Tuesday, June 3, 2014

ડૉ.ઇકબાલની " જાવેદનામા " : ડૉ. મહેબૂબ દેસાઈ

 
"સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા
 હમ બુલબુલે હૈ ઉસકી યે ગુલીસ્તાં હમારા"
 
થી જાણીતા ડૉ. મુહમ્મદ ઇકબાલ (૧૮૭૬-૧૯૩૮) તેમની અનેક રચનાઓથી પ્રસિદ્ધ છે. પણ તેમાં તેમની ૧૯૩૨મા પ્રકાશિત થયેલ અને પર્શિયન ભાષામાં મસ્નવી શૈલીમાં લખાયેલ રચના "જાવેદનામા" થી આપણે ઓછા પરિચિત છીએ. કારણ કે તેનો હિંદી કે ગુજરાતીમાં અનુવાદ થયો નથી. જો કે તેની ગણના આજે પણ ડૉ. ઇકબાલના અદભૂત મહાકાવ્યમા થાય છે. ડૉ ઇકબાલની માતૃભાષા ઉર્દૂ છે. આમ છતાં ડૉ, ઇકબાલની મોટાભાગની રચનાઓ પર્શિયનમાં છે. તેના જવાબના ડૉ ઇકબાલ કહે છે,
"ઉર્દૂ મીઠાશમાં ઉત્તમ છે, આમ છતાં પર્શિયન હિંદી (ઉર્દૂ) કરતા પણ વધુ મીઠી ભાષા છે"
 
ડૉ. ઇકબાલને "જાવેદનામા" રચવાની પ્રેરણા દાન્તેના મહાકાવ્ય "ડીવાઈન કોમેડી" પરથી મળ્યાનું મનાય છે. દાન્તેની "ડીવાઈન કોમેડી"મા રાહબર કે ગાઈડ તરીકે દાન્તેની પ્રિયતમાનો ઉલ્લેખ જોવા મળે છે. જયારે "જાવેદનામા"મા ડૉ. ઇકબાલે મૌલાના રૂમીને રાહબર તરીકે રજુ કરેલ છે. જે સ્વર્ગમાં જઈ વિશ્વના અનેક મહાનુભાવો જેવા કે ગૌતમ બુદ્ધ, મહાવીર, મહંમદ પયગમ્બર, ઈસુ ખ્રિસ્ત વગેરે સાથે મુલાકાત કરે છે. અને તેમના અધ્યાત્મિક વિચારોને અભિવ્યક્ત કરે છે. અને અટેલે જ તેને "અધ્યાત્મિક કલ્પના કથા" કહેવામાં આવે છે. પર્સિયન ભાષમાં લખાયેલ "જાવેદનામા"નો અંગ્રેજીમાં અનુવાદ આર્થર જે. અર્બેરીએ  કર્યો છે. ઈટાલી, જર્મની, તુર્કી જેવી અનેક ભાષાઓમાં તેના અનુવાદો થયા છે. "જાવેદનામા" ડૉ.ઇકબાલે પોતાના પુત્રને ઉદેશી ને લખેલ છે. જેઓ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ હતા. જીવનની અંતિમ પળોમાં તેમણે તેમના ૧૪ વર્ષના પુત્ર જાવેદને અંતિમ શબ્દો કહ્યા હતા,
" 'જાવેદ કો' વાલા હિસ્સા પઢ લે' " એ "જાવીદનામા" વિષે આજે થોડી વાત કરીએ.
 
