Wednesday, March 25, 2015

આર્નોલ્ડ ટોયેન્બી અને ઇસ્લામ : ડૉ. મહેબૂબ દેસાઈ

વિશ્વના મહાન ઈતિહાસકાર આર્નોલ્ડ જે. ટોયેન્બી (૧૮૮૯ થી ૧૯૭૫)ની ૧૪ એપ્રિલ ૨૦૧૫ના રોજ ૧૨૬મી જન્મ જયંતી છે. ઇતિહાસમાં બે આર્નોલ્ડ ટોયેન્બી જાણીતા છે.એક આર્નોલ્ડ ટોયેન્બી બ્રિટનના જાણીતા આર્થિક ઇતિહાસકાર, તો બીજા બ્રિટનના જ આર્નોલ્ડ જે. ટોયેન્બી વિશ્વ વિખ્યાત ઇતિહાસકાર. વિશ્વ વિખ્યાત ઇતિહાસકાર આર્નોલ્ડ ટોયેન્બીએ તેમના જીવનકાળ દરમિયાન જાપાનની સાંગ્યો યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. ત્યારે સાંગ્યો યુનિવર્સિટના પ્રોફેસર કૈ વકાઈઝૂમીએ તેમની સાથે વિવિધ વિષયો અંગે વાર્તાલાપ કર્યો હતો. એ વાર્તાલાપ તેના મૂળ સ્વરૂપમાં જાપાનના સામયિક "મૈનિશી શિબુન"માં હપ્તાવાર પ્રસિદ્ધ થયો હતો. એ વાર્તાલાપમાં પુછાયેલા વિવિધ વિષયોને લગતા ૬૭ પ્રશ્નો અને તેના આર્નોલ્ડ ટોયેન્બી આપેલા ઉત્તરો હાલમાં જ મારા વાંચવામાં આવ્યા. તેમાં આર્નોલ્ડ ટોયેન્બીના વિચારોની સ્પષ્ટતા અને તેના બેબાક ઉત્તરો મનને જીતી લે તેવા છે. તેનો ગુજરાતી અનુવાદ "ભાવિમાં ટકી રહેવા માટે" (૧૯૮૨) નામે આપણા જાણીતા સાહિત્ય વિવેચક મા. તખ્તસિંહ પરમારે વર્ષો પૂર્વે ભાષાન્તર નિધિ દ્વારા કર્યોં હતો. એ વાર્તાલાપમાં આર્નોલ્ડ ટોયેન્બીએ જીવનહેતુ, યંત્રો, ધર્મ, શિક્ષણ, ટેકનોલોજી અને નવી પેઢી અંગેના પોતાના વિચારો વ્યક્ત કર્યાં છે. તેમાં ઇસ્લામ અને હિંદુ ધર્મ વિષયક આર્નોલ્ડ ટોયેન્બીના વિચારો જાણવા જેવા છે. પ્રોફેસર કૈ વકાઈઝૂમીના ધર્મ વિષયક એક પ્રશ્નના જવાબમાં, ધર્મની પોતાની સમજને વ્યકત કરતા આર્નોલ્ડ ટોયેન્બી કહે છે,

"નૈતિકતાના ગાળા વિષે મેં ખુબ વાતો કરી, પણ ધર્મના સંદર્ભમાં હું નૈતિકતાનો અર્થ કયો કરું છું તે મેં કહ્યું નથી. મારે મન નૈતિકતા એટલે એક સમાજિક પ્રાણી તરીકે પોતાના બાંધવો સાથેના સબંધો માટે આવશ્યક વર્તનનું એક ધોરણ. પોતાનાથી પર એવા કોઈ તત્વ સાથે સબંધ સ્થાપવા માટે, આપણે જોયું છે તેમ મનુષ્યે પોતાના અહં પર વિજય પ્રાપ્ત કરવો પડે છે, અહંથી પર થવું પડે છે. ધર્મનો આ પ્રથમ અને મૂળભૂત તકાજો છે. માટે જ પ્રત્યેક ધર્મમાં, અન્ય બાબતો સાથે, નૈતિક વર્તનના ધોરણોનો સમાવેશ થાય છે."

