Saturday, December 27, 2014

મહંમદ સાહેબના મુબારક પત્રો : ડૉ. મહેબૂબ દેસાઈ

૪ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ ઇસ્લામના અનુયાયીઓ મહંમદ પયગમ્બર (સ.અ.વ.) સાહેબનો (ઈ.સ.૫૭૧ થી ૬૩૨)૧૪૪૪મો  જન્મદિવસ ઉજવશે. ઇસ્લામના પુનઃ સર્જક અને પ્રચારક મહંમદ સાહેબ(સ.અ.વ.)નો જન્મ ઇસ્લામી માસ રબ્બી ઉલ અવ્વલની ૧૨મી તારીખ સોમવાર,અંગ્રેજી તારીખ ૨૦ અપ્રિલ ઈ.સ.૫૭૧ના રોજ થયો હતો. હઝરત મહંમદ પયગમ્બર સાહેબે પયગંબરી મળ્યા પછી, ઇસ્લામના પ્રચાર પ્રસાર માટે કેટલાક રાષ્ટ્રોના શાસકોને પત્રો લખ્યા હતા. આવા કેટલાક પત્રો અને તેના અસલ ફોટોગ્રાફ્સનો અભ્યાસ કરવાની હમણાં તક સાંપડી. આ ઐતિહાસિક પત્રોની ભાષા અને ઇસ્લામના સિદ્ધાંતોનો સ્વીકાર કરવાની મહમદ સાહેબની વિનંતી ઇસ્લામનો પ્રચાર-પ્રસાર તલવાર કે બળના જોરે થયાની આપણી સામાન્ય માન્યતાને ખોટી પાડે છે. જેમાં રોમના રાજા હરક્યુલસ, ઈજીપ્તના રાજા, બેહરીનના ગવર્નર મુનબીર, પર્શિયના બાદશાહ ખુશરો પરવેઝ અને હબશાના બાદશાહ નજાશીને મહંમદ સાહેબે ઇસ્લામ આવવા નિમંત્રણ આપતા લખેલા અસલ પત્રોના ફોટા આ લેખ સાથે મુકયા છે.

હબશ એ અરબી શબ્દ છે. તેને એ સમયે હબશહ તરીકે પણ ઓળખવામા આવતો હતો. અરબની દક્ષિણે પૂર્વ આફ્રિકા પાસે આવેલા આ દેશને ઇથોપિયા કે એબીસીનીયા તરીકે પણ ઓળખવામા આવે છે. મહંમદ સાહેબને પયગંબરી મળ્યાના સમયમાં ત્યાં અસ-હમદ બિન અબરાજ નામક બાદશાહ શાસન કરતો હતો. એ સમયે ત્યાં ખ્રિસ્તી ધર્મનું વર્ચસ્વ હતું. ઇ.સ. ૬૧૪મા મક્કામાં કુરેશીઓના અત્યાચારથી હિજરત કરીને મુસલમાનોને હબશ અર્થાત એબીસીનીયા જવાનો આદેશ મહંમદ સાહેબે આપ્યો હતો.

ત્યારે મહંમદ સાહેબે હિજરત કરી જતી બીજી ટુકડીના સરદારને હબશાના શાસક નજાશીના નામે એક પત્ર આપ્યો હતો. એ પત્રનું લખાણ મહંમદ સાહેબના એ સમયના ઉદાર વ્યવહારને સુંદર રીતે વ્યકત કરે છે. એ પત્રમાં લખ્યું હતું,

"હું તે અલ્લાહની પ્રસંશા કરું, જેના સિવાય કોઈ ઈબાદતને લાયક નથી. જે સમગ્ર વિશ્વનો માલિક છે,પાક છે,રક્ષણદાતા છે, સલામતી અર્પનાર છે. હું ઈકરાર કરું છું કે ઈસા બિન મરિયમ અલ્લાહની રૂહ અને તેનો કલિમા છે. ઈસા મરિયમની કુખેથી જન્મ્યા છે. અલ્લાહે તેમને પોતાની રૂહ અને પોતાની શક્તિથી એવી રીતે પેદા કર્યા જેવી રીતે તેમણે આદમને પોતાના હાથે પેદા કર્યા હતા."  

ખ્રિસ્તી ધર્મની આટલી પ્રશંશા પછી ઇસ્લામની દાવત આપતા મહંમદ સાહેબ લખે છે,

"હું આપને એક માત્ર અલ્લાહ તરફ આવવા નિમંત્રણ પાઠવું છું.જેનો કોઈ ભાગીદાર નથી. અલ્લાહ ઉપર ઈમાન લઇ આવો. અલ્લાહની તાબેદારીમાં મને સાથ આપો. મારી પયગંબરી સ્વીકારો. કારણ કે હું અલ્લાહનો સંદેશવાહક છું" 

આ પછી ઈ.સ. ૬૨૯મા મહંમદ સાહેબ એક પત્ર હબશાના શાસકને લખ્યો હતો. જે પત્ર લઈને હઝરત અમ્ર બિન ઉમૈયહ દમરી હબશા ગયા હતા. મહંમદ સાહેબનો પત્ર હબશાના બાદશાહને આપ્યા પછી તેમણે અસરકારક પ્રવચન કરતા કહ્યું હતું,

"હે આલીજાહ બાદશાહ,મારું કર્તવ્ય હક-સત્ય વાતની તબલીગ (પ્રચાર) કરવાનું છે. અને આપનું  કર્તવ્ય સત્યને સાંભળવાનું છે. અમને આપના ઉપર એટલો વિશ્વાસ અને સંતોષ છે કે અમે આપને અમારી જમાતથી અલગ નથી ગણતા.અમારી અને આપની વચ્ચે ઇન્જીલ કિતાબ સૌથી મોટી સાક્ષી છે.માટે રહેમતના પયગંબર મહંમદ (સ.અ.વ.)ની પેરવી સ્વીકારવી એ સુરક્ષા, બરકત, માન અને પ્રતિષ્ઠાનો ભંડાર પ્રાપ્ત કરવા સમાન છે"