લગભગ પાંચથી છ હજાર પંક્તિમાં લખાયેલા આ મહાકાવ્યમા દુષ્કર્મો સામેના માનવીના સંઘર્ષ અને શાંતિ માટેનું સંશોધન વ્યક્ત થયું છે. આ માટે જગતભરના દાર્શનિકો, કવિઓ, ચિંતકો, ધર્મ રાહબરો, પયગમ્બરો વગેરેના સંદેશાઓ અને વિચારોનો સમન્વય સમગ્ર મહાકાવ્યમાં વ્યક્ત થાય છે. આ બધી રજૂઆત એવી સંવેદનશીલ અને મનોરમ્ય પ્રવાસ રૂપે થઇ છે કે વાચકને એ પ્રવાસ  મુક્ત થવાનું મન નથી થતું. જાવેદનામાનો આરંભ પૃથ્વીના મહિમા ગાન સાથે થાય છે. જાવેદનામાનો પ્રવાસી રૂમી સૌ પ્રથમ ચંદ્રલોકમાં  વિશ્વામિત્રને મળે છે. અને તેની પાસેથી પૂર્વની આઝાદીનો સંદેશ મેળવે છે. ત્યાંથી આગળ વધી રૂમી પયગમ્બર લોકમાં આવે છે. ત્યાં ગૌતમ બુદ્ધ, જર્થુસ્ત, ભગવાન ઈસુ, અને હઝરત મહંમદ પયગમ્બરને મળે છે. ગૌતમ બુદ્ધનો વિશ્વ શાંતિનો સંદેશો બૌદ્ધ નર્તકી દ્વારા પ્રાપ્ત થયા છે. જયારે જર્થુસ્તનું દુષ્ટતા અને ભલાઈનું તત્વ જ્ઞાન અહરમન પાસેથી મળે છે. ઈસુ ખ્રિસ્તના વચનોનું રહસ્ય ટોલ્સટોય પાસેથી મેળવે છે. અંતે રૂમી મહંમદ પયગમ્બર પાસે જાય છે. મહંમદ સાહેબનો માનવ સમાનતાનો સંદેશ તેમના સખ્ત વિરોધી અબુ જહેનની ટીકાઓ માંથી પ્રાપ્ત કરે છે.બુધ લોકમાં રૂમી ગાલીબ, અને બીજા ઈરાની કવિઓને મળે છે. ત્યાં જીવન અને મૃત્યુની ચર્ચા ચાલતી હોય છે. અને કવિઓ પોતાના વિચારો વ્યક્ત કરતા હોય છે. તેમાં સૂફી સંત મન્સુર હ્લ્લાજ કહે છે,
"પુનર્જીવન કી આવાઝે મેરે સિને મે આતી હૈ
 મેને લોગો કો ઉનકી કબ્રો કી તરફ બઢતે દેખા હૈ
 યે ખુદ કો ભૂલે રહતે હૈ
 મેરે દોસ્ત, ખુદ સે  ડરો, મેને જો કીયા વો તુમ ભી કરો"
મન્સુરના આ વિચારમાં "અનલ હક્ક" "હું જ ખુદા છું"નો સૂર સંભળાય છે.
આમ મહાનુભાવોને મળતા મળતા રૂમી અવકાશના સાતમાં લોકમા પ્રવેશે છે. એ લોક નર્કની યાતનાઓને વ્યક્ત કરે છે. નર્ક લોકમાં તે ભારતના બે ગદ્દારો બંગાળના જાફર અને દક્ષિણના સાદીકને સબડતા જોવે છે. એ બંને દેશદ્રોહીઓ લોહીના સમુદ્રમાં સતત અથડાતી હોડીઓમાં ભટકતા જોવા મળે છે. પશ્ચિમી સ્ત્રીઓના ટીકાકાર ઇકબાલ અહિયાં પણ તેમના એ વિચારોને વાચા આપવાનું ચૂકયા નથી. રૂમીના મુખમાં શબ્દો મૂકી તેઓ કહે છે,
"વો મિસ બોલી ઈરાદા ખુદ્ખુશી કાં
 જબ કીયા મેને મુહ્જ્જ્બ (સભ્ય)હૈ તું એ આશિક !
 કદમ બાહર ન ઘર હદ સે ન જુરઅત હૈ
 ન્ ખંજર હૈ તો કસ્મે ખુદ્ખુશી કૈસે યે માના
 દર્દે નાકામી ગા તેરા ગુજર હદ સે કહા મૈને કી
 એ જાને જહા બુદ્ધ નકદ દિલવા દો
 કિરાયે પર મંગા લુંગા કોઈ અફઘાન સરહદ સે" 
પશ્ચિમની સ્ત્રીઓના દર્દના અર્થાત દુઃખોના અલ્પ સ્વરૂપો અને એવા નકામા કારણો સર ખુદ્ખુશી અર્થાત આત્મહત્યા કરવાના વિચારોને સાકાર કરતી આ રચનામા પશ્ચિમી સ્ત્રીઓની એ યુગની મનોદશા વ્યક્ત થાય છે.  
ભારતની મુક્તિની ચાહત ઇકબાલના આ કાવ્યમાં પણ વ્યકત થાય છે. અહીં હિંદનો આત્મા વિલાપ કરતો નજરે પડે છે. હિંદની ભવ્યતા, જ્ઞાન અને દિવ્ય પ્રેમને ભારત માતાની મૂર્તિ દ્વારા વ્યક્ત કરવામાં આવેલ છે. તેના હાથ પગની જંજીરો અને વિલાપ કોઈ પણ માનવીના હદયને હચમચાવી  મુકે તેવા વ્યક્ત થયા છે. ત્યાર બાદ રૂમી ભર્તુહરિને મળે છે. અમીર ખુશરો અને ટીપુ સુલતાનને મળે છે. ટીપુ સુલતાન સાથેની ચર્ચામાં કવિને બે પ્રકારના યુધ્ધો હોવાનું જાણવા મળે છે. એક યુદ્ધ વ્યક્તિ પર વિજય મેળવવાનું અને બીજું  ગુલામી પર વિજય મેળવવાનું. પ્રથમ યુદ્ધમાં માત્ર વિજય મળે છે જે અલ્પ જીવી હોય છે. જયારે બીજા યુધ્ધમાં અમરતા મળે છે. ટીપુના આ સંદેશ ઉપરાંત તેનું નીચેનું અવતરણ પણ મહાકાવ્યનું હાર્દ વ્યક્ત કરે છે,
 
