Friday, October 31, 2014

પેશ ઈમામનું સ્થાન અને કાર્ય : ડો. મહેબૂબ દેસાઈ

દિલ્હીની જામા અર્થાત જુમ્મા મસ્જિતના પેશ ઈમામ સૈયદ અહેમદ બુખારીએ ૨૨ નવેમ્બેરના રોજ દસ્તરબંદીના કાર્યક્રમમાં પાકિસ્તાનના વડા પ્રધાનને નિમંત્રણ આપ્યું. અને ભારતના વડા પ્રધાનને નિમંત્રણ ન આપ્યું. નિમંત્રણ ન આપવાનું કારણ આપતા પેશ ઈમામ શ્રી બુખારીએ કહ્યું,

"ભારતના મુસ્લિમોએ શ્રી નરેન્દ્રભાઈ મોદીને માફ કર્યા નથી"

આ ઘટના એક બુદ્ધિજીવી મુસ્લિમ તરીકે કોઈ પણ રાષ્ટ્રવાદી મુસ્લિમને ખૂંચે તેવી છે. એનું વિશ્લેષણ અને અર્થઘટન અનિવાર્ય છે. ભારતનો મુસ્લિમ છેલ્લા પંદર વર્ષોમાં ભણતો, વિચારો અને પોતાની રીતે સ્વતંત્ર પણે નિર્ણય લેતા થયો છે. પરિણામે ઉપરોક્ત ઘટનાનું વિશ્લેષણ તે સમજશે અને સ્વીકારશે, તેની મને શ્રધ્ધા છે. 

સૌ પ્રથમ આપણે પેશ ઈમામના કાર્ય અને સ્થાન અંગે વિચાર કરીએ. ભારતની દરેક નાની મોટી મસ્જીતમાં પેશ ઈમામ હોય છે. તેમનું મુખ્ય કાર્ય મસ્જીતમાં નમાઝ પઢવા આવતા દરેક મુસ્લિમને પાંચ વકતની નમાઝ પઢાવવાનું છે. દરેક મુસ્લિમ મસ્જિતમાં પેશ ઈમામની પાછળ નમાઝ પઢે છે. એ સિવાય પેશ ઈમામ ઇસ્લામ ધર્મ અંગેની ધાર્મિક સમસ્યાઓનું મુસ્લિમોને નિરાકરણ આપે છે. જો મસ્જિમાં મદ્રેસો અર્થાત ઇસ્લામિક  શિક્ષણ આપતી સ્કુલ ચાલતી હોય તો તેમાં તે શિક્ષક તરીકે પણ કાર્ય કરતા હોય છે. ગુજરાતી ઉર્દૂ શબ્દ કોશમાં "પેશ ઈમામ" નો અર્થ આપતા કહેવામાં આવ્યું છે,

"નમાઝ પઢાવનાર. મસ્જિતમાં નમાઝ પઢાવનાર મૌલવી"

એ અર્થમાં "પેશ ઈમામ" એ કોઈ સમાજિક કે રાજકીય હોદ્દો ધરાવતા નથી. એ તો એક ધાર્મિક સ્થાન છે, જે માત્ર ઇસ્લામની નમાઝની ક્રિયા અને ઇસ્લામના નિયમોના અર્થઘટન સાથે જ જોડાયેલ છે. ભારતની દરેક મસ્જિતમાં પેશ ઈમામની નિયુક્તિ કરવામાં આવે છે. અને તેનો પગાર જે તે મસ્જીતના વહીવટકર્તા નક્કી કરે છે. અર્થાત પેશ ઈમામનું પદ એક નોકરી કરનાર વહીવટી સેવક જેવું જ છે. દર છ માસે મસ્જીતોના પેશ ઈમામ બદલાતા હોવામાં અનેક દ્રષ્ટાંતો ભારતની અનેક મસ્જિતમાં સાધારણ છે. ટૂંકમાં રાજા-મહારાજ , અમીરો-સરદારો કે સુલતાનો જેમ પેશ ઈમામનું પદ કે સ્થાન વંશપરંપરાગત નથી.

