Saturday, July 26, 2014

ધબકતા દાક્તર : ભરત દવે : ડૉ. મહેબૂબ દેસાઈ


આજના યુગમાં દરેક વ્યવસાયમાં મૂલ્યોનું ધોવણ થયેલું છે. શિક્ષણ, ચિકિત્સા કે સેવાના ક્ષેત્રોમા માત્ર નાણા કેન્દ્રમાં છે. શિક્ષક શાળા કરતા પોતાના ટ્યુશન કલાસમાં નિષ્ઠાથી ભણાવવાનું પસંદ કરે છે. દાકતર પ્રેક્ટીસ અને પોતાની ઈસ્પિતાલને કેન્દ્રમાં રાખી દર્દીની સારવાર કરે છે. જયારે સેવાનું ક્ષેત્ર ગણાતું રાજકારણ તો નાણા બનાવવાનું કારખાનું જ બની ગયું છે. એવા મુલ્યોના દુષ્કાળના સમયમા કોઈ સેવાકીય ઉદેશને વરેલ માનવીનો સાક્ષાત અનુભવ  થાય ત્યારે કોઈ પણ ધબકતા માનવીનું મન આનંદના હિલોળે ચડે. અમદાવાદના કાતિલ અર્થાત દર્દી આવ્યો નથીને કાપ્યો નથી, એવા વ્યવસાયિક વાતાવરણમાં નિસ્વાર્થ સેવાની અખંડ જ્યોત સમાન એક દાકતરે મને પ્રભાવિત કર્યો છે. એમનું નામ છે ડૉ. ભરત દવે.

ત્રીસેક વર્ષોની અધ્યાપક તરીકની કારકિર્દી પછી અમદાવાદમાં સ્થાહી થયે મને છએક માસ જ થયા હતા. અને એકાએક મારા કમરના દર્દે ઉથલો માર્યો. આમ તો મને કમરના મણકાનો દુખાવો હતો જ. પણ થોડી તકેદારી અને સારવારથી તે બેસી જતો. પણ આ વખતે એ દુખાવાએ માઝા મૂકી હતી. અસહાય દુખાવાને કારણે જરા પણ ઉભા ન રહેવાય. બે ડગલા પણ ન ચલાય. કુદરતી હાજત સમયે પણ અસહ્ય દર્દ થાય. પથારીમાં માત્ર એક પડખે જ સુવાય. જરા પણ પડખું ફરું કે ચીસ પડી જાય તેટલો દુખાવો થાય. આ સ્થિતિમા માનવી ખુદા કે ઈશ્વરમાંથી પણ વિશ્વાસ (ઈમાન) ગુમાવી દે. મારી પણ એ જ સ્થિતિ હતી. અસહ્ય દુખાવાને કારણે હું પણ વારંવાર ખુદા-ઈશ્વરને કોસવા લાગ્યો હતો. એક ઈમાનદાર અધ્યાપક તરીકે મે કયારેય શિક્ષણને વ્યવસાય તરીકે નથી અપનાવ્યો. શિક્ષણ એ સેવા છે. એમ માની ને જ મારા વિદ્યાર્થીઓને સમય કસમયે નિષ્ઠાથી ભણાવ્યા છે. તેમને માર્ગદર્શન આપ્યું છે. તેમને શકય તેટલી મદદ કરી છે. અને છતાં ખુદાએ મને આવું  અસહ્ય દર્દ શા માટે આપ્યું ? એમ વિચાર કરતા હું ખુદાને કોસતો કે તારા ઘરમાં ઇન્સાફ નથી. અંધેર છે. તને સારા માનવીઓની કદર નથી.

મારી આ સ્થિતિ જોઈ અમદાવાદમાં વસતા મારા સ્વજનો અને શુભચિંતકોએ મને કમરના નિષ્ણાત દાક્તરોના નામો આપ્યા. મે તેમાથી એકનો સંપર્ક કર્યો. તેમની મોટી કન્સલ્ટીંગ ફી ચૂકવી. તેમણે મારો એમ.આર.આઈ રિપોર્ટ્સ જોઈ કહ્યું,

"તમારી કમરનો મણકો ખસી ગયો છે. એટલે દવા લખી આપું છું. અને કસરત માટે સ્થળ સુચવું છું. ત્યા કસરત માટે નિયમિત જવું પડશે."