 
આ જ રીતે મહંમદ સાહેબે રોમન શહેનશાહના દરબારમાં પણ પોતાના એક રાજદુત હઝરત દિહયર બિન ખુલૈફહ કલ્બી પોતાના પત્ર સાથે મોકલ્યો હતો. કલ્બી અંત્યત ખુબસુરત અને વિદ્વાન હતો. એ સમયે રોમના સામ્રાજયનું પાટનગર કુસ્તુન-તુનીયા નામક શહેર હતું. અને તેના બાદશાહનું નામ કૈસર હતું. તે હરક્યુલસ તરીકે પણ જાણીતો હતો. હરક્યુલસ ખ્રિસ્તી ધર્મનો ચુસ્ત અનુયાયી હતો. ઈશ્વરીય ગ્રંથો તવરાત અને ઈંજીલનો પ્રખર અભ્યાસુ હતો. મહંમદ સાહેબે પોતાના રાજદુત કલ્બી સાથે રોમના બાદશાહને મોકલેલ પત્રનું વાંચન ખુલ્લા દરબારમાં કરતા પહેલા મહંમદ સાહેબના રાજદુત કલ્બીએ ખુલ્લા દરબારમાં વક્તવ્ય આપતા કહ્યું હતું,

 
"હે બાદશાહ, અલ્લાહના જે પયગમ્બરે મને આપણા દરબારમાં પોતાનો એલચી બનાવીને મોકલ્યો છે, તેઓ જગતના તમામ ઈન્સાનોમાં સૌથી શ્રેષ્ટ અને ઉંચો દરજ્જો ધરાવે છે. અને જે અલ્લાહે તેમને પોતાના પયગમ્બર બનાવ્યા છે તે સારાએ આલમમા સૌથી મહાન અને શ્રેષ્ટ છે. માટે જે કઈ હું વિનંતી રૂપે કહું તેને ધ્યાનથી, શાંતચિત્તે, દિલથી સંભાળશો. અને સંપૂર્ણ વિચારીને તેનો ઉત્તર પાઠવશો. જો પુરા ધ્યાનથી મારી વાતો સંભાળવામાં નહિ આવે તો આ મુબારક પત્રના હાર્દ સુધી પહોંચવું આપણા માટે શકય નહિ બને" 

આટલી ભૂમિકા પછી એલચી કલ્બીએ મહંમદ સાહેબનો પત્ર ખુલ્લા દરબારમાં વાંચ્યો. જેમાં લખ્યું હતું,

"આ પત્ર મહંમદ જે અલ્લાહનો બંદો અને તેનો રસુલ છે, તેના તરફથી રોમના રઈસે આઝમ હીરકલસના નામે મોકલવામાં આવી રહ્યો છે.

આ પત્ર દ્વારા હું આપને ઇસ્લામની દાવત આપું છુ. મુસ્લિમ બની ખુદાની સલામતી મેળવી લો. અલ્લાહ તમને બમણો બદલો આપશે. અલ્લાહની પનાહ નહિ સ્વીકારો તો તમારા દેશવાસીઓના તમે ગુનેગાર બનશો. હે અહેલે કિતાબ, આવો એ તરફ જે અમારી અને તમારી વચ્ચે સરખી છે. આપને અલ્લાહ સિવાય કોઈની બંદગી નહિ કરીએ. આપણામાંથી કોઈ અલ્લાહને છોડીને એકબીજાને પોતાના પાલનહાર નહિ બનાવીએ"

પત્ર પૂર્ણ થતા સમગ્ર દરબારમાં એક પળ માટે સમશાનવત શાંતિ પ્રસરી ગઈ. એ શાંતિનો ભંગ કરતા રોમના બાદશાહ હરક્યુલસે તેના દરબારીઓને કહ્યું,

"તમારી ઈચ્છા હોય કે દેશ ખુદાની રહેમતથી સલામત રહે અને તમે સફળતા મેળવતા રહો તો, અરબના આ નબીની પેરવી ગ્રહણ કરવી એ જ એક માત્ર નેકીનું કામ છે"

હઝરત મહંમદ સાહેબે રોમના નામદાર પોપના નામે પણ એક પત્ર ઇસ્લામી તબલીગ (પ્રચાર)નો પત્ર પાઠવ્યો હતો. એ સમયના નામદાર પોપનું નામ દુગાતિર હતું. એ પત્રમાં મહંમદ સાહેબે લખ્યું હતું,

"સલામ એવા શખ્સ પર જે એક અલ્લાહ પર ઈમાન લઇ આવ્યો છે. લખવાનું કે હું એવા અકીદા પર છું કે ઇસા બિન મરયમ અલ્લાહની રૂહ અને તેના અકીદા અને કલિમા છે. અલ્લાહે તેમને પાક દામન કુંવારી મરયમ તરફ મોકલાવી દીધેલા છે...... અમે ઈમાન અને અકીદાના મામલામાં અલ્લાહના તમામ પયગમ્બરોને માનીએ છીએ. માનવાની બાબતમાં અમે કોઈ પયગમ્બર વચ્ચે કોઈ ભેદ રાખતા નથી. આ કારણ છે કે અમે "મુસલમાન" એટલે માની લેનાર અથવા અલ્લાહના હુકમ સામે માથું ઝુકાવી દેનાર છીએ"

આ પત્રના જવાબમાં પોપે પોતના અનુયયીઓને સંબોધીને કહ્યું હતું કે,

"હે મસીહ બિન મરિયમના અનુયાયીઓ ! મારી પાસે અરબના પયગમ્બર અહમદનો કાગળ આવ્યો છે. હું ગવાહી આપું છું કે એક અલ્લાહ સિવાય કોઈ માઅબૂદ નથી. અને અહમદ અલ્લાહના બંદા અને તેના સાચા રસુલ છે. અરબના આ નબી અહમદે આપણને અલ્લાહના દીન-એ-હક્ક કબૂલ કરી લેવાનું આમંત્રણ આપ્યું છે."

