Thursday, May 15, 2014

કુરાને શરીફ વિષે ખ્રિસ્તી વિદ્વાનોના અભિપ્રાય : ડૉ. મહેબૂબ દેસાઈ


.. ૧૯૨૯મા ગુજરાતમા ઇસ્લામિક માહોલની સાક્ષી પૂરતું એક માસિક "સાદીક" રાંદેર થી પ્રસિદ્ધ થતું હતું. જેના એક વર્ષના અંકોનું પુસ્તક - મને ભાવનગરના મારા મિત્ર શાયર જનાબ મન્સુર કુરેશીએ મોકલ્યું છે. કુરાને શરીફની હિદાયાતો અને મુસ્લિમ સમાજની સમસ્યાઓને વાચા આપતા આ માસિકના તંત્રી મહમુદમિયાં મુહમ્મદ શયખ ઈમામ હતા. ઉત્તમ લેખોથી સુશોભિત માસિક વિષે વિગતે વાત એક અલગ લેખથી કરીશ. પણ આજે તો તેના સપ્ટેમ્બર ૧૯૨૯ના અંકમાં પ્રસિદ્ધ થયેલ લેખ "કુરાનની ચમત્કારિક વાણી" લેખક જનાબ મુનશી મુહમ્મદ ઉમરખાન સાહેબ, રાંદેર વિષે થોડી વાત કરવી છે.

આ એ યુગની વાત છે જયારે ભારત ઉપર અંગ્રેજોનું શાશન હતું. ભારતની આઝાદી માટે ગાંધીજી અને અનેક નેતાઓ સક્રિય હતા. એ યુગમાં ઇસ્લામિક સામાયિક ચલાવવું અને તે પણ માત્ર કોમની સહાયથી, એ કપરું કાર્ય હતું. એ યુગમા અંગ્રેજોએ પ્રાદેશિક ભાષાના માસિકો પર અનેક પ્રકારના પ્રતિબંધોની લગામ રાખી હતી. એવા સમયે "સાદીક" જેવા ધાર્મિક સામાયિકમા ઇસ્લામ અંગેના પ્રસિદ્ધ અંગ્રેજોના અભિપ્રયો ટાંકવા એ પણ લોઢાના ચણા ચાવવા જેવી બાબત હતી. કુરાને શરીફ અંગેના અંગ્રેજોના અભિપ્રયો વ્યક્ત કરતો આ લેખ અંગ્રેજોની ઇસ્લામ અને કુરાને શરીફ પ્રત્યેની તટસ્થ વિચારધારાને વ્યક્ત કરે છે. લેખમાં પ્રસિદ્ધ થયેલા વિવિધ વિદ્વાનોના અવતરણો જેમના તેમ અત્રે રજુ કરું છું. વાચકોને તે સમયની ભાષા અને વિચારોની અભિવ્યક્તિ વાંચવાની અવશ્ય મજા પડશે.

વોશિગ્ટન આર્ડીગ પોતાના પુસ્તક "લાઇફ ઓફ મોહમ્મદ"મા લખે છે,

"કુરાનમાં ઘણા ઊંચ લાભદાયક અને શુદ્ધ વિચારો સમાયેલા છે"

પ્રખ્યાત પાદરી ડીન સ્ટેન્લી "ઇસ્ટન ચર્ચ" પૃષ્ઠ ૨૭૯ પર લખે છે,

"ખ્રિસ્તી ધર્મ પર બાઈબલના કાનુને એટલો ઊંડો અસર નાખ્યો છે કે જેટલો અસર કુરાનના કાનુને ઉત્પન કર્યો છે"

જી.સેલ કુરાનના ભાષાંતરના પ્રસ્તાવનામાં લખે છે કે

"તમામ જગતે સ્વિકાર્યું  છે કુરાન કે એક વક્તુત્વમય અને ખામી વગરની ભાષામા લખ્યું છે, અને એ માન્ય છે કે એની ભાષા એરેબીક ભાષાનું ધોરણ છે"

"હરબર્ટ લેક્ચર્સ"મા નીચેના વચનો દ્રષ્ટિગોચર થાય છે,

"ઇસ્લામી કાનુન (કુરાન)મા વખાણવાજોગ સિદ્ધાંતોનો સમાવેશ થયેલ છે, અને વધારે પ્રશંશાપાત્ર બીના એ છે કે આ સિદ્ધાંતો પર અમલ કરવા અને પરિણામ લાવવાના તનતોડ પ્રયાસોમા સફળતા પ્રાપ્ત થઇ છે"

એડમંડ બર્ગ "ઈમ્પ્રીચમેન્ટ ઓફ વોરન હેસ્ટિંગસ"મા કુરાનના નીચે પ્રમાણે વખાણ કરે છે,

"ઇસ્લામી કાનુન (કુરાન) એક રાજાથી લઈને રંક સુધી સર્વેને સરખો લાગુ પડે છે. તે એવો કાનુન છે કે જેમાં એવું બુધ્ધિપૂર્વક ધર્મશાસ્ત્રોનો સમાવેશ થયેલો છે કે જેની જોડ જગત એની પહેલા રજુ કરી શક્યું નથી"