મે તેમની દરેક સૂચનાનું પંદરેક દિવસ પાલન કર્યું. પણ કશો ફેર ન પડ્યો. એટલે મે એથી વધુ જાણીતા અને હાડકાના દર્દોની મોટી ઈસ્પિતાલ ચલાવતા એક અન્ય દાકતરને બતાવ્યું. તેમની કન્સલ્ટીંગ ફી પહેલા કરતા પણ વધારે હતી. મે તે

ચૂકવી.તેમણે દસ દિવસ માટે દવા લખી આપી. પણ દસ દિવસમાં કઈ ફેર ન પડ્યો. એટલે દસ દિવસના અંતે તેમણે મને કહ્યું,

"ઓપરેશન કરવું પડશે"

મે કહ્યું,

"વિજ્ઞાન આજે પણ માનવીના મગજ અને મણકાથી અજાણ છે. એટલે ઓપરેશન તો હું નહિ કરાવું. આપ બીજો કોઈ ઈલાજ સુચવો"

"તમારા દર્દનો બીજો કોઈ ઈલાજ નથી. ઓપરશન તો તમારે કરાવવું જ પડશે"

અને હું હતાશ થઇ ઘરે આવ્યો. મારી પત્ની અને સ્વજનો મને દાક્તરની સલાહ માની ઓપરશન કરાવી લેવા દબાણ કરવા લાગ્યા. એ જ દિવસોમા મને મારા એક અખબાર સંપાદક મિત્રે નડિયાદ પાસે આવેલા એક ગામનું સરનામું આપ્યું અને કહ્યું ત્યાં એક ભાઈ વર્ષોથી કમરના મણકાના દર્દોની સારવાર કરે છે. ડૂબતાને તણખાનો સહારો. મારા પિતરાઈને લઈને હું ત્યા પણ જઈ આવ્યો. પણ કમરનો દુખાવો યથાવત રહ્યો. આ બધા નિષ્ફળતા પ્રયાસોએ મને હતાશ કરી મુક્યો. હવે હું કયારેય ચાલી નહિ શકું એવી માન્યતા મનમાં દ્રઢ થવા લાગી. એજ અરસામાં મારા બહેન મહેમૂદાએ મને ભરત દવેનું નામ સૂચવ્યું. અમદાવાદમાં કમરના મણકાની તેમની મોટી ઈસ્પિતાલ છે. દાક્તરોને બતાવી બતાવી હું થાક્યો હતો. એટલે મે ભરત દવેને બતાવતા પહેલ તેમના વિષે થોડી માહિતી મેળવી. ગુજરાત વિદ્યાપીઠના મારા એક સાથીને મે ભરત ભાઈ અંગે પૂછ્યું. તેમણે પણ કમરના અતિ દુખાવાની સમસ્યા હતી. તેમણે મને તેમનો ભરતભાઈ સાથેનો સુખદ સ્વઅનુભવ કહ્યો. અને મે ડૉ ભરત દવેને બતાવવાનું નક્કી કર્યું. તેમની ઇસ્પિતાલે તેમને મળવાનો સમય લેવા ફોન કર્યો. ત્યાથી જાણવા મળ્યું કે એક દોઢ માસ સુધી તો મુલાકાતનો સમય આપી શકાય તેમ નથી. મે વિનંતી કરતા કહ્યું,

"મેડમ, હું પ્રોફેસર છું. અને કમરના અસહાય દુખાવાથી પીડાઈ રહ્યો છું. આપ મને થોડો સમય ફાળવો એવી વિનંતી છે"

"સર, અહિયાં તો એ શક્ય નથી. આપ સ્ટર્લિંગ ઈસ્પિતાલમાં પ્રયાસ કરો. ત્યા સાહેબ  દર શનિવારે જાય છે"

અને મારી પત્નીએ સ્ટર્લિંગ ઈસ્પિતાલમાં ફોન કર્યો. ખુદાની રહેમાતથી મને શનિવારે ત્રણ વાગ્યાનો સમય મળ્યો.

