Monday, October 27, 2014

સ્વચ્છતા અભિયાન અને ઇસ્લામ : ડૉ. મહેબૂબ દેસાઈ

ભારતના વડા પ્રધાન મા. નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીજીના સ્વચ્છતાના આદર્શને સમગ્ર ભારતમાં અમલી બનાવી "સ્વચ્છ ભારત અભિયાન" શરુ કરેલ છે. સ્વચ્છતા એ સમગ્ર માનવજાતની અનિવાર્યતા છે. સ્વચ્છ ગામ, શહેર, રાજય અને રાષ્ટ્રને સુંદર અને સ્વસ્થ રાખવા જરૂરી છે. મોટાભાગના રોગોનું ઉગમસ્થાન અસ્વચ્છતા છે. એજ રીતે  તંદુરસ્ત અને સ્વસ્થ સમાજના સર્જન માટે સ્વચ્છતા અતિ આવશ્યક લક્ષણ છે. સમાજ સુધારક અપ્પા પટવર્ધનએ ૧૯૬૧માં સફાઈ દર્શન માસિકમાં લખ્યું છે,

"પાયખાન સાફ કરાવવાની પ્રથા પાછળ આપણી સવર્ણોની આળસ, દંભ અને પાખંડ છુપાયેલા છે. તેને નિર્મૂળ કરવા માટે જરૂરી છે આપણે નિયમિત રીતે ઓછામાં ઓછી પંદર મીનીટ આપણું ધાર્મિક કર્તવ્ય સમજીને કઈને કઈ સફાઈ કાર્ય કરતા રહીએ, તો પાયખાન સફાઈની સમસ્ય આપોઆપ ઉકેલાઈ જશે" 

ગાંધીજી સ્વચ્છતાના અતિ આગ્રહી હતા. પોતાની આસપાસની  સ્વચ્છતાનું તેઓ ખાસ ખ્યાલ રાખતા. વળી,  પોતાનું પાયખાનું પોતે સાફ કરવાનો આગ્રહ રાખતા અને કરતા પણ ખરા. કારણ કે ગાંધીજી માનતા કે સ્વછતા એજ પવિત્રતા છે. ગાંધીજી એ વાતને સમજાવતા લખે છે, 

"કોઈ પણ મ્યુનિસિપલિટી કેવળ કર નાખીને કે પગારદાર માણસો રાખીને સ્વચ્છતા અને ગીચતાના સવાલને પહોંચી ન શકે. આ મહત્વનો સુધારો તવંગર અને ગરીબ બનેના પુરેપુરા અને મરજિયાત સહકારથી જ થઇ શકે"

"પવિત્રતા પછી તુરત સ્વચ્છતાનું સ્થાન છે. જેમ આપણું મન અશુદ્ધ હોય તો આપણે ઈશ્વરના આશીર્વાદ ન પામી શકીએ તેમ શરીર અશુદ્ધ હોય તો પણ ન પામી શકીએ. સ્વચ્છ શરીર અસ્વચ્છ શહેરમાં ન શકે"

ગાંધીજીની આ વાતમાં ઇસ્લામનો એક અમુલ્ય "વઝુ" નો  સિધ્ધાંત સમાયેલો છે. અપવિત્ર શરીર પ્રાર્થના કે નમાઝ માટે યોગ્ય નથી હોતું. માટે જ ઇસ્લામમાં વઝું અર્થાત નમાઝ પૂર્વે શારીરિક રીતે શુદ્ધ થવાની ક્રિયા ફરજીયાત પણે સ્વીકારવામાં આવેલ છે. નમાઝ પહેલા દરેક મુસ્લિમ વઝું કરે છે. જેમાં પાણી દ્વારા માથું, મો, નાક, કાન, હાથ અને પગ ધોવામાં અર્થાત સાફ કરવામાં આવે છે. અને પછી મસ્જીતમાં નમાઝ પઢી  શકાય છે. એજ રીતે  ઇસ્લામના પવિત્ર સ્થાન જેમ કે દરગાહ કે મસ્જીતમાં પ્રવેશવા માટે પણ વઝુ દ્વારા શરીરને શુદ્ધ કરી તેમાં પ્રવેશવા પર ભાર મુકવામાં આવેલ છે.