ડૉ. કેનન આઇઝેકે સને ૧૮૭૭મા "ઈંગલીશ ચર્ચ"ના પ્રમુખ તરીકે એક ભાષણ આપ્યું હતું, કે જે "લંડન ટાઈમ્સ"મા પ્રગટ થયું હતું. આ ભાષણનો સાર નીચે પ્રમાણે છે :-

"ઇસ્લામનો પાયો કુરાન પર છે કે જે સુધારાની પતાક ફરકાવે છે. કુરાન શિક્ષણ દે છે કે મનુષ્ય જે વસ્તુ ન જાણતો હોય તેને શીખે, તે બતાવે છે કે સ્વચ્છ પોષક પહેરો સ્વચ્છતાથી રહો, તે સૂચવે છે કે સંતોષ, ધૈર્ય અને સ્વમાન રાખવું એ અમારી ફરજ છે, ખરેખર, ઇસ્લામ ધર્મના લાભ અને ફાયદા નિર્વિવાદ છે"

ફ્રાંસના વિખ્યાત પાદરી ડૉ. લોઝાં કહે છે,

"આધુનિક વિદ્યા-પ્રગતિમાં અથવા તે સવાલોમાં કે જેઓને આપણે આપણા વિદ્યાબળથી સિદ્ધ કર્યા છે, અથવા જેઓની શોધ થઇ રહી છે તેમાં એવી કોઈ બાબત નજરે પડતી નથી કે જે કુરાન વિરુદ્ધ હોય. આપણે ખ્રિસ્તીઓએ ખ્રીસ્તી ધર્મને વિદ્યા વિજ્ઞાન- સાઈન્સની હારમાં મુકવા જેટલી કોશિશ કરી છે, ઇસ્લામમાં એ સર્વ પ્રથમથી જ મોજુદ છે અને સંપૂર્ણ રીતે છે"

ઉત્તર નાયજુરીયાની શાહી પરિવારના ડૉ. "મોડલ" થોડાક સમય પર એક પોતાના વિદ્ધવતા ભરેલા ભાષણ દરમીયાન બોલ્યા હતા કે :-

"ઇસ્લામનું બળ કુરાન પર અવલંબિત છે કે જે પોતાના પ્રકરણમાં પાર્લામેન્ટ, કાનુન, હકો, મહત્તા, એ સર્વેને રાખે છે. તે એક મહા પુસ્તક છે એટલું જ નહી પરંતુ એક મહાન સર્વ સબંધી કાનુન છે. બુદ્ધિશાળી પુરુષો એની શક્તિનો સ્વીકાર ન કરે તો તેઓએ મહાભૂલ કરેલી ગણાશે. એજ પુસ્તકે પોતાના અનુયાયીની વિજય પતાકા આકાશ સુધી ફરકાવી છે, અને આફ્રિકાના બર્બરોમાં સુધારાની એવી આત્મા રેડી, તેમને પોતાના ઊંચ શિક્ષણ અને પવિત્ર સિદ્ધાંતોના  એવા આદિ બનાવી દીધા કે તેઓના પાડોશી ગેર મુસ્લિમ કોમ કોઈ રીતે કે પ્રમાણમા તેમના જેવા રંગમા રંગાયેલી નજરે પડતી નથી"

 
બોસ્વર્થ સ્મિથ પોતાના પુસ્તક "લાઇફ ઓફ મોહંમ્મદ" મા લખે છે,

"ખુદાની કુદરતથી હઝરત મોહંમ્મદ(સલ)મા ત્રણ બાબતો એક સાથે હતી. તેઓ એક કોમ, એક સલ્તનત, અને એક ધર્મના સ્થાપક છે કે જેની જોડ ઐતિહાસિકમા કોઈ ઠેકાણે મળતી નથી. તેઓ એક એવા પુસ્તકના ગ્રંથકાર છે કે જે કાવ્ય પણ છે, કાનુન સંગ્રહ કે સામાન્ય પ્રાર્થના સંગ્રહ પણ છે. આ સર્વ ઉપરાંત તે એક ધાર્મિક ગ્રંથ પણ છે કે જે સત્યતા, બુદ્ધિ અને વક્તૃત્વનું ચમત્કાર હોવાના કારણે તેને પૃથ્વીની વસ્તીનો ૧/૬મો ભાગ હાર્દિક માન આપે છે. મોહંમ્મદ(ફીદાહો રુહી)દાવો કરે છે એ તેમનો ચમત્કાર છે, અને એ સબળ અને અમર ચમત્કાર છે. અને સત્ય બીના પણ એજ છે કે ખરેખર, તે એક ચમત્કાર જ છે"                                                                             

આશા છે આજથી ૮૫ વર્ષ પહેલાના વિશ્વના વિદ્વાનોના કુરાને શરીફ અંગેના અભિપ્રયો જાણવાની આપને અવશ્ય મજા પડી હશે.

No comments:

Post a Comment