Sunday, January 11, 2015

ગાંધીજીનો ભારતમાં પ્રથમ સત્યાગ્રહ : ડો. મહેબૂબ દેસાઈ

ગાંધીજીના સફાઈ અભિમાન અને ભારતમાં તેમના આગમનની હાલ ઘણી ચર્ચા ચાલી રહી છે. ગાંધીજીને મહાત્માનું બિરુદ સૌ પ્રથમ સૌરાષ્ટ્રના જેતપુરમાં આપ્યાની વાત થોડા સમય પહેલા આ જ કોલમમાં મેં કરી હતી. આજે ગાંધીજીના પ્રથમ સત્યાગ્રહ અને તેની સફળતા પણ સૌરાષ્ટ્રની ધરતી પર સર્જાયેલ હતી, તે ઘટના ઇતિહાસના પાનાઓ પર આલેખાયેલ છે. છતાં ચંપારણા સત્યાગ્રહને ગાંધીજીના ભારતના પ્રથમ સત્યાગ્રહ તરીકે ઇતિહાસમાં વારંવાર મૂલવવામાં આવે છે. પણ એ ઐતિહાસિક સત્ય નથી. સૌરાષ્ટ્રની ધરતી પર જ ગાંધીજીએ પ્રથમ સત્યાગ્રહની જાહેરાત કરી હતી. અને એ જાહેરાતને સફળતા પણ સાંપડી હતી. આજે એ ઐતિહાસિક સત્યને ઉજાગર કરવું છે.

૯ જાન્યુઆરી ૧૯૧૫ના રોજ સવારે ૯.૩૦ વાગ્યે મુંબઈના બંદરે ઉતર્યા પછી ગાંધીજી તેમના મોટા ભાઈની વિધવા અને બીજા કુટુંબીજનોને મળવા રાજકોટ તથા પોરબંદર જવા નીકળ્યા હતા. રસ્તામાં વઢવાણ સ્ટેશને ત્યાના પ્રજા સેવક શ્રી મોતીભાઈ દરજી ગાંધીજીને મળવા આવ્યા. તેમણે ગાંધીજીને વિરમગામની જકાત તપાસણીથી   સૌરાષ્ટ્રની પ્રજાને પડતી અનહદ કનડગતની વાત કરી.એ ઘટનાનું આલેખન કરતા ગાંધીજી પોતાની આત્મકથા "સત્યના પ્રયોગો"માં લખે છે,

"મુંબઈથી કોઈએ તાર કાગળ મોકલ્યો હશે, તેથી વઢવાણ સ્ટેશને ત્યાના પ્રજા સેવક તરીકે પંકાયેલા દરજી મોતીભાઈ મળ્યા હતા. તેમણે મારી પાસે વીરમગામ જકાત તપાસણી અને તેને અંગે થતી વિટંબણાઓની વાત કરી. હું તાવથી પીડાતો હતો. તેથી વાતો કરવાની ઈચ્છા થોડી ઓછી હતી. મેં તેમને ટૂંકમાં જ જવાબ દીધો :

"તમે જેલ જવા તૈયાર છો ?"

વગર વિચાર્યે ઉત્સાહમાં જવાબ દેનાર ઘણા જુવાનો જેવા જ મેં મોતીભાઈને માન્ય હતા. પણ તેમણે બહુ દ્રઢતા પૂર્વક જવાબ દીધો :

"અમે જરૂર જેલમાં જશું. પણ તમારે અમને દોરવા જોઈશે. કાઠીયાવાડી તરીકે તમારી ઉપર અમારો પહેલો હક છે. અત્યારે તો અમે તમને ન રોકી શકીએ, પણ વળતા તમારે વઢવાણ ઉતારવું પડશે. અહીના જુવાનિયાઓનું કામ ને તેમનો ઉત્સાહ જોઈ તમે ખુશ થશો. અમને તમારી સેનામાં જયારે માંગશો ત્યારે ભરતીમાં લઇ શકશો."

ગાંધીજીના ભારતમાં આગમન પૂર્વે ઈ.સ. ૧૯૧૨-૧૩માં જ મોતીભાઈએ વઢવાણમાં દેશ ભક્તિની જ્યોત પ્રગટાવી હતી. ભારતમાં લોકમાન્ય તિલક મહારાજ અને દેશભક્ત ગોખલેજી આઝાદીની ચળવળ ચલાવતા હતા, ત્યારે મોતીભાઈએ તેમાં પોતાનો સૂર પુરાવી વઢવાણમાં આઝાદીનો પડઘો પાડ્યો હતો. પરિણામે ગાંધીજી તેમના સેવા કાર્યોથી ખાસ્સા પ્રભાવિત હતા. પ્લેગમાં સમાજ સેવા કરતા કરતા તેમનો જીવન દીપક બુઝાઈ ગયો હતો. તેમના અંતિમ દિવસોનો તેમને અહેસાસ થઈ ગયો હોય, પોતાના મિત્ર પથુભાઈ ભાથીને તેની જાણ કરતો પત્ર લખવા બેસાડે છે. પથુભાઈ પેન્સિલ અને કાગળ લઇ કાગળ લખવા ખાટલા પર બેસે છે. ત્યારે મોતીભાઈ તેમની સામે નજર કરતા પૂછે છે,

'પેન્સિલ સ્વદેશી છે કે વિદેશી ?'

