Sunday, March 22, 2015

ઘેટ્ટો આઈઝેશન : એક અભ્યાસ : ડૉ. મહેબૂબ દેસાઈ

ઘેટ્ટો આઈઝેશન શબ્દ સામાન્ય જન માટે કદાચ નવો હશે. પણ બુદ્ધિજીવી સમાજ માટે તે જાણીતો અને વિચારક શબ્દ છે. વેબસ્ટર ન્યુ વર્ડ ડિક્શનેરીમાં આ શબ્દની વ્યાખ્યા આપતા લખ્યું છે,

"ઘેટોઝ એટલે શહેરનો કોઈ પણ એવો ભાગ જેમાં લધુમતી જૂથના સભ્યો રહેતા હોય"

રેન્ડમ હાઉસ ડિક્શનેરી ઘેટોઝ શબ્દની વ્યાખ્યા આપતા કહે છે,

"શહેરનો એ ભાગ જે ખાસ કરીને ઝુંપડપટીનો ગીચ વસ્તી વિસ્તાર છે. જેમાં મુખ્યત્વે કરીને નીગ્રો કે બીજા કોઈ લઘુમતી જૂથ નિવાસ કરે છે. આમ મોટે ભાગે સામજિક કે આર્થિક મર્યાદાઓને કારણે થાય છે."

ભારતના ગામડાઓ અને શહેરોમાં ઘેટ્ટો આઈઝેશન દરેક યુગમાં જોવા મળે છે. પ્રાચીન સમયમાં બ્રામણો ગામના મધ્ય રહેતા, વૈશ્યો એ પછી રહેતા, ક્ષત્રીઓ એ પછી અને શુદ્રો ગામની બહાર રહેતા. આ વ્યવસ્થા સંસ્કારો અને સામાજિક સ્થાનને ધ્યાનમાં રાખી સ્વીકારવામાં આવી હતી. મધ્યયુગમાં પણ હિંદુ મુસ્લિમ લત્તાઓ હતા. ગુજરાતમાં છેલ્લા પચ્ચાસ વર્ષોથી બાંધકામના વ્યવસાયમાં સક્રિય અને અમદાવાદની પ્રજાને પોળોમાંથી ફ્લેટોમાં વસવાટ કરવા પ્રેરનાર બકેરી ગ્રુપના સ્થાપક શ્રી અનિલભાઈ બકેરી કહે છે,

"ઘેટ્ટો આઈઝેશન ૨૦૦૨ પછીની પ્રક્રિયા નથી. એ તો પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાં પણ હતી. અહેમદ શાહ બાદશાહે અમદાવાદ શહેર વસાવ્યું ત્યારે તેમણે  જૈન વસાહતો, હિંદુ વસતો અને મુસ્લિમ વસાહતો અલગ અલગ રીતે વસાવી હતી. અલબત્ત એ સમયે સુરક્ષા કરતા સંસ્કારો ઘેટ્ટો આઈઝેશનના મૂળમાં હતા."

પણ આજે ઘેટ્ટો આઈઝેશન શબ્દનો અર્થ અને સમજ બદલાયા છે. તેના કારણો અને પરિણામોનો વિગતે અભ્યાસ ગુજરાત વિદ્યાપીઠના અધ્યાપિકા ડૉ. દામિની શાહે કર્યો છે. જેનું હાલમાં જ પ્રકાશન "મુસ્લિમ ઘેટ્ટોઆઈઝેશન : એક કરુણ દાસ્તાન" નામક પુસ્તક(પ્રાપ્તિ સ્થાન : ગુર્જત સાહિત્ય ભવન, રતન પોળ નાકા, અમદાવાદ) રૂપે થયું છે. પુસ્તકના નિવેદનમાં લેખિકા લખે છે,

