Saturday, December 13, 2014

ગાલીબ : એક કમનસીબ શાયર : ડૉ. મહેબૂબ દેસાઈ

૨૭ ડીસેમ્બર ૧૭૯૭માં આગ્રમાં જન્મેલ મિર્ઝા અસદુલ્લાહ બેગ ખાં અથવા મિર્ઝા નૌશા અથવા મિર્ઝા ગાલીબ (૧૭૯૭ થી ૧૮૬૯) ભારતના જ નહિ વિશ્વના મહાન શાયર હતા. ગાલિબના કવિનામ અંગે પણ નાનકડો ઇતિહાસ છે. પહેલા તેઓ "અસદ"ના નામે લખતા. પણ એજ નામે બીજો એક શાયર તદન નકામાં શેરો લખતો. એ શેરો વાંચી ગાલીબ ભડક્યા. અને પોતાનું ઉપનામ "અસદ" બદલી "ગાલીબ" રાખ્યું. ગાલીબ એટલે વિજયી. પણ વિજય તેમના જીવનમાં કોશો દૂર રહ્યો હતો. શાયરીના ક્ષેત્રમાં પણ એમના યુગમાં તેમની શાયરીની એટલી ગણના નહોતી થઇ. જેટલી આજે થાય છે. એવા કમનસીબ ૨૧૭ વર્ષ પહેલા જન્મેલા આ શાયરની શાયરી વિષે એમના મૃત્યુ પછી એટલું બધું લખાયું છે કે તેમના શેરો આજે પણ આમ માનવીની જબાન પર રમે છે.

"પૂછતે હૈ વહ કે ગાલીબ કૌન હૈ
 કોઈ બતલાઓ કિ હમ બતલાયે કયા ?"

 "જી ઢુંઢતા હૈ  ફિર વહી ફુરસત કે રાત દિન
 બેઠે રહે તસવ્વુર મેં જાનાં કિયે હુએ"

"દિલે નાદા તુઝે હુઆ કયા હૈ
આખરી ઇસ દર્દ કી દવા કયા હૈ
હમકો ઉનસે હૈ વફા કી ઉમ્મીદ
જો નહિ જાનતે વફા કયા હૈ"                                            

"ઉમ્ર ભર ગાલીબ યહી ભૂલ કરતા રહા
ધૂલ ચહેરે પર થી, ઔર આયના સાફ કરતા રહા"                     

"ગયા રાગ આયે ના આયે
હેજાજ કી બયાર આયે ના આયે
ઇસ ફકીર કે દિન પૂરે હુએ
દુસરા દીદાવર આયે ના આયે"

"ઝાહિદ શરાબ પીને દે મસ્જિત મે બેઠકર
યા વો જગહ બતા જહાં ખુદા નહિ"                                     

આવા અઝીમુશાન શાયરનું જીવન યાતનાઓ, દુ:ખો અને અપમાનોથી ભરેલું હતું. એ ઈતિહાસ બહુ જાણીતો નથી. અંગ્રેજ સરકારનું પોતાના હક્કનું પેન્શન લેવા તેમણે એટલા બધા અપમાનો સહ્યા હતા કે તેમના માનો શાયર પોકારી ઉઠ્યો હતો,

"હરેક બાત પે કહે તે હો કિ તું ક્યાં હૈ, તું હૈ
 જરા હંમે બતલાઓ યે અંદાજે ગુફ્તગુ  કયા હૈ"

છતાં એ ખુદ્દાર ઈન્સાને ન તો પોતાની ખુદ્દારી છોડી હતી, ન ઝીંદગીની નિષ્ફળતાઓ સાથે સમાધાન કરવા પ્રેર્યા હતો.

૯ ઓગસ્ટ ૧૮૧૦ના રોજ લગભગ તેર વર્ષની વયે મિર્ઝા ઈલાહ બખ્શ "મારુફ"ની પુત્રી ઉમરાવ બેગમ સાથે તેમના નિકાહ થઇ ગયા. એ ઘટનાને આલેખતા ગાલીબ લખે છે,

"૭ રજ્જબ ૧૨૨૫ હિજરીના રોજ મારા માટે સ્થાયી કેદનું ફરમાન જરી કરવામાં આવ્યું. મારા પગમાં બેડી નાખી દીધી, દિલ્હી શહેરને કારાવાસ રુપે નક્કી કરી ત્યાં મૂકી દીધો"

૧૮૨૬મા ગાલીબની આર્થિક સ્થિતિ ખુબ કથળી. અંગ્રજ સરકારના પેન્શનમા ગુજરાન મુશકેલ બન્યું.મીર મહેંદીને લખેલા એક પત્રમાં ગાલીબ લખે છે,

"મિયાં બે રીજ્ક જીને કા ઢંગ આ ગયા હૈ. ઇસ તરફ સે ખાતીર જમા રખના. રમજાન કા મહિના રોજે ખાં ખાં કે કાટા. આગે ખુદા રજ્જાક હૈ"