આર્નોલ્ડ ટોયેન્બીએ માનવ સંસ્કૃતિ અને તેના ધર્મોનો વિશેષ અભ્યાસ કર્યો હતો. હિંદુ ધર્મ અને ઇસ્લામ અંગેના તેમના વિચારો ઘણા પ્રમાંર્જીત અને સંતુલિત હતા. બંનેને એક બીજાના પુરક માનતા આર્નોલ્ડ ટોયેન્બી કહે છે,

"વિશ્વપારની પરમ સત્તા અંગે હિંદુ-ઇસ્લામની અભિવ્યક્તિ ભિન્નતાનું ઉત્તમ દ્રષ્ટાંત છે. પણ આ બંને નિરૂપણો પરસ્પર વિરોધી હોય તેમ હું માનતો નથી. એ વિરોધી નહિ, એક બીજાના પુરક છે. તે એક બીજાની પુરતી કરે છે. મૂળભૂત રીતે વિવિધતામાં એકતાનો ખ્યાલ હિંદુ ધર્મ રજુ કરે છે. હિંદુ ધર્મ ભિન્નતા કરતા વ્યક્તિચેતનાથી પર એવા બ્રહ્મતત્વ વાત કરે છે. આ વ્યક્તિ નર દેહધારી વ્યક્તિ કરતા ખુબ ખુબ વિશેષ છે. પણ માનવ કે પશુરૂપ ધરતા દેવ દેવીઓની, અવતારવાદી પરંપરા પણ એ સ્વીકારે છે. ત્યારે ઇસ્લામ પરમ સત્તાના માનવીય પાસા પર- જેને કારણે માનવ તેની સાથે સંબધ સ્થાપી શકે- પર ભાર મુકે છે. માનવ જાતને આ બંને રૂપોની જરૂર છે. ભિન્ન ભિન્ન વ્યક્તિઓને પોતાની સ્વભાવભિન્નતા અને દ્રષ્ટિભિન્નતાને કારણે આ બેમાંથી એક રૂપની ઝંખના રહ્યા કરે છે."

આર્નોલ્ડ ટોયેન્બીના હિંદુ અને ઇસ્લામ અંગેના ઉપરોક્ત વિચારો વિશ્વ સમાજમાં બંનેનું મુલ્ય સ્વીકારવા પ્રેરે છે. બંનેની આરાધના-ભક્તિમાં ઇષ્ટ દેવની ઈબાદત-પૂજાને આર્નોલ્ડ ટોયેન્બી પ્રાધાન્ય આપે છે. ઈશ્વરના માનવ કે પશુરુપનો ઉલ્લેખ કરતા આર્નોલ્ડ ટોયેન્બી કહે છે કે અવતારવાદી પરંપરા એ હિંદુ ધરમનું ઉજળું પાસુ છે. ઈશ્વર કે ખુદાની પ્રાપ્તિ માટે અહંને ઓગળી નાખાવની શરત બને ધર્મમાં સમાન છે. ઇસ્લામના માનવીય અભિગમને આર્નોલ્ડ ટોયેન્બી બખૂબી વ્યક્ત કરે છે. પરમ સત્તા અર્થાત ખુદા અને માનવી સાથેના માનવીય સંબંધો પર ઇસ્લામ અવલંબિત છે. બંને ધર્મની ભિન્નતાના ઉજળા પાસાને વ્યક્ત કરતા આર્નોલ્ડ ટોયેન્બી કહે છે,

"આ સ્વભાવભિન્નતાને જાતિ કે રાષ્ટ્ર સાથે સબંધ નથી. પ્રત્યેક માનવસમુહમાં એક્યા  બીજા સ્વરૂપે ભિન્નતાનું અસ્તિત્વ હોય છે જ. પણ ભિન્ન ભિન્ન ધર્મોના અનુયાયીઓ પરસ્પર સહિષ્ણુ બને એ  જરૂરી છે. કારણ કે આ ભિન્ન માર્ગો એક જ સમાન લક્ષ્ય તરફ દોરી જાય છે. જેથી અમુક વ્યક્તિ બીજા માર્ગનું અનુકરણ કરતી હોય તો તેની સાથે ઝગડો કરવાની જરૂર નથી. એનો સહર્ષ સ્વીકાર જરૂરી છે. ઐતિહાસિક ધર્મોમાં ઘુસી ગયેલ બિનજરૂરી અવરોધો દૂર કરવા જરૂરી છે. તેનાથી સમાજને મુક્ત કરવો જરૂરી છે. તો જ ધર્મોની ભિન્નતા સમાજમાં એખલાસ સર્જશે"

ધાર્મિક વિભૂતિઓ અંગે પણ આર્નોલ્ડ ટોયેન્બીના વિચારો ઘણા પર્માંર્જિત છે. ઇ.સ. પૂર્વે છઠા સૈકાના ધાર્મિક પુરુષો વિષે લખતા આર્નોલ્ડ ટોયેન્બી કહે છે,