"ગુજરાતમાં ૨૦૦૨ના રમખાણોને કારણે મુસ્લિમોની ઘેટ્ટો આઈઝેશનની પ્રક્રીય ઘણી તીવ્ર બની. ૨૦૦૨ પછી ગુજરાતમાં માત્ર મુસ્લીમોના ઘેટોઝ ઉભા થવા પાછળના પરિબળો, હાલમાં તેમની સ્થિતિ, બહુમતી સમુદાય સાથેના તેમના સબંધો, સરકાર અને સમાજ પાસેથી તેમની અપેક્ષાઓ વગેરે જાણવા સમજવા "મુસ્લિમ ઘેટ્ટોઆઈઝેશન" પ્રક્રિયા અને લઘુમતીના જીવન પર તેની અસરો(ગુજરાતમાં ૨૦૦૨ના રમખાણો સંદર્ભે) તે વિષય પર સંશોધકે વિદ્યાવાચસ્પતિ (પીએચ.ડી.)નો અભ્યાસ કર્યો. તથ્યો અને હકીકતોના આધારે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આ અભ્યાસ કરવામાં આવ્યો છે. આવા સંવેદનશીલ વિષયો પર અભ્યાસ ઓછા થયા છે. તેથી આ દિશામાં કામ કરનાર માટે તે આધાર બની શકે"

પુસ્તકમાં ડૉ દામિની બહેને ઘેટ્ટો આઈઝેશનના અર્થ અને સમજ સાથે ભારતમાં કોમવાદના ઉદય અને વિકાસની સુંદર અને આધારભૂત છણાવટ કરી છે. ભારતમાં કોમવાદનો ઉદય અને વિકાસ એકાદ બે દાયકાની ઘટના નથી. ૧૯૦૭માં મુસ્લિમ લીગની સ્થાપના અને એ પછી ૧૯૨૫ના રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘની સ્થાપનાના મૂળમાં અંગ્રેજોની હિંદુ મુસ્લિમ વચ્ચે ભાગલા પાડીને શાસન કરવાની કૂટનીતિ જવાબદાર હતી. જે ૧૯૪૭માં અંગ્રેજોની વિદાય પછી પણ આપણા રાજકારણીઓ યથાવત ચાલુ રાખી છે. કોમવાદના પ્રસાર માટેના પરિબળો આલેખતા ડો.ઘનશ્યામ શાહના અવતારને ટાંકતા સંશોધક લખે છે,

"૧૯૬૦ના દાયકામાં ભારત પાકિસ્તાન યુદ્ધ, આર્થિક ક્ષેત્રે નબળો દેખાવ, કોંગ્રેસના વળતા પાણી, વગેરે પરિબળોએ કોમવાદને વિકસાવવામાં મદદ કરી. કોમી ઘર્ષણોની સંખ્યા ૧૯૬૧ થી ૧૯૬૫માં દર વર્ષે ૨૯૧ અને ત્યાર પછી પાંચ વર્ષમાં દર વર્ષે ૩૪૬ પર પહોંચી. કોમી રમખાણોની વધતી સંખ્યાએ મુસ્લિમોમાં ભયનું વાતાવરણ સર્જ્યું."

પરિણામે ભારતની મુસ્લિમ લઘુમતીઓની સામાજિક, આર્થિક કે શૈક્ષણિક સ્થિતિમાં ન તો કોંગ્રેસ શાસનમાં કોઈ પરિવર્તન આવ્યું છે, કે ન ભાજપના શાસનકાળમાં કોઈ ફેરફર થયા છે. એના સ્થાને લઘુમતીઓને વોટ બેંક બનાવી તેનો ઉપાયો કરવાની નીતિ આપણા રાજકારણનું આગવું લક્ષણ બની ગઈ છે. ૨૦૦૨ પછી કોમવાદની એ નીતીમાં અસુરક્ષા અને અસલામતી જેવું એક પરિબળ વધુ ઘાટું સામેલ બન્યું. જેનો વિગતે ઉલ્લેખ ડૉ દામિની બહેને પોતાના સંશોધનમાં કરેલ છે.

