Thursday, June 19, 2014

રોઝાની મહત્વની બાબતો : ડૉ. મહેબૂબ દેસાઈ


ઇસ્લામમાં રોઝા અર્થાત ઉપવાસનું વિશેષ મહત્વ છે. તેનો સવાબ (પુણ્ય) અઢળક છે. હઝરત મહંમદ પયગમ્બર સાહેબે એક હદીસમાં ફરમાવ્યું છે,

“જે માણસથી  સ્ત્રી, બાળકો, જાનમાલ, ઔલાદ અને પડોશીયોના હક્કો અદા કરવામાં કઈ ઉણપ રહી ગઈ હોય, તો તે ઉણપને કારણે થયેલ ગુનાહ મુક્ત થવા રોઝા, નમાઝ અને ખૈરાત ઉત્તમ માર્ગ છે”

ઇસ્લામમાં એમ કેહવાય છે, જન્નત (સ્વર્ગ)માં એક દરવાજો છે. જેને “રય્યાન” કહેવામાં આવે છે. તેમાંથી કયામતના દિવસે રોઝદાર જન્નતમાં દાખલ થશે. અર્થાત દરેક રોઝદાર માટે જન્નતનો દરવાજો “રય્યાન” ખુલ્લો રાખવામાં આવશે. એક હદીસમાં અબૂ હુરૈરાએ કહ્યું છે,

“રસુસલ્લાહ (સ.અ.વ.અ)એ ફરમાવ્યું છે કે જયારે રમઝાન આવે છે ત્યારે જન્નતના દરવાજા ખોલી નાખવામાં આવે છે.”

એક અન્ય હદીસમાં મહંમદ સાહેબે ફરમાવ્યું છે,

“જે માણસ ઈમાનની સાથે સવાબની આશાએ રમઝાનના રોઝા રાખશે, તેના આગલા તમામ ગુનાહ માફ થઇ જશે”

હઝરત ઇબ્ને અબ્બાસ કહે છે,

“મહંમદ સાહેબ બધા લોકો કરતા અત્યંત સખી(દાતા) હતા.અને રમઝાનમાં તો હઝરત જિબ્રીલ સાથે સતત મુલાકાત કરતા અને કુરાને શરીફનું સતત પઠન કરતા રહેતા”

રોઝાની મહત્તા અને તકેદારી અંગે પણ ઇસ્લામની અનેક હદીસોમાં વિગતે વાત કરવમાં આવી છે. મહંમદ સાહેબે ફરમાવ્યું છે,

“માનવીનું દરેક કાર્ય તેના પોતાના માટે હોય છે. જયારે તેના રોઝા ખુદા માટે છે. ખુદા પોતે જ તેનો બદલો વિશિષ્ટ રીતે આપશે. રોઝા દોઝક (નર્ક)થી બચવા માટેની ઢાલ છે. તમારામાંથી કોઈ પણ માણસ ગાલીગલોચ ન કરે, શોરબકોર ન કરે. જો કોઈ ગાળ આપે અથવા લડવા ઈચ્છે તો તેને કહી દો કે મારે રોઝો છે. કસમ છે ખુદાની જેના કબજામાં મુહંમદનો જાન છે, રોઝદારના મુખની વાસ ખુદાની મુશ્કની ખુશ્બુથી વધારે પસંદ છે. રોઝદાર માટે બે ખુશીઓ છે. એક ખુશી તો ત્યારે મળે છે જયારે તે રોઝો ખોલે છે. અને બીજી ખુશી ત્યારે મળશે જયારે ખુદા સાથે તેની મુલાકાત થશે.”

અરબસ્તાનની ગરમીમાં પણ ઇસ્લામના અનુયાયીઓ રોઝા રાખવાનું ચુકતા નથી. આપણે ત્યાં પણ ગરમીનું પ્રમાણ જ્યારે વધુ હોય છે ત્યારે પણ રોઝદાર અચૂક રોઝા રાખે છે. ગરમીના દિવસોમાં માનવ શરીર હંમેશા ઠંડક અને પાણીનો સ્પર્શ ઈચ્છે છે. ઇસ્લામ માનવ ધર્મ છે. તેમાં જડતા નથી. તેથી તેના નિયમો પણ માનવીય અભિગમ અને પરિવર્તન શીલતા છે. હઝરત હસન બસરી કહે છે,

“રોઝદાર માટે કુલ્લી (કોગળા) કરવી અને પાણીથી ઠંડક મેળવવી અયોગ્ય નથી”

એ જ રીતે રોઝદાર ભૂલમાં કઈ ખાઈ લે તો પણ તેનો રોઝો તુટતો નથી. હઝરત અબૂ હુરૈરા કહે છે,