"આ સૈકામાં આધ્યાત્મિક વિભૂતિઓ, ધર્મસ્થાપકો અને તત્વજ્ઞાનીઓની તેજસ્વી જ્યોતીર્માંલા એક સાથે અસ્તિત્વમાં હતી. બુદ્ધ, લાઓત્સ, કન્ફ્યુશિયસ, પયગમ્બર ઝરથુસ્ત અને ઇઝરાઇલના અનામી મસીહા આ શતકમાં થઈ ગયા. જેમણે ધર્મને સમાજના ઉથાન અને સમાનતાની ધરી બનાવી હતી. ઈ.સ. પૂર્વે આઠમાં શતકથી ઈ.સ.ના સાતમાં શતક દરમિયાન મહમદ માનવતા ની વાત કરતા જોવા મળે છે."

ટુંકમાં, દુનિયાના ધર્મોની ભિન્નતાનો આર્નોલ્ડ ટોયેન્બી જરૂર સ્વીકાર કરે છે. પણ તેમાં સમાનતા, સહિષ્ણુતા અને માનવતાને તે નિહાળે છે. અને માનવ સમાજને તેમાંથી સહ અસ્તિત્વમાં રહેવાની મળતી શીખ પર ભાર મુકે છે. તેને પ્રાધાન્ય આપે છે.
 

Sunday, March 22, 2015

ઘેટ્ટો આઈઝેશન : એક અભ્યાસ : ડૉ. મહેબૂબ દેસાઈ

ઘેટ્ટો આઈઝેશન શબ્દ સામાન્ય જન માટે કદાચ નવો હશે. પણ બુદ્ધિજીવી સમાજ માટે તે જાણીતો અને વિચારક શબ્દ છે. વેબસ્ટર ન્યુ વર્ડ ડિક્શનેરીમાં આ શબ્દની વ્યાખ્યા આપતા લખ્યું છે,

"ઘેટોઝ એટલે શહેરનો કોઈ પણ એવો ભાગ જેમાં લધુમતી જૂથના સભ્યો રહેતા હોય"

રેન્ડમ હાઉસ ડિક્શનેરી ઘેટોઝ શબ્દની વ્યાખ્યા આપતા કહે છે,

"શહેરનો એ ભાગ જે ખાસ કરીને ઝુંપડપટીનો ગીચ વસ્તી વિસ્તાર છે. જેમાં મુખ્યત્વે કરીને નીગ્રો કે બીજા કોઈ લઘુમતી જૂથ નિવાસ કરે છે. આમ મોટે ભાગે સામજિક કે આર્થિક મર્યાદાઓને કારણે થાય છે."

ભારતના ગામડાઓ અને શહેરોમાં ઘેટ્ટો આઈઝેશન દરેક યુગમાં જોવા મળે છે. પ્રાચીન સમયમાં બ્રામણો ગામના મધ્ય રહેતા, વૈશ્યો એ પછી રહેતા, ક્ષત્રીઓ એ પછી અને શુદ્રો ગામની બહાર રહેતા. આ વ્યવસ્થા સંસ્કારો અને સામાજિક સ્થાનને ધ્યાનમાં રાખી સ્વીકારવામાં આવી હતી. મધ્યયુગમાં પણ હિંદુ મુસ્લિમ લત્તાઓ હતા. ગુજરાતમાં છેલ્લા પચ્ચાસ વર્ષોથી બાંધકામના વ્યવસાયમાં સક્રિય અને અમદાવાદની પ્રજાને પોળોમાંથી ફ્લેટોમાં વસવાટ કરવા પ્રેરનાર બકેરી ગ્રુપના સ્થાપક શ્રી અનિલભાઈ બકેરી કહે છે,

"ઘેટ્ટો આઈઝેશન ૨૦૦૨ પછીની પ્રક્રિયા નથી. એ તો પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાં પણ હતી. અહેમદ શાહ બાદશાહે અમદાવાદ શહેર વસાવ્યું ત્યારે તેમણે  જૈન વસાહતો, હિંદુ વસતો અને મુસ્લિમ વસાહતો અલગ અલગ રીતે વસાવી હતી. અલબત્ત એ સમયે સુરક્ષા કરતા સંસ્કારો ઘેટ્ટો આઈઝેશનના મૂળમાં હતા."