"દરેક પળે ગુલામ મૃત્યુના ભયથી મરી રહ્યો હોય છે. એને માટે જિંદગી ભાર રૂપ હોય છે. જયારે આઝાદ માનવીને જીવન ગૌરવ હોય છે અને મુર્ત્યુ નવજીવન હોય છે"
લેખના આરંભમાં ઉલ્લેખ કર્યો હતો તેમ ડૉ. ઇકબાલે પોતાના ૧૪ વર્ષાના પુત્ર જાવેદને અંતિમ શબ્દો કહ્યા હતા,
"" 'જાવેદ કો' વાલા હિસ્સા પઢ લે' " એ શું છે. તે જાણવા સૌ કોઈ વાચક ઉત્સુક બને તે સ્વભાવિક છે. એ જ્ઞાન આપતી થોડી પંક્તિઓ પણ માણવા જેવી છે.
"હર એક મકામ સે આગે મકામ હૈ તેરા
 હયાત (જીવન) જૌકે-સફર (સફર કી રુચિ)કે બીના કુછ ઔર નહિ
 અમલ સે જિંદગી બનતી હૈ જન્નત ભી જહન્નુમ ભી
 યે ખાકી માટી કા પુતળા અપની ફિતરત મે ન નૂરી (દૈવીય) હૈ
 ના નતરી (નારકીય) હૈ"
અર્થાત દરેક મંઝીલની આગળ તારી મંઝીલ છે. જીવવાની ઈચ્છા સિવાય ઝીંદગી કશું જ નથી. આ માટીના પુતળા જેવા તારા દેહમાં કોઈ દેવી તત્વ નથી. તારા આમલ અર્થાત કર્મો જ તારી ઝીન્દગીને જન્નત (સ્વર્ગ) અને જહન્નુમ (નર્ક) બનાવશે.
પોતાના પુત્ર જાવેદને "જાવેદનામા" ની આ છેલ્લી શિખામણ આપી ડૉ. ઇકબાલે આ ફાની દુનિયાને અલવિદા કરી.

No comments:

Post a Comment