 હવે પેશ ઈમામ શ્રી બુખારી સાહેબે ૨૨ નવેમ્બરે યોજેલ "દસ્તરબંદી" કાર્યક્રમની વાત કરીએ. "દસ્તરબંદી" શબ્દ દસ્તર અને બંદી શબ્દના જોડાણથી બન્યો છે. દસ્તર એટલે પાઘડી. બંદી એટલે બાંધવું. પાઘંડી બાંધવાના કાર્યક્રમને "દસ્તરબંદી" જશન-ઉત્સવ કહેવામાં આવે છે. ગુજરાતી-ઉર્દી શબ્દ કોશમાં "દસ્તરબંદી" શબ્દનો અર્થ આપતા કહેવામાં આવ્યું છે,

"૧. મુસ્લિમ અમીરો, સુલતાનો  અને સરદારોની એક પ્રથા, કે જેમાં જીવિત કે મૃતક અમીર, સુલતાન કે સરદાર પોતાના મોટા પુત્રને પાઘડી બાંધી તેનો વારસદાર જાહેર કરે છે.

૨.  ઇસ્લામ અંગેનું શિક્ષણ આપતી સંસ્થાઓ કે મદ્રેસામાંથી શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ શિક્ષણ પૂર્ણ થતા તેમને પ્રમાણિત કરતા પાઘડી બાંધવામાં આવે છે. તે ક્રિયાને પણ "દસ્તરબંદી" જશન કહેવામાં આવે છે.

એ અર્થમાં પેશ ઈમામનું પદ સેવક સ્વરૂપનું છે. તે ધાર્મિક સ્થાન છે અને વંશપરંપરાગ નથી.

પેશ ઈમામનું પદ કયારેય કોઈ યુગમાં વંશપરંપરાગ રહ્યું નથી. દરેક મસ્જિતોમાં નિયુક્ત થતા પેશ ઈમામો પગારદાર સેવકો જ હોય છે. મસ્જિતના ટ્રસ્ટીઓ કે વહીવટકર્તાઓ તેમનો પગાર નક્કી કરે છે. પેશ ઈમામનું સ્થાન કાયમી પણ નથી હોતું. અલબત્ત તેમની ગરીમાને ધ્યાનમાં રાખી મુસ્લિમ સમાજ તેમને માન આપે છે. એવા સંજોગોમાં કોઈ પેશ ઈમામ પોતાન પુત્રને પેશ ઈમામી સોંપવા "દસ્તરબંદી" કાર્યક્રમ યોજે તો તે તેની અંગત બાબત છે. કારણ કે એવા

"દસ્તરબંદી" કાર્યક્રમને ન તો કોઈ ઇસ્લામિક નિયમનું કે વારસાગત પરંપરાનું બળ છે, ન કોઈ આધાર. ન તે કોઈ આમ મુસ્લિમ સમાજનો જાહેર કાર્યક્રમ છે. ન કોઈ ઇસ્લામી કાર્યક્રમ છે. તે તો એક મસ્જીતના પેશ ઈમામનો અંગત કાર્યક્રમ છે.

