Wednesday, May 13, 2015

સર્વધર્મ સંસ્થાપકોનું ગુણ-સ્મરણ : ડૉ. મહેબૂબ દેસાઈ

હમણાં થોડા દિવસ પૂર્વે વડોદરાના ગોત્રી ગામમાં આવેલ વિનોબા ભાવેના આશ્રમ નિસર્ગોપચાર કેન્દ્રમાં રહેવાની તક સાંપડી. ૧૯૭૮મા સ્થપાયેલ આ આશ્રમમાં દૂર દૂરથી લોકો પોતાના મન અને શરીરની શુદ્ધિ માટે આવે છે. અને મન અને શરીરને સ્વસ્થ કરી ખુશી ખુશી વિદાય લે છે. અમેરિકામાં રહેતા અને કેશોદના વતની ૮૨ વર્ષના વયોવૃદ્ધ શ્રી સુર્યરામ જોશી એવાજ એક સાધક મને પ્રથમ દિવસે જ મળી ગયા. તેમણે આશ્રમના પોતાના નિવાસ દરમ્યાન અનુભવેલ લાગણીને વાચા આપતું એક કાવ્ય લખ્યું હતું. જે મને ભોજન ખંડમાં ભોજન લેતા લેતા તેમણે સંભળાવ્યું હતું. તેની પ્રથમ કડી હતી,
 

"વિનોબા જી કે આશ્રમમેં  દુઃખ દર્દ મિટાને આતે હૈ

 દુનિયા કે સતાયે લોંગ યહાં, સીને સે લગાયે જાતે હૈ

 જીન દિલવાલે લોગો પર હો જાય રહમત અલ્લાહ કી

 બંધન દુનિયાદારીકે  છોડ કે, યહાં દૌડે ચલે આતે હૈ"


એક વૃદ્ધની આ ભાંગીતૂટી રચનામાં આ આશ્રમની સ્થાપના પાછળનો ઉદેશ અભિવ્યક્ત થાય છે. વિનોબા ભાવે (૧૮૯૫-૧૯૮૨)ભારતના એવા રચનાત્મક સંત હતા, જેમના વ્યવહાર અને વર્તનમાં ક્યાય ભેદ ન હતો. તેમના ધાર્મિક ચિંતનના કેન્દ્રમાં માનવતા હતી. તેમણે ગીતા અને કુરાનનું ઊંડાણથી અધ્યન કર્યું હતું. ગીતાના શ્લોક જેટલા શુદ્ધ ઉચ્ચારો સાથે તે બોલતા, એટલી કુરાનની આયાતો પણ શુદ્ધ એરેબીક ઉચ્ચારો સાથે પઢતા. અબુલ કલામ આઝાદ એકવાર વર્ધામા ગાંધીજીને મળવા આવ્યા, ત્યારે ગાંધીજીએ વિનોબાને કુરાનનો પાઠ કરવા કહ્યું. વિનોબાજીએ એવી સુંદર લઢણ અને શુદ્ધ ઉચ્ચારો સાથે કુરાનની આયાતો પઢી કે મૌલાના આઝાદ દંગ રહી ગયા. વિનોબા જીએ લખેલ "કુરાનસાર" નામનું પુસ્તક કુરાનેશરીફનો ઊંડો અભ્યાસ કરીને લખ્યું હતું. આજે પણ તે પુસ્તક કુરાનને સમજવા માંગતા હિંદુ-મુસ્લિમ બંને ધર્મના અનુયાયીઓ માટે માર્ગદર્શક બની રહ્યું છે. 

યુગમાં એક અનુયાયીએ વિનોબાજીને પૂછ્યું,

"આજકાલ તમે આધ્યાત્મનો વિશેષ ઉલ્લેખ કરો છો. આ આધ્યાત્મ એટલે શું ?"

વિનોબાએ તેનો ઉત્તર આપતા કહ્યું,

"આધ્યાત્મ એટલે

. સર્વોચ્ચ નૈતિક મૂલ્યો

. નૈતિક જીવન વિશેની અતુટ શ્રધ્ધા

. જીવન માત્રની જ્ઞાન અને ભાન રાખનારી નિર્મળ શ્રદ્ધા

. મૃત્યુ પછી જીવન સાતત્ય અંગેનો અતુટ વિશ્વાસ."

 

આવા વિનોબા જીના નિસર્ગોપચાર કેન્દમાં શરીર શુદ્ધિ માટે કુદરતી ઉપચારો જેવા કે માટી લેપ, શિરોધારા, માલીસ, યોગ, વરાળ સ્નાન, જેવા અનેક ઉપચારો થાય છે. પણ મનની શુદ્ધિ માટે અહિયા થતી સર્વ ધર્મ પ્રાથના અને ઉપાસના સાચ્ચે  જ મનને શુદ્ધિના માર્ગ પર આણવા પૂરતી બની રહે છે. રોજ સાંજે સૌ સાધકો સંતબાલ રચિત ગીત ગાઈ છે, જેનું  મથાળું છે

"સર્વધર્મ સંસ્થાપકોનું ગુણ-સ્મરણ".  જેમાં દરેક ધર્મના સ્થાપકના જીવન કાર્યનું સુંદર આલેખન કરવામાં આવ્યું છે. ભગવાન મહાવીરથી આરંભીને બુદ્ધ, રામ, કૃષ્ણ, ઈસુ, મહંમદ પયગમ્બર અને જરથોસ્તનો મહિમા તેમાં ગાવામાં આવ્યો છે. સૌ પ્રથમ એ ગીત માણીએ.

 

 "પ્રાણી માત્રને રક્ષણ આપ્યું, માન્ય પોતા સમ  સહુને

  પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીરને


  જનસેવાના પાઠ શીખવ્યા, મધ્યમ માર્ગ બતાવીને

  સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો,વંદન કરીએ બુદ્ધ તને


  એક પત્નીવ્રત પુરણ પાળ્યું, ટેક વણી છે જીવતરમાં

  ન્યાય નીતિમય રામ રહેજો, સદા અમારા અંતરમાં


  સઘળા કામો કર્યા છતાં જે, રહ્યા હંમેશા નિર્લેપ,

  એવા યોગી કૃષ્ણ પ્રભુમાં, રહેજો અમ મનડા ખૂંપી


  પ્રેમ રૂપ પ્રભુ ઇશુ જે, ક્ષમા સિંધુને વંદન હો,

  રહમ નેકના પરમ પ્રચારક હઝરત મહંમદ દિલે રહો.

 

  જરથોસ્તીના ધર્મગુરુની પવિત્રતા ઘટમાં જાગો

  સર્વધર્મ સંસ્થાપક સ્મરણો, વિશ્વ શાંતિમાં ખપ લાગો"


પ્રાણી માત્રના રક્ષક મહાવીર સ્વામી, જનસેવાના સાધક બુદ્ધ ભગવાન, ન્યાય અને નીતિના ઉપાસક ભગવાન રામ, સંસારમાં રહેવા છતાં સંસારથી નિર્લેપ રહેલા કૃષ્ણ ભગવાન,પ્રેમના પ્રતિક સમા ભગવાન ઈસુ, રહેમ (ઉદાર) અને નેકી (સદાચાર)ના પ્રચારક હઝરત મહંમદ (સ.અ.વ.) અને પવિત્ર જરથોસ્તનું આવું ગાન દરેક શૈક્ષણિક અને અધ્યાત્મિક સંસ્થાઓમાં દિવસના આરંભે ગવાવું જોઈએ એમ નથી લાગતું ?

No comments:

Post a Comment