન થઇ ચૂક્યું હતું. એ સમયે મારી કોણીને જોડતા હાડકામાં એકથી વધારે ક્રેક પડ્યા હતા. પરિણામે ભાવનગરના જાણીતા ઓર્થોપીડીક ડો. દિનકરભાઈ ધોળકિયાએ તાર બાંધી એ બધા ફેક્ચારોને જોડ્યા હતા. આજે ૨૫ વર્ષ પછી એ જ હાથે અને એજ સ્થળે મને ઈજા થઇ હતી. ફર્શ પર પડતા જ મારા મુખમાંથી શબ્દો સરી પડયા,

"મુસ્તાકભાઈ તમારા પોતાને કારણે આ બન્યું. જરા મારું ધ્યાન તો દોરવું હતું."

પણ ઘટના ઘટી ચુકી હતી. હવે તેના અંગે વધુ ચર્ચાને સ્થાન ન હતું. મારી પત્ની સાબેરા, શહેનાઝ અને આદિલે મને ઉભો કર્યો. મને મોટું નુકસાન થયાનો અણસાર આવી ગયો હતો. મેં તુરત હાથને ઝોળીમાં નાખી મુસ્તાકભાઈને એક્સરે માટે મને લઇ જવા કહ્યું. પણ મારી બદનસીબી હજુ મારી સાથે જ હતી. ૧૪ જુનના રોજ રવિવાર હતો. ઓસ્ટ્રેલિયામાં રવિવારે બધું બંધ હોય. હોસ્પિટલમાં પણ માત્ર હાર્ટ પેશન્ટને જ ટ્રીટમેન્ટ મળે. બાકીનાને દાકતરની અનુકુળતા મુજબ રાહ જોવી પડે. વળી, અહિયા એક્સરે કરાવવા માટે પણ દાક્તરનો સંદર્ભ પત્ર અનિવાર્ય છે. એ વગર કોઈ તમારો અકસરે પણ ન કાઢી આપે. એટલે એક્સરે હવે સોમવારે જ કઢાવવાનું નક્કી થયું. ધીમે ધીમે મારા ડાબા હાથની કોણીમાં સખ્ત દુખાવો શરુ થયો. ત્યાં જ ફેકચર હોવાનો મને અહેસાસ થયો. મુસ્તાકભાઈએ મને પોતાની પાસે જે પેઈન કિલર હતી તે લઇ લેવા વિનંતી કરી. પણ મારા શરીરની તાસીર મુજબ મને સલ્ફા ડ્રગનું  રીએક્શન આવતું હોય, મેં તે લેવાની ના પડી. દુખાવો ધીમે ધીમે અસહ્ય બનતો ગયો. એવી કપરી સ્થિતમાં અચાનક મને મારા મિત્ર અને મારા કમરની સારવાર કરનાર ડો. ભરતભાઈ દવે યાદ આવી ગયા. તેમણે મને કમરના દુખાવાને ધ્યાનમાં રાખી પ્રવાસમાં લઇ જવા માટે કેટલીક ટેબલેટસ આપી હતી. તે મારા મેડીકલ બોક્ષમાં હતી. પણ તે લેવાય કે નહિ તેની દ્વિધામાં હું હતો. મેં તુરત ભરતભાઈને એસએમએસ કર્યો.

"મને અકસ્માત થયો છે અને ડાબા હાથે ફેકચર લાગે છે. ખુબ દુખાવો છે. આપે આપેલ પેઈન કિલર લઇ શકું ?"

પાંચેક મીનીટમાં જ જવાબ આવ્યો.

"દુખાવા અનુસાર તે લઇ શકો છો"

અને મેં તે ટેબ્લેટ તુરત લઇ લીધી. પરિણામે દુખાવામાં થોડી રાહત થઇ. રવિવારની રાત્રી મારા માટે કપરી નીવડી. અસહ્ય દુખાવાએ મારી નિંદ્રા હણી લીધી હતી. જેમ તેમ કરી રાત્રી પસાર કરી. સવારે હું મુસ્તાકભાઈ સાથે તેમના ફેમીલી ડોક્ટર શફીને ત્યાં પહોંચી ગયો. ત્યાં પણ લાંબી લાઈન હતી. મુસ્તાકભાઈએ વિનંતી કરી ઇમરજન્સીમાં મને લઇ લેવા વિનંતી કરી. લગભગ વીસેક મિનિટના ઇન્તેઝાર પછી ડો. શફી સાથે મુલાકાત થઇ. તેમણે મને તપાસી એક્સરે માટે ભલામણ કરી આપી. અને એકાદ કલાક પછી એક્સરે સાથે પુનઃ મળવા કહ્યું. અમે ત્યાંથી સિધ્ધાં એક્સરે ક્લીનીક પર પહોંચ્યા.એક્સરે કરાવી અમે પાછા ડો શફીની ક્લીનીક પર પહોંચ્યા. તેમણે એક્સરે જોઈની કહ્યું,

"આ તો કોમ્પ્લિકેટેડ કેસ છે. એકવાર આ હાથ પર ઓપરેશન થઇ ચૂક્યું છે. એટલે આના પર હું પ્લાસ્ટર નહિ કરું શકું. આપે કોઈ ઓર્થોપેડિક સર્જનને જ બતાવવું પડશે. હું અહીની હોસ્પિટલમાં આપને જવાની ભલામણ કરું છું."

મેં કહ્યું,

"હું તો ૧૭મીની હોબાર્ટની રીટર્ન ટીકીટ લઈને આવ્યો છું."

"તો પછી પ્લાસ્ટર સાથે તમે વિમાની સફર નહી કરી શકો" ડો. શફીએ કહ્યું.

અમે ઘરે આવ્યા. ઘરે આવી મેં મારા પુત્ર ઝાહીદને હોબાર્ટમાં ફોન કરી સંપૂર્ણ સ્થિતિથી વાકેફ કર્યો. તેણે મને કહ્યું,

"ડેડ, તમે પ્લાસ્ટર કરાવ્યા વગર હોબાર્ટ આવી જાવ. આપણે અહિયા ઓર્થોપેડિકની સલાહ મુજબ સારવાર કરીશું"

૧૭મીની સવારની ૬.૩૦ની ફ્લાઈટમાં હું અને સાબેરા મેલબોર્નથી હોબાર્ટ આવવા નીકળ્યા. એરપોર્ટ પર અમને મુકવા માટે મુસ્તાકભાઈ, શહેનાઝ અને આદીલ આવ્યા હતા.વિદાય વેળાએ શહેનાઝ ગળગળી થઇ ગઈ. તેની આંખો ઉભરાઈ આવી. રૂંધાયેલ સ્વરે તે બોલી,

"કાકા, મારા ઘરમાં આપને આ અકસ્માત થયો. મને માફ કરશો."

"બેટા, એવું મનમાં ક્યારેય ન રાખીશ. જબ જબ જો જો હોના હૈ તબ તબ સો સો હોતા હૈ. પ્રવાસમાં તો આવી ઘટનાઓ બનતી જ રહે છે" અને અમે પતિ-પત્ની પ્રવાસમાં અચાનક આવી પડેલ મુસીબતની ચિંતામાં સવારે ૭.૩૦ કલાકે હોબાર્ટ પહોંચ્યા.

 

    

 

No comments:

Post a Comment