આવા કાર્યક્રમમાં કોને બોલાવવા અને કોને ન બોલાવવા એ કાર્યક્રમના આયોજક પર નિર્ભર છે. પણ એ માટે ભારતના મુસ્લિમોને આગળ ધરી પોતાના અંગત વિચારો પ્રસરાવવા એ યોગ્ય નથી. "ભારતના મુસ્લિમોએ શ્રી નરેન્દ્રભાઈ મોદીને માફ કર્યા નથી" એ વિધાન દ્વારા ભારતના મુસ્લિમોના ખભા પર બંદુક રાખી ફોડવાની પેશ ઈમામ શ્રી બુખારીની નીતિ સાચ્ચે જ દુખદ છે. એમા કયાંય ઇસ્લામની આધ્યત્મિકતા નથી. એ તો નર્યું રાજકીય વિધાન છે. જે તેમના કાર્યક્ષેત્રમાં આવતું નથી. વળી, ભારતના મુસ્લિમોએ શ્રી નરેન્દ્રભાઈ મોદીને માફ કર્યા છે કે નહિ, એ તપાસવાની પારાશીશી પેશ ઈમામ શ્રી બુખારી સાહેબ પાસે નથી. આમ છતાં વારવાર મુસ્લીમોના રાહબર બનવાનો પ્રયાસ કરનાર પેશ ઈમામ શ્રી બુખારી સાહેબે પોતાના સ્થાન અને તેની માર્યદાને પામી લેવા જોઈએ. વળી, "દસ્તરબંદી" કાર્યક્રમએ તેમનો અંગત કૌટુંબિક કાર્યક્રમ હોવા છતાં એક રાષ્ટ્રવાદી મુસ્લિમ તરીકે ભારતના વડા પ્રધાનની અન્ય રાષ્ટ્રના વડા પ્રધાન સામે જાહેરમાં અવગણા કરવાનું કૃત્ય કોઈ પણ હિંદુ કે મુસ્લિમ ભારતીય સાંખી ન લે. વડા પ્રધાન ગમે તે પક્ષના હોય પણ જયારે તે ભારતના વડા પ્રધાન તરીકે બેઠા હોય ત્યારે તેમનું માન સન્માન એ રાષ્ટ્રનું માન સન્માન છે. એટલી સાદી સમજ કોઈ પણ ભારતીયમાં હોય તે સ્વભાવિક છે. પણ પેશ ઈમામ શ્રી બુખારી સાહેબ આ સાદી સમજથી આજે પણ કોશો દૂર લાગે છે.  

 

Monday, October 27, 2014

સ્વચ્છતા અભિયાન અને ઇસ્લામ : ડૉ. મહેબૂબ દેસાઈ

ભારતના વડા પ્રધાન મા. નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીજીના સ્વચ્છતાના આદર્શને સમગ્ર ભારતમાં અમલી બનાવી "સ્વચ્છ ભારત અભિયાન" શરુ કરેલ છે. સ્વચ્છતા એ સમગ્ર માનવજાતની અનિવાર્યતા છે. સ્વચ્છ ગામ, શહેર, રાજય અને રાષ્ટ્રને સુંદર અને સ્વસ્થ રાખવા જરૂરી છે. મોટાભાગના રોગોનું ઉગમસ્થાન અસ્વચ્છતા છે. એજ રીતે  તંદુરસ્ત અને સ્વસ્થ સમાજના સર્જન માટે સ્વચ્છતા અતિ આવશ્યક લક્ષણ છે. સમાજ સુધારક અપ્પા પટવર્ધનએ ૧૯૬૧માં સફાઈ દર્શન માસિકમાં લખ્યું છે,

"પાયખાન સાફ કરાવવાની પ્રથા પાછળ આપણી સવર્ણોની આળસ, દંભ અને પાખંડ છુપાયેલા છે. તેને નિર્મૂળ કરવા માટે જરૂરી છે આપણે નિયમિત રીતે ઓછામાં ઓછી પંદર મીનીટ આપણું ધાર્મિક કર્તવ્ય સમજીને કઈને કઈ સફાઈ કાર્ય કરતા રહીએ, તો પાયખાન સફાઈની સમસ્ય આપોઆપ ઉકેલાઈ જશે" 

ગાંધીજી સ્વચ્છતાના અતિ આગ્રહી હતા. પોતાની આસપાસની  સ્વચ્છતાનું તેઓ ખાસ ખ્યાલ રાખતા. વળી,  પોતાનું પાયખાનું પોતે સાફ કરવાનો આગ્રહ રાખતા અને કરતા પણ ખરા. કારણ કે ગાંધીજી માનતા કે સ્વછતા એજ પવિત્રતા છે. ગાંધીજી એ વાતને સમજાવતા લખે છે, 

"કોઈ પણ મ્યુનિસિપલિટી કેવળ કર નાખીને કે પગારદાર માણસો રાખીને સ્વચ્છતા અને ગીચતાના સવાલને પહોંચી ન શકે. આ મહત્વનો સુધારો તવંગર અને ગરીબ બનેના પુરેપુરા અને મરજિયાત સહકારથી જ થઇ શકે"

"પવિત્રતા પછી તુરત સ્વચ્છતાનું સ્થાન છે. જેમ આપણું મન અશુદ્ધ હોય તો આપણે ઈશ્વરના આશીર્વાદ ન પામી શકીએ તેમ શરીર અશુદ્ધ હોય તો પણ ન પામી શકીએ. સ્વચ્છ શરીર અસ્વચ્છ શહેરમાં ન શકે"