એ જ રીતે હઝરત મહંમદ પયગમ્બર સાહેબે મિસરના બાદશાહ મુકવ-કિસને એક પત્ર લખ્યો હતો. એ પત્ર લઈને સહાબી હઝરત હાતીમ બિન અબી બલ (ર.અ) મિસરા ગયા હતા. એ પત્રમાં દુવા સલામ પછી લખ્યું હતું,

"હું તમને ઇસ્લામ કબૂલ કરી લેવા આમંત્રણ આપું છું. ઇસ્લામ સ્વીકારી આપ સલામતી અને શાંતિ મેળવશો.અલ્લાહ તેનો તમને બમણો અજર આપશે"

આવા અનેક પત્રો મહંમદ સાહેબે દેશ વિદેશના શાશકોને લખ્યા હતા. જેના આધારો ઇસ્લામિક ગ્રંથોમાં આજે પણ મોજુદ છે. પણ આ તમામ પત્રોના ક્યાય ધમકી કે બળજબરીનો ભાસ થતો નથી. એ જ ઇસ્લામની સાથી તબલીગ (પ્રચાર)નું આગવું લક્ષણ છે. 
--------------------------------------------------------------------------------------

૧. મુહમ્મદ હમીદુલ્લાહ (ડૉ.), રસુલે અકરમ કી સિયાસી ઝીંદગી, પૃ. ૧૦૬ અને તારીખે તબરી, જિલ્દ -૩, પૃ. ૭૮૯

૨. ઇબ્ને હિશામી, સીરતુન-નબી,(અનુવાદક હથુરાની અહમદ મુહમદ), ભાગ-૪, પૃ.૧૪૮૪

૩. મુહમ્મદ હમીદુલ્લાહ (ડૉ.), રસુલે અકરમ કી સિયાસતે-ખરીજહ, પૃ. ૩૫.

૪. તારીખે તબરી, જીલ્લ્દ-૩, પૃ. ૮૮

૫. મુહમ્મદ હમીદુલ્લાહ (ડૉ.), રસુલે અકરમ કી સિયાસી ઝીંદગી, પૃ. ૧૩૭. અને ઝાદુલ-મઆદ જીલ્લ્દ-૩,પૃ. ૬૧

                                                                                                 

 

Wednesday, December 17, 2014

બાપુ બાલમશાહ : ડૉ. મહેબૂબ દેસાઈ

મોઘલ બાદશાહ અકબર પુત્રની ઝંખના પૂર્ણ કરવા સલીમ ચિશ્તીની દરગાહ પર પગપાળા ગયા હતા. અને પુત્ર માટે દુવા માંગી હતી. એ દુવા ફળી અને તેમને ત્યાં પુત્રનો જન્મ થયો. એ ઘટના ભારતના ઇતિહાસમાં જાણીતી છે. ભાવનગર રાજ્યના મૂળ વંશજ મોખડાજી(ઈ.સ ૧૩૦૯-૧૩૪૭) પણ પુત્રની પ્રાપ્તિ માટે ખરકડી (તા.ઘોઘા જી. ભાવનગર)ના પીર બાલમ શાહ પાસે ગયા હતા. અને તેમની દુવાથી મોખાડાજીને પુત્ર પ્રાપ્ત થયાની કથા બહુ ઓછા લોકો જાણે છે. અલબત્ત તેના ઉલ્લેખો વિવિધ સાહિત્યમાં જોવા મળે છે. આપણા જાણીતા સાહિત્યકાર ગુણવત આચાર્યએ લખેલ "પીરમનો પાદશાહ" પુસ્તકમાં તેનો ઉલ્લેખ છે. એજ રીતે ઈ.સ. ૧૯૬૧માં પ્રસિદ્ધ થયેલ નાનકડી પુસ્તિકા "બાપુ બાલમ શાહ" (લે.બરકત વિરાણી અને જશવંત ભટ્ટ)માં પણ એ ઘટના આલેખાયેલી છે. એ નાનકડી પુસ્તિકા હમણાં જર્જરિત હાલતમાં જ મારા હાથમાં આવી. તેમાં બાલમ શાહ પીર અંગે લખવામાં આવ્યું છે,

"આ એ મકબરો મોટા આલીમ સાચી શરીયતના મદદગાર બરકાતોવાલા મહાન શૈખ

 અબુમોહંમદ જીકરીયા બિન મોહંમદ ગૈસબિન અબુબક્કર નીલ કુરેશી (બાલમ શાહ બાપુ) નો છે.

તેઓની અમ્મા સાહેબનું નામ ફાતિમાબીબી તે શૈખ ઇસાબીન શૈખુશ ઇસ્લામેવલ મુશ્લેમીન ગૌસુરસકલૌન શૈખ મોહ્યુદ્દીન અબ્દુલકાદર જીલાની છે.

તેઓનું જન્મ હિજરી સન ૫૬૬ના માહે રમજાનની તા ૨૭ જુમ્માની રાતે છે. ને ૧૦૦ વર્ષની જીંદગીએ હિજરી સન ૬૬૬ માહે સફર તા. ૭ના રોજ જોહર અને અસર વચ્ચે ખુદની રહેમતમાં પહોંચ્યા."

આ ઐતિહાસિક વિગતોના આધારે આજે પણ મુસ્લિમ સવ્વાલ માસની નવમી તારીખથી નાનકડા ખરકડીમાં માનવ મહેરામણ ઉભરાયા છે. હિંદુ મુસ્લિમ સૌ સમાન ભાવે હજારોની સંખ્યામાં ઉર્સની ઉજવણી મેળાના સ્વરૂપે કરે છે. એ દિવસે ખરકડી ગામનું વેરાન પાદર ડેરા તંબુઓ થી ભરાઈ જાય છે. ઉર્સની રાત્રે સીદી બાદશાહોની ટોળકી કવ્વાલીની રમઝટ બોલાવે છે. અને બાલમ શાહની શાનમાં કવ્વાલી અને ગીતો ગાય છે. લોકજીભે રમતા એ ગીતો માનવા જેવા છે. જેમાં બાલમ શાહ પીરના કાર્યોની પ્રશંશા જોવા મળે છે. આ ગીતો આજ દિન સુધી માત્ર લોક્જીને જીવંત રહ્યા છે.

 "બાલમ શાહ બળવાન રે, રબ કો રીઝને વાલે

 રબ કો રીઝને વાલે, શેર મુલતાન કે રહનેવાલે

 પડા થા મુલતાન મેં કાલ, સબ હોતે  થે બેહાલ

  ખિલાતે અજા બચાતે ખાલ, જિંદા બનાને વાલે 

  આયે દિલ્હી કે દરમિયાન, વહાં ભેખોં કા નહિ માન

 પિસાતા ચકીયાતોના દાન, ઉસકો ફિર છુડાને વાલે"


"મુલતાન મુલકથી ઔલિયા આવ્યા ને

 ખરકડી એ કીધા મુકામ

 ને જો મારીને વીરડો ગાળ્યો

 નદીએ ખળકયા નીર"

આ પંક્તિમાં બાલમ શાહની દુવાથી ઉજ્જડ રેતીના પટમાંથી નીકળેલ વીરડાની વાત છૂપાએલી છે. પાણી માટે તરસતી પ્રજાની યાતનાઓથી વાકેફ બાલમ શાહ એ પોતાના એક અનુયાયી ખાનજીને રેતાળ પ્રદેશમાં વીરડા માટેની જગ્યા બતાવતા કહ્યું,