પણ આજે ઘેટ્ટો આઈઝેશન શબ્દનો અર્થ અને સમજ બદલાયા છે. તેના કારણો અને પરિણામોનો વિગતે અભ્યાસ ગુજરાત વિદ્યાપીઠના અધ્યાપિકા ડૉ. દામિની શાહે કર્યો છે. જેનું હાલમાં જ પ્રકાશન "મુસ્લિમ ઘેટ્ટોઆઈઝેશન : એક કરુણ દાસ્તાન" નામક પુસ્તક(પ્રાપ્તિ સ્થાન : ગુર્જત સાહિત્ય ભવન, રતન પોળ નાકા, અમદાવાદ) રૂપે થયું છે. પુસ્તકના નિવેદનમાં લેખિકા લખે છે,

"ગુજરાતમાં ૨૦૦૨ના રમખાણોને કારણે મુસ્લિમોની ઘેટ્ટો આઈઝેશનની પ્રક્રીય ઘણી તીવ્ર બની. ૨૦૦૨ પછી ગુજરાતમાં માત્ર મુસ્લીમોના ઘેટોઝ ઉભા થવા પાછળના પરિબળો, હાલમાં તેમની સ્થિતિ, બહુમતી સમુદાય સાથેના તેમના સબંધો, સરકાર અને સમાજ પાસેથી તેમની અપેક્ષાઓ વગેરે જાણવા સમજવા "મુસ્લિમ ઘેટ્ટોઆઈઝેશન" પ્રક્રિયા અને લઘુમતીના જીવન પર તેની અસરો(ગુજરાતમાં ૨૦૦૨ના રમખાણો સંદર્ભે) તે વિષય પર સંશોધકે વિદ્યાવાચસ્પતિ (પીએચ.ડી.)નો અભ્યાસ કર્યો. તથ્યો અને હકીકતોના આધારે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આ અભ્યાસ કરવામાં આવ્યો છે. આવા સંવેદનશીલ વિષયો પર અભ્યાસ ઓછા થયા છે. તેથી આ દિશામાં કામ કરનાર માટે તે આધાર બની શકે"

પુસ્તકમાં ડૉ દામિની બહેને ઘેટ્ટો આઈઝેશનના અર્થ અને સમજ સાથે ભારતમાં કોમવાદના ઉદય અને વિકાસની સુંદર અને આધારભૂત છણાવટ કરી છે. ભારતમાં કોમવાદનો ઉદય અને વિકાસ એકાદ બે દાયકાની ઘટના નથી. ૧૯૦૭માં મુસ્લિમ લીગની સ્થાપના અને એ પછી ૧૯૨૫ના રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘની સ્થાપનાના મૂળમાં અંગ્રેજોની હિંદુ મુસ્લિમ વચ્ચે ભાગલા પાડીને શાસન કરવાની કૂટનીતિ જવાબદાર હતી. જે ૧૯૪૭માં અંગ્રેજોની વિદાય પછી પણ આપણા રાજકારણીઓ યથાવત ચાલુ રાખી છે. કોમવાદના પ્રસાર માટેના પરિબળો આલેખતા ડો.ઘનશ્યામ શાહના અવતારને ટાંકતા સંશોધક લખે છે,

"૧૯૬૦ના દાયકામાં ભારત પાકિસ્તાન યુદ્ધ, આર્થિક ક્ષેત્રે નબળો દેખાવ, કોંગ્રેસના વળતા પાણી, વગેરે પરિબળોએ કોમવાદને વિકસાવવામાં મદદ કરી. કોમી ઘર્ષણોની સંખ્યા ૧૯૬૧ થી ૧૯૬૫માં દર વર્ષે ૨૯૧ અને ત્યાર પછી પાંચ વર્ષમાં દર વર્ષે ૩૪૬ પર પહોંચી. કોમી રમખાણોની વધતી સંખ્યાએ મુસ્લિમોમાં ભયનું વાતાવરણ સર્જ્યું."

પરિણામે ભારતની મુસ્લિમ લઘુમતીઓની સામાજિક, આર્થિક કે શૈક્ષણિક સ્થિતિમાં ન તો કોંગ્રેસ શાસનમાં કોઈ પરિવર્તન આવ્યું છે, કે ન ભાજપના શાસનકાળમાં કોઈ ફેરફર થયા છે. એના સ્થાને લઘુમતીઓને વોટ બેંક બનાવી તેનો ઉપાયો કરવાની નીતિ આપણા રાજકારણનું આગવું લક્ષણ બની ગઈ છે. ૨૦૦૨ પછી કોમવાદની એ નીતીમાં અસુરક્ષા અને અસલામતી જેવું એક પરિબળ વધુ ઘાટું સામેલ બન્યું. જેનો વિગતે ઉલ્લેખ ડૉ દામિની બહેને પોતાના સંશોધનમાં કરેલ છે.