ગાંધીજીની આ વાતમાં ઇસ્લામનો એક અમુલ્ય "વઝુ" નો  સિધ્ધાંત સમાયેલો છે. અપવિત્ર શરીર પ્રાર્થના કે નમાઝ માટે યોગ્ય નથી હોતું. માટે જ ઇસ્લામમાં વઝું અર્થાત નમાઝ પૂર્વે શારીરિક રીતે શુદ્ધ થવાની ક્રિયા ફરજીયાત પણે સ્વીકારવામાં આવેલ છે. નમાઝ પહેલા દરેક મુસ્લિમ વઝું કરે છે. જેમાં પાણી દ્વારા માથું, મો, નાક, કાન, હાથ અને પગ ધોવામાં અર્થાત સાફ કરવામાં આવે છે. અને પછી મસ્જીતમાં નમાઝ પઢી  શકાય છે. એજ રીતે  ઇસ્લામના પવિત્ર સ્થાન જેમ કે દરગાહ કે મસ્જીતમાં પ્રવેશવા માટે પણ વઝુ દ્વારા શરીરને શુદ્ધ કરી તેમાં પ્રવેશવા પર ભાર મુકવામાં આવેલ છે.

 ઇસ્લામે પોતાના અનુયાયીઓ માટે સ્વચ્છ અને પવિત્ર રહેવાની ખાસ હિદાયત આપેલ છે. હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.)એ ફરમાવ્યું છે,

"ગંદા લોકો ખુદાના ખરાબ બંદા છે"
 
"હઝરત ઈમામ સાદીકે પણ કહ્યું છે,

"હંમેશા સ્વચ્છ વસ્ત્રો પહેરો"

ઇસ્લામમાં જુમ્મા એટલે કે શુક્રવારની નમાઝનું વિશેષ મહત્વ છે. તે દિવસે મોમીન શરીર અને મનથી પવિત્ર થઈ, સ્વચ્છ કપડા ધારણ કરી નમાઝ અદા કરવા જાય છે. હઝરત ઈમામ કાઝમી કહે છે,

"નિયમિત સ્નાન શરીરને સુંદર અને તંદુરસ્ત બનાવે છે"

"દર શુક્રવારે નખ કાપવાથી રક્તપિત, દીવાનાપણું અને અંધાપાથી બચી શકાય છે"

એક હદીસમાં લખ્યું છે,

"લાંબા નખ નીચે શૈતાન ઊંઘે છે"

આ થઈ માનવીના શરીરની શુધ્ધતા અને સ્વચ્છતાની વાત. જેમ એક શિક્ષિત માનવી અનેક  માનવીઓને શિક્ષિત બનાવે છે, તેમ એક સ્વચ્છ માનવીએ સમગ્ર સમાજને સ્વચ્છ બનાવે છે. ઇસ્લામમાં ઘર, સમાજ અને રાષ્ટ્રને સ્વચ્છ રાખવા માટે પણ ઠેર ઠેર આદેશો આપવામાં આવ્યા  છે. હઝરત અલી આ અંગે ફરમાવે છે,

"તમારા ઘરમાંથી જાળા દૂર કરો. કારણ કે તે ગરીબીનું નહિ, ગંદગીનું કારણ છે"

ગરીબાઈ અને ગંદગી બંને ભિન્ન બાબતો છે. માનવી ગરીબ હોય તો વસ્ત્રો ફાટેલા કે થીગડાં વાળા ધારણ કરે તેમાં કોઈ શરમ નથી. પણ એ વસ્ત્રો ગંદા, મેલા અને વાસ મારતા હોય તો તે વ્યક્તિની ગંદા રહેવાની પ્રકૃતિ કે સ્વભાવ દર્શાવે છે. હઝરત મહંમદ સાહેબ હંમેશા સાદા જાડા અને સીવ્યા વગરના વસ્ત્રો પહેરતા. પણ તેમના વસ્ત્રો હંમેશા સ્વચ્છ અને સુઘડ રહેતા. સ્વછતા સુઘડતાને પોષે છે. આપણા ઘર, ગલી મહોલ્લો કે શહેરના માર્ગો સ્વચ્છ હશે તો આપોઆપ સુઘડ પણ લાગશે.