"ખાનજી, બિસ્મિલ્લાહ બોલી આહી વીરડો ગાળો"

"બાપુ, કાળે ઉનાળે અહિયા તો કાંકરા ઉડે છે. અહિયા પાણી કયાથી મળે"

"તું ખાડો તો કર, મને ખુદામાં વિશ્વાસ છે"

અને ખાનજીએ ખાડો કર્યો. પળવારમાં તો વીરડાના અંતર પટમાંથી પાણીની આછી સરવાણીની ફૂટી. અને

"બાપુ, પાણી " કહેતા ખાનજી તો હર્ષના આવેશમાં નાચી ઉઠ્યો. જયારે બાપુ બાલમ શાહએ વીરડાના પાણીથી વઝું કર્યું. અને વીરડા પાસે જ બે રકાત શુક્રાનાની નમાઝ પઢી, ખુદનો શુક્ર અદા (આભાર માન્યો) કર્યો.


"જીકારીયા પાસ આવે, પરસિદ્ધ મુરાદ પાવે

 દેખે દાલીદાર જાવે, કષ્ટ હરને વાલે હય

 દરગાપે નૂર સારે, બજે ગગને નગારે

 સચ્ચે દીન કે ઉજારે, સબ કે લીયે ન્યારે હય

પાક જાત હોકે પ્યારે, નાબીસાબ'કે નિવાસે

મહંમદ કે દુલારે, દુબે જહાજ તારે હય"


હિંદુ ભક્તોએ રચેલ આ રચનામાં બાલમ શાહના કાર્યની પ્રશંશા જોવા મળે છે. એ યુગના સંતો માત્ર કોઈ એક મઝહબ કે ધર્મના ન હતા. તેઓ સાચા અર્થમાં સમાજ સુધારકો પણ હતા. ભીમાની દારૂ અને જુગારની લત છોડાવવા અડધી રાત્રે તેના ઘરે બાલમ શાહ બાપુ જાય છે અને ભીમને કહે છે,

" જો તું દારૂ જુગાર નહિ છોડે તો, હું ગામ છોડીને ચાલ્યો જઈશ"

અને ભીમો બાપુના ચરણોમાં પડી જાય છે. એ દિવસથી તેણે દારૂ અને જુગાર હંમેશ માટે છોડી દીધા.

ખુદાના આવા બંદોઓ એ જ ભારતમાં ન્યાત જાત કે ધર્મના ભેદો ને વિસરી જઈ, મહોબ્બત અને એખલાસને જીવંત રાખનું ઉમદા કાર્ય કર્યું છે. વર્ષો પહેલા બાલમ શાહ બાપુની સુવાસને પોતાની કલમ દવારા પ્રસરાવનાર હિંદુ મુસ્લિમ એકતાના પ્રતિક સમા બરકત વિરાણી અને જશવંત ભટ્ટને પણ આકાશભરીને અભિનંદન.    

Tuesday, December 16, 2014

Saturday, December 13, 2014

ગાલીબ : એક કમનસીબ શાયર : ડૉ. મહેબૂબ દેસાઈ

૨૭ ડીસેમ્બર ૧૭૯૭માં આગ્રમાં જન્મેલ મિર્ઝા અસદુલ્લાહ બેગ ખાં અથવા મિર્ઝા નૌશા અથવા મિર્ઝા ગાલીબ (૧૭૯૭ થી ૧૮૬૯) ભારતના જ નહિ વિશ્વના મહાન શાયર હતા. ગાલિબના કવિનામ અંગે પણ નાનકડો ઇતિહાસ છે. પહેલા તેઓ "અસદ"ના નામે લખતા. પણ એજ નામે બીજો એક શાયર તદન નકામાં શેરો લખતો. એ શેરો વાંચી ગાલીબ ભડક્યા. અને પોતાનું ઉપનામ "અસદ" બદલી "ગાલીબ" રાખ્યું. ગાલીબ એટલે વિજયી. પણ વિજય તેમના જીવનમાં કોશો દૂર રહ્યો હતો. શાયરીના ક્ષેત્રમાં પણ એમના યુગમાં તેમની શાયરીની એટલી ગણના નહોતી થઇ. જેટલી આજે થાય છે. એવા કમનસીબ ૨૧૭ વર્ષ પહેલા જન્મેલા આ શાયરની શાયરી વિષે એમના મૃત્યુ પછી એટલું બધું લખાયું છે કે તેમના શેરો આજે પણ આમ માનવીની જબાન પર રમે છે.

"પૂછતે હૈ વહ કે ગાલીબ કૌન હૈ
 કોઈ બતલાઓ કિ હમ બતલાયે કયા ?"

 "જી ઢુંઢતા હૈ  ફિર વહી ફુરસત કે રાત દિન
 બેઠે રહે તસવ્વુર મેં જાનાં કિયે હુએ"

"દિલે નાદા તુઝે હુઆ કયા હૈ
આખરી ઇસ દર્દ કી દવા કયા હૈ
હમકો ઉનસે હૈ વફા કી ઉમ્મીદ
જો નહિ જાનતે વફા કયા હૈ"                                            

"ઉમ્ર ભર ગાલીબ યહી ભૂલ કરતા રહા
ધૂલ ચહેરે પર થી, ઔર આયના સાફ કરતા રહા"                     

"ગયા રાગ આયે ના આયે
હેજાજ કી બયાર આયે ના આયે
ઇસ ફકીર કે દિન પૂરે હુએ
દુસરા દીદાવર આયે ના આયે"

"ઝાહિદ શરાબ પીને દે મસ્જિત મે બેઠકર
યા વો જગહ બતા જહાં ખુદા નહિ"                                     

આવા અઝીમુશાન શાયરનું જીવન યાતનાઓ, દુ:ખો અને અપમાનોથી ભરેલું હતું. એ ઈતિહાસ બહુ જાણીતો નથી. અંગ્રેજ સરકારનું પોતાના હક્કનું પેન્શન લેવા તેમણે એટલા બધા અપમાનો સહ્યા હતા કે તેમના માનો શાયર પોકારી ઉઠ્યો હતો,

"હરેક બાત પે કહે તે હો કિ તું ક્યાં હૈ, તું હૈ
 જરા હંમે બતલાઓ યે અંદાજે ગુફ્તગુ  કયા હૈ"

છતાં એ ખુદ્દાર ઈન્સાને ન તો પોતાની ખુદ્દારી છોડી હતી, ન ઝીંદગીની નિષ્ફળતાઓ સાથે સમાધાન કરવા પ્રેર્યા હતો.

