Saturday, September 20, 2014

ગાંધીજીની દ્રષ્ટિએ રાષ્ટ્રીયતા : ડૉ. મહેબૂબ દેસાઈ


ઓક્ટોબર, ફરી એકવાર ગાંધી જયંતિ આવી છે. ફરી એકવાર એક દિવસ માટે આપણે ગાંધીને યાદ કરીશું. અને પછી આપણે સૌ રોજીંદા કાર્યમાં લાગી જઈશું. પરિણામે ગાંધી ભારતમાંથી વિસરાતા જાય છે. અને વિદેશોમાં તે આચરણમાં મુકતા જાય છે. આપણે ત્યાં ગાંધીજી અંગે અઢળક લખાયું છે. લખાતું રહેશે. ગાંધીજીના રાષ્ટ્રીય પ્રદાનથી આપણે પરિચિત છીએ. તેમના રાષ્ટ્રીય વિચારો તેમના જ શબ્દોમાં આપણી પાસે સંગ્રાહેલા છે. પણ તેના આચરણ થી આપણે કોશો દૂર છીએ. ગાંધીજીના એ આચરણમાં ન મુકાયેલા રાષ્ટ્રીયતાના વિચારોની આજે વાત કરવી છે. ગાંધીજી રાષ્ટ્રીયતા અંગે શું માનતા હતા. એ તેમના જ શબ્દોમાં જાણીએ. દરેક ભારતીય માટે એ સાચ્ચે જ માર્ગદર્શક બની રહશે.

રાષ્ટ્રીયતા કોને કહેવાય ? રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા એટલે રાષ્ટ્રયતા એવો સાદો અર્થ આપણા જહેનમાં ગોઠવેલો છે. નેશનાલીટી (રાષ્ટ્રીયતા)શબ્દની ઉત્પતિ લીટીન ભાષાના "નેશીયો" શબ્દ પરથી આવેલ છે. જેના અર્થમાં કહેવામાં આવ્યું છે

"એક જાતી એક વિશેષ ભોગોલિક સીમામાં પોતાના અધિકારો અને કર્તવ્યોની રક્ષા સાથે, બાહ્ય આક્રમણથી પોતાની સીમાઓને સુરક્ષિત રાખવા કટીબદ્ધ બને તે રાષ્ટ્રીયતા છે."

એન્સાયકલોપીડીયા ઓફ બ્રિટાનિકામાં રાષ્ટ્રવાદની વ્યાખ્યા આપતા કહ્યું છે,

"રાષ્ટ્રવાદ એક મનોદશા છે. જેમાં માનવી પોતાના રાષ્ટ્ર પ્રત્યે ઉંચ્ચ ભક્તિનો અનુભવ કરે છે"

ગાંધીજી રાષ્ટ્રીયતા અંગે પોતાના વિચારો વ્યક્ત કરતા કહે છે,

"જે રીતે રાષ્ટ્ર ભક્તિ આજે આપણને શીખવે છે કે માણસે પોતાના પરિવાર માટે પ્રાણ આપવો જોઈએ, પરિવારે ગામ માટે, ગમે જિલ્લા માટે, જિલ્લાએ પ્રાંત માટે અને પ્રાંતે દેશને માટે બલિદાન આપવું જોઈએ. તે રીતે દેશે જરુર પડે ત્યારે દુનિયાના ભલા માટે, સ્વતંત્ર થવું જ જોઈ. તેથી મારી રાષ્ટ્રીયતા માટેના મારા પ્રેમનો અથવા રાષ્ટ્રીયતાની મારી કલ્પનાનો અર્થ એ છે કે મારો દેશ સ્વતંત્ર થાય. જેથી જો જરૂર પડે તો, માનવજાતિને જીવંત રાખવા માટે, તે હોમાય જાય. આ કલ્પનામાં વંશીય ધ્રુણાને કોઈ સ્થાન નથી. આ જ આપણી રાષ્ટ્રીયતા હજો"

ગાંધીજીની રાષ્ટ્રીયતામાં સમાજ, દેશ અને સમગ્ર માનવ સમાજના કલ્યાણની વાત જોવા મળે છે.  વળી,ગાંધીજી પરાધીન ભારતમાં રાષ્ટ્રીયતાની વાત કરતા હોય, તેમની રાષ્ટ્રીયતામાં ભારતની આઝાદીનો વિચાર કેન્દ્રમાં હોય તે સ્વભાવિક છે.