હઝરત અલી આગળ કહે છે,

"રાત્રે ઘરમાં કચરો ન રહેવા દો. પ્રદુષણને ગંદવાડ શયતાનનું ઘર છે"

હઝરત મહંમદ સાહેબ ફરમાવે છે,

"ઘરમાં મેલા કપડાં અને ચીકણા વાસણો રાખી ન મુકો, કેમ કે તે શૈતાનની નિશાની છે"

"ઘર સ્વચ્છ રાખવાથી રોઝીમાં બરકત થાય છે"

હઝરત મહંમદ સાહેબ તો ત્યાં સુધી ફરમાવે છે કે

"મઝહબ-એ-ઇસ્લામનો પાયો જ સ્વચ્છતા છે"

"ઇસ્લામ એ નિર્મળ મઝહબ છે. હંમેશા સ્વચ્છ રહેવાનો પ્રયાસ કરો. કારણ કે સ્વચ્છ લોકો જન્નત (સ્વર્ગ)માં જશે"


સ્વચ્છતાનો આ મહિમા દરેક ધર્મ અને સમાજમાં સર્વસામાન્ય છે. હિંદુ ધર્મ પણ સ્વચ્છતાનો અતિ આગ્રહી છે. સ્વામીનારયણ સંપ્રદાયના સ્થાપક પ.પૂ. સ્વામી સહજાનંદ જીએ પણ વ્યસન મુક્તિ અને સ્વચ્છતા પર વિશેષ ભાર મુક્યો હતો. ટુંકમાં સ્વચ્છતા એ સમાજ અને ધર્મનો પાયો છે. તેની અવગણના જીવનની ઉપેક્ષા સમાન છે.

Sunday, October 26, 2014

 
અહમદ મહમદ કાછલિયા : મહાત્માના સર્જનના સાથી
ડૉ. મહેબૂબ દેસાઈ


ઇસ્લામના નવા વર્ષ હીજરી સંવત 1436નો  આરંભ ૨૬ ઓકોબર ૨૦૧૪ના રોજ થયો છે. નુતન વર્ષના આરંભ પછી તુરત આરંભાયેલ ઇસ્લામના નવા વર્ષની સૌને શુભેચ્છાઓ. ઇસ્લામ એટલે શાંતિ, સમર્પણ અને ત્યાગ એવા સાચુકલા સિદ્ધાંતોને જીવનભર વરેલા અહેમદ મહમદ કાછાલીયાને આજે કોણ ઓળખે  છે ? ગાંધીજીને મોહનમાંથી મહાત્માના બનાવવાની પ્રક્રિયાના સહાયક અને સાથી અહમદ મહમદ કાછલિયા જેવા પાક એકનિષ્ઠ આદમીને સ્મરી નવા ઇસ્લામક વર્ષની મુબારકબાદ સૌને પાઠવું છું. ગાંધીજી તેમના પુસ્તક "દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ" માં અહેમદ મહમદ કાછાલીયા વિષ સવિસ્તર લખ્યું છે.