૯ ઓગસ્ટ ૧૮૧૦ના રોજ લગભગ તેર વર્ષની વયે મિર્ઝા ઈલાહ બખ્શ "મારુફ"ની પુત્રી ઉમરાવ બેગમ સાથે તેમના નિકાહ થઇ ગયા. એ ઘટનાને આલેખતા ગાલીબ લખે છે,

"૭ રજ્જબ ૧૨૨૫ હિજરીના રોજ મારા માટે સ્થાયી કેદનું ફરમાન જરી કરવામાં આવ્યું. મારા પગમાં બેડી નાખી દીધી, દિલ્હી શહેરને કારાવાસ રુપે નક્કી કરી ત્યાં મૂકી દીધો"

૧૮૨૬મા ગાલીબની આર્થિક સ્થિતિ ખુબ કથળી. અંગ્રજ સરકારના પેન્શનમા ગુજરાન મુશકેલ બન્યું.મીર મહેંદીને લખેલા એક પત્રમાં ગાલીબ લખે છે,

"મિયાં બે રીજ્ક જીને કા ઢંગ આ ગયા હૈ. ઇસ તરફ સે ખાતીર જમા રખના. રમજાન કા મહિના રોજે ખાં ખાં કે કાટા. આગે ખુદા રજ્જાક હૈ"

ભારતના આ અવ્વલ દરજ્જાના શાયરને ઝીંદગીની જરૂરતો માટે નાના નાના અનેક કામો કરવા પડ્યા હતાં.તેમાનું એક કાર્ય ઇતિહાસ લેખનનું પણ હતું. ઇ.સ. ૧૮૫૦માં ગાલીબની રાજ દરબારમાં તૈમુરવંશનો ઇતિહાસ લખવા માટે નિયુક્તિ કરવા આવી. તેના બદલામાં તેમને રૂપિયા ૫૦નુ વેતન આપવામાં આવતું. દિલ્હી કોલેજમાં ફારસીના અધ્યાપક તરીકે ટોમસ સાહબે તેમની નિયુક્તિ કરી. નોકરીના પ્રથમ દિવસે પાલકીમાં કોલેજ પહોંચ્યા. પણ કોલેજના દરવાજે ટોમસ સાહેબ આવકારવા ન આવ્યા. અને પાલકી ઉપાડનાર કહારને પાલકી પાછી ઘરે લઇ લેવા ગાલીબ સાહેબે આદેશ આપ્યો. આટલી સારી નોંકરી છોડી દેવાનું કારણ આપતા ગાલીબ ફ્ક્રથી મિત્રોને કહેતા,

"જે નોકરીથી ઈજ્જત વધવાને બદલે ઘટે તેવી નોકરી મારે નથી કરવી"

આવી ખુમારીથી જીવનાર ગાલીબ પાસે ઘરનું છાપરું ચળાવવાના પણ પૈસા ન હતા. ચોમાસામાં ઘરની છતમાંથી પાણી સતત ચુતું રહેતું. એ ઘટનાને આલેખતા એક મિત્રને તેઓ લખે છે,

"આજ દિવસ સુધી તો માત્ર કહેવત સાંભળી હતી કે "ખુદા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ" આજે છાપરામાંથી પાણી ટપકી રહ્યું છે ત્યારે એનો જાત અનુભવ થયો છે"

પોતાની જરૂરિયાતો પૂરી કરવા અનેકવાર અપાત્રોની પ્રસંશા કરવામાં ગાલિબમાનો શાયર વેડફાયો હતો. જેમ કે દિલ્હી, રામપુરા, લખનૌ અને હૈદરાબાદના શાશકો માટે પ્રશસ્તિ કાવ્યો તેમને લખ્યા હતા. જુગારખાનું ચલાવવાના ગુનાસર ગાલીબની બે વાર ધરપકડ થઇ હતી. પ્રથમવાર સો રૂપિયા દંડ થયો. બીજીવાર એજ ગુનાહ માટે છ માસ માટે શાયર ગાલીબ જેલમાં ગયા હતા. ઉત્તરાવસ્થામાં મોઘલ દરબારમાં સ્થાન મળ્યું. તો ત્યાં પણ તેમની કમનસીબી આડે આવી. મોઘલ દરબાર ઉજડી ગયો.

૧૮૫૭ની ક્રાંતિ આવી. અનેક મિત્રો અને સગાઓને ભીની આંખે વિદાય આપી. દિલ્હી ઉજડી ગયું. એ અંગે ૨ ડીસેમ્બર ૧૮૫૮ને રોજ લખેલા એક પત્રમાં ગાલીબ કહે છે,

"દિલ્હીનું અસ્તિત્વ કેટલીક પરિસ્થિતિઓ પર આધારિત હતું, કિલ્લો, ચાંદની ચોક, જુમ્મા મસ્જિતની બજાર, જમનાના પુલની સફર, વરસોવરસ મળતો ફૂલવાળાઓનો મેળો, આ પાંચ વાત આજે નથી. તો કહો દિલ્હી ક્યાં રહ્યું ?"

આવી મહામારીમાં અનેક મિત્રો જતા રહ્યા. માત્ર રહી ગયા ૭૦ વર્ષના ગાલીબ. એ વ્યથા ગાલીબ માટે કપરી હતી. એક મિત્રને આ અંગે તેમને લખ્યું હતું,

"ભાઈ, આ મહામારી કેવી ? મારા જેવા ૭૦ વર્ષના વૃદ્ધને પણ એ ન મારી શકી"

એમનાથી ઉતરતી કક્ષાના શાયરો રાજ દરબારમાં મહત્વનું સ્થાન પામ્યા હતા. જયારે ગાલિબને તેમની સાથે નિભાવવું પડ્યું હતું. કૌટુંબિક દ્રષ્ટિએ પણ ગાલીબ ઘણા દુખી હતા. એમનો ભાઈ પાગલ થઇ ગયો હતો. તેમને સાત સંતાનો થયા હતા. પણ તેમાંથી એક પણ જીવ્યું ન હતું. સાળીના છોકરા આરીફને દત્તક લીધો. તો એ પણ ભર યુવા વયે એ અલ્લાહના દરબારમાં પહોંચી ગયો.