ગાંધીજી આગળ કહે છે,

"આપણી રાષ્ટ્રીયતા બીજા રાષ્ટ્રને જોખમ રૂપ ન હોય. જેમ આપણે કોઈને લુંટવા માંગતા નથી. તેમ આપના દેશને આપણે કોઈને લુંટવા દેવા માંગતા નથી. સ્વરાજ દ્વારા પણ આપણે તો જગતનું હિત સાધવું છે"

અર્થાત ગાંધીજી રાષ્ટ્રની આંતરિક અને સરહદી સુરક્ષાની વાત કરે છે. દરેક રાષ્ટ્રની આંતરિક અને સરહદી બાબતો પર બીજા રાજ્યએ કુદ્રષ્ટિ ન રાખવાનો નૈતિક આદર્શ આજના યુગમાં અત્યંત જરૂરી છે. પાકીસ્થાનના ઘરમાં ઘુસી જઈ અમેરિકાએ લાદેનનો સંહાર કર્યો હતો. તેમાં પાકિસ્થાનનું એક રાષ્ટ્ર તરીકેનું સાર્વભોમત્વ ક્યાં રહ્યું ?  અલબત્ત લાદેનનો સંહાર જરૂરી હતો. પણ પાકિસ્તાન ખુદ તે કરી શક્યું હોત. કારણ કે તે માનવીય સિદ્ધાંતોની દ્રષ્ટિએ જરૂરી હતું. પણ પાકિસ્તાન લાદેનના રક્ષણને પોતાનું ધ્યેય બનાવી ચાલતું હતું. પરિણામે અમેરિકાને આંતર રાષ્ટ્રીય કાનૂનોને મૂકી લાદેનની હત્યા પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને કરવી પડી. અલબત્ત ગાંધીજીના રાષ્ટ્રવાદી વિચારો વિરુદ્ધ તે કૃત્ય છે. ગાંધીજીના રાષ્ટ્રીય  વિચારોના કેન્દમાં માનવતા રહેલી છે. માનવ જાતના હિતમાં ગાંધીજી હિંસાને પણ આવકારે છે. તેમની અહિંસાના મૂળમાં માનવતા રહેલી છે. ગાંધી આશ્રમમાં રીબાતા વાછરડાને ઝેરનું ઇન્જેક્શન આપી મુક્ત કરનાર ગાંધીજી જ હતા.

ગાંધીજી એમ પણ કહે છે,

"દરેક રાષ્ટ્રની સરહદો એક બીજાના ભય અને આક્રમણથી સુરક્ષિત હોવી જોઈએ. માનવતાનો એ પણ એક તકાજો છે"

પણ આજે વિશ્વનું રાજકારણ મુલ્યોના અધ:પતનના આરે આવીને ઉભું છે. જેનું તાજું દ્રષ્ટાન ચીન છે. હાલમાં જ ભારતની મુલાકાતે આવેલા ચીનના પ્રમુખ શ્રી શી જિનપિંગ એ ભારતની મુલાકાત લીધી. આપણે તેમની એક અતિથિ દેવો ભવ: જેમ  આગતા સ્વાગતા કરી. પણ એ સ્વાગત સમારંભો ચાલતા હતા તે દરમિયાન જ સરહદ પર ચીની લશ્કર ભારતની સીમામાં ઘૂસણખોરી કરી રહ્યું હતું. જે દેશનું લુણ ચીનના પ્રમુખ આરોગી રહ્યા છે તે જ દેશની સરહદો પર પોતાનું લશ્કર મોકલવું,  તેમાં નથી , માનવતા કે નથી અનૈતિકતા. જો કે ચીનની તો આ પુરાની  ફિતરત છે. તેનો ઇતિહાસ બહુ જાણીતો છે. જવાહરલાલ નહેરુને પણ  આજ રીતે છેહ દેવામાં આવ્યો હતો. પણ આપણે ઇતિહાસમાંથી કયારેય કશું શીખ્યા નથી.