'વિદેશી'

'જાવ સ્વદેશી પેન્સિલ લઇ આવો પછી કાગળ લખો'

આવા દેશભક્ત મોતીભાઈએ વીરમગામ જકાત બારીની સમસ્યા ગાંધીજી પાસે રજુ કરી. ગાંધીજીએ તેની ગંભીરતાથી નોંધ લીધી અને તેના અંગે કાર્યવહી આરંભી. આ અંગે ગાંધીજી પોતે લખે છે,

"કાઠીયાવાડમાં હું જ્યાં જ્યાં ફર્યો ત્યાં ત્યાં વિરામગામ જકાતની તપાસને અંગેની  હાડમારીની ફરિયાદો સંભાળી. તેથી લોર્ડ વિલિગ્ડને આપેલ નિમંત્રણનો મેં  ઉપયોગ કર્યો. આ બાબતમાં મળ્યા એટલા કાગળિયા વાંચ્યા. ફરિયાદમાં ઘણું તથ્ય હતું. એમ મેં જોયું. તે બાબતે મુંબઈની સરકાર સાથે પત્રવ્યવહાર ચલાવ્યો. સેક્રેટરીને મળ્યો. લોર્ડ વિલિગ્ડનને પણ મળેલો. તેમણે દિલસોજી બતાવી, પણ દિલ્હીની ઢીલની રાવ ખાધી"

પરિણામે ગાંધીજીએ કેન્દ્ર સરકાર સાથે પત્રવ્યવહાર કર્યો. પણ તેમના તરફથી પણ કોઈ સંતોષકારક જવાબ ન સાંપડ્યો. અંતે તા. ૧૨.૧૨.૧૯૧૫ના રોજ ગાંધીજીએ બગસરાની જાહેસભામાં વીરમગામ જકાતબારી દૂર નહિ કરવામાં આવે તો સત્યાગ્રહ કરવાની જાહેરાત કરી. અમદાવાદ રાજદ્વારી પ્રાંતિક પરિષદમાં પણ વીરમગામ જકાતબારી અંગે ઠરાવ રજુ કરવામાં આવ્યો. જેમાં કહેવામાં આવ્યું,

"કાઠીયાવાડથી બ્રિટીશ મુલકમાં આવતા લોકો ઉપર લેવામાં આવતી જકાતને લીધે જે અગવડ અને હાડમારી ખમવી પડે છે અને તેમને જે ખીજવત થાય છે તે ઉપર આ પરિષદ સરકારનું ધ્યાન ખેંચે છે. અને તેમાં પણ ખાસ કરીને વીરમગામ રેલ્વે સ્ટેશને જે રીતે જકાત લેવાનું ધોરણ છે અને જે સખ્તાઈ છે, તે ઉપર સરકારનું મુખ્યત્વે  કરીને લક્ષ ખેંચે છે. સરકારને આતુરતાથી પ્રાર્થના કરે છે કે તેમણે જકાતનું ધોરણ કાઢી નાખવું જોઈએ"

આ બધા પ્રયાસો પછી લગભગ બે વર્ષે લોર્ડ ચેમ્સફોર્ડએ ગાંધીજીની વાત સાંભળી વીરમગામના કાગળિયા તાત્કાલિક મંગાવ્યા. અને જકાતબારી રદ કરવાનું વચન આપ્યું. ઈ.સ. ૧૯૧૭ના નવેમ્બરની ૧૦મી તારીખે વિરમગામ જકાત બારી કાઢી નાખવાની સરકારે જાહેરાત કરી.  

આ જીતને ગાંધીજીએ સત્યાગ્રહની સફળતા તરીકે મૂલવતા લખ્યું છે,

"મેં આ જીતને સત્યાગ્રહના પાયારૂપે માની, કેમ કે વીરમગામ વિશે વાતો દરમિયાન મુંબઈ સરકારના સેક્રેટરીએ મને મારા તે વિશે બગસરામાં કરેલા ભાષણની નકલ પોતાની પાસે હોવાનું કહ્યું હતું. તેમાં રહેલા સત્યાગ્રહના ઉલ્લેખ વિશે તેમણે પોતાની નાખુશી પણ બતાવી હતી. તેમણે પૂછેલું,

'તમે આને ધમકી નથી માનતા ?'

મેં જવાબ આપ્યો હતો,

'આ ધમકી નથી. આ લોકકેળવણી છે. લોકોને પોતાના દુઃખ દૂર કરવાના બધા વાસ્તવિક ઉપાયો બતાવવાનો મારા જેવાનો ધર્મ છે. જે પ્રજા સ્વતંત્રતા ઈચ્છે તેની પાસે પોતાની રક્ષાના અંતિમ ઈલાજ હોવા જોઈએ. સામાન્ય રીતે આવા ઈલાજો હિંસક હોય છે. સત્યાગ્રહ એ શુદ્ધ અહિંસક શસ્ત્ર છે. તેનો ઉપયોગ ને તેની મર્યાદા બતાવવાનો મારો ધર્મ માનું છું. અંગ્રેજ સરકાર શક્તિમાન છે એ વિશે મને શંકા નથી. પણ સત્યાગ્રહ સર્વોપરી શસ્ત્ર છે એ વિશે પણ મને શંકા નથી"

આ સમગ્ર ઘટના બે બાબતો સ્પષ્ટ કરે છે.

૧. ભારતમાં ગાંધીજીએ સૌ પ્રથમ સત્યાગ્રહની જાહેરાત વીરમગામ જકાત બારી અંગે કરી હતી.

૨. ગાંધીજીને તેમના પ્રથમ સત્યાગ્રહ વીરમગામ જકાત બારીમાં સફળતા સાંપડી હતી.

ઇતિહાસના આવ અનેક સત્યો હજુ આજે પણ ઉજાગર કરવાના બાકી છે. જે ઇતિહાસની સ્થાપિત માન્યતાઓમાં પરિવર્તન કરવા સક્ષમ છે.

No comments:

Post a Comment