મુસ્લિમ વિસ્તારોની સમસ્યાનો ચિતાર પણ તેમણે આધારભૂત રીતે આપ્યો છે. રસ્તા, ગટર, પાણી, ગેસ લાઈન, જેવી માળખાગત સુવિધાઓ પ્રત્યે મુસ્લિમ વિસ્તારોની શાસકોની ઉપેક્ષા પણ તેમણે રજુ કરી છે. અમદાવાદનો સૌથી મોટો મુસ્લિમ વિસ્તાર જુહાપુરા તેનું ઉત્તમ દ્રષ્ટાંત છે. જ્યાં ન તો આંતરિક માર્ગો છે. ન વસાહતોમાં શાસકો દ્વારા કોઈ સુવિધા ઉપલબ્ધ છે. જુહાપુરા વિસ્તારમાંથી પસાર થતા હાઈ વે પર ઓવરબ્રિજ બનાવવાની યોજના વર્ષોથી મંજુર થઇ પડી છે. પણ તેનો અમલ આજે પણ થયો નથી. પરિણામે અસહ્ય ટ્રાફિક સમસ્યાને કારણે સર્જાતા અકસ્માતોમાં માનવ મૃત્યનો આંક વધતો જાય છે. વળી, અમદાવાદમાં મુસ્લિમ વસાહતના વિસ્તારો મર્યાદિત છે. જેથી મુસ્લિમ વિસ્તારોના ફ્લેટો અને જમીનોના ભાવો સામાન્ય હિંદુ વિસ્તારો કરતા બમણા છે. પરિણામે સામાન્ય મુસ્લિમ માટે ઘરના ઘરનું સ્વપ્ન કપરું બનતું ગયું છે.

ડૉ. દામિની બહેના સર્વેના કેટલાક તારણો પણ જાણવા જેવા છે. કોમી રમખાણો શાથી થયા છે ? એવા પ્રશ્ન ઉત્તરમાં ૯૧ ટકા લોકો જણાવે છે,

"સત્તામાં રહેલા કે તે મેળવવા માટેનું રાજકારણ ખેલતા રાજકારણીઓ જ રમખાણો કરાવે છે"

એક સ્ત્રી ઉત્તરદાતાએ ઉપરોક્ત પ્રશ્નના ઉત્તરમાં કહ્યું હતું,

"અમને તો સમય જ નથી. બે ટંકના રોટલા ભેગા માંડ થઈએ છીએ. બાબરી મસ્જિત મેં જોઈ પણ નથી. અને અમને એમાં રસ પણ નથી. ગોધરામાં ટ્રેનનો ડબ્બો જેણે સળગાવ્યો તેને ફાંસી આપો. પણ અમને નિર્દોષોને શું કામ રંજાડો છો ? આ રાજકારણીઓનું પેટ એટલું મોંટુ છે કે તેમને સત્તાનો ધરાવો જ નથી, એટલે આ બધું  કરાવે છે."

ધર્મ આધારિક વસાહતો-ઘેટ્ટોઝ અંગે ૮૧ ટકા લોકો કહે છે,

"તેનાથી નવી પેઢીમાં ગેર સમજ વધશે. બે કોમો વચ્ચે અંતર વધશે. લઘુમતીઓનો વિકાસ રૂંધાશે. અને ભવિષ્યમાં કોમવાદ ભયાનક બનશે"

કોમી એકતા માટે સરકારની પાસે અપેક્ષા અંગે ૯૬ ટકા લોકો કહે છે,

"મુસ્લિમો પ્રત્યે ઓરમાયું વર્તન ન કરવું જોઈએ. મુસ્લિમોની ધાર્મિક લાગણી ન દુભાવવી, બંને ધર્મ વચ્ચે સંવાદિતતા વધે તેવા કાર્યક્રમો યોજવા જોઈ અને કોઈ પણ ધર્મનો કટ્ટરવાદ ન ચલાવી લેવો જોઈએ."

કોમી એકતા માટે સમાજ પાસે અપેક્ષા શી રાખી શકાય ? એવા પ્રશ્નના ઉત્તરમાં બહુમતી લોકો કહે છે,

"બંને કોમ ભેગી થાય તેવા મેળાવડા યોજવા જોઈએ. મુસ્લિમોમાં શિક્ષણ વધારવું જોઈએ. કોઈ પણ ધર્મની ઉશ્કેરણીજનક પ્રવૃત્તિમાં સામેલ ન થવું જોઈએ. બહુમતીએ મુસ્લિમો પ્રત્યે દ્વેષની વિચારધારા બદલાવી જોઈ. અને માનવતા રાખી વેરઝેર ભૂલી જવા જોઈએ."