૧૫ ફેબ્રુઆરી ૧૮૬૯ના રોજ આ કમનસીબ શાયરનું અવસાન થયું. સુખી પિતાની પુત્રી છતાં વેદનાભર્યા જીવન સાથી ઉમરાવ બેગમ પણ પછી ઝાઝું ન જીવ્યા. એક વર્ષમાં જ ૪ ફેબ્રુઆરી ૧૮૭૦ના રોજ તે પણ ખુદના દરબારમાં પહોંચી ગયા.

જીવનમાં જે શોહરતની ઝંખના ગાલીબ કરતા રહ્યા, તે તેમના અવસાન પછી તેમને મળી. અને એવી મળી કે આજે પણ શાયરી એટલે ગાલીબ એવો પર્યાય બની ગયા.

Monday, December 8, 2014

સૂફીસંત અનવર મિયાં : ડૉ. મહેબૂબ દેસાઈ

ગુજરાતના સૂફીસંતોમાં વિસનગરના સૂફીસંત મર્હુમ કાજી અનવર મિયાંનું નામ અગ્ર છે. વિસનગરમાં સવંત ૧૮૯૯ (ઈ.સ. ૧૮૪૩) ના વૈશાખ વદ ૭ શુક્રવારના દિવસે જન્મેલ અનવર મિયાંના પિતા આજમીયા અનુંમીયા ધર્મ પ્રેમી હતા. બાલ્યાવસ્થા પછી યુવાનીમાં કદમ માંડતા અનવર મિયાં વિદ્યાભ્યાસ તરફ દોરાયા. ધર્મ અભ્યાસમાં તેમનું મન સક્રિય બનતું ગયું. પરિણામે પોતાના આત્મકલ્યાણ અર્થે તેઓ જંગલ, કબ્રસ્તાન અને પીરોની કબરો પર વધુને વધુ સમય ગુજારવા લાગ્યા, શારીરિક કષ્ટો સહન કરીને પણ તેઓ એ સ્થાનો પર એકાગ્ર ચિતે મનન ચિંતન કરતા. તેમના આ પ્રકારના જીવન અંગે તેમના એક અંતેવાસી મનસુખલાલ ચુનીલાલ લખે છે,

"આ પ્રમાણે જંગલ અને કબ્રસ્તાનમાં પડી રહેવાને કારણે તેમના સબંધીઓ, ભક્તો અને શિષ્યો અને ખાસ કરીને મારા સ્વર્ગવાસી વડીલ બંધુ હઠીસંગ ચુનીલાલનું મન બહુ દુખવા લાગ્યું. તેથી તેમને જંગલમાં અને કબ્રસ્તાનમાં નહિ રહી ગામમાં રહી મસ્જિતમાં પ્રભુ ભક્તિ કરવા આગ્રહ કર્યો. આમ સૌના અતિશય આગ્રહ ને કારણે તેઓ ગામમાં રહેવા લાગ્યા"

અનવર મિયાં ગામમાં આવ્યું ત્યારે કાજીવાડમાં એક જૂની મસ્જિત હતી. તેમાં રહી તેમણે ઈબાદત સિવાય દુન્વયી તમામ કાર્યોનો ત્યાગ કર્યો. સંવત ૧૯૩૭માં તેઓ મક્કા મદીના હજ પઢવા ગયા. એ પછી તેમની ખ્યાતી દિનપ્રતિદિન વધવા લાગી. લોકો તેમને  મળવા, તેમના દીદાર કરવા, તેમની દુવા લેવા આવતા. પણ આ બધું તેમને ગમતું નહિ. તેમને તો સામાન્ય માનવી બની એકાંતમાં ઈબાદત કરવાનું વધુ પસંદ હતું. પરિણામે આ બધાથી મુક્ત થવા એક દિવસ તેઓ વિસનગરના હરિજનવાસમાં એક એકાંત નાનકડી ઓરડીમાં રહેવા ચાલ્યા ગયા. પણ તેમના ભક્તો ત્યાં પણ પહોંચી ગયા. અંતે ભક્તોના અતિ આગ્રહને માન આપી તેઓ પાછા પોતાના મૂળ સ્થાને રહેવા આવી ગયા.

અનવર મિયાની ખ્યાતીથી પ્રેરાયને ઈ.સ. ૧૯૧૪માં એક યુવક વડોદરા મુકામે તેમને મળવા આવ્યો. અને પોતાને તેમનો શિષ્ય બનાવવા વિનંતી કરી. અનવર મિયાએ એક પ્યાલામાંથી પાણીના બે ઘુંટડા પી, એ પ્યાલો પેલા યુવાનને આપ્યો. અને ફરમાવ્યું,

"બચ્ચા, યે પી જા"

એ યુવાને એક પળનો પણ વિચાર કર્યાં વગર એ પી ગયો. એ પ્યાલાનું પાણી એ યુવાન માટે જ્ઞાનનું અમૃત બની ગયું. એ યુવાન તે ગુજરાતના જાણીતા સૂફીસંત સતારશાહ ચિસ્તી. એ ઘટનાને વાચા આપતા સતાર શાહ ચિસ્તી ઠેર ઠેર ગાતા,

 "એવી પ્યાલી પીધી મેં, મારા સદગુરુના હાથે

 પીતાં મારે પ્રીત બંધાણી, મારા પ્રતીમજી સંગાથે"

આવા મસ્ત મૌલા સૂફી સંત  અનવર મિયાંએ અનેક ભજનો, ગઝલો અને ગીતો ખુદાની શાનમાં રચ્યા છે. એ ગીતોનો સંગ્રહ "અનવરના કાવ્યો" ના નામે વર્ષો પહેલા પ્રસિદ્ધ થયો હતો. એમાની કેટલીક રચાનોને માણીએ. એક ગઝલ "જાની ઉઠા લે અબ તો" માં અનવર મિયાં લખે છે,

"જાની ઉઠા લે અબ તો એ પરદા નીકાબકા

 આશકકે રૂબરૂ હૈ કયા આઅસ હિજાબકા"

ખુદા કે પરમેશ્વરને સંબોધીને ભક્ત કહે છે, હે પરમાત્મા, હવે તું મારી સામેથી તારા મો ઉપરનો પરદો ઉઠાવી લે, આશાકની આગળ પરદો રાખવાનું શું કારણ છે ? દરેક સૂફી પોતાને ખુદાનો આશક ગણે છે. ખુદાને તેની પ્રેમિકા મને છે. બીજી કડીમાં અનવર મિયાં કહે છે,

"આશકકો ઇન્તઝાર હૈ દીદારકા તેરે

 કયું છુપા રહા હૈ, પહેનકે જામા તુરાબકા"

અર્થાત "આ આશક તારા મુખનું દર્શન કરવા ઘણો આતુર છે, તું શા માટે શરીર રૂપી માટીનો જામો પહેરીને સંતાઈ રહ્યો છે ?"