“મહંમદ સાહેબે ફરમાવ્યું છે કે જો રોઝદાર ભૂલથી કઈ ખાઈ લે અથવા પી લે તો રોઝો ન તોડે, બલકે રોઝો પુરો કરે”

રોઝાની હાલતમાં દાંતણ કરવું, મો સાફ કરવું કે દાંત સાફ કરવાંથી પણ રોઝો કાયમ રહે છે. આમરી ઇબ્ન રબી આ અંગે કહે છે,

“હુઝુર (સ.અ.વ.) રોઝોની હાલતમાં એટલીવાર દાંતણ કરતા કે હું ગણી શકતો નહિ”

હઝરત આયશા (રદિ)એ પણ કહ્યું છે,

“હુઝુર (સ.અ.વ.) ફરમાવ્યું છે કે દાંતણ મોને પાક કરનારું અને ખુદાની ખુશી મેળવવાનું સાધન છે”

રમઝાન માસમાં કયારેક મોમીનને કોઈ નાનું મોટું શારીરિક ઓપરેશન કરાવવાની ફરજ પડે છે. ત્યારે તે પોતાના તૂટી જતાં રોઝોથી ચિંતિત બને છે. કારણ કે સમાન્ય રીતે એવી માન્યતા સેવવામાં આવે છે કે રોઝાની હાલતમાં શરીર ઉપર વાઢકાપ અર્થાત ઓપરેશન કરાવવાથી રોઝો તૂટી જ્યાં છે. ઇસ્લામિક હદીસમાં આ અંગે પણ સ્પષ્ટ કરવાંમા આવી છે. આજથી લગભગ સાડા છસો વર્ષ પહેલા પણ રમઝાનના મહિનામાં રોઝદારોને અનિવાર્ય સંજોગોમાં શરીર પર વાઢકાપ અર્થાત શારીરિક ઓપરેશન કરાવવાની જરૂર પડતી. એ માટે હદીસમાં એક શબ્દ વારંવાર ઉપયોગમાં લેવાયો છે. “સીંગી”.  “સીંગી” અર્થાત અસ્ત્રા દ્વારા શરીરમાંથી ખરાબ લોહી કાઢવાની ક્રિયા. 

આ અંગે હદીસમાં કહ્યું છે,

“હઝરત ઇબ્ને ઉમર રોઝાની હાલતમાં સીંગી મુકાવતા હતા. પરંતુ છેવટે તેમણે તે છોડી દીધું. અને રાત્રે સીંગી મુકાવતા થયા”

હઝરત ઇબ્ને અબ્બાસ કહે છે,

“રસુલિલ્લાહ (સ.અ.વ.) એ અહેરામની હાલતમાં સીંગી મુકાવ્યું અને રોઝાની હાલતમાં પણ મુકાવ્યું હતું”

એક અન્ય બાબત પણ ઇસ્લામને માનવધર્મ તરીકે સ્વીકારવા આગ્રહ કરે છે. રોઝા દરેક માટે ફરજીયાત છે. પણ જો કોઈ પણ મુસ્લિમ સફર અર્થાત મુસાફરીમાં હોય તો તેના માટે હદીસમાં ખાસ છૂટ આપવામાં આવેલા છે. હઝરત આયશા કહે છે,

“હમઝા ઇબ્ને અમ્ર અસલ્મી બધા રોઝા રાખતા હતા. તેમણે મહંમદ સાહેબને પૂછ્યું “યા રસુલ્લીલાહ, સફરમાં રોઝા રાખું છું ? આપે ફરમાવ્યું “ઈચ્છો તો રાખો, ન ઈચ્છો તો ન રાખો”

એકવાર સહાબીઓ સાથે મહંમદ સાહેબ સફરમાં હતા. સખ્ત તાપ હતો. એટલે તાપથી બચવા માટે એક માણસના માથા પર કપડાથી છાયડો કરવામાં આવ્યો. એ જોઈ મહંમદ સાહેબે ફરમાવ્યું “સફરમાં રોઝા એ સારું કામ નથી”

પણ આ રીતે છૂટી ગયેલા રોઝા અદા કરવાનો પણ ઇસ્લામમાં આદેશ છે. ત્યાં સુધી કે બાકી રહી ગયેલા રોઝો તેના વાલી કે સગા સબંધી એ પુરા કરવા જોઈએ. આ અંગે હદીસમાં કહ્યું છે,

“જે માણસ મરી જાય અને તેના ઉપર રોઝા બાકી હોય તો તેના વાલી તેના તરફથી રોઝા પુરા કરે”

 
(આધાર : ઈમામ બુખારી (રહ) સંપાદક, બુખારી શરીફ, ઈબ્રાહીમ (અનુવાદક) ભાગ ૬ થી ૧૦, પ્ર. ઈસ્માઈલ ઘડિયાળી, પરિએજ, જિ. સુરત, પૃષ્ટ ૧૮૮ થી ૨૦૩)