હું, મારી પત્ની અને મારો પિતરાઈ અબ્દુલ રહેમાન શનિવારે સ્ટર્લિંગ ઈસ્પિતાલ પહોંચ્યા. ત્યાની ભીડ જોઈ અમે દંગ રહી ગયા. અહિયાં પણ વારો આવશે કે નહિ, એ ચિંતા મને સતવા લાગી.અબ્દુલ રહેમાન કેસ કઢાવવા ગયો. ત્યાથી સુચન મળી,

"એક હજાર રૂપિયા કાઉન્ટર પર પ્રથમ જમા કરાવી તેની રશીદ લઈને આવો પછી કેસ નીકળશે"

અબ્દુલ રહેમાન પૈસા જમા કરાવવા કાઉન્ટર પર ગયો. અને તેણે એક હજાર રૂપિયા કાઉન્ટર પર આપી મારું નામ કહ્યું,

"પ્રોફે. મહેબૂબ દેસાઈ"

કાઉન્ટર પર બેઠેલ બહેન એ પૈસા હાથમાં લે એ પહેલા એક બહેન દોડતા આવ્યા અને કાઉન્ટર પર બેઠેલા બહેનને ધીમા સ્વરે કહ્યું, 

"પ્રોફે. મહેબૂબ દેસાઈના પૈસા લેવાની સાહેબે ના પાડી છે. તેમને સાહેબના લેટર હેડ પર કેસની વિગતો લખી આપો"

અબ્દુલ રહેમાને પૈસા પુનઃ પાઉચમા મુકયા. ભરતભાઈના લેટર હેડ પર મારું નામ અને કેસની વિગતો લખાવી, લેટર હેડ લઈને અબ્દુલ રહેમાન મારી પાસે આવ્યો. અને મને કહ્યું,

"ભાઈ, પૈસા નથી લીધા. આ લેટર હેડ પર તમારો કેસ નોંધ્યો છે"

અસહ્ય પીડા વચ્ચે મને નવાઈ લાગી. અમદાવાદમા મોટી કન્સલ્ટીંગ ફી વગર કોઈ દાક્તર તમારો હાથ પણ પકડવા તૈયાર ન થાય. એવા યુગમાં પૈસા વગર મારો કેસ તપાસવાની ક્રિયા મને ન સમજાય. પણ અત્યારે મારું મન માત્ર મારા હઠીલા કમર દર્દને દૂર કરવા તત્પર હતું, એટલે વધુ વિચાર કર્યા વગર હું મારો વારો આવે તેની રાહમાં ચુપચાપ બેસી રહ્યો. લગભગ ચાર વાગ્યે મારો વારો આવ્યો. અને હું, સાબેરા અને અબ્દુલ રહેમાનના સહારે ભરતભાઈની ચેમ્બરમા પ્રવેશ્યો. ચેમ્બરમાં કોઈ ન હતું. એક બહેને અમને સાહેબની થોડીવાર રાહ જોવા કહ્યું. અને મે ચેમ્બરમાં મુકેલ પાટ પર એક પડખે લંબાવ્યું. વીસેક મિનિટના ઇન્તઝાર પછી એક વ્યક્તિએ ચેમ્બરમા પ્રવેશ કર્યો. દુબળો પાતળો બાંધો, સપ્રમાણ ઊંચાઈ, પેન્ટ ઇન શર્ટ અને પગમાં સાદા પગરખા. ચહેરા પર સ્વજન સમા સાથે સ્મિત તેમણે મારી સામે જોયું. જાણે મને વર્ષોથી ન ઓળખતા હોય. મે તેમને મારા કેસની વિગતો આપી. અસહ્ય પીડા અને અપાહીજ સ્થિતિની જાણ કરતા કહ્યું,

"આવી અપાહીજ સ્થિતિમાં જીવવું એના કરતા તો મૃત્યું સારું"

ભરતભાઈ મારી સામે એક નજરે જોઈ રહ્યા. પછી બોલ્યા,

"તમારા જેવા માણસોની તો સમાજને જરુરુ છે"

પછી તેમણે મને ચત્તો સુવડાવી કમરના મણકાની તપાસ કરી. મારો એમ.આર.આઈ. રીપોર્ટ તપાસ્યો. પછી કહ્યું,

"આપના કમરના મણકા નીચે એક નસ દબાઈ છે. જેના કારણે આપને અસહ્ય પીડા થાય છે. હું ટેબલેટ લખી આપું છું તેનાથી તમને રાહત થશે. પણ આમાં ધીરજ રાખવી પડશે. દસ દિવસ પછી આપણે પાછા મળીશું. ત્યારે આગળ વિચારીશું"

એમ કહી તેમણે મને દવા લખી આપી. હું એમની સરળતા અને સહજતા જોઈ રહ્યો.