પણ ગાંધીજી માટે તો રાષ્ટ્રીયતા અને માનવતા એક સમાન છે. તેઓ કહે છે,

"મારે મન દેશભક્તિ અને માનવતા બંને એક જ વસ્તુ છે. હું દેશભક્ત છું. કારણ કે મારામાં માનવતા છે અને દયા છે. મારી દેશભક્તિ માત્ર હિન્દ માટે નથી. હિન્દોસ્તાનની સેવા કરવા હું ઈંગલેન્ડ કે જર્મનીને હાની ન પહોંચાડું. જીવનની મારી યોજનામાં સામ્રાજ્યવાદને કોઈ સ્થાન નથી. દેશભક્તિમાં માનવતા ઓછી હોય તો પણ પ્રમાણમાં તેની દેશભક્તિ ઓછી ગણાય. રાજકારણી કાનૂન અને ખાનગી કાનૂન વચ્ચે કોઈ જાતની વિસંગતતા નથી"

અર્થાત ગાંધીજીની રાષ્ટ્રીયતા "વસુધૈવ કુટુંબક્" ની ભાવના પર આધારિત છે. તેઓ કહે છે,

"હું ભારતનો વિકાસ સમગ્ર વિશ્વના વિકાસ માટે ઈચ્છું છું. પણ હું ભારતનો વિકાસ બીજા રાષ્ટ્રોના ભોગે નથી ઇચ્છતો. હું હંમેશા એવી રાષ્ટ્રીયતાને ધિક્કારું છું જે બીજા રાષ્ટ્રના શોષણ અને સમસ્યાઓનો લાભ લેવા પ્રોત્સાહિત કરતી હોય"

"મારો રાષ્ટ્રવાદ કોઈ બહિષ્કાશીલ નથી. બલ્કી અતિશય વ્યાપક વસ્તુ છે. અને હું એવા દેશપ્રેમને વર્જ્ય માંનું છું જે બીજા રાષ્ટ્રને તકલીફ આપીને અથવા તેનું શોષણ કરીને પોતાના દેશનો વિકાસ કરવામાં માનતો હોય. દેશપ્રેમની મારી કલ્પના એ છે કે તે હંમેશા કોઈ અપવાદ વગર હર સ્થિતિમાં માનવજાતિના વિશાલ હિત સાથે સુસંગત હોય. પણ જો તેમ ન હોય તો એવા દેશપ્રેમની કોઈ કિંમત નથી"

"કોઈ પણ માનવી સાચા અર્થમાં રાષ્ટ્રવાદી બન્યા સિવાય આંતર રાષ્ટ્રવાદી ન બની શકે આંતર રાષ્ટ્રીયતા ત્યારે જ શક્ય બને છે, જ્યારે રાષ્ટ્રીયતા વાસ્તવિક બને છે, એટલે કે જુદા જુદા દેશોની પ્રજા સંગઠિત બને છે."

" જો આપણે ભારતીય રાષ્ટ્રીયતાનો લક્ષ પ્રાપ્ત કરવો હોય તો આપણે ક્ષેત્રીય બંધનોથી મુક્ત થવું પડશે. શું ભારત એક દેશ એક રાષ્ટ્ર છે કે અનેક દેશ અનેક રાષ્ટ્ર છે ?"

ગાંધીજીના આવા રાષ્ટ્રીય વિચારો કદાચે આજના રાજકારણીઓને વધુ પડતા આદર્શવાદી લાગે. પણ તે સત્ય આને આચરણમાં મુકવા યોગ્ય છે. તો જ "વસુધૈવ કુટુંબક્" ની ભાવના વિશ્વમાં પ્રસરી શકશે.

 

No comments:

Post a Comment