Sunday, August 31, 2014

લવ "જિહાદ" : ડૉ. મહેબૂબ દેસાઈ

હમણાં લવ જિહાદ શબ્દ ઘણો વિવાદમાં છે. પ્રેમ લગ્ન કરી ધર્મ પરિવર્તન કરાવવાની ક્રિયા એટલે લવ જિહાદ. એવી ખોટી વ્યાખ્યા સાથે આ શબ્દનો પ્રયોગ થઇ રહ્યો છે. હિંદુ મુસ્લિમ નિકાહ કે લગ્ન એ કોઈ આજના યુગની કે નવી વાત નથી, ભારતના ઇતિહાસમાં આવા સફળ લગ્નોની પરંપરા જોવા મળે છે. અનીલ વિશ્વાસ-મહેરુન્નીસા,સુનીલદત્ત-નરગીસ, શર્મિલા ટેગોર-પટોડી નવાબ, સલીમ ખાન-હેલન, પંકજ કપૂર-નીલિમા આઝમી, સચિન પાયલોટ-સારા અબ્દુલ્લાહ, અરુણ ગવલી-આયશા, આદિત્ય પંચોલી-ઝરીના વહાબ, મનીષ તિવારી-નાઝનીન સિફા, મનોજ પ્રભાકર-ફહરીન, સુનીલ શેટ્ટી-માના કાદરી, મુખ્તાર અહેમદ નદવી-સીમા, શાહ નવાઝ હુસેન-રેણું, નાના ચુડાસમા-મુનીરા જસદણવાળા,સીતારામ યેચુરી-સીમા ચિસ્તી, વિદુ-ફરાહ નાઝ, અતુલ અગ્નિહોત્રી-સલમાન ખાનની બહેન અલવીરા ખાન, રીતિક રોશન-સુઝાન ખાન, સુબ્રમણ્યમ સ્વામીની પુત્રી સુહાસીની-નદીમ. આ લીસ્ટ ઘણું મોટું છે. આ તો માત્ર થોડા ઉદાહરણો છે. ઉપરોક્ત તમામ લગ્નોને નજીકથી જોનાર કે તેનો અભ્યાસ કરનાર કોઈ પણ બુદ્ધિજીવી વિના સંકોચે એક પળનો પણ વિચાર કર્યા વગર કહી શકશે કે તેમાં ક્યાય ધર્મ પરિવર્તનની વાત સુદ્ધા જોવા મળતી નથી. વળી, આ લગ્નોમા ધર્મ પરિવર્તનનો કોઈ વિવાદ આજ દિન સુધી જાણવામાં કે માણવામા આવ્યો નથી. અખબારોમા તેની કોઈ ચર્ચા પણ આવી નથી. મારા એક આઈપીએસ અધિકારી મિત્ર સૈયદ સાહેબે વર્ષો પૂર્વે એક ક્ષત્રિય કન્યા સાથે લગ્ન કર્યાં હતા. બંનેના આગ્રહથી હું વર્ષો પહેલા તેમને ત્યાં ભોજન માટે ગયો હતો. ત્યારે મેં એક બાજુ ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર જોયું હતું. જયારે બીજા રૂમમાં સૈયદ સાહેબ નિયમિત નમાઝ અદા કરતા હતા. ભારતની બિનસાંપ્રદાયિકતાના આ જ ઉત્તમ ઉદાહરણો છે. આ જ ભારતીય સંસ્કૃતિની મોટી વિશિષ્ટતા છે. વિવિધતામાં એકતાનું આજ સાચું દર્શન છે. જો કે આ માત્ર હિંદુ મુસ્લિમ લગ્નો જ છે. તેમાં એકથી વધુ પત્ની કરવાના ઉદેશથી ઇસ્લામના ચાર પત્નીના સિધ્ધાંતનો સ્વીકાર કરી થયેલા ધર્મેન્દ્ર-હેમામાલીની જેવા લગ્નોનો ઉલ્લેખ નથી. એવા લગ્નો અંગે પણ એક અલગથી લેખ થઇ શકે. પણ અત્રે તેની ચર્ચા અસ્થાને છે.
દેશ અને વિદેશમાં આજકાલ ઇસ્લામ અને તેના અનુયાયીઓના સારા દિવસો નથી ચાલતા. એટલે ઇસ્લામના ઉમદા સિદ્ધાંતોને પણ નરસા કરી રજુ કરવની હોડ ચાલી છે. ઇસ્લામનો એક શબ્દ તો આજે ખાસ્સો બદનામ થયો છે. તે છે "જિહાદ". સૌ પ્રથમ તેને આતંકવાદ સાથે જોડી તેના સાચા અર્થને મૂળમાંથી વિસારે પાડી દઇ, તેની ગેરસમજમાં વૃદ્ધિ કરવામાં આવેલ છે. હવે એજ શબ્દ સાથે લવને જોડી ધર્મ પરિવર્તનના નામે તેને બદનામ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. જિહાદ શબ્દનો અનર્થ કરી અનેક કહેવાતા મુસ્લિમ કે ગેર મુસ્લિમ વ્યક્તિઓ પોતાનો રાજકીય કે ધાર્મિક હેતુ સર કરવમાં મશગુલ છે. એવા સમયે એ શબ્દ પાછળની આધ્યાત્મિક ભાવના સમજવાનો કે સમજાવવાનો કોઈ આલીમ કે કોઈ મૌલવી એ કયારેય પ્રયાસ કર્યો નથી.