 

Tuesday, June 3, 2014

ડૉ.ઇકબાલની " જાવેદનામા " : ડૉ. મહેબૂબ દેસાઈ

 
"સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા
 હમ બુલબુલે હૈ ઉસકી યે ગુલીસ્તાં હમારા"
 
થી જાણીતા ડૉ. મુહમ્મદ ઇકબાલ (૧૮૭૬-૧૯૩૮) તેમની અનેક રચનાઓથી પ્રસિદ્ધ છે. પણ તેમાં તેમની ૧૯૩૨મા પ્રકાશિત થયેલ અને પર્શિયન ભાષામાં મસ્નવી શૈલીમાં લખાયેલ રચના "જાવેદનામા" થી આપણે ઓછા પરિચિત છીએ. કારણ કે તેનો હિંદી કે ગુજરાતીમાં અનુવાદ થયો નથી. જો કે તેની ગણના આજે પણ ડૉ. ઇકબાલના અદભૂત મહાકાવ્યમા થાય છે. ડૉ ઇકબાલની માતૃભાષા ઉર્દૂ છે. આમ છતાં ડૉ, ઇકબાલની મોટાભાગની રચનાઓ પર્શિયનમાં છે. તેના જવાબના ડૉ ઇકબાલ કહે છે,
"ઉર્દૂ મીઠાશમાં ઉત્તમ છે, આમ છતાં પર્શિયન હિંદી (ઉર્દૂ) કરતા પણ વધુ મીઠી ભાષા છે"
 
ડૉ. ઇકબાલને "જાવેદનામા" રચવાની પ્રેરણા દાન્તેના મહાકાવ્ય "ડીવાઈન કોમેડી" પરથી મળ્યાનું મનાય છે. દાન્તેની "ડીવાઈન કોમેડી"મા રાહબર કે ગાઈડ તરીકે દાન્તેની પ્રિયતમાનો ઉલ્લેખ જોવા મળે છે. જયારે "જાવેદનામા"મા ડૉ. ઇકબાલે મૌલાના રૂમીને રાહબર તરીકે રજુ કરેલ છે. જે સ્વર્ગમાં જઈ વિશ્વના અનેક મહાનુભાવો જેવા કે ગૌતમ બુદ્ધ, મહાવીર, મહંમદ પયગમ્બર, ઈસુ ખ્રિસ્ત વગેરે સાથે મુલાકાત કરે છે. અને તેમના અધ્યાત્મિક વિચારોને અભિવ્યક્ત કરે છે. અને અટેલે જ તેને "અધ્યાત્મિક કલ્પના કથા" કહેવામાં આવે છે. પર્સિયન ભાષમાં લખાયેલ "જાવેદનામા"નો અંગ્રેજીમાં અનુવાદ આર્થર જે. અર્બેરીએ  કર્યો છે. ઈટાલી, જર્મની, તુર્કી જેવી અનેક ભાષાઓમાં તેના અનુવાદો થયા છે. "જાવેદનામા" ડૉ.ઇકબાલે પોતાના પુત્રને ઉદેશી ને લખેલ છે. જેઓ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ હતા. જીવનની અંતિમ પળોમાં તેમણે તેમના ૧૪ વર્ષના પુત્ર જાવેદને અંતિમ શબ્દો કહ્યા હતા,
" 'જાવેદ કો' વાલા હિસ્સા પઢ લે' " એ "જાવીદનામા" વિષે આજે થોડી વાત કરીએ.
 