.. ૧૮૯૩મા ભારતમાંથી બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી નામનો યુવાન આફ્રિકા ગયો, ત્યારે કોઈને ખબર નહતી કે એક વર્ષની બાંધી મુદત માટે જઈ રહેલ મોહનદાસ ત્યાં ઇતિહાસ સર્જાશે. અને ગાંધીજીનું બહુમાન મેળવી પરત આવશે. મોહનદાસ કરમચંદ ગાંધીમાંથી  ગાંધીજીનું માન મેળવનારા બેરિસ્ટરના જાહેરજીવનનો આરંભ દક્ષિણ આફ્રિકામાં થયો. ત્યારે મોહનદાસના સત્ય, અહિંસા અને સત્યાગ્રહના વિચારો હજુ બાલ્યાવસ્થામાં હતા. આવા પ્રારંભિક  કાળમાં મોહનદાસના અપરિપકવ વિચારોમાં વિશ્વાસ મૂકી તેમના જાહેરજીવનને પ્રોત્સાહિત કરનાર દક્ષિણ આફ્રિકામાં વસતા ગુજરાતના મુસ્લિમ વેપારીઓ અને કાર્યકરો હતા. બાબતની ઇતિહાસમાં બહુ ઓછી નોંધ લેવાય છે. પણ ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાના પોતાના  પ્રથમ સત્યાગ્રહમાં પ્રેરકબળ બની રહેલા ગુજરાતના મુસ્લિમ વેપારીઓ અને કાર્યકરોની ખુલ્લા દિલે પોતાના લખાણોમાં પ્રશંસા કરી છે. તેમનો વિગતે પરિચય આપ્યો છે. ગુજરાતના મુસ્લિમોની સહકારની પરંપરાનો આરંભ દક્ષિણ આફ્રિકાના નાતાલ બંદરે ગાંધીજી ઉતર્યા ત્યારેથી થયો હતો. નાતાલ બંદરે મોહનદાસને લેવા આવેલા શેઠ અબ્દુલાથી તેઓ ખુબ પ્રભાવિત થયા હતા. અંગે ગાંધીજી લખે છે,

"અબ્દુલ્લા શેઠનું અક્ષરજ્ઞાન ઘણું ઓછુ હતું. પણ અનુભવજ્ઞાન પુષ્કળ હતું. તેમની બુદ્ધિ તીવ્ર હતી. અને વાતનું તેમને પોતાને ભાન હતું. અંગ્રેજી જ્ઞાન કેવળ વાતચીત પૂરતું મહાવરાથી મેળવી લીધું હતું. પણ એવા અંગ્રેજી મારફત પોતાનું બધું કામ ઉકેલી શકતા. બેંકના મેનેજરો સાથે વાત કરે, યુરોપિયન વેપારીઓ સાથે સોદા કરી આવે, વકીલોને પોતાનો કેસ સમજાવી શકે. હિન્દીઓમાં તેમનું માન ખુબ હતું. તેમની પેઢી તે વેળા બધી હિન્દી પેઢીઓમાં મોટી હતી, અથવા મોટામાની એક હતી . તેમની પ્રકૃતિ વહેમી હતી. તેમને ઇસ્લામનું અભિમાન હતું. તત્વજ્ઞાનની વાતોનો શોખ રાખતા.અરબી આવડતું છતાં કુરાન શરીફની અને સામાન્ય રીતે ઇસ્લામી ધર્મ સાહિત્યની માહિતી સારી ગણાય. દ્રષ્ટાંતો તો હાજર હોય. તેમના સહવાસથી મને ઇસ્લામનું વ્યવહારુ જ્ઞાન ઠીક મળ્યું. અમે એકબીજાને ઓળખતા થયા ત્યારે પછી તે મારી સાથે ધર્મ ચર્ચા પુષ્કળ કરતા" (સત્યના પ્રયોગો, પૃ. ૧૯૫)

દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી સાથે ખડેપગે ઉભા રહેનાર અહમદ મહમદ કાછલિયાનો ઉલ્લેખ પણ ગાંધીજીએ "દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ" નામક પોતાન ગ્રંથમાં સવિસ્તાર લીધેલ છે. ટ્રાન્સવાલાની રાજધાની પ્રિટોરિયામાં એક જંગી જાહેરસભા ભરાઈ. તેના પ્ર્મીખ હતા બ્રિટીશ ઇન્ડિયન એસોશિયેસનના હંગામી પ્રમુખ યુસુફ ઇસ્માઈલ મિયા. પોતાના ભાષણમાં તેમણે ગાંધીજીને તમામ સહકાર આપવાનું વચન આપ્યું. પણ તેનાથી વિશેષ તો સભામાં બોલવા ઉભા થયેલા અહમદ મહમદ કાછલિયાથી ગાંધીજી ખુબ પ્રભાવિત થયા. અંગે તેઓ લખે છે,