એકવાર હઝરત મહંમદ સાહેબ તેમના સહાબીઓ (અનુયાયીઓ) સાથે બેઠા હતા. એક યુવાન પ્રવેશ્યો અને અરજ કરતા તેણે કહ્યું,
"હુજુર, મારી પત્ની કર્કશ છે. ઝગડાળુ છે. હું તેને તલાક આપવા ઈચ્છું છું. આપ મને ઇજાજત આપો"
મહંમદ સાહેબે થોડીવાર મૌન રહી ફરમાવ્યું.
"જા તારી પત્ની સાથે નિભાવ કરવાની જિહાદ કર"
ઇસ્લામના ધર્મ ગ્રંથ કુરાને શરીફમાં અવારનવાર જિહાદ શબ્દનો પ્રયોગ થયો છે. પણ જિહાદ સાથે ક્યાય સશસ્ત્ર લડાઈ કે યુદ્ધ એવો અર્થ કરવામાં આવ્યો નથી. એ માટે તો કુરાને શરીફમાં "કિતાલ" શબ્દનો પ્રયોગ થયો છે. એ અર્થમાં "જિહાદ" એટલે
"જે વસ્તુ અયોગ્ય કે અનૈતિક હોય તેને પોતાના પુરા આત્માબળથી બદલવાની કે સુધારવાની ક્રિયા કે પ્રયાસ"
કુરાને શરીફમાં એક જગ્યાએ "જિહાદ-એ-ફી સબીલ્લાહ"શબ્દનો પ્રયોગ થયો છે. જેનો અર્થ થાય છે ખુદના માર્ગે પ્રયાસ કરવો. સૂફી સંતો ખુદાની પ્રપ્તિ માટે જે આધ્યાત્મિક મહેનત કરે છે તે પણ જિહાદ છે. સામાન્ય માનવી પોતાની કુટેવો,વ્યસનો કે અનૈતિક કાર્યોમાંથી મુક્ત થવા સંઘર્ષ કરે છે તે પણ જિહાદ છે. ઇસ્લામના આરંભકાળમાં કુરેશોના જુલ્મો અને અત્યાચારોથી પોતાની જાતને, પોતાના ધર્મને બચાવવા જે મુસ્લીમો મક્કા છોડી ઇથોપિયા ચાલ્યા ગયા. તેમની આ હિજરતને "ખુદાના માર્ગે જિહાદ" તરીકે ઓળખવામાં આવેલ છે. કુરાને શરીફમાં કેટલીક જગ્યાયે મહંમદ સાહેબને પણ કહેવામાં આવ્યું છે,
"જે લોકો તમારી વાતમાં વિશ્વાસ રાખતા નથી અથવા મુસ્લિમ થવા છતાં સચ્ચાઈ અને પવિત્રતા સાથે વર્તતા નથી. તેમની સામે જિહાદ ચાલુ રાખો. એ સૌને નિષ્ઠાપૂર્વક સમજાવવાના પ્રયાસો ચાલુ રાખો"
આ સંદર્ભમા કહી શકાય કે ઈસ્લામમાં નૈતિક મુલ્યોના જતનમાં થતા દરેક પ્રયાસો "જિહાદ" છે. કુરાને શરીફ તે વિચારને વધુ સ્પષ્ટ કરતા કહે છે,
"મુસ્લિમોમાંથી એ લોકો જેઓ કોઈ લાચારી વિના ઘરમાં બેસી રહે છે. અને જેઓ અલ્લાહના માર્ગમા જાનમાલ વડે જિહાદ કરે છે. એ બંનેનો દરજ્જો સમાન નથી. અલ્લાહના માર્ગ પર ચાલવા સમજાવનાર મુસ્લિમમોનો દરજ્જો ઉંચો છે. જો કે દરેક માટે અલ્લાહે ભલાઈનું વચન આપ્યું છે"
કુરાને શરીફમા લડાઈ, ઝગડા અંગે ખાસ કહ્યું છે,
"લાતુ ફસીદુ" અર્થાત ફસાદ ન કર. મહંમદ સાહેબને કોઈ કે પૂછ્યું,
"સૌથી મોટી જિહાદ કઈ ?"
મહંમદ સાહેબે ફરમાવ્યું,
"સૌથી મોટી જિહાદ પોતાની વૃતિઓ પર કાબુ સંયમ મેળવવાની છે. એટલે કે પોતાના ક્રોધ અને વાસનાઓ પર જીત મેળવવી એ સૌથી મોટી જિહાદ છે"
ટૂંકમાં, જિહાદ સાથે આતંકવાદ કે લવને જોડવાની ક્રિયા જ મૂળભૂત રીતે અસત્ય છે. ઇસ્લામમાં ધર્મના મામલામાં કયારેક બળજબરી ન કરવાનો આદેશ છે. કુરાને શરીફમાં કહ્યું છે,
"લા ઇકરા ફીદ્દીન" અર્થાત ધર્મની બાબતમાં કયારેય બળજબરી ન કરીશ.

No comments:

Post a Comment