લગભગ પાંચથી છ હજાર પંક્તિમાં લખાયેલા આ મહાકાવ્યમા દુષ્કર્મો સામેના માનવીના સંઘર્ષ અને શાંતિ માટેનું સંશોધન વ્યક્ત થયું છે. આ માટે જગતભરના દાર્શનિકો, કવિઓ, ચિંતકો, ધર્મ રાહબરો, પયગમ્બરો વગેરેના સંદેશાઓ અને વિચારોનો સમન્વય સમગ્ર મહાકાવ્યમાં વ્યક્ત થાય છે. આ બધી રજૂઆત એવી સંવેદનશીલ અને મનોરમ્ય પ્રવાસ રૂપે થઇ છે કે વાચકને એ પ્રવાસ  મુક્ત થવાનું મન નથી થતું. જાવેદનામાનો આરંભ પૃથ્વીના મહિમા ગાન સાથે થાય છે. જાવેદનામાનો પ્રવાસી રૂમી સૌ પ્રથમ ચંદ્રલોકમાં  વિશ્વામિત્રને મળે છે. અને તેની પાસેથી પૂર્વની આઝાદીનો સંદેશ મેળવે છે. ત્યાંથી આગળ વધી રૂમી પયગમ્બર લોકમાં આવે છે. ત્યાં ગૌતમ બુદ્ધ, જર્થુસ્ત, ભગવાન ઈસુ, અને હઝરત મહંમદ પયગમ્બરને મળે છે. ગૌતમ બુદ્ધનો વિશ્વ શાંતિનો સંદેશો બૌદ્ધ નર્તકી દ્વારા પ્રાપ્ત થયા છે. જયારે જર્થુસ્તનું દુષ્ટતા અને ભલાઈનું તત્વ જ્ઞાન અહરમન પાસેથી મળે છે. ઈસુ ખ્રિસ્તના વચનોનું રહસ્ય ટોલ્સટોય પાસેથી મેળવે છે. અંતે રૂમી મહંમદ પયગમ્બર પાસે જાય છે. મહંમદ સાહેબનો માનવ સમાનતાનો સંદેશ તેમના સખ્ત વિરોધી અબુ જહેનની ટીકાઓ માંથી પ્રાપ્ત કરે છે.બુધ લોકમાં રૂમી ગાલીબ, અને બીજા ઈરાની કવિઓને મળે છે. ત્યાં જીવન અને મૃત્યુની ચર્ચા ચાલતી હોય છે. અને કવિઓ પોતાના વિચારો વ્યક્ત કરતા હોય છે. તેમાં સૂફી સંત મન્સુર હ્લ્લાજ કહે છે,
"પુનર્જીવન કી આવાઝે મેરે સિને મે આતી હૈ
 મેને લોગો કો ઉનકી કબ્રો કી તરફ બઢતે દેખા હૈ
 યે ખુદ કો ભૂલે રહતે હૈ
 મેરે દોસ્ત, ખુદ સે  ડરો, મેને જો કીયા વો તુમ ભી કરો"
મન્સુરના આ વિચારમાં "અનલ હક્ક" "હું જ ખુદા છું"નો સૂર સંભળાય છે.
આમ મહાનુભાવોને મળતા મળતા રૂમી અવકાશના સાતમાં લોકમા પ્રવેશે છે. એ લોક નર્કની યાતનાઓને વ્યક્ત કરે છે. નર્ક લોકમાં તે ભારતના બે ગદ્દારો બંગાળના જાફર અને દક્ષિણના સાદીકને સબડતા જોવે છે. એ બંને દેશદ્રોહીઓ લોહીના સમુદ્રમાં સતત અથડાતી હોડીઓમાં ભટકતા જોવા મળે છે. પશ્ચિમી સ્ત્રીઓના ટીકાકાર ઇકબાલ અહિયાં પણ તેમના એ વિચારોને વાચા આપવાનું ચૂકયા નથી. રૂમીના મુખમાં શબ્દો મૂકી તેઓ કહે છે,
"વો મિસ બોલી ઈરાદા ખુદ્ખુશી કાં
 જબ કીયા મેને મુહ્જ્જ્બ (સભ્ય)હૈ તું એ આશિક !
 કદમ બાહર ન ઘર હદ સે ન જુરઅત હૈ
 ન્ ખંજર હૈ તો કસ્મે ખુદ્ખુશી કૈસે યે માના
 દર્દે નાકામી ગા તેરા ગુજર હદ સે કહા મૈને કી
 એ જાને જહા બુદ્ધ નકદ દિલવા દો
 કિરાયે પર મંગા લુંગા કોઈ અફઘાન સરહદ સે" 
પશ્ચિમની સ્ત્રીઓના દર્દના અર્થાત દુઃખોના અલ્પ સ્વરૂપો અને એવા નકામા કારણો સર ખુદ્ખુશી અર્થાત આત્મહત્યા કરવાના વિચારોને સાકાર કરતી આ રચનામા પશ્ચિમી સ્ત્રીઓની એ યુગની મનોદશા વ્યક્ત થાય છે.  
ભારતની મુક્તિની ચાહત ઇકબાલના આ કાવ્યમાં પણ વ્યકત થાય છે. અહીં હિંદનો આત્મા વિલાપ કરતો નજરે પડે છે. હિંદની ભવ્યતા, જ્ઞાન અને દિવ્ય પ્રેમને ભારત માતાની મૂર્તિ દ્વારા વ્યક્ત કરવામાં આવેલ છે. તેના હાથ પગની જંજીરો અને વિલાપ કોઈ પણ માનવીના હદયને હચમચાવી  મુકે તેવા વ્યક્ત થયા છે. ત્યાર બાદ રૂમી ભર્તુહરિને મળે છે. અમીર ખુશરો અને ટીપુ સુલતાનને મળે છે. ટીપુ સુલતાન સાથેની ચર્ચામાં કવિને બે પ્રકારના યુધ્ધો હોવાનું જાણવા મળે છે. એક યુદ્ધ વ્યક્તિ પર વિજય મેળવવાનું અને બીજું  ગુલામી પર વિજય મેળવવાનું. પ્રથમ યુદ્ધમાં માત્ર વિજય મળે છે જે અલ્પ જીવી હોય છે. જયારે બીજા યુધ્ધમાં અમરતા મળે છે. ટીપુના આ સંદેશ ઉપરાંત તેનું નીચેનું અવતરણ પણ મહાકાવ્યનું હાર્દ વ્યક્ત કરે છે,
 