" હિંદીઓના ભાષણ શરુ થયા. પ્રકરણના અને ખરું જોતા ઇતિહાસના નાયકની ઓળખાણ તો મારે હવે કરાવવી રહી. જે બોલનાર ઉભા થયા તેમાં મર્હુમ અહમદ કાછલિયા હતા. એમને હું તો એક અસીલ તરીકે અને દુભાષિયા તરીકે ઓળખાતો. એઓં અત્યાર સુધી જાહેરકામોમાં અગ્રેસર થઈને ભાગ નહોતા લેતા, એમનું અંગ્રેજી કામ ચલાઉ હતું. પણ અનુભવે એટલે સુધી મેળવી લીધેલું કે પોતાના મિત્રોને અંગ્રેજી વકીલોને ત્યાં લઇ જાય ત્યારે તે પોતે દુભાષિયાનું કામ કરતા. દુભાષિયાપણું કઈ એમનો ધંધો હતો. કામ તો તે મિત્ર તરીકે કરતા. ધંધો પ્રથમ કાપડની ફેરીનો હતો. અને પાછળથી તેમના ભાઈ સાથે ભાગમાં નાનકડા પાયા પર વેપાર કરતા. પોતે સુરતી મેમણ હતા. સુરત જિલ્લામાં તેમનો જન્મ થયો હતો. સુરતી મેમણોમાં તેમની પ્રતિષ્ઠા સરસ હતી. પણ એમની બુદ્ધિ એટલી બધી તેજ હતી કે ગમે તે વસ્તુ ઘણી સહેલાઇથી સમજી જતા. કેસોની આંટીઓ એવીરીતે ઉકેલતા કે હું ઘણી વેળા આશ્ચર્યચકિત થતો. વકીલ સાથે કાયદાની દલીલ કરતા પણ અચકાતા નહિ, અને ઘણી વેળા તેમની દલીલમાં વકીલોને પણ વિચારવા જેવું હોય . બહાદુરી અને એકનિષ્ઠામાં તેમનાથી ચડી જાય એવા કોઈ પણ માણસનો અનુભવ મને નથી થયો દક્ષિણ આફ્રિકામાં કે નથી થયો હિંદુસ્તાનમાં. કોમને અર્થે તેમણે સર્વસ્વ હોમ્યું હતું. મને તેમની સાથે જેટલા પ્રસંગો પડ્યા તેમાં મેં હંમેશાં તેમને એકવચની તરીકે જાણ્યા છે. પોતે ચુસ્ત મુસલમાન હતા. સુરતી મેમણ મસ્જિદના મુતવલ્લીમાંના તે પણ એક હતા. પણ તેની સાથે હિંદુમુસલમાન પ્રત્યે સમદર્શી હતા. મને એવો એક પણ પ્રસંગ... જેમાં તેમણે ધર્માન્ધપણે અને અયોગ્ય રીતે હિંદુ સામે મુસલમાનનો પક્ષ ખેંચ્યો હોય. તદ્દન નીડર અને નિષ્પક્ષપાતી હોવાને લીધે, જરૂરી જણાય ત્યારે હિંદુમુસલમાન બંનેને તેમના દોષ બતાવવામાં જરા ય સંકોચ ન કરતા. તેમની સાદાઈ ને તેમનું નિરભિમાન અનુકરણ કરવા લાયક હતાં. તેમની સાથેના મારા વરસોના ગાઢ પરિચય પછી બંધાયેલો મારો દૃઢ અભિપ્રાય છે કે મરહૂમ અહમદ મહમદ કાછલિયા જેવું માણસ કોમને મળવું દુર્લભ છે. (‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’, નવજીવન પ્રકાશન, પૃ. ૧૨૫-૧૨૬)

પ્રિટોરિયાની જંગી જાહેરસભામાં અહમદ મહમદ કાછલિયાએ પોતાના જમણા તના ખુલ્લા આંગળા ગાળા ઉપર ફેરવતા ગર્જના કરતા કહ્યું હતું,

"હું ખુદાના કસમ ખાઈને કહું છું કે કતલ થઈશ, પણ કાયદાને વશ નહિ થાઉં અને ઈચ્છું કે સભા પણ નિશ્ચય પર આવશે" (એજન, પૃ. ૧૨૬)