ડો.દામિની બહેન શાહનું આ સંશોધન સમાજ અને રાજકારણીયો માટે અવશ્ય માર્ગદર્શક બની રહેશે, એવી આશા અસ્થાને નહિ ગણાય.

Thursday, March 12, 2015

ભગતસિંહની મનોસૃષ્ટિ : ડૉ. મહેબૂબ દેસાઈ

૨૩ માર્ચ ભારતના ઇતિહાસમાં શહીદીનો દિવસ. ભારતના ત્રણ ક્રાંતિકારીઓ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને અંગ્રેજ સરકારની તાનાશાહીએ ફાંસીના માંચડે ચડાવી દીધા. શહાદતનો દિવસ અંગ્રેજ સરકારની શિકસ્ત અને ક્રાંતિકારીઓના વિજયનો દિવસ હતો. એ ત્રણ ક્રાંતિકારીઓમાંના એક ભગતસિંહ ક્રાંતિનો જીવંત દરિયો હતા. તેમના વિચારો અને આચારોમાં ભેદ ન હતો.એક સમયે ગાંધીજીના અસહકાર આંદોલનના પ્રખર પુરસ્કર્તા ભગતસિંહ ગાંધીજીના વિચારોથી એકદમ ભિન્ન વિચાર ધારાના  નેતા બની ગયા. કારણ કે ગાંધીજીએ અસહકાર આંદોલન એકાએક બંધ કરવાની જાહેરાત કરી. પરિણામે ભગતસિંહનો વિશ્વાસ ગાંધી વિચારોમાંથી ડગી ગયો. તેમને ક્રાંતિનો માર્ગ અપનાવ્યો. ભગતસિંહના ક્રાંતિકારી વિચારોમાં કોઈ અણઘડ યુવાનની મનોદશા નથી જોવા મળતી. પણ ક્રાંતિની પુખ્ત વિચારધારના દર્શન થયા છે. જે તેમના અદાલતમાં આપેલા નિવેદનોમાંથી જોઈ શકાય છે. એમણે ક્રાંતિ સંદર્ભે ભરચક અદાલતમાં કહ્યું હતું,

"ક્રાંતિ માટે ખૂની લડાઈઓ અનિવાર્ય નથી. અને ન તો તેમાં વ્યક્તિગત પ્રતિહિંસા માટે કોઈ સ્થાન છે. એ બોમ્બ અને પિસ્તોલનો સંપ્રદાય નથી. ક્રાંતિ અમારો અભિપ્રાય છે. વિચાર છે. અન્યાય પર આધારિત આજની સમાજવ્યવસ્થામાં આમૂલ પરિવર્તન છે"

ગૃહ ત્યાગ કરી દેશ સેવામાં પરોવાયેલા ભગતસિંહ પિતાજીને એક પત્રમાં લખે છે,

"આપણે યાદ હશે કે જયારે હું નાનો હતો ત્યારે બાબાજીએ મારા યજ્ઞોપવિત વકહ્તે જાહેર કર્યું હતું કે મને દેશસેવા માટે સમર્પિત કરી દીધો છે. તેથી હું તે પ્રતિજ્ઞા પૂરી કરી રહ્યો છું"

"હિન્દુસ્તાન સમાજવાદી પ્રજાતંત્ર સંઘ"એ એસેમ્બલીમાં બોમ્બ નાખવાની યોજના બનાવી. એ યોજનાનો ઇતિહાસ પણ જાણવા જેવો છે. મૂળ યોજનામાં ક્યાય ભગતસિંહનું નામ ન હતું. તેમાં માત્ર જયદેવ કપૂર અને બટુકેશ્વર દત્તના નામો જ હતા. સુખદેવને આ નિર્ણય યોગ્ય નહોતો લાગ્યો. તેણે ભગતસિંહને પોતાનો વિચાર વ્યક્ત કરતા કહ્યું,

"શું તું ઈચ્છીશ કે તારા માટે પણ જજ એ જ ફેંસલો લખે કે જે એમણે ભાઈ પરમાનંદ માટે લખ્યો હતો કે આ વ્યક્તિ ક્રાંતિકારી આંદોલનનું મસ્તિષ્ક છે, પરતું એટલો કાયર છે કે પોતે પાછળ રહે છે અને પોતાના જુનિયરને ફાયરીંગ લાઈનમાં આગળ મોકલી દે છે."