"દરેક પળે ગુલામ મૃત્યુના ભયથી મરી રહ્યો હોય છે. એને માટે જિંદગી ભાર રૂપ હોય છે. જયારે આઝાદ માનવીને જીવન ગૌરવ હોય છે અને મુર્ત્યુ નવજીવન હોય છે"
લેખના આરંભમાં ઉલ્લેખ કર્યો હતો તેમ ડૉ. ઇકબાલે પોતાના ૧૪ વર્ષાના પુત્ર જાવેદને અંતિમ શબ્દો કહ્યા હતા,
"" 'જાવેદ કો' વાલા હિસ્સા પઢ લે' " એ શું છે. તે જાણવા સૌ કોઈ વાચક ઉત્સુક બને તે સ્વભાવિક છે. એ જ્ઞાન આપતી થોડી પંક્તિઓ પણ માણવા જેવી છે.
"હર એક મકામ સે આગે મકામ હૈ તેરા
 હયાત (જીવન) જૌકે-સફર (સફર કી રુચિ)કે બીના કુછ ઔર નહિ
 અમલ સે જિંદગી બનતી હૈ જન્નત ભી જહન્નુમ ભી
 યે ખાકી માટી કા પુતળા અપની ફિતરત મે ન નૂરી (દૈવીય) હૈ
 ના નતરી (નારકીય) હૈ"
અર્થાત દરેક મંઝીલની આગળ તારી મંઝીલ છે. જીવવાની ઈચ્છા સિવાય ઝીંદગી કશું જ નથી. આ માટીના પુતળા જેવા તારા દેહમાં કોઈ દેવી તત્વ નથી. તારા આમલ અર્થાત કર્મો જ તારી ઝીન્દગીને જન્નત (સ્વર્ગ) અને જહન્નુમ (નર્ક) બનાવશે.
પોતાના પુત્ર જાવેદને "જાવેદનામા" ની આ છેલ્લી શિખામણ આપી ડૉ. ઇકબાલે આ ફાની દુનિયાને અલવિદા કરી.

Monday, June 2, 2014

પાઠય પુસ્તક સર્જન : એક કલા : ડૉ. મહેબૂબ દેસાઈ

ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના પાઠ્ય પુસ્તકોમાં વડાપ્રધાન મા. નરેન્દ્રભાઈ મોદીની જીવનયાત્રા કે પ્રસંગો આલેખવા ઉત્સાહી થઇ ગયેલા રાજકારણીઓને શાંત પાડવાનું મા. નરેન્દ્રભાઈ મોદીનું પગલું પ્રશંસનીય અને અનુકરણીય છે. એ માટે મા. નરેન્દ્રભાઈ આકાશભરીને અભિનંદનને પાત્ર છે. જીવિત માનવીઓના જીવન પ્રસંગો ન આલેખતા સ્વર્ગસ્થ દેશભક્તો અને મહાનુભાવોના જીવન પ્રસંગો આલેખવાની ટકોર કરી મા. નરેન્દ્રભાઈએ ખુશામત માટે તત્પર રાજકારણીઓને પાઠ ભણાવ્યો છે. જયારે આમ બુદ્ધિજીવીઓ, શિક્ષકો કે અધ્યાપકોની નજરમાં ઊંચું સ્થાન કાયમ કર્યું છે.

થોડા વર્ષો પૂર્વે ગુજરાતના પાઠય પુસ્તક મંડળમાં અલ્પ સમય માટે કાર્ય કરવાની મને તક સાંપડી છે. એ અનુભવ પરથી મે તારવ્યું છે કે રીઢા પાઠ લેખકો અને રૂઢ પાઠ લેખન પદ્ધતિને કારણે આપણા પાઠ્ય પુસ્તકો જ્ઞાન કોશ કરતા માહિતી કોશ બની રહ્યા છે. આવા માહિતી કોષો બાળકો કે નવ યુવાનોના ચારિત્ર ધડતરમાં કોઈ ફાળો આપતા નથી. કારણે કે કોમ્પ્યુટરના આ ઝડપથી બદલાતા જતાં યુગમાં માહિતીનો વિસ્ફોટ થયો છે. વિદ્યાર્થી પાઠ્ય પુસ્તક કરતા વિશેષ માહિતી ઈન્ટરનેટ પરથી મેળવી લે છે. વળી, આવા રીઢા પાઠ લેખકો, સંપાદકો કે પરામર્શકોમા સર્જનાત્મકતા અને આધુનિક વિષય પ્રવાહોની જાણકારીનો અભાવ હોય છે.