દસેક દિવસ પછી અમે પાછા સ્ટર્લિંગ ઈસ્પિતાલમા ગયા. ત્યારે પણ કન્સલ્ટીંગ ફીના રૂપિયા એક હજાર ન લેવામા આવ્યા. પુનઃ આશ્ચર્ય વચ્ચે અમે ભરતભાઈને મળ્યા. મે દર્દમાં કોઈ ખાસ ફેર ન પડ્યાની ફરિયાદ કરી. એટલે તેમણે પુનઃ મારી તપાસ કરી અને કહ્યું,

"હું એક ઇન્જેક્શન પગમાં આપું છું. પછી આપ અહિયાં કેન્ટીનમાં ચા નાસ્તો કરો. અડધી કલાક પછી આપણે પાછા મળીશું"

અને તેમણે મને પગમાં ઇન્જેક્શન આપ્યું, ઇન્જેક્શન આપ્યા પછી મારી પત્ની સાબેરા એ પૂછ્યું,

"સાહેબ, ઇન્જેકશનના કેટલાં પૈસા જમા કરાવીએ ?" તેમણે સ્મિત કરતા કહ્યું

"એક પણ નહિ. અડધી કલાક પછી આ જ કેબીનમાં પાછા આવી જજો"

હું તેમની વાત સાંભળી રહ્યો. ભરતભાઈ મારી પાસેથી પૈસા શા માટે નથી લેતા ? તેમનો મારા પ્રત્યેનો આવો પ્રેમાળ વ્યવહાર શા માટે છે ? આવા અનેક પ્રશ્નો વચ્ચે મે કેબીનમાંથી કદમો બહાર માંડ્યા. અડધી કલાકનો સમય મારા માટે અત્યંત સુખદ રહ્યો. ઇન્જેક્શનને કારણે મારો અસહ્ય દુખાવો થોડો ઓછો થતો મે અનુભવ્યો. મારા કદમોમાં થોડી શક્તિનો સંચાર થયો. અડધી કલાક પછી અમે પાછા ભરતભાઈને મળ્યા ત્યારે મારા ચહેરા પર થોડી રાહત હતી. એ જોઈ ભરતભાઈ બોલ્યા,

"તમારા દુખાવમાં કેટલો ફેર લાગે છે ?"

મે કહ્યું,

"લગભગ ચાલીસ ટકા દુખાવો ઓછો લાગે છે"

"સરસ" દુખાવો ઓછો થતા હું થોડો સ્વસ્થ થયો હતો. એટલે મે પૂછ્યું,

"સર, મારી સાથે આપ આટલું માયાળુ વર્તન શા માટે રાખો છો ? મારો પ્રશ્ન સાંભળી ભરતભાઈ એ સ્મિત કર્યું અને પછી ધીમેથી કહ્યું,

"હું તો મારા દરેક પેશન્ટ સાથે આમ જ વર્તું છું"

પછી મૂળ વાત પર આવતા બોલ્યા,

"આપની ટેબ્લેટમા હું થોડી નવી ટેબ્લેટ ઉમેરું છું. તે સવાર સાંજ લેવાની છે. અને દસ દિવસ પછી આપણે પાછા મળીશું" 

અને એ જ સ્મિત સાથે એમણે મને વિદાય આપી.