આ વાત ભગતસિંહને ખૂંચી. વળી, "હિન્દુસ્તાન સમાજવાદી પ્રજાતંત્ર સંઘ"એ બેઠકમાં એક સુંદર મહિલા પણ હાજર હતી. સુખદેવને લાગ્યું કે ભગતસિંહ એ મહિલાથી આકર્ષાયા છે. અને એટલે પોતાનું નામ તેમણે સામેલ નથી કર્યું. બીજે દિવસે ભગતસિંહે એસેમ્બ્લીમાં બોબ ફેકવામાં પોતાનું નામ આગ્રહ કરી મુકાવ્યું. એ ઘટનાને યાદ કરતા જયદેવ કપૂર લખે છે,

"એ દિવસે ભગતસિંહે મને પહેલીવાર પરાજય આપ્યો. અને તે એક મોટા અભિયાનમાં જોડાઈ ગયો અને હું પાછળ રહી ગયો"

૮ એપ્રિલ ૧૯૨૯ના રોજ એસેમ્બ્લીમાં બોમ્બ ફેંક્યા પછી જેલના બંધિયાર વાતાવરણમાં પણ ભગતસિંહની સ્વસ્થ મનોદશા તેમના એ યુગમાં લખાયેલા પત્રોમાં વ્યક્ત થાય છે. જેલમાથી પોતાના ભાઈને લખેલા એક પત્રમાં પ્રેમ અંગેના પોતાના વિચારોને વ્યક્ત કરતા ભગતસિંહ લખે છે,

"જ્યાં સુધી પ્રેમના નૈતિક સ્તરનો સંબધ છે, હું કહી શકું કે પોતાનમાં કઈ જ નથી, સિવાય એક આદેશ, પરંતુ એ પાશવિક વૃત્તિ નહિ, એક માનવીય, અત્યંત મધુર ભાવના છે. પ્રેમ પોતાનામાં કયારેય પાશવિક વૃત્તિ નથી. પ્રેમ તો મનુષ્યના ચારિત્ર્યને ઊંચું કરે છે. તે ક્યારેય ચારિત્ર્યનું અધઃપતન કરતો નથી. પણ તેની પ્રથમ શરત એ છે કે તે સાચો પ્રેમ હોય"

"હા, એક યુવક, એક યુવતી પરસ્પર પ્રેમ કરી શકે છે અને તેઓ આવેગોથી ઉપર ઉઠી શકે છે. પોતાની પવિત્રતા જાળવી શકે છે.હું એ વાત સ્પષ્ટ કરવા માંગું છું કે જયારે મેં કહ્યું હતું કે પ્રેમ માનવીને કમજોરી છે તો તે એક સાધારણ માનવી માટે નહોતું કહ્યું.જે સ્તર પર સાધારણ માનવી હોય છે. આ એક અત્યંત આદર્શ સ્થિતિ હોય છે, જ્યાં મનુષ્ય પ્રેમ-ધૃણા આદિના આવેગો ઉપર કાબુ મેળવી લેશે. જયારે મનુષ્ય પોતાન કાર્યોના આધારે આત્માના નિર્દેશને મનાવી લેશે, પરંતુ આધુનિક સમયમાં આ બૂરાઈ નથી પણ મનુષ્યને માટે સારું અને લાભદાયક છે.મેં એક મનુષ્યના અન્ય મનુષ્ય સાથેના પ્રેમની નિંદા કરી છે, પરંતુ તે પણ એક અદ્રશ સ્તર ઉપર. આમ હોવા છતાં મનુષ્યમાં પ્રેમની ઊંડી ભાવના હોવી જોઈએ. જેને એક જ મનુષ્યમાં સીમિત ન કરી દે. પરંતુ વિશ્વમય રાખે."

ભગતસિંહની ધર્મની વિભાવના ભિન્ન હતી. તેમના ધાર્મિક વિચારો ઘણા પુખ્ત હતા. તે વિચારોની તાજગી આજે પણ આપણે મહેસૂસ કરી શકીએ છીએ.૧૯૨૮માં હિન્દી સામયિકમાં લખેલ એક લેખમાં તેઓ લખે છે,

" આ ધર્મોએ હિન્દોસ્તાનને કેદખાના જેવું બનાવી દીધું છે. બધાય, આ ધર્મવાળા અને તે ધર્મવાળા ડંડા, લાકડીઓ, તલવારો અને છુરા હાથમાં લઈને એકબીજાના માથા વધેરી રહ્યા છે. આવા કોમી હુલ્લડો પાછળ સાંપ્રદાયિક નેતાઓ અને અખબારોનો હાથ હોય છે. હિન્દોસ્તાનની નેતાગીરીનું દેવાળું નીકળી ગયુ છે. આ સ્થિતિ જોઈ રડવું આવી રહ્યું છે." 