થોડા દિવસ પૂર્વે દૂરદર્શને મારા એક ઇન્ટરવ્યુમા મને પાંચમાં ધોરણના સમાજવિદ્યાના પાઠ્ય પુસ્તક વિષે તટસ્થ અભિપ્રાય આપવા જણાવ્યું હતું. ત્યારે ઇતિહાસના એક અધ્યાપક તરીકે તેમને મે જણાવ્યું હતું,

"ઇતિહાસ અને ધાર્મિક સાહિત્યમાં ભેદ કરવાનું પાઠ લેખકો, સંપાદકો અને પરામર્શકો વિસરી ગયા છે. ઇતિહાસ એ આધારભૂત તથ્યો છે. જયારે ધાર્મિક સાહિત્ય એ આપણી શ્રધ્ધા છે. ઈમાન છે. તેમાં કોઈ આધારની જરૂર નથી. આ કોઈ એક ધર્મના સાહિત્યની વાત નથી દરેક ધર્મના સાહિત્ય માટે તે સત્ય છે"

અને એટલે જ આપણા જાણીતા શાયર જલન માતરી આ અંગે કહે છે,

"શ્રધ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર ? 

 કુરઆનમાં તો કયાંય પયંબરની સહી નથી"

ટુંકમાં આપણા પાઠ્ય પુસ્તકો માહિતીના ભંડારો બન્યા છે, પણ ચારિત્ર ઘડતરના સ્રોત નથી બન્યા. અલબત્ત તેને માટે કોઈ રાજકારણીય જવાબદાર નથી. પણ પરાપૂર્વ ચીલા પર કાર્ય કરતા રીઢા પાઠ લેખકો, સંપાદકો અને પરામર્શકો મૂળભૂત રીતે જવાબદાર છે. અને એટલે જ પાઠ્ય પુસ્તકોના સર્જન પૂર્વે ઉપરોક્ત ત્રણે શૈક્ષણિક વ્યક્તિઓ પાસે નીચેની ગુણવત્તા અનિવાર્ય બને છે.

૧. પાઠોને માહિતી કોશ બનાવવા કરતા રસમય બનાવવાની ક્ષમતા તેમનામાં હોવી જરૂરી છે. વિદ્યાર્થીને પાઠ વાંચવાની નહિ પણ તેને માણવાની મજા પડે તે સાચો પાઠ.

૨. વિષય નિષ્ણાત વિષયના અત્યાધુનિક પ્રવાહથી વાકેફ હોવા જોઈ. જેમ કે ઇતિહાસ અને ધાર્મિક સાહિત્ય વચ્ચેની ભેદ રેખાથી તે પરિચિત હોવો જોઈ.

૩. પાઠોના સર્જનમાં સર્જનાત્મક અભિગમ અનિવાર્ય છે. કારણ કે તો જ તે પાઠને રસમય બનાવી શકશે. તેથી સર્જનાત્મક કલા તેનામાં હોવી જરૂરી છે.

૪. પાઠોની લંબાઈ કરતા તેની અસરકારકતા જરૂરી છે. એ માટે મહાપુરુષના સમગ્ર જીવન કરતા તેમના જીવનના એકાદ પ્રસંગ કે કોઈ એકાદ ઐતિહાસિક ઘટનાની પાઠના વિષયવસ્તુ તરીકે પસંદગી કરવાની દ્રષ્ટિ તેનામા હોવી અનિવાર્ય છે.

૫. પસંદ કરેલ પ્રસંગ કે ઘટનાની રજૂઆત માટે યોગ્ય શબ્દો અને સરળ વાક્યોની રચના કરવાની ક્ષમતા તેનામાં હોવી જોઈએ છે.

૬. જીવન પ્રસંગ કે ઐતિહાસિક ઘટનાઓનું અર્થઘટન અને વિષ્લેષણ કરવાની તેનામા  ક્ષમતા અનિવાર્ય છે.