લડતમાં સક્રિય રીતે ભાગ લેવાને કારણે દક્ષિણ આફ્રિકાની સરકારે શ્રી કાછલિયાના વેપારમાં અડચણો ઉભી કરવા માંડી. જે અંગ્રેજ પેઢીઓએ કાછલિયા શેઠને ધીરધાર કરી હતી, તેમણે અંગ્રેજ સરકારના દબાણને વશ થઇ વેપારમાં ધીરેલા નાણાંની કાછલિયા પાસે પઠાણી ઉઘરાણી શરુ કરી અને કહેણ મોકલ્યું કે,

"જો તમે લડતમાંથી નીકળી જાવ તો અમને નાણાની કઈ ઉતાવળ નથી. જો તમે તેમાંથી નીકળી જાવ તો અમને ભય છે, તમને સરકાર ગમે ત્યારે  પકડી લે તો અમારા નાણાનું શું થાય ? તેથી જો તમે લડતમાંથી નીકળી શકો તો અમારા નાણા તમારે તુરત ભરવા જોઈએ" 

પણ વીર પુરુષ કાછલિયાએ અગ્રેજ વેપારીઓને ખુમારીથી જવાબ આપ્યો કે,

"લડત મારી પોતાની અંગત બાબત છે, તેને મારા વેપાર સાથે કઈ સંબધ નથી. તે લડતમાં મારો ધર્મ, મારી પ્રજાનું માન અને મારું સ્વમાન સમાયેલું છે. તમારી ધીરધારને સારું  હું તમારો આભાર માનું છું. પણ તેને કે મારા વેપારને હું સર્વોપરી નથી ગણી શકતો" (એજન, પૃ. ૧૮૫)

શ્રી કાછલિયાનો જવાબ સાંભળી અગ્રેજ વેપારીઓ સમસમી ગયા. કારણ કે તેઓ તો કાછલિયાને નમાવવા ઇચ્છતા હતા. પણ કાછલિયા નમ્યા અને નાદાર કે દેવાદાર બનવાનું તેમણે પસંદ કર્યું. આવા ભડવીર વિષે ગાંધીજીએ નોંધ્યું છે,

"કાછલિયા બધી બાબતોમાં થોડું થોડું બોલી પોતાનો નિશ્ચય જાહેર કરી દેતા. અને એમા અડગ રહેતા. મને એક પણ પ્રસંગ એવો યાદ નથી કે જયારે તેમણે નબળાઈ બતાવી હોય અથવા તો છેવટના પરિણામ વિષે શંકા પણ બતાવી હોય"(એજન, પૃ. ૧૮૪)

આવા શ્રી અહમદ મહમદ કાછલિયાએ પોતાના એકના એક પુત્ર અલીને ગાંધીજીના ટોલ્સટોય આશ્રમમાં સાચો પ્રજા સેવક બનાવવા મુક્યો હતો. તેમના પગલા પછી બીજા મુસ્લિમ બાળકોને પણ તેમના માબાપે ગાંધીજીના આશ્રમમાં મુક્યા હતા. ૧૦-૧૨ વર્ષનો અલી કાછલિયા સ્વભાવ નમ્ર, ચંચળ, અને સત્યવાદી હતો. પણ પિતાનું નામ રોશન કરવા તે વધુ જીવ્યો. કાછલિયા શેઠે હદય પર પથ્થર મૂકીને પુત્રને કાંધો આપી વિદાય કર્યો અને પાછા ગાંધીજીના સત્ય, અહિંસા અને સત્યાગ્રહના કાર્યમાં લાગી ગયા. અને લડત ચાલી ત્યાં સુધી તેઓ ગાંધીજી સાથે રહ્યા. આવા સિંહ પુરુષનું અવસાન કોમની ખિદમત કરતા કરતા ૧૯૧૮મા એટલે કે દક્ષિણ આફ્રિકાની લડત પૂર્ણ થયાના ચાર વર્ષે થયું. આજે પણ દક્ષિણ આફ્રિકાના ઇતિહાસમાં મોહનમાંથી મહાત્માનું સર્જન કરનાર સેવકોમાં શ્રી અહમદ મહમદ કાછલિયાનું નામ સુવર્ણ અક્ષરોમાં અંકિત છે.

 

 
મહા

(‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’, નવજીવન પ્રકા