દસ દિવસ દરમિયાન મારો દુખાવો લગભગ પાસઠ ટકા ઓછો થયો હતો. હું પથારી માંથી બહાર આવ્યો હતો. ચાલવા અને ઉભા રહેવાની ક્ષમતા થોડી વધી હતી. મન સ્વસ્થ થયું હતું, ઈશ્વર અને ખુદા પરનો મારો વિશ્વાસ પાછો કાયમ થયો હતો. પરિણામે ભરતભાઈના મારી સાથેના સ્વજન સમા વ્યવહારનું રહસ્ય શોધવા મારું મન તત્પર બન્યું હતું. અમદાવાદ જેવા ત્રાજવે તોળીને વ્યવહાર કરતા શહેરમાં નિસ્વાર્થ એક પણ પૈસો લીધા વગર સેવાની મહેક પ્રસરાવતા આવા દાક્તર ડૉ. ભરતભાઈ  દવેને ઓળખવાની, જાણવાની મહેચ્છા કોઈ પણ બુદ્ધિજીવીને થાય એ સ્વભાવિક છે. એટલે દસ દિવસ પછી હું અને અબ્દુલ રહેમાન સ્ટર્લિંગ ઈસ્પિતાલમાં ગયા ત્યારે મનમાં એકવાત નક્કી કરી રાખી હતી કે આજે તો મારા પ્રત્યેના તેમના સ્વજન સમા વ્યવહારનું રહસ્ય જાણીને જ રહીશ. અમે તેમની કેબીનમાં પ્રવેશ્યા. થોડીવારના ઇન્તઝાર પછી ભરતભાઈ આવ્યા. ચહેરા એજ સ્મિત સાથે તેમણે અમને આવકારતા કહ્યું,

"આજે આપના બેટર હાફ નથી આવ્યા"

"ના રમઝાન માસને કારણે તેઓ ઇફ્તીયારીની તૈયારીમાં છે"

"ઓકે, તમને કેમ છે ?"

"ખુબ સારું છે. ચાલી શકાય છે. ઉભા રહી શકું છું. આપે એક નિરાશ, હતાશ થઇ ગયેલા માનવીમાં પુનઃ પ્રાણનો સંચાર કર્યો છે. મારો જીવવાનો  વિશ્વાસ મને પાછો આપ્યો છે. એ માટે હું આપનો ખુબ ઋણી છું. જો કે હજુ વધુ સમય ચાલવાથી કે ઉભા રહેવાથી દુખાવો થાય છે"

"ઓકે, હું દવામા થોડો ફેરફાર કરું છું. હવે આપણે એક મહિના પછી મળીશું"

એમ કહી તેઓ લેટરહેડ પર દવાઓ લખવા લાગ્યા. એ તકનો લાભ લઇ મે પૂછ્યું,

"ભરતભાઈ, આપનો મારા પ્રત્યેનો આવો પ્રેમાળ વ્યવહાર મને નથી સમજતો"

તેમણે દવા લખતા લખતા મારી સામે જોયું. પછી સ્મિત કરતા કહ્યું

"મે આપનો બાયોડાટા કયાંક વાંચ્યો છે. તમે ઘણું કામ કર્યું છે. તમારા જેવા અધ્યાપકને સાજા કરવામા મને મારા કાર્યનો સંતોષ મળ્યો છે"

હું તેમનો ટૂંકો જવાબ સાંભળી રહ્યો.વ્યવસાયિક હબ ગણાતા અમદાવાદમાં એક અધ્યાપકના કામની કદર કરનાર ડૉ.ભરત દવેને હું એક નજરે તાકી રહ્યો. તેમના આવા આત્મીય ભાવ નો ઉત્તર વાળવા મે પ્રયાસ કર્યો. પણ મારા અવાજ અને આંખોમાં તેમના પ્રેમ અને આત્મીયતાની ભીનાશ ફરી વળી હતી. એટલે એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર હું તેમની કેબીનમાંથી બહાર નીકળી ગયો. પણ મારા હદયમાં
ડૉ.ભરત દવેનો સ્મિત કરતો ચહેરો ધાટી રેખાઓમાં અંકિત થઇ ગયો હતો. આજે પણ હું એ પળને યાદ કરું છું ત્યારે વ્યવસાય કરતા વ્યક્તિનું મુલ્ય આંકનાર દાક્તર ભરત દવે મને અચૂક યાદ આવી જાય છે. અને મારી આંખોમાં ભીનાશ પ્રસરી જાય છે.

No comments:

Post a Comment