બે એક વર્ષ પૂર્વે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્ટાફ ટ્રેનિગ કોલેજના નિયામક ડૉ. કલાધર આર્યએ કોલેજના અધ્યાપકોના રીફ્રેશર કોર્સમા "શિક્ષણમાં સર્જનાત્મક સાહિત્ય" વિષયક વ્યખ્યાન આપવા મને બોલાવ્યો હતો. ત્યારે પાઠય પુસ્તકના પાઠોનું સર્જન એક કલા છે, એ દર્શાવતા એક "સદભાવના" વિષયક પાઠનો નમુનો મે અધ્યાપકોને આપ્યો હતો. મોટેભાગે આપણા પાઠ્ય પુસ્તકોમાં "સદભાવના"ના વિચારને સાકાર કરવા સદભાવનાનો અર્થ, સદભાવનાના પ્રકારો, સદભાવના કોની વચ્ચે ? વગેરે બાબતો પાઠના કેન્દ્રમાં રાખી વિષય વસ્તુની બાંધણી કરવામાં આવે છે. પણ તેના સ્થાને એક નાનકડી અસરકારક દ્રષ્ટાંત કથા સદભાવનાને ઉમદા રીતે સાકાર કરી શકે છે, એ અંગે આપણે વિચાર કરતા નથી કારણ કે એ માટે સર્જનાત્મક ગુણ પાઠ લેખક, સંપાદક અને પરામર્શકમા હોવા જરૂરી બને છે. એવા એક પાઠનું ઉદહરણ અત્રે આપવાનો પ્રયાસ કરેલ છે.

સદભાવના

 હિંદુ સમાજ હંમેશા "મહાશિવ રાત્રી" ઉજવે છે. આપણા વેદો અને પુરાણોમાં ભગવાન શિવનો મહિમા અનેક રીતે વ્યક્ત થયો છે. ભગવાન શિવ માત્ર ધર્મ અને શ્રધ્ધાનું જ કેન્દ્ર નથી. ભારતીય શાસ્ત્રીય સંગીતનું ઉગમ સ્થાન પણ છે. તેમના ડમરુમાંથી જ નાદ અને સ્વરની ઉત્પતિ થઈ છે. એમ પણ કહેવાય છે કે ભગવાન શંકરે નારદજીને છ મુખ્ય રાગો સાથે મૃત્યુલોકમાં મોકલ્યા હતા. જેમાં ભૈરવી  અને માલવ કૌંસ અગ્ર હતા. માલ અને કૌંસનો અર્થ થાય છે ગળામાં સર્પની માળા ધારણ કરનાર. સમય જતા તેનો ઉચ્ચાર "માલકોશ" થવા લાગ્યો. રાગ માલકોશ વિશે જાણીતા સંગીતકાર મિયાં નૌશાદ અલી(૧૯૧૯-૨૦૦૬) કહે છે,

"માલકોશ ભગવાન શીવ કી કર્ણપ્રિય રચના હૈ"

આ રાગે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં તો અદભૂત પ્રદાન કર્યું જ છે. પણ ફિલ્મો માટે મિયાં નૌશાદે "માલકોશ" પર આધારિત અનેક કર્ણપ્રિય ગીતો સર્જયા છે. જેણે હિન્દી ફિલ્મ સંગીતમાં કોમી એખલાસ અને સદભાવનાના અદભૂત દ્રશ્યો સર્જ્યા છે. જુના ગીતોના શોખીનો રાગ માલકોશ પર આધારિત બે ગીતો આજે પણ મનભરીને માણે છે. એક ફિલ્મ "બૈજુબાવરા"નું "મન તરપદ હરી દરશન કો આજ" અને બીજું "નવરંગ" ફિલ્મનું "આધા હૈ ચંદ્રમાં રાત આધી". પ્રથમ ગીતના સર્જન અને તેમાં ટપકતી કોમી એખલાસની કથા જાણવા જેવી છે. .. ૧૯૫૨મા આપણા ગજરાતી નિર્દેશક શ્રી વિજય ભટ્ટના નિર્દેશનમાં સર્જાયેલી અત્યંત સફળ ફિલ્મ "બૈજુબાવરા"ના કૃષ્ણ ભજન  "મન તરપદ હરી દરશન કો આજ"ના સર્જક છે મહંમદ શકીલ બદાયુની(૧૯૧૬-૧૯૭૦) જેને ફિલ્મી દુનિયામાં શકીલ બદાયુની તરીકે સૌ ઓળખે છે. ઉત્તર પ્રદેશના બદાયું ગામના વતની શકીલ મોહંમદ ઈ.. ૧૯૪૪મા ફિલ્મોમાં કિસ્મત અજમાવવા આવ્યા હતા. અને સૌ પ્રથમ નૌશાદ અલીને તેઓ મળ્યા. નૌશાદ અલીએ તેમને કઈ સંભળાવવા કહ્યું. અને શકીલમાથી શાયરી ફૂટી,

હમ દર્દ કા અફસાના દુનિયા કો સુના દેંગે,

 હર દિલ મેં મહોબ્બત કી આગ લગા દેંગે

શકીલની શાયરીમા રોમાન્સ કરતા ઈબાદત અને ઝીંદગીની સચ્ચાઈ વધુ ઝલકતી હતી. "બૈજુબાવરા"નું ભક્તિ ગીત "મન તરપદ હરી દરશન કો આજ"તેની સાક્ષી છે. એક મુસ્લિમ શાયર "મન તડપત હરી દરશન કો આજ" લખે છે, ત્યારે તેની શુદ્ધ ધર્મ ભાવના તેમાં અભિવ્યક્ત થાય છે. જેમાં કયાંય હિંદુ-મુસ્લિમના ભેદ ભાસતા નથી. એ ગીતમાં હરીને પામવાની તડપ શકીલની દરેક કડીમાં સાકાર થયેલી જોવા મળે છે.