મુસ્લિમ વિસ્તારોની સમસ્યાનો ચિતાર પણ તેમણે આધારભૂત રીતે આપ્યો છે. રસ્તા, ગટર, પાણી, ગેસ લાઈન, જેવી માળખાગત સુવિધાઓ પ્રત્યે મુસ્લિમ વિસ્તારોની શાસકોની ઉપેક્ષા પણ તેમણે રજુ કરી છે. અમદાવાદનો સૌથી મોટો મુસ્લિમ વિસ્તાર જુહાપુરા તેનું ઉત્તમ દ્રષ્ટાંત છે. જ્યાં ન તો આંતરિક માર્ગો છે. ન વસાહતોમાં શાસકો દ્વારા કોઈ સુવિધા ઉપલબ્ધ છે. જુહાપુરા વિસ્તારમાંથી પસાર થતા હાઈ વે પર ઓવરબ્રિજ બનાવવાની યોજના વર્ષોથી મંજુર થઇ પડી છે. પણ તેનો અમલ આજે પણ થયો નથી. પરિણામે અસહ્ય ટ્રાફિક સમસ્યાને કારણે સર્જાતા અકસ્માતોમાં માનવ મૃત્યનો આંક વધતો જાય છે. વળી, અમદાવાદમાં મુસ્લિમ વસાહતના વિસ્તારો મર્યાદિત છે. જેથી મુસ્લિમ વિસ્તારોના ફ્લેટો અને જમીનોના ભાવો સામાન્ય હિંદુ વિસ્તારો કરતા બમણા છે. પરિણામે સામાન્ય મુસ્લિમ માટે ઘરના ઘરનું સ્વપ્ન કપરું બનતું ગયું છે.

ડૉ. દામિની બહેના સર્વેના કેટલાક તારણો પણ જાણવા જેવા છે. કોમી રમખાણો શાથી થયા છે ? એવા પ્રશ્ન ઉત્તરમાં ૯૧ ટકા લોકો જણાવે છે,

"સત્તામાં રહેલા કે તે મેળવવા માટેનું રાજકારણ ખેલતા રાજકારણીઓ જ રમખાણો કરાવે છે"

એક સ્ત્રી ઉત્તરદાતાએ ઉપરોક્ત પ્રશ્નના ઉત્તરમાં કહ્યું હતું,

"અમને તો સમય જ નથી. બે ટંકના રોટલા ભેગા માંડ થઈએ છીએ. બાબરી મસ્જિત મેં જોઈ પણ નથી. અને અમને એમાં રસ પણ નથી. ગોધરામાં ટ્રેનનો ડબ્બો જેણે સળગાવ્યો તેને ફાંસી આપો. પણ અમને નિર્દોષોને શું કામ રંજાડો છો ? આ રાજકારણીઓનું પેટ એટલું મોંટુ છે કે તેમને સત્તાનો ધરાવો જ નથી, એટલે આ બધું  કરાવે છે."

ધર્મ આધારિક વસાહતો-ઘેટ્ટોઝ અંગે ૮૧ ટકા લોકો કહે છે,

"તેનાથી નવી પેઢીમાં ગેર સમજ વધશે. બે કોમો વચ્ચે અંતર વધશે. લઘુમતીઓનો વિકાસ રૂંધાશે. અને ભવિષ્યમાં કોમવાદ ભયાનક બનશે"

કોમી એકતા માટે સરકારની પાસે અપેક્ષા અંગે ૯૬ ટકા લોકો કહે છે,

"મુસ્લિમો પ્રત્યે ઓરમાયું વર્તન ન કરવું જોઈએ. મુસ્લિમોની ધાર્મિક લાગણી ન દુભાવવી, બંને ધર્મ વચ્ચે સંવાદિતતા વધે તેવા કાર્યક્રમો યોજવા જોઈ અને કોઈ પણ ધર્મનો કટ્ટરવાદ ન ચલાવી લેવો જોઈએ."

કોમી એકતા માટે સમાજ પાસે અપેક્ષા શી રાખી શકાય ? એવા પ્રશ્નના ઉત્તરમાં બહુમતી લોકો કહે છે,

"બંને કોમ ભેગી થાય તેવા મેળાવડા યોજવા જોઈએ. મુસ્લિમોમાં શિક્ષણ વધારવું જોઈએ. કોઈ પણ ધર્મની ઉશ્કેરણીજનક પ્રવૃત્તિમાં સામેલ ન થવું જોઈએ. બહુમતીએ મુસ્લિમો પ્રત્યે દ્વેષની વિચારધારા બદલાવી જોઈ. અને માનવતા રાખી વેરઝેર ભૂલી જવા જોઈએ."

ડો.દામિની બહેન શાહનું આ સંશોધન સમાજ અને રાજકારણીયો માટે અવશ્ય માર્ગદર્શક બની રહેશે, એવી આશા અસ્થાને નહિ ગણાય.

No comments:

Post a Comment