 ઇસ્લામે પોતાના અનુયાયીઓ માટે સ્વચ્છ અને પવિત્ર રહેવાની ખાસ હિદાયત આપેલ છે. હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.)એ ફરમાવ્યું છે,

"ગંદા લોકો ખુદાના ખરાબ બંદા છે"
 
"હઝરત ઈમામ સાદીકે પણ કહ્યું છે,

"હંમેશા સ્વચ્છ વસ્ત્રો પહેરો"

ઇસ્લામમાં જુમ્મા એટલે કે શુક્રવારની નમાઝનું વિશેષ મહત્વ છે. તે દિવસે મોમીન શરીર અને મનથી પવિત્ર થઈ, સ્વચ્છ કપડા ધારણ કરી નમાઝ અદા કરવા જાય છે. હઝરત ઈમામ કાઝમી કહે છે,

"નિયમિત સ્નાન શરીરને સુંદર અને તંદુરસ્ત બનાવે છે"

"દર શુક્રવારે નખ કાપવાથી રક્તપિત, દીવાનાપણું અને અંધાપાથી બચી શકાય છે"

એક હદીસમાં લખ્યું છે,

"લાંબા નખ નીચે શૈતાન ઊંઘે છે"

આ થઈ માનવીના શરીરની શુધ્ધતા અને સ્વચ્છતાની વાત. જેમ એક શિક્ષિત માનવી અનેક  માનવીઓને શિક્ષિત બનાવે છે, તેમ એક સ્વચ્છ માનવીએ સમગ્ર સમાજને સ્વચ્છ બનાવે છે. ઇસ્લામમાં ઘર, સમાજ અને રાષ્ટ્રને સ્વચ્છ રાખવા માટે પણ ઠેર ઠેર આદેશો આપવામાં આવ્યા  છે. હઝરત અલી આ અંગે ફરમાવે છે,

"તમારા ઘરમાંથી જાળા દૂર કરો. કારણ કે તે ગરીબીનું નહિ, ગંદગીનું કારણ છે"

ગરીબાઈ અને ગંદગી બંને ભિન્ન બાબતો છે. માનવી ગરીબ હોય તો વસ્ત્રો ફાટેલા કે થીગડાં વાળા ધારણ કરે તેમાં કોઈ શરમ નથી. પણ એ વસ્ત્રો ગંદા, મેલા અને વાસ મારતા હોય તો તે વ્યક્તિની ગંદા રહેવાની પ્રકૃતિ કે સ્વભાવ દર્શાવે છે. હઝરત મહંમદ સાહેબ હંમેશા સાદા જાડા અને સીવ્યા વગરના વસ્ત્રો પહેરતા. પણ તેમના વસ્ત્રો હંમેશા સ્વચ્છ અને સુઘડ રહેતા. સ્વછતા સુઘડતાને પોષે છે. આપણા ઘર, ગલી મહોલ્લો કે શહેરના માર્ગો સ્વચ્છ હશે તો આપોઆપ સુઘડ પણ લાગશે.

હઝરત અલી આગળ કહે છે,

"રાત્રે ઘરમાં કચરો ન રહેવા દો. પ્રદુષણને ગંદવાડ શયતાનનું ઘર છે"

હઝરત મહંમદ સાહેબ ફરમાવે છે,

"ઘરમાં મેલા કપડાં અને ચીકણા વાસણો રાખી ન મુકો, કેમ કે તે શૈતાનની નિશાની છે"

"ઘર સ્વચ્છ રાખવાથી રોઝીમાં બરકત થાય છે"

હઝરત મહંમદ સાહેબ તો ત્યાં સુધી ફરમાવે છે કે

"મઝહબ-એ-ઇસ્લામનો પાયો જ સ્વચ્છતા છે"

"ઇસ્લામ એ નિર્મળ મઝહબ છે. હંમેશા સ્વચ્છ રહેવાનો પ્રયાસ કરો. કારણ કે સ્વચ્છ લોકો જન્નત (સ્વર્ગ)માં જશે"


સ્વચ્છતાનો આ મહિમા દરેક ધર્મ અને સમાજમાં સર્વસામાન્ય છે. હિંદુ ધર્મ પણ સ્વચ્છતાનો અતિ આગ્રહી છે. સ્વામીનારયણ સંપ્રદાયના સ્થાપક પ.પૂ. સ્વામી સહજાનંદ જીએ પણ વ્યસન મુક્તિ અને સ્વચ્છતા પર વિશેષ ભાર મુક્યો હતો. ટુંકમાં સ્વચ્છતા એ સમાજ અને ધર્મનો પાયો છે. તેની અવગણના જીવનની ઉપેક્ષા સમાન છે.

No comments:

Post a Comment