મન તરપત હરી દરશન કો આજ

મોરે તુમ બિન બિગરે સગરે કાજ

, બિનતી કરત હું રખીયો લાજ....મન તરપત

તુમ રે દવારકા મેં હું જોગી

હમરી ઔર નજર કબ હોગી

સુન મોરે બ્યાકુલ મન કા બાજ....મન તરપત

બિન ગુરુ જ્ઞાન કહાં સે પાઉં

દીજો દાન હરી ગુણ ગાઉં

સબ ગુની જન પે તુમ્હારા રાજ....મન તરપત


મુરલી મનોહર આસ ન તોડો

દુઃખ ભંજન મોરે સાથ ન છોડો

મોહે દરશન ભિક્ષા દે દો આજ....મન તરપત                     

આ ગીતના રેકોર્ડીંગની ઘટના પણ જાણવા જેવી છે. જે દિવસે મિયાં નૌશાદ આ ગીતનું રેકોર્ડીંગ કરવાના હતા. તેના આગલા દિવસે દરેક સાજિંદાને તેમણે ખાસ સુચના આપી હતી,

"કલ કૃષણ ભગવાન કી શાન મેં ગાયે જાને વાલે ઇસ ભજન કા રેકોર્ડીંગ હૈ. ઇસ લિયે આપ સબ પાક સાફ હો કર સ્ટુડીઓ પર આયેંગે."

અને એમ જ થયું. સૌ સાજિંદાઓ પવિત્ર થઈને સ્ટુડીઓ પર આવ્યા. સૌએ પોતાના જુતા સ્ટુડીઓ બહાર જ ઉતર્યા. ગીતના ગાયક મહંમદ રફી સાહેબ હતા. તેમણે પણ સ્ટુડીઓમાં દાખલ થતા માથે રૂમાલ બાંધ્યો. અને આમ અંત્યંત પવિત્ર વાતાવરણમાં "મન તરપત હરી દરશન કો આજ" ભજનનું રેકોર્ડીંગ થયું. ભજનના રેકોર્ડીંગ દરમિયાન વાતાવરણ એટલું ભક્તિમય બની ગયું કે સાજિંદાઓને ચુકવણું કરવા હંમેશા આવતા લલ્લુભાઈ રીતસર કૃષ્ણ ભક્તિમાં મગ્ન બની નાચવા લાગ્યા. રેકોર્ડીંગ પૂરું થવા છતાં તે નાચતા જ રહ્યા. એ દ્રશ્યને અભિવ્યક્ત કરતા નૌશાદ મિયાં કહે છે.

" લલ્લુભાઈ ભક્તિમે લીન હોકર રકશ (નાચી) કર રહે થે. ઉનકો કો સંભાલના હમારે લીયે મુશ્કેલ હો ગયા થા.બડી મુશ્કિલ સે હમને ઉન્હેં સંભાલા. યે દેખકર મહંમદ રફી સાહેબ કહેને લગે,નૌશાદ સાહબ, યે આપ કે ગીત  કા કમાલ હૈ"

મેને કહા,

"હુજુર, યે મેરે ગીત કા નહિ રાગ માલકોશ કા કમાલ હૈ. ભગવાન શિવ કી પ્રસાદી સે બના રાગ માલકોશ લોગો કો પાગલ બના દેતા હૈ"

આજે પણ કૃષ્ણના ભક્તિ રસમા તરબતર આ ભજન જયારે પણ વાગે છે, ત્યારે  મિયાં નૌશાદ, મહંમદ શકીલ અને મહંમદ રફી જેવા મુસ્લિમોની સર્વધર્મ સદભાવની ભક્તિ માટે મસ્તક નમી જાય છે.

 
ઉપરોક્ત પાઠ શ્રેષ્ટ અને આદર્શ છે તેમ કહેવાનો કે સિદ્ધ કરવાનો અત્રે ઉદેશ નથી. પણ આપણા પાઠય પુસ્તકના પાઠોના સર્જનમા ઉપરોક્ત સુચનો અને દ્રષ્ટાંતો સાકાર કરવામા આવશે તો અવશ્ય આપણા પાઠ્ય પુસ્તકો શિક્ષણ સાથે સંસ્કારોના સિંચનનું પાયાનું કાર્ય પણ કરશે.