અનવર મિયાંની ખુદાપરસ્તી વ્યક્ત કરતી ગઝલો જેવાજ તેમના નસીહતનામા પણ  પ્રચલિત છે. જેમાં પામર માનવીની પામર આદતોનો ચિતાર આપતા અનવર મિયાં લખે છે,

"ઔર ફિર ગીબત કા આકર ઇસ તરહે ચલતા હૈ કામ

 રાત દિન હોતી હૈ લોગુંકો ઉમર ઉસમે તમામ"

 નહી કુછ ઇસમે હાથ આતા પાઈ પૈસા ઔર બદામ

 હોતે હૈ નાહક ગુન્હગાર ઔર ખાતે હૈ હરામ"

ગીબત એટલે ટીકાટીપ્પણ. લોકોની ટીકા કરવાનું રાત દિવસ અહિયા એવું કામ ચાલે છે કે તેમાં આખી જીંદગી પસાર થઇ જાય છે. અને એ કાર્યમાં નથી કશું મળતું. માત્ર માનવી ગુનેહગાર બને છે અને હરામની રોટી ખાય છે.

"અબ કિસીકી અકલકો કોઈ પસંદ કરતા નહિ

 જો કહે હક્ક બાત ઉસ પર ધ્યાન કોઈ ધરતા નહિ

 અબ તો યે કહેતે હૈ સચ મેં પેટ કુછ ભરતા નહિ

 જુઠ બોલે બીન ચકસીકા કામ અબ સરતા નહિ"

હવે તો કોઈની અકલને કોઈ પસંદ કરતુ નથી. સત્યને કોઈ ગણકારતું નથી.કારણ કે સત્યથી પેટ ભરાતું નથી. જુઠ બોલ્યા વગર હવે તો કોઈ કામ થતું નથી.મુસલમાનો માટે પણ અનવર મિયાએ એક વસિયતનામું કાવ્ય સ્વરૂપમાં લખ્યું હતું. જેની પ્રથમ પંક્તિઓ જાણવા જેવી છે,

"અય મુસલમાનો સુનો ઈમામ કી બતો તમામ

 ઔર રખો યાદ અપને દિલમે ઉસે સૂબહ શામ

 કર અકીદા અપના મોહકમ ઔર ખુદા કા લે નામ

 તુમ સમાલો અપના ઈમાં અય મુસલમાં એક નામ

 ઔર અકાયદ યાદ કર પકડો સરીયત પર કાયમ"

અય મુસલમાનો ઈમાનની વાતો સાંભળો અને હંમેશ તેને યાદ રાખો. ખુદા પર યકીન રાખો અને સરીયતના નિયમોનું પાલન કરો. .

આવા મસ્ત મૌલા સૂફી ફકરીની વફાત (અવસાન) ૨૨.૧.૧૯૧૬ના રોજ હિજરી સન ૧૩૩૪ રબીઉલ અવ્વલની ૧૬મી તારીખે બપોરે અઢી વાગ્યે થઇ. આજે પણ વિસનગરમાં આવેલી તેમની મઝાર શ્રદ્ધાળુઓ ઉભરાય છે.

 

 

સૂફીસંત અનવર મિયાં

રાહે રોશન

ડૉ. મહેબૂબ દેસાઈ

ગુજરાતના સૂફીસંતોમાં વિસનગરના સૂફીસંત મર્હુમ કાજી અનવર મિયાંનું નામ અગ્ર છે. વિસનગરમાં સવંત ૧૮૯૯ (ઈ.સ. ૧૮૪૩) ના વૈશાખ વદ ૭ શુક્રવારના દિવસે જન્મેલ અનવર મિયાંના પિતા આજમીયા અનુંમીયા ધર્મ પ્રેમી હતા. બાલ્યાવસ્થા પછી યુવાનીમાં કદમ માંડતા અનવર મિયાં વિદ્યાભ્યાસ તરફ દોરાયા. ધર્મ અભ્યાસમાં તેમનું મન સક્રિય બનતું ગયું. પરિણામે પોતાના આત્મકલ્યાણ અર્થે તેઓ જંગલ, કબ્રસ્તાન અને પીરોની કબરો પર વધુને વધુ સમય ગુજારવા લાગ્યા, શારીરિક કષ્ટો સહન કરીને પણ તેઓ એ સ્થાનો પર એકાગ્ર ચિતે મનન ચિંતન કરતા. તેમના આ પ્રકારના જીવન અંગે તેમના એક અંતેવાસી મનસુખલાલ ચુનીલાલ લખે છે,

"આ પ્રમાણે જંગલ અને કબ્રસ્તાનમાં પડી રહેવાને કારણે તેમના સબંધીઓ, ભક્તો અને શિષ્યો અને ખાસ કરીને મારા સ્વર્ગવાસી વડીલ બંધુ હઠીસંગ ચુનીલાલનું મન બહુ દુખવા લાગ્યું. તેથી તેમને જંગલમાં અને કબ્રસ્તાનમાં નહિ રહી ગામમાં રહી મસ્જિતમાં પ્રભુ ભક્તિ કરવા આગ્રહ કર્યો. આમ સૌના અતિશય આગ્રહ ને કારણે તેઓ ગામમાં રહેવા લાગ્યા"

અનવર મિયાં ગામમાં આવ્યું ત્યારે કાજીવાડમાં એક જૂની મસ્જિત હતી. તેમાં રહી તેમણે ઈબાદત સિવાય દુન્વયી તમામ કાર્યોનો ત્યાગ કર્યો. સંવત ૧૯૩૭માં તેઓ મક્કા મદીના હજ પઢવા ગયા. એ પછી તેમની ખ્યાતી દિનપ્રતિદિન વધવા લાગી. લોકો તેમને  મળવા, તેમના દીદાર કરવા, તેમની દુવા લેવા આવતા. પણ આ બધું તેમને ગમતું નહિ. તેમને તો સામાન્ય માનવી બની એકાંતમાં ઈબાદત કરવાનું વધુ પસંદ હતું. પરિણામે આ બધાથી મુક્ત થવા એક દિવસ તેઓ વિસનગરના હરિજનવાસમાં એક એકાંત નાનકડી ઓરડીમાં રહેવા ચાલ્યા ગયા. પણ તેમના ભક્તો ત્યાં પણ પહોંચી ગયા. અંતે ભક્તોના અતિ આગ્રહને માન આપી તેઓ પાછા પોતાના મૂળ સ્થાને રહેવા આવી ગયા.

અનવર મિયાની ખ્યાતીથી પ્રેરાયને ઈ.સ. ૧૯૧૪માં એક યુવક વડોદરા મુકામે તેમને મળવા આવ્યો. અને પોતાને તેમનો શિષ્ય બનાવવા વિનંતી કરી. અનવર મિયાએ એક પ્યાલામાંથી પાણીના બે ઘુંટડા પી, એ પ્યાલો પેલા યુવાનને આપ્યો. અને ફરમાવ્યું,

"બચ્ચા, યે પી જા"

એ યુવાને એક પળનો પણ વિચાર કર્યાં વગર એ પી ગયો. એ પ્યાલાનું પાણી એ યુવાન માટે જ્ઞાનનું અમૃત બની ગયું. એ યુવાન તે ગુજરાતના જાણીતા સૂફીસંત સતારશાહ ચિસ્તી. એ ઘટનાને વાચા આપતા સતાર શાહ ચિસ્તી ઠેર ઠેર ગાતા,

 

 "એવી પ્યાલી પીધી મેં, મારા સદગુરુના હાથે

 પીતાં મારે પ્રીત બંધાણી, મારા પ્રતીમજી સંગાથે"

આવા મસ્ત મૌલા સૂફી સંત  અનવર મિયાંએ અનેક ભજનો, ગઝલો અને ગીતો ખુદાની શાનમાં રચ્યા છે. એ ગીતોનો સંગ્રહ "અનવરના કાવ્યો" ના નામે વર્ષો પહેલા પ્રસિદ્ધ થયો હતો. એમાની કેટલીક રચાનોને માણીએ. એક ગઝલ "જાની ઉઠા લે અબ તો" માં અનવર મિયાં લખે છે,

"જાની ઉઠા લે અબ તો એ પરદા નીકાબકા

 આશકકે રૂબરૂ હૈ કયા આઅસ હિજાબકા"

ખુદા કે પરમેશ્વરને સંબોધીને ભક્ત કહે છે, હે પરમાત્મા, હવે તું મારી સામેથી તારા મો ઉપરનો પરદો ઉઠાવી લે, આશાકની આગળ પરદો રાખવાનું શું કારણ છે ? દરેક સૂફી પોતાને ખુદાનો આશક ગણે છે. ખુદાને તેની પ્રેમિકા મને છે. બીજી કડીમાં અનવર મિયાં કહે છે,

"આશકકો ઇન્તઝાર હૈ દીદારકા તેરે

 કયું છુપા રહા હૈ, પહેનકે જામા તુરાબકા"

અર્થાત "આ આશક તારા મુખનું દર્શન કરવા ઘણો આતુર છે, તું શા માટે શરીર રૂપી માટીનો જામો પહેરીને સંતાઈ રહ્યો છે ?"

અનવર મિયાંની ખુદાપરસ્તી વ્યક્ત કરતી ગઝલો જેવાજ તેમના નસીહતનામા પણ  પ્રચલિત છે. જેમાં પામર માનવીની પામર આદતોનો ચિતાર આપતા અનવર મિયાં લખે છે,

"ઔર ફિર ગીબત કા આકર ઇસ તરહે ચલતા હૈ કામ

 રાત દિન હોતી હૈ લોગુંકો ઉમર ઉસમે તમામ"

 નહી કુછ ઇસમે હાથ આતા પાઈ પૈસા ઔર બદામ

 હોતે હૈ નાહક ગુન્હગાર ઔર ખાતે હૈ હરામ"

ગીબત એટલે ટીકાટીપ્પણ. લોકોની ટીકા કરવાનું રાત દિવસ અહિયા એવું કામ ચાલે છે કે તેમાં આખી જીંદગી પસાર થઇ જાય છે. અને એ કાર્યમાં નથી કશું મળતું. માત્ર માનવી ગુનેહગાર બને છે અને હરામની રોટી ખાય છે.

"અબ કિસીકી અકલકો કોઈ પસંદ કરતા નહિ

 જો કહે હક્ક બાત ઉસ પર ધ્યાન કોઈ ધરતા નહિ

 અબ તો યે કહેતે હૈ સચ મેં પેટ કુછ ભરતા નહિ

 જુઠ બોલે બીન ચકસીકા કામ અબ સરતા નહિ"

હવે તો કોઈની અકલને કોઈ પસંદ કરતુ નથી. સત્યને કોઈ ગણકારતું નથી.કારણ કે સત્યથી પેટ ભરાતું નથી. જુઠ બોલ્યા વગર હવે તો કોઈ કામ થતું નથી.મુસલમાનો માટે પણ અનવર મિયાએ એક વસિયતનામું કાવ્ય સ્વરૂપમાં લખ્યું હતું. જેની પ્રથમ પંક્તિઓ જાણવા જેવી છે,

 

"અય મુસલમાનો સુનો ઈમામ કી બતો તમામ

 ઔર રખો યાદ અપને દિલમે ઉસે સૂબહ શામ

 કર અકીદા અપના મોહકમ ઔર ખુદા કા લે નામ

 તુમ સમાલો અપના ઈમાં અય મુસલમાં એક નામ

 ઔર અકાયદ યાદ કર પકડો સરીયત પર કાયમ"

 

અય મુસલમાનો ઈમાનની વાતો સાંભળો અને હંમેશ તેને યાદ રાખો. ખુદા પર યકીન રાખો અને સરીયતના નિયમોનું પાલન કરો. .

આવા મસ્ત મૌલા સૂફી ફકરીની વફાત (અવસાન) ૨૨.૧.૧૯૧૬ના રોજ હિજરી સન ૧૩૩૪ રબીઉલ અવ્વલની ૧૬મી તારીખે બપોરે અઢી વાગ્યે થઇ. આજે પણ વિસનગરમાં આવેલી તેમની મઝાર શ્રદ્ધાળુઓ ઉભરાય છે.