ભગતસિંગ જ્યાં રહ્યા ત્યાં તેમણે ક્રાંતિની જ્યોત પ્રગટાવી છે. સ્વતંત્રતા, ન્યાય અને સ્વાભિમાન માટેની તેમની લડતને કોઈ સીમાના બંધનો નથી નડ્યા. જેલમાં પણ તેમનો એ સ્વભાવ યથાવત રહ્યો હતો. પોતાના અધિકારોની પ્રાપ્તિ માટે જેલમાં પણ તેમણે ક્રાંતિની જ્યોત પેટાવી હતી. ૧૭ જુન ૧૯૨૯ના રોજ ઇન્સ્પેકટર જનરલ જેલ, પંજાબ, લાહોરને લખેલા એક પત્રમાં તેઓ લખે છે,

"એસેમ્બલી બોંબકાંડ દિલ્હીના સંબધમાં મને આજીવન કેદની સજા અપાઈ છે તેથી સ્પષ્ટ છે કે હું રાજકીય કેદી છું. દિલ્હી જેલમાં મને વિશેષ ભોજન મળતું હતું. પરંતુ અહિયા આવતા મારી સાથે સામાન્ય અપરાધી જેવો વ્યવહાર કરાઈ રહ્યો છે. તેથી હું ૧૫ જુન, ૧૯૨૯થી ભુખ હડતાલ પર છું. આ બે ત્રણ દિવસોમાં મારું વજન દિલ્હી જેલની અપેક્ષાએ છ પાઉન્ડ ઘટી ગયું છે. હું આપનું ધ્યાન એ તરફ  દોરવા ઈચ્છું છું કે મને દરેક રીતે રાજકીય કેદીનો વિશેષ દરજ્જો મળવો જોઈએ. મારી માંગણીઓ છે-સારું ભોજન, (દૂધ, ધી,દાળ,ભાત વગેરે) સાથે મજુરી ન કરાવાય. સ્નાન સુવિધા (સાબુ , તેલ ,હજામત વગેરે) અને પ્રત્યેક પ્રકારનું સાહિત્ય- ઇતિહાસ,અર્થશાસ્ત્ર, રાજકીય. કવિતા, નાટક અથવા નવલકથા, સમાચારપત્રો. મને આશા છ કે આપ ઉદારતાપૂર્વક મારા કથન પર વિચાર કરશો અને આપનો નિર્ણય લેશો."

૨૩ માર્ચે ભગતસિંહને ફાંસીની સજા થઇ. ૨૨ માર્ચે તેમના સાથીઓને લખેલા એક પત્રમાં આ ક્રાંતિકારી લખે છે,

"મારું નામ હિન્દોસ્તાની ક્રાંતિકારી પક્ષનું મધ્યબિંદુ બની ચૂક્યું છે. અને ક્રાંતિ પસંદ કરનાર પક્ષના આદર્શોએ અને બલિદાનોએ મને બહુ મોટો બનવી દીધો છે.એટલો મોટો કે જીવતા રહેવાની સ્થિતિમાં આનાથી મોટો કદી ન બની શકું. આજે મારી કમજોરીઓ લોકો સામે નથી. જો હું ફાંસીથી બચી જઈશ તો તે જાહેર થઇ જશે અને ક્રાંતિ-મધ્યબિંદુ નબળું બની જશે. અથવા કદાચ ભૂંસાઈ જાય, પરંતુ મારા દિલેરી રૂપે હસતા ફાંસી મેળવવાની પરિસ્થિતિમાં હિન્દોસ્તાનની માતાઓ પોતના બાળકોને ભગતસિંહ બને એવી ઈચ્છા કર્યા કરશે. અને દેશની આઝાદી માટેના બલિદાન આપનારની શક્તિ એટલી વધી જશે કે ક્રાંતિ રોકવાની સામ્રાજ્યવાદની સંપૂર્ણ શક્તિ હણાય જશે"

ક્રાંતિના આવા સંવાહક ભગતસિંહને તેમની તેમની ૮૪મી પુણ્ય તીથી નિમિત્તે વંદન.