ભારતના આ અવ્વલ દરજ્જાના શાયરને ઝીંદગીની જરૂરતો માટે નાના નાના અનેક કામો કરવા પડ્યા હતાં.તેમાનું એક કાર્ય ઇતિહાસ લેખનનું પણ હતું. ઇ.સ. ૧૮૫૦માં ગાલીબની રાજ દરબારમાં તૈમુરવંશનો ઇતિહાસ લખવા માટે નિયુક્તિ કરવા આવી. તેના બદલામાં તેમને રૂપિયા ૫૦નુ વેતન આપવામાં આવતું. દિલ્હી કોલેજમાં ફારસીના અધ્યાપક તરીકે ટોમસ સાહબે તેમની નિયુક્તિ કરી. નોકરીના પ્રથમ દિવસે પાલકીમાં કોલેજ પહોંચ્યા. પણ કોલેજના દરવાજે ટોમસ સાહેબ આવકારવા ન આવ્યા. અને પાલકી ઉપાડનાર કહારને પાલકી પાછી ઘરે લઇ લેવા ગાલીબ સાહેબે આદેશ આપ્યો. આટલી સારી નોંકરી છોડી દેવાનું કારણ આપતા ગાલીબ ફ્ક્રથી મિત્રોને કહેતા,

"જે નોકરીથી ઈજ્જત વધવાને બદલે ઘટે તેવી નોકરી મારે નથી કરવી"

આવી ખુમારીથી જીવનાર ગાલીબ પાસે ઘરનું છાપરું ચળાવવાના પણ પૈસા ન હતા. ચોમાસામાં ઘરની છતમાંથી પાણી સતત ચુતું રહેતું. એ ઘટનાને આલેખતા એક મિત્રને તેઓ લખે છે,

"આજ દિવસ સુધી તો માત્ર કહેવત સાંભળી હતી કે "ખુદા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ" આજે છાપરામાંથી પાણી ટપકી રહ્યું છે ત્યારે એનો જાત અનુભવ થયો છે"

પોતાની જરૂરિયાતો પૂરી કરવા અનેકવાર અપાત્રોની પ્રસંશા કરવામાં ગાલિબમાનો શાયર વેડફાયો હતો. જેમ કે દિલ્હી, રામપુરા, લખનૌ અને હૈદરાબાદના શાશકો માટે પ્રશસ્તિ કાવ્યો તેમને લખ્યા હતા. જુગારખાનું ચલાવવાના ગુનાસર ગાલીબની બે વાર ધરપકડ થઇ હતી. પ્રથમવાર સો રૂપિયા દંડ થયો. બીજીવાર એજ ગુનાહ માટે છ માસ માટે શાયર ગાલીબ જેલમાં ગયા હતા. ઉત્તરાવસ્થામાં મોઘલ દરબારમાં સ્થાન મળ્યું. તો ત્યાં પણ તેમની કમનસીબી આડે આવી. મોઘલ દરબાર ઉજડી ગયો.

૧૮૫૭ની ક્રાંતિ આવી. અનેક મિત્રો અને સગાઓને ભીની આંખે વિદાય આપી. દિલ્હી ઉજડી ગયું. એ અંગે ૨ ડીસેમ્બર ૧૮૫૮ને રોજ લખેલા એક પત્રમાં ગાલીબ કહે છે,

"દિલ્હીનું અસ્તિત્વ કેટલીક પરિસ્થિતિઓ પર આધારિત હતું, કિલ્લો, ચાંદની ચોક, જુમ્મા મસ્જિતની બજાર, જમનાના પુલની સફર, વરસોવરસ મળતો ફૂલવાળાઓનો મેળો, આ પાંચ વાત આજે નથી. તો કહો દિલ્હી ક્યાં રહ્યું ?"

આવી મહામારીમાં અનેક મિત્રો જતા રહ્યા. માત્ર રહી ગયા ૭૦ વર્ષના ગાલીબ. એ વ્યથા ગાલીબ માટે કપરી હતી. એક મિત્રને આ અંગે તેમને લખ્યું હતું,

"ભાઈ, આ મહામારી કેવી ? મારા જેવા ૭૦ વર્ષના વૃદ્ધને પણ એ ન મારી શકી"

એમનાથી ઉતરતી કક્ષાના શાયરો રાજ દરબારમાં મહત્વનું સ્થાન પામ્યા હતા. જયારે ગાલિબને તેમની સાથે નિભાવવું પડ્યું હતું. કૌટુંબિક દ્રષ્ટિએ પણ ગાલીબ ઘણા દુખી હતા. એમનો ભાઈ પાગલ થઇ ગયો હતો. તેમને સાત સંતાનો થયા હતા. પણ તેમાંથી એક પણ જીવ્યું ન હતું. સાળીના છોકરા આરીફને દત્તક લીધો. તો એ પણ ભર યુવા વયે એ અલ્લાહના દરબારમાં પહોંચી ગયો.

૧૫ ફેબ્રુઆરી ૧૮૬૯ના રોજ આ કમનસીબ શાયરનું અવસાન થયું. સુખી પિતાની પુત્રી છતાં વેદનાભર્યા જીવન સાથી ઉમરાવ બેગમ પણ પછી ઝાઝું ન જીવ્યા. એક વર્ષમાં જ ૪ ફેબ્રુઆરી ૧૮૭૦ના રોજ તે પણ ખુદના દરબારમાં પહોંચી ગયા.

જીવનમાં જે શોહરતની ઝંખના ગાલીબ કરતા રહ્યા, તે તેમના અવસાન પછી તેમને મળી. અને એવી મળી કે આજે પણ શાયરી એટલે ગાલીબ એવો પર્યાય બની ગયા.

